શતરંગ / વધતી વયની વાત..
- સ્વાન્ત: સુખાય સંખ્યા કે આંક અને શબ્દો એ બંને આમ તો કોઈ પણ ભાષાની બે ભુજાઓ છે પણ ગુજરાતી ભાષા તો વ્યા

- સ્વાન્ત: સુખાય
સંખ્યા કે આંક અને શબ્દો એ બંને આમ તો કોઈ પણ ભાષાની બે ભુજાઓ છે પણ ગુજરાતી ભાષા તો વ્યાપારી પ્રજાની ભાષા તરીકે જાણીતી હોઈ આંકડા કે સંખ્યાનો ઉપયોગ શબ્દો સાથે એટલી સરસ રીતે પ્રયોજાય છે કે એના નિરીક્ષણની મજા અનન્ય છે. શબ્દો અને સંખ્યાનું સંયોજન મોટે ભાગે આપણી કહેવતોમાં વધુ જોવા મળે છે. આ વિચાર આવતા જ હવે મનના પ્રવાહો સંખ્યા અને શબ્દોના સંયોજનની દિશામાં વહી રહ્યા છે.
આ વ્યાપારી પ્રજા ‘બોલે એ બે ખાય’ અથવા ‘ન બોલવામાં નવ ગુણ’ એમ કહી વાણી અને મૌનને પણ આંકડાઓ સાથે જોડી ડે છે. અણીનો ચૂક્યો સો વર્ષ જીવે એમ કહી આપણી ભાષા તો જીવનની અનિશ્ચિતતાને પણ પડકારે છે. ‘બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી’ એ વાક્ય વાંચીએ ત્યારે એમ થાય કે અતિશયોક્તિ અલંકારને કોઈ ભાષાએ આટલી રમૂજી રીતે નહિ લાડ લડાવ્યા હોય. આર્થિક તંગીને ‘એક સાંધીએ ત્યાં તેર તૂટે’ થી વધારે કોઈ રીતે વ્યક્ત કરી જ ન શકાય એ હકીકત છે. ‘ જવા દો ને, આપણે કેટલા ટકા?’ એમ કહી છૂટી જનાર આ ભાષા ‘એક ને એક બે’ જેવી વાત છે એવું પણ કહી શકે છે. ‘ચાર મળે ચોટલાં .. એમ કહી ને સ્ત્રીઓની વાચાળતા પર કટાક્ષ કરનાર પ્રજા ‘પાંચમાં પૂછાય એવો’ કહી કોઈની સમજાણનું મહિમાગાન પણ કરી શકે. એકાદ બે વધતાં ઓછા હોય તો પણ દાંત માટે વપરાતો ‘બત્રીસી’ શબ્દ તો સૌ સ્વીકારે જ.
અમારા એક સજ્જન મિત્ર એ તો એક વાક્ય પોતાના ઘરમાં મઢાવીને રાખ્યું છે : “ચાલીસ પછી જો ચાલીશ નહીં તો ક્યાંય ચાલીશ નહિ”. આ વાક્ય સાથે જ વિચારોની સોય આયુષ્યના વિવધ તબક્કાઓ માટે વપરાતી સંખ્યાકીય શબ્દો તરફ ફંટાય છે. બાળપણથી સતત જે કહેવત સાંભળી છે એ યાદ આવે છે. ‘બારે બુધ્ધિ, સોળે સાન અને વીસે વાન’. એ પછી તરત જ પચીસની ઉમરે આવતા તરવરાટને આ જ ભાષા ગધ્ધાપચીસી કહીને અપમાનિત પણ કરી શકે છે. વનપ્રસ્થાશ્રમ માટે એકાવનમાં વર્ષથી લાયકાત ગણવામાં આવે છે કારણકે અંહિથી આયશયની ગણતરીમાં ‘વન’ શબ્દ શરૂ થાય છે.એ જ રીતે ‘સાઠે બુધ્ધિ નાઠે’ કહી વૃધ્ધાવસ્થામાં શિથિલ થતી વિચારશીલતાને પણ આ ભાષા ઠપકો આપી શકે છે. આ સાથે એક વિચાર આવે છે કે એકસઠ થી અડસઠ વર્ષો સુધી આઠ વખત આવતા ‘સઠ’ શબ્દને ‘શઠ’ શબ્દ સાથે સાંકળી એવું ન વિચારી શકાય કે આ આઠ વર્ષો દરમિયાન આઠ પ્રકારની શઠતા ત્યાગવી જોઈએ. આ આઠ પ્રકારની શઠતા એટલે શું? આવો યાદી બનાવવાનો પ્રયત્ન કરીએ.
૧. બીજાના નુક્સાનમાં પોતાનો ફાયદો થતો દેખાય ત્યારે એ વ્યક્તિને એવું સમજાવવાનો પ્રયત્ન કરવો કે કોઈ નુકસાન નથી એટલે શઠત્વ
૨. હું જે જાણું છું અથવા સમજુ છું એનાથી વિપરીત બીજાને જણાવું કે સમજાવું એ શઠત્વ.
3.હું જાણતો હોઉં કે સામેની વ્યક્તિ મારા કરતાં ચડિયાતી છે તો પણ એને ઉતરતી કક્ષાએ સાબિત કરવા પ્રયત્ન કરું એ શઠત્વ.
૪. જે વ્યક્તિએ મારા પર વિશ્વાસ મુક્યો હોય એને કોઈ જગ્યાએ નુકસાન થઈ રહ્યું છે એમ જાણવા છતાં ચૂપ રહેવું એ શઠત્વ.
૫. જ્યારે હું જાણતો હોઉં કે મારી આસપાસના લોકો જેને ખરાબ ચીતરી રહ્યા છે એ વ્યક્તિ વાસ્તવમાં ખરાબ નથી ત્યારે ચૂપ રહેવું એ શઠત્વ.
૬. ઉપયોગીતામુલ્ય પ્રમાણે સંબંધોની ઘનિષ્ટતામાં વધઘટ કરવી એ શઠત્વ
૭. સમાજ, સંસ્થા કે રાષ્ટ્રના હિત કરતા પોતાના હિતને પ્રાથમિકતા આપવી એ શઠત્વ.
૮. એકની ખાનગી માહિતીનો ઉપયોગ બીજા પાસેથી લાભ મેળવવા કરવો એ શઠત્વ.
સમાજમાં આપણે સૌ ચતુરાઇ એટલે કે સ્માર્ટનેસના ઓઠા હેઠળ આવા વિવિધ શઠત્વને પોષતા રહીએ છીએ પણ જેમ જેમ આયખું સંકેલવાનો સમય નજીક આવતો જાય તેમ તેમ આવા લક્ષણો કે વૃત્તિઓ કે વૈચારિક તત્વોનો સમજણપૂર્વકનો ત્યાગ ભારમુક્ત અને ભાવયુક્ત વિદાયનું નિમિત્ત બનશે અને સમયના સ્મૃતિકોષમાં પણ વિશેષ સ્થાન પણ અપાવશે એ વાત સો ટકાની!
- પ્રણવ ત્રિવેદી








