શતરંગ / દાંત અને જીભ: આવો તે કંઈ ઝઘડો હોય?
- ચલ કહીં દૂર... ઉનાળાની બપોરે એસીમાં રજાઇ ઓઢીને એકાદ કલાકની ભારે ભોજનના અંતે ન

- ચલ કહીં દૂર...
ઉનાળાની બપોરે એસીમાં રજાઇ ઓઢીને એકાદ કલાકની ભારે ભોજનના અંતે નિયમિત ઉંઘ ખેંચી કાઢવાનું સુખ મળતું હોય. સુખની પળો એટલે મસ્ત ભોજન અને આરામ હોવો. શારીરિક માનસિક અને આર્થિક અનુકૂળતા હોય એટલે સુખ પ્રાપ્ત થયું કહેવાય. સુખના આટલા બધા વિકલ્પો વચ્ચે અચાનક દુઃખદ સંજોગો ઉભા થતાં હોય છે.
પરિવાર સાથે હસતાં હસતાં ડાઇનિંગ ટેબલ પર ભોજન સાથે ભરપૂર વાતો ચાલતી હોય અને ખરા ટાઇમે દાંત અને જીભનો અચાનક ઝગડો થાય ત્યારે દર્દની અનુભૂતિ થતી હોય છે. મજબૂત દાંતોની વચ્ચે કહેવાતી નાજુક જીભનું કચડાવવાનું દર્દ ઉપડે એ વ્યથા ભોજનની બધી મજા બગાડી નાખે.
જીભ કચડાવવાનું દર્દ સહન કરવું બહુ મુશ્કેલ હોય છે. તાત્કાલિક કોઈ ઇલાજ કામ કરતાં નથી. પાણી પીવાથી, ગળ્યું ખાવાથી કે કોઇ રીતે દર્દ સહન થાય જ નહીં. વાતો કરતાં કરતાં માણસ નિધન પામ્યો એના કરતાં એક સ્ટેપ નીચેનું દર્દ એટલે જીભ કચડાવી. અહીં પણ વાતો કરતાં કરતાં માણસ મૌન થઇ જાય. જે રીતે હસતા માણસના ચહેરા પર દર્દ છવાઈ જાય છે એને આજુબાજુમાં બેઠેલાઓને થાય કે આને ભૂતકાળ યાદ આવ્યો હશે અને દર્દમાં ડુબી ગયો હશે. જો કે જીભ કડાવવાના અનુભવ આજકાલ નેતાઓને થાય છે.
દાંત અને જીભના ઝઘડાની સમસ્યામાં સલાહ મળે કે ચાલ્યા કરે, બધું મનમાં લેવું નહીં. જીભ કચડાઈ એટલે સાવ પોતીકું દર્દ કહેવાય. જેને થાય એ જ સમજી શકે. આ દર્દને વ્યક્ત કરવા માટે કવિતાઓ પણ ખાસ અવેલેબલ નથી. જેની જીભડી કચડાઈ હોય એને જ સમજાય, પણ આપણે ત્યાં જ્ઞાનીઓની ખોટ નથી. જેમ જમતી વેળા હેડકી આવે તો લોકો જ્ઞાન આપે કે કોઇક યાદ કરતું હશે. જીભ કચડાઈ એટલે એવું સમજવાનું કે કોકે ગુસ્સો કર્યો હશે... હા, કેટલાક જ્યોતિષ જાણકાર એવું માને છે કે જીભ કચડાવવાનું કાર્ય શુભ ગણાતું નથી.
જાણકારો માને છે કે સભાન અવસ્થામાં જીભ કચડાવી એ ખાસ ગંભીર બિમારી નથી પણ દાંત જોવડાવી લેવા જોઈએ. જો દાંત આડાઅવળા થાય તો આ દુર્ઘટના વારંવાર થતી હોય છે. દાંત ડોઢડાહ્યા ના થયા હોત તો મગજ સાથે જોડાયેલા જડબાની કમાન છટકી જવાના યોગ ઉભા થયા હોય તો બિચારી જીભની પથારી ફરી જાય છે. વોટ્સએપ યુનિવર્સિટીની જેમ મેડિકલ ક્ષેત્રમાં આપણે જ્ઞાન આપવુંનો કોઈ મૂડ નથી. આમ પણ દરેક બિલ્ડીંગમાં વસતા બે ચાર ડેન્ટિસ્ટને બેકાર કરવાની કોઈ યોજના હાલ પૂરતી નથી.
જોખમ એ છે કે જીભડી નિર્દોષ હોવા છતાં વગર લેવાદેવાએ રાત્રિના કાળમાં દાંત જેવા શક્તિશાળી દુશ્મનો થકી કચડાતી રહેતી હોય તો તણાવ ઓછો કરવા પ્રયત્ન કરવા. આમ પણ ઇલેક્શન ટાઇમ પર અકારણ સ્ટ્રેસ વધી જતો હોય છે. આ વિશિષ્ટ સંજોગોમાં દાંત સહિત જડબા ચેક કરાવવા સાઇકાટ્રીટ પાસે જવું. આમ તો ઉંઘમાં થતી બિમારી થોડી જોખમી છે. દુનિયામાં દશેક ટકા બાળકો બ્રુક્સિજ્મ તરીકે ઓળખાતી આ બિમારીથી પીડાય છે. જે અને તે ખાવા ટેવાયેલા દાંતમાં 250 પાઉન્ડ જેટલું જોર હોવાથી જીભને સાચવવી. આમ પણ જીભ શરીરમાં એકમાત્ર હાડકા વગરના આઠેક સ્નાયુઓનું જોઇન્ટ વેન્ચર છે.
જીભ કચડાવવાનું જોખમ પુરુષોને વધારે રહેતું હશે. સામાન્ય માન્યતાઓ વિરુદ્ધ પુરુષોની જીભ સ્ત્રીઓ કરતાં લાંબી હોય છે. જીભમાં બેથી દશેક હજાર સુધીની કોશિકાઓ સ્વાદનો પરિચય આત્મા સાથે કરાવે છે. વિશ્વમાં દર ચોથો માણસ ભોજનના ટેસ્ટને સારી રીતે સમજી શક્તો હોય છે. સ્વાદમાં ઝાઝી સમજ ના પડતી પ્રજાતિ બચેલા ત્રણમાં આવતી હોય છે.
એક એવી પણ માન્યતા છે કે જો તમે ડાબોડી હોવ તો ભોજન ચાવવાની ફેક્ટરી દાંતમાં ડાબી તરફ ચાલતી હોય છે પણ તમે જમણેરી હોવ તો બંને બાજુ લાભ આપી શકો છો. આ તો બિલકુલ રાજકારણ જેવું જ છે. આમ તો દરેક જીભની પણ આગવી બાયોમેટ્રિક પ્રિન્ટ હોય છે એટલે અમુકને બોલે ત્યાં સમસ્યા શરૂ થતી હશે. બોલવા પરથી યાદ આવ્યું કે એકાદ મિનિટમાં જીભની મદદથી નેવું શબ્દો બોલી શકાય એટલી હળવી છે, બાકી વ્હેલ માછલીની જીભ અઢી ટનની હોય છે.
હળવાશનો અનુભવ આજીવન રાખવા વિનંતી કરતી જીભનું કચડાવવાનું જોખમ વયસ્કોને થોડું વધારે હોય છે. આ વયસ્ક નામની પ્રજાતિને વોટ્સએપ આવ્યા પછી તણાવનું પ્રમાણ વધ્યું છે. સોનામાં સુગંધની જેમ ચિંતા અને અવિરત ચિંતન કરવાવાળાઓ તથા વ્યસનીઓને જીભની ગુણવત્તા જાળવવાનું જોખમ વધારે હોય છે. ધ્યાન અને યોગવાળાઓ રોજ કહેતા હોય છે કે મન શાંત રાખો પણ સરેરાશ પ્રતિ છ મિનીટમાં એકવાર મોબાઈલ ખોલવો પડે એ પ્રજાતિને શાંતિનો અનુભવ હોતો નથી. માણસજાતમાં બીજી પ્રજાતિ એટલે જેમના શાનદાર અને સ્ટિરીયોફોનિક એવા પ્રતિભાશાળી નસકોરાં બોલતા હોય. કહેવાનો અર્થ એ છે કે વિશાળ કેમિકલ કારખાનું ચાલતું હોય એવા જોખમી નસકોરાંવાળાઓએ સારવાર કરાવવા સાથે દાંત વચ્ચે મળતા પેકિંગ જે તે ડોક્ટરને પૂછીને પહેરવા જોઈએ.
બાય ધ વે, જિંદગીમાં ઘણા લોકોનો કોઈ વાંકગુનો હોતો નથી, છતાં આવું આખું વાંચતા હોય છે એ તમામ તત્વોને ખબર હશે કે જાણે જીભડી એટલે જંગલમાં સિંહો વચ્ચે ઘેરાયેલું બાળ હરણું હોય એવી કલમઘસુઓએ લખી છે. નસીબદાર તો જિરાફ છે, એની જીભ એટલી લાંબી છે કે કાન પણ સાફ કરી શકે છે. મૂર્ધન્ય માનવો જિરાફ પરથી પ્રેરણા પામી શકે છે. કેટલાક વિદ્વાનો માને છે કે ભાગદોડ કર્યા વિના અત્યંત શાંતિપૂર્વક મગર ગુલાબી જેવા આકર્ષક કલરની જીભડી થકી માછલીઓનો શિકાર કરતાં હોય છે. આ સંદેશો સમાજમાં ફેલાવવાથી મગરોને હલનચલન કરવાની ફરજ પડી શકે તેમ છે. જો કે સૌથી લાંબી જીભડી કાંચિડાની હોવાની માનવામાં આવે છે. આ અંગે મારે કશું કહેવાની જરૂર નથી.
પ્રાણીઓની જીભમાં આપણે પડવું નથી પણ માણસને ય ચટાકા કરવા માટે જીભડીયે કંઈ ઓછી પરાક્રમી નથી. જાતજાતના ચટાકેદાર ભોજન જોઇતા હોય તો કોકવાર થાય તો એમાં રડવાનું શું? મારે આ કંઈ લખવું ન હતું, આ તો કાલે મારા દાંતે મારી પોતાની કહેવાતી જીભડીનું છોતરું કાઢી નાખ્યું, કોને સજા કરું? આજે સવારમાં મિત્રોના આમંત્રણ આપતાં ફોન આવ્યા. અમને બરોડિયન સેવ ઉસળ ખાવાનું મન થયું પણ આ દાંત જીભડીની લડાઇમાં હું અટવાઇ ગયો એટલે એ ડિપ્રેશન તમારા પર કાઢ્યું છે. ભૂલચૂક લેવીદેવી ગણવી.
અંગ્રેજોને 1616 માં જહાંગીરે સુરતમાં વખાર ખોલવાની પરવાનગી આપી હતી.... - દેવલ શાસ્ત્રી







