મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મહમૂદ ગઝનવીના કૃત્યોની કાળી ચાદર જેવી વાર્તાઓ

- નાની નાની વાતો મુસ્લીમ લેખકોએ મહમૂદને એક ગાઝી ગણાવી ખુબ બિરદાવ્યો છે. પણ કેટલાક માનવીય

શતરંગ / મહમૂદ ગઝનવીના કૃત્યોની કાળી ચાદર જેવી વાર્તાઓ

- નાની નાની વાતો

મુસ્લીમ લેખકોએ મહમૂદને એક ગાઝી ગણાવી ખુબ બિરદાવ્યો છે. પણ કેટલાક માનવીય અભિગમ ધરાવતા મુસ્લિમ લેખકોએ મહમૂદની  ક્રૂરતા, જૂલ્મ અને ધનલેાભની વાતેા પણ લખી છે.

ધનલોભ અને મજહબી કટ્ટરતાને કારણે સતત રાક્ષસી કૃત્યો કરતા રહેલા ગઝનવા પ્રાંતના સુલતાન મહમૂદ ગઝનવીને આપણે ખાસ તો સોમનાથ પર સૌ પ્રથમ આક્રમણ કરનાર આક્રાન્તાના રૂપમાં ઓળખીએ છીએ. ઈ.સ. ૯૭૧માં જન્મેલો મહમૂદ ઈ.સ.૯૯૮માં ગઝનીની ગાદીએ આવ્યો. ૩૨ વર્ષના શાસન કાળ દરમિયાન મહમૂદે નાની મોટી 18 ચડાઈઓ કરી અથવા લડાઈઓ લડી. એમાંથી 16મી ચડાઈ સમય-અંતર-ધન-ક્રુરતા-જુલ્મ-આત્યાચાર વગેરે બાબતે સૌથી લાંબી અને મોટી હતી. ઈ.સ. ૧૦૨૬-૨૭માં કરેલી આ 16મી ચડાઈ સોમનાથ પર હતી. ઈતિહાસકારો લખે છે કે સોમનાથ પરની ચડાઈ દરમિયાન પોતે વર્તાવેલા કાળા કેર અને અમાનુષી અત્યાચારના દૃશ્યો એની આંખ સામે તરવરતા રહેતા, એના હૃદયને યાતનાઓ આપતા રહેતા, એ ભાર સાથે મહમૂદ સોમનાથથી પાછા ફર્યાના માત્ર અઢી વર્ષમાં ગુજરી ગયો.  

લેખકો જેમ શક્તિશાળીને બિરદાવતા હોય છે એમ મુસ્લીમ લેખકોએ મહમૂદને એક ગાઝી ગણાવીને ખુબ બિરદાવ્યો છે. પણ કેટલાક માનવીય અભિગમ ધરાવતા મુસ્લિમ લેખકોએ મહમૂદની ક્રૂરતા, જૂલ્મ અને ધનલોભની વાતો પણ લખી છે. તેમાની કેટલીક વાતો આપણા ઈતિહાસકાર શંભુપ્રસાદ હ. દેસાઈએ પોતાના પુસ્તક ‘સોમનાથ અને પ્રભાસ’માં ટાંકી છે, આપણે એમાંથી ત્રણેક વાતો જોઈએ. 

૧) સુલતાન તેના વજીર સાથે એક સમયે વગડામાંથી પસાર થતાં હતાં, ત્યાં ઝાડ ઉપર બે ઘુવડ સામસામા બેસી બોલતા હતાં. સુલતાને વજીરને પૂછ્યુ કે, “તમે પક્ષીઓની ભાષા જાણો છો?” વજીરે હા કહ્યું, ત્યારે સુલતાને આ પક્ષીઓની વાત જાણવા ઇચ્છા કરી, તો વજીરે કહ્યુ કે, “તે વાત એવી છે કે આપને સાંભળવી યોગ્ય નથી અને મારે કહેવી પણ યોગ્ય નથી.” પણ સુલતાને આગ્રહ કરતા વજીરે કહ્યુ કે, “આ બેઉ ઘુવડ એકબીજાના વેવાઈ છે. દીકરીના બાપને દીકરાનો બાપ કહે છે કે મને માત્ર સો ઉજ્જડ ગામો તું દાયજામાં આપીશ તો તે હું સ્વીકારીશ નહિ. ત્યારે દીકરીનો બાપ કહે છે કે તું મૂંઝાઈશ નહિ, સુલતાન મહમૂદ થોડા વધારે દિવસે રાજગાદી ઉપર રહેશે તો (તેના જૂલ્મને પરિણામે) આખા દેશ ઉજ્જડ થશે અને હું તે દેશનાં તમામ ગામ તારા દીકરાને દાયજામાં આપીશ.”

ર) એક નેક ઓલિયાએ સ્વપ્નમાં સુલતાન મહમૂદને જોયા. તેણે પૂછ્યું, “એ ભાગ્યવંત સુલતાન, જન્નતમાં તમારી શું સ્થિતિ છે?” મહમૂદે ઉત્તર આપ્યો કે, “ચૂપ રહો. તમે મારું દિલ દુખાવો નહિ. સલ્તનતની અહીં શું વિસાત છે? મારી રાજ્યસત્તા તો એક ભૂલભરેલો વિચાર હતો. મુઠ્ઠીભર માટીમાંથી બનેલા ઇન્સાન શું રાજ્યસત્તા ભોગવી શકે? મને મારી અશક્તિ અને દ્વિધાનો ખ્યાલ આવે છે અને હું સુલતાન કહેવડાવતાં પણ શરમાઉ છું. મને જો તમારે કોઈ નામથી બોલવવો હોય તો સુલતાન ન કહો, પણ ‘માર્ગ ભૂલેલો એક ઇન્સાન’ કહો. મારી સલ્તનત વાયુમાં વિલીન થઈ ગઈ. હું તો એક ગુલામ છું. તમે મારા પુત્ર મસુદને મારી દુઆ સાથે કહેજો કે જો તે શાણો હોય તો તેના આ વાલીદના જીવન પરથી દૃષ્ટાંત લે. અરે! હું જાહેર સ્નાનગૃહમાં ચૂલો સળગાવનારા હોત, તે લોકો મને મહમૂદ ચૂલાવાળા કહેતા અને હું આ આફતના વંટોળમાં ફસાત નહિં. પરવરદીગારે મને સલ્તનત ન આપતાં સો કૂવાઓમાં પટક્યો હોત! અરે, મને સુલતાન ન બનાવતાં મોલ લણતો ખેડુત બનાવ્યો હોત તો... પણ હવે છટકવાનો કોઈ રસ્તો નથી. હવે તો મેં સુલતાન રહીને કરેલા દરેક કૃત્યના અંશે અંશનો(ખુદાને) હિસાબ આપવાનો જ રહે છે.”

૩) ખુરાસાનના એક મલિકે સુલતાન મહમૂદને સ્વપ્નમાં જોયો. તેના તમામ અંગો કબરમાં જુદાં પડી ગયેલાં હતાં અને ખાક થઇ ગયેલાં હતાં. માત્ર તેની આંખો જાગતી ફરતી હતી. આ વાતના ભેદ શું છે તેના ખુલાસા કોઈ કરી શકતું નથી. અંતે એક દરવેશે તેના એ અર્થ કર્યો કે, “મહમૂદની આંખો હજી જોઇ રહી છે કે જે મુલ્ક તેના હતા એ આજે બીજા કોઈ પાસે છે.”

*****

મહમૂદની ચડાઈઓએ અનેક નિર્દોષોને અસીમ યાતાના આપી તો આમ મહેમૂદના મૃત્યુ પછી પણ તેનાં પરાક્રમ અને વિજયોની કથા કરતાં તેની કીર્તિથી વધુ તેના પર આમ કાલિમ પાથરતી તેના ધનલાભ અને રક્તપિપાસાની વાર્તાઓ વિશેષ પ્રચલિત થઈ ગઈ. મહમૂદ લેાકમાનસમાં એક જૂલ્મી, કટ્ટર, લેાભી અને ક્રૂર સુલતાન તરીકે સ્થાયી થઇ ગયો.

ઈ.સ.૧૧૩૦માં ઘોરના અમીર અલ્લાઉદ્દીને ગઝની ઉપર આક્રમણ કર્યું. અલ્લાઉદ્દીને ગઝની જીત્યું, લૂંટયું અને મહમૂદના પૌત્ર અને એના વંશની સાથે ગઝનીના નિવાસીઓના ક્રૂર કતલ કરી, તેનાં મકાનો પાડી ખળા કર્યા. માત્ર એક મસ્જીદ અને એક મકબરો કે જે મહમૂદનો હોવાનું આજે કહેવાય છે, એ બચ્યાં અને ગઝની ઉજ્જડ કર્યુ. આજે ગઝની તો માત્ર એક નાનકડું નગર અને તેમાં ફક્ત આ બે ઈમારતના ખંડેરો મહેમૂદ જેવા રક્તપિપાસુ અને લેાભી સુલતાનની યાદી આપતા ઉભા છે. 

કસુંબો:

યુટ્યુબમાં ગઝનીનો ટ્રાવેલ વ્લોગ છે. ગઝનીના એ ટ્રાવેલ વ્લોગ વીડિયો નીચે કોઈએ કમેંટ કરી હતી કે: हम टूट कर भी खड़े होने वाले लोग है... वो लूट कर भी कंगाल ही रहने वाले लोग है... સોમનાથ મંદિર ફરી ફરી શ્રદ્ધા અને ગર્વથી ઊભું થતું રહ્યું.

- કાનજી મકવાણા 

આ સમાચાર શેર કરો