મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આપણા લેખકો-કવિઓની ઝૂકી ગયેલી કરોડરજ્જુઓ!

- કરન્ટ કીક મણિપુર વખતે કવિઓ મૌન રહ્યા ને લેખકોએ "આપણો તો એ વિષય નહિ..." કહીને મોઢું સીવી લીધું. કોર

શતરંગ / આપણા લેખકો-કવિઓની ઝૂકી ગયેલી કરોડરજ્જુઓ!

- કરન્ટ કીક

મણિપુર વખતે કવિઓ મૌન રહ્યા ને લેખકોએ "આપણો તો એ વિષય નહિ..." કહીને મોઢું સીવી લીધું. કોરોના વખતે લાશોના ઢગલા થતા હતા ત્યારે પારુલબેન જેવા કવિયત્રીઓએ લખ્યું એમાં બીજા માથા વગરના કવિઓએ જ એમને ટ્રોલ કર્યા. અને મોટાભાગના લેખકો ત્યારે થાળી તાળીઓની રમતમાં વ્યસ્ત હતા. રાજકોટ કે કે વડોદરામાં ભૂલકાઓ અકાળે ગુજરી ગયા (આમ તો હત્યા) ત્યારે મોટાભાગના ગુજરાતી લેખકો કવિઓએ પોચકી શ્રદ્ધાંજલી પાઠવી દીધી. અને લાગ્યું કે હવે પવન ફેરવાયો છે ને જનતાનો આક્રોશ ચરમસીમાએ છે ત્યારે જરાક એમની અંદરનો જીવ જાગ્યો ને "ભ્રષ્ટ અધિકારીઓ" કહીને વાર્તા પુરી કરી. 

પણ ભાજપ અયોધ્યામાં હાર્યું ને કવિ-લેખકોની અંદરનો આત્મા જાગ્યો. અને ટોમેટો કેચઅપમાં કલમ બોળીને એમણે આક્રંદ શરૂ કર્યું. અમૂકે અયોધ્યાવાસીઓ પર આડકતરી રીતે મોદી વિરોધને બદલે દેશવિરોધી હોવાનો આરોપ મુક્યો તો બીજાઓએ "અયોધ્યા" હાર્યું નથી, જીત્યું છે કહેતા, ઉલટા કાન પકડીને લેખો લખ્યા. હકીકતમાં તો આવા લેખકો રાજકારણનો "ર" પણ જાણતા નથી હોતા, બસ લોકોને રાજીપાનું ચૂર્ણ ચટાડવા અને પોતે સરકારનું વ્હાલ લેવા આવું ગોળગોળ કે ગોળમટોળ લખી નાખતા હોય છે. 

વાત એ નથી કે તમને આ સરકાર પસંદ છે કે નથી, દરેકને પોતાની રીતે પક્ષ-વિપક્ષ પસંદ કરવાનો હક છે. અને ખુલ્લેઆમ સરકારની તરફેણ કે વિરોધ કરવાનો હક પણ આ વિરાટ દેશની ભવ્ય લોકશાહીએ આપ્યો છે. પણ અંતે મુદ્દો એ છે કે તમે જનતાની સમસ્યાઓ, એમની વેદના બાબતે પબ્લિકની સંવેદના શબ્દોમાં ઘૂંટીને સરકાર સમક્ષ રજુ કરો છો ખરા? બહુમતી લેખકોના અંતરાત્માનો અવાજ ના જ હશે. 

પાછું એવું ય નથી કે આવા સર્જકોના લખાણ અતિશય વંચાતા હોય ને સીધા વડાપ્રધાનની ઓફિસમાં પહોંચતા હોય. સોશિયલ મીડિયામાં એક્ટિવ ના હોય તો આમાંના મોટાભાગના સર્જકોના અસ્તિત્વ વિશે કોઈ જાણતું પણ નથી હોતું. એમના સર્જનની પહોંચ અને વિસ્તારની તો વાત જ કરવા જેવી નથી હોતી. એનાથી ઉલટું જેમને ખરેખર લોકો વાંચે છે ને સાંભળવા માટે લાઈનો લગાડે છે, જે સાચે જ સરકારની ગુડબુકમાં હોય છે એવા સર્જકો પાછા વખતોવખત પબ્લિક પ્રોબ્લેમ્સનું પ્રતિબિંબ ઝીલીને સરકારો સુધી પહોંચાડતા હોય છે. અલબત્ત, એમનું સ્ટેન્ડ પહોંચી જતું હોય છે યોગ્ય જગ્યાએ. 

મૂળ કારણ એ છે કે, વ્યાકરણ શીખી લેવાથી કે શબ્દોની રમતમાં નિષ્ણાંત થઈ જવાથી કોઈ માણસ "સર્જક" નથી થઈ જતો. કલાકારનું બગાવતી હ્ર્દય અને આક્રોશી દિમાગ જન્મજાત હોય છે. બાકીના બધાને શબ્દોની માયાજાળ રચનાર સ્માર્ટ કરોળિયા જ ગણવા. ચંદ્રકાંત બક્ષી, નગીનદાસ સંઘવી, જય વસાવડાઓ કે નવી પેઢીમાં તુષાર દવેઓની અંદરનો "અવાજ" ઉગતો નથી હોતો, એ જન્મતો હોય છે. મેઘાણી કે નર્મદોએ નાગરિક માટે બોલવાના ટ્યુશન કલાસ નથી લેવા પડતા. એ ગળથૂથીમાંથી મર્દનગીનો કલાસ લઈને આવ્યા હોય છે. (હા, પાછા દર વખતે સરકારની વિરુદ્ધમાં પડનારા વાયડાઓની જમાત અલગ હોય છે!)

અને આ "મૌન"નો કલાસ પરમેનન્ટ હોય છે, દરેક સરકારોમાં દરેક સર્જકોનો. જેમનું કામ એક જ હોય છે, ઓફલાઇન કે ઓનલાઈન ટ્રોલથી બચતા રહેવાનું. મૂળ તો માનસિક બીક હોય છે. ક્યાંક આ વર્ગને સ્પર્શવાની લ્હાયમાં બીજો વર્ગ ટીચી ના જાય. ક્યાંક કોઈ તલાટી કે ફલાણા મોરચાના ઢીંકણા પ્રમુખે અપાવેલું લેકચર કેન્સલ ના થઇ જાય. ક્યાંક મુશાયરાઓમાં ઓઢાડાતી સાલની હૂંફ કોઈક છીનવી ના લે. હજાર રૂપરડીની કોલમ માટે કોઈ ના પાડીને કલાકારીની કારીગરી પર પડદો ના પાડી દે વગેરે વગેરે...

ક્યારેક આવા "મૌની" સર્જકો બીકણ હોય છે તો ક્યારેક ગણતરીબાજ. પણ એમણે સતત યાદ રાખવાનું છે કે જનતા બધું જ જુએ છે. અને જનતાની યાદશક્તિ સરકારો બાબતે ટૂંકી હશે પણ, તાળીબાજો પ્રત્યે તો લાંબી હોય છે. અગાઉની સરકારોમાં લાભો માટે આળોટી ગયેલા આવા જ થાળીબાજ સર્જકોના વંચાયા વગરના અને વેચાયા વગરના પુસ્તકોના આજે ગોડાઉન ભરેલા છે એ પણ યાદ રાખવું. કેમ કે, સરકારો અમર નથી કોઈ, પણ વાચકો ને ભાવકો અમર છે. આટલું નજરમાં રહેશે તો ટૂંકાગાળાના કાલ્પનિક ભય કે લાભો માટે લોટી જવાની ઈચ્છાઓ મરી પરવારશે ને પબ્લિકની આંખોમાં જીવી જવાનો પ્રબળ સંકલ્પ જાગશે.

ખૈર, સર્જકો અને સૈનિકોમાં કલમ અને મશીનગનનો જ ફરક હોય છે. બન્ને ચલાવવામાં જીગરની જરૂર પડે છે. પણ અમુક ગુજરાતી સર્જકોને ટોમેટો કેચઅપમાં બોળેલી કલમથી લખીને ગ્લિસરીનના આંસુઓ સારવાની ટેવ પડી ગઈ છે!

- ડો. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો