શતરંગ / મનમોહન દેસાઈની વાત થઈ રહી છે...
- છલકાયે જામ મનમોહન દેસાઈ હિન્દી ફિલ્મજગતમાં એક પ્રભાવશાળી નામ છે. કોઈપણ વ્યક્તિના નામનો ઉપયોગ જ્યારે એક શૈલી ત

- છલકાયે જામ
મનમોહન દેસાઈ હિન્દી ફિલ્મજગતમાં એક પ્રભાવશાળી નામ છે. કોઈપણ વ્યક્તિના નામનો ઉપયોગ જ્યારે એક શૈલી તરીકે કરવામાં આવે ત્યારે સાબિત થાય છે કે એ વ્યક્તિ એ પોતાના ક્ષેત્રમાં કેટલું વ્યાપક પ્રદાન આપ્યું હશે! અમુક ટાઇપની મસાલા ફિલ્મો, મસાલા સ્ટોરીઓ અને અમુક ટાઈપના ફિલ્મોના દ્રશ્યોને આજે પણ ‘મનમોહન શૈલી’ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણને તાર્કિક રીતે ગળે ન ઉતરે એવી મનોરંજક ફિલ્મો બનાવવી અને એ ફિલ્મોને સુપરહિટ બનાવવી એ બાબતમાં મનમોહન દેસાઈની માસ્ટરી હતી!
મનમોહન દેસાઈ સ્પષ્ટપણે કહેતા કે હું હિન્દુસ્તાનના અતિ સામાન્યવર્ગનાં મનોરંજન માટે ફિલ્મો બનાવું છું અને એ ફિલ્મો દ્વારા કમાણી કરું છું.
પાક્કા ગુજરાતી એવા મનમોહન દેસાઈની દિલેરીનો એક કિસ્સો એક્ટર-લેખક કાદરખાને એક ટી.વી મુલાકાતમાં કહ્યો હતો. રોટી ફિલ્મમાં ડાયલોગ અખ્તર ઉલ ઈમાને લખેલા પણ પ્રચુર
માત્રામાં ઉર્દુથી મનમોહન દેસાઈ કંટાળી ગયેલા. એક નાટકમાં મનમોહન દેસાઈની મુલાકાત કાદરખાન સાથે થઈ અને મનમોહન એ કાદરખાનને રોટીના ડાયલોગ સરળ હિન્દીમાં બોલચાલની ભાષામાં ફેરવી દેવાનું કામ આપ્યું, જ્યારે કાદરખાન મનમોહન દેસાઈના ખેતવાડીના ઘરે પોતે સરળ હિન્દીમાં બદલાવેલ ડાયલોગ મનજીને સંભળાવ્યા ત્યારે મનજી એટલા ખુશ થઈ ગયા કે ઘરમાં પડેલી એમની પત્ની જીવનપ્રભાની બે બંગડીઓ કાદરખાન ને સાઇનિંગ એમાઉન્ટ તરીકે શુકનમાં આપી દીધી અને પોતાનો ટેલિવિઝન સેટ પણ કાદરખાનને ભેટ આપ્યો! એ પછી મનજીએ કાદરખાનને એમના કામની કિંમત પૂછી જેના જવાબમાં કાદરખાને કહ્યું કે છેલ્લી ફિલ્મ માટે મને એકવીસ હજાર રૂપિયા મળ્યા છે, તમારે જે આપવું હોય એ! મનમોહન દેસાઈએ રોટી ફિલ્મમાં કાદરખાનને એડિશનલ રાઇટર તરીકે ક્રેડિટ આપી અને એમના કામના બદલામાં એકલાખ અને એકવીસ હજાર રૂપિયા આપ્યા!
મનમોહન દેસાઈની ખાનદાની નો પણ એક પ્રસંગ જાણવા જેવો છે. પરેલના વી.શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં મનજી સાઉન્ડ રેકોર્ડિંગ કરતા હતા રેકોર્ડીંસ્ટ મંગેશ દેસાઈ સાથે ત્યારે
ડોક્યુમેન્ટરી બનાવનાર ધીરુ મિસ્ત્રી ત્યાં જઈ ચઢ્યા, ધીરુ મિસ્ત્રીને જોઈને પરમાર નામના આર્ટિસ્ટએ ધીરુ મિસ્ત્રીના ભાઈ રમેશના ગુજરી જવાનો ખરખરો કર્યો એટલે મનમોહન દેસાઈએ
તરત મંગેશ દેસાઈને કહીને રેકોર્ડીંગ રોકાવી દીધું અને ધીરુ મિસ્ત્રીના ભાઈ રમેશની આત્માની શાંતિ માટે સૌએ બે મિનિટનું મૌન પાળ્યું!
વિશ્વની કોઈપણ ભાષા કે કોઈપણ દેશની ફિલ્મોમાં જવલ્લે જ બને એવી ઘટના મહાન ગુજરાતી ફિલ્મ ડિરેકટર મનમોહન દેસાઈએ સર્જી દીધેલી છે હિન્દી ફિલ્મોમાં.
1977ના એક જ વર્ષમાં મનમોહન દેસાઈએ ડિરેક્ટ કરેલી ચાર ફિલ્મો રજૂ થઈ. ચાચા ભતીજા,અમર અકબર એન્થની,ધરમ વીર અને પરવરીશ, આમાંથી બે ફિલ્મો ધરમ વીર અને
અમર અકબર એન્થની બ્લોકબસ્ટર બની અને પરવરીશ તથા ચાચા ભતીજા સુપરહિટ બની!
મનમોહન દેસાઈના પિતા કિકુભાઈ દેસાઈ પણ ફિલ્મો બનાવતા અને એમણે અમુક સ્ટંટ ફિલ્મો બનાવેલી અને મનમોહન દેસાઈના મોટાભાઈ સુભાષ દેસાઈ પણ ફિલ્મો પ્રોડ્યુસ કરતા.
કિકુભાઈ દેસાઈનો પોતાનો સ્ટુડિયો પણ હતો અને એ સ્ટુડિયો કિકુભાઈ ગુજરી ગયા પછી શષધર મુખરજીને ભાડે આપેલો. આ ફિલ્મી બેકગ્રાઉન્ડમાં મોટા થતા મનમોહન દેસાઈને ફિલ્મોનું આકર્ષણ સ્વભાવીકપણે થયું અને મનજીએ બાબુભાઈ મિસ્ત્રીના આસિસ્ટન્ટ ડિરેકટર તરીકે હિન્દી ફિલ્મજગતમાં એન્ટ્રી કરી!
મનમોહન દેસાઈએ પોતે ફિલ્મ ડિરેક્ટ કરવા માટે એ વખતના સુપરહિટ સ્ટાર રાજકપૂર અને નુતનની ફિલ્મ છલીયા પસંદ કરી પણ મનમોહન દેસાઈની નાની ઉમર જોઈને રાજકપૂર શંકાશીલ હતા, ફિલ્મનું એક ગીત ‘ડમ ડમ ડિગા ડિગા..’ જ્યારે મનજીએ શૂટ કરીને રાજકપૂરને બતાવ્યું ત્યારે રાજકપૂરે એ ગીત જોઈને મનજીને તરત ફિલ્મના ડિરેકટર તરીકે મંજૂરી આપી દીધી! આ મનજીની પહેલી ફિલ્મ ડિરેકટર તરીકે હતી અને આ ફિલ્મના મુર્હત શોટમાં જ મનમોહન દેસાઈ “સ્ટાર્ટ-સાઉન્ડ” બોલતા જ ભૂલી ગયેલા! આવા આ મનમોહન દેસાઈની ફિલ્મ અમર અકબર એન્થની એ લંડનના સીનેમાઘરમાં રજતજયંતિ ઉજવેલી એવું ક્યાંક વાંચેલું છે!
મનમોહન દેસાઈએ લવમેરેજ કરેલા જીવનપ્રભા ગાંધી સાથે અને જીવનપ્રભા ગાંધીમાંથી દેસાઈ બનીને ફિલ્મોમાં પ્રદાન કરવા લાગ્યા હતા, અમર અકબર એન્થની, સચ્ચા જુઠ્ઠા વગેરે
બ્લોકબસ્ટર, સુપરહિટ ફિલ્મોની સ્ટોરી મનમોહન દેસાઈની અર્ધાંગિની જીવનપ્રભાની લખેલી છે!
હિન્દી ફિલ્મજગતમાં મનમોહન દેસાઈ કોઈપણ અભ્યાસુ માટે એક જબરદસ્ત કેસ હિસ્ટ્રી છે.








