શતરંગ / સસ્પેન્સ સ્ટોરી - થેપલાં
‘તને મેં કીધું જ હતું કે આજે રહેવા દઈએ. યાર બહાર જમવા જઈએ તો કંઈક ટાઈમ લઈને જઈએ તો મજા આવે, ધવલા.’ રિશીએ પાછળ ધવલ સામે

‘તને મેં કીધું જ હતું કે આજે રહેવા દઈએ. યાર બહાર જમવા જઈએ તો કંઈક ટાઈમ લઈને જઈએ તો મજા આવે, ધવલા.’ રિશીએ પાછળ ધવલ સામે જોવાની પરવા કર્યા વિના જ રેલવે પ્લેટફોર્મ પર દોડતા દોડતા ગુસ્સામાં કહ્યું.
‘હજી બે મિનિટની વાર છે. તનેય કેટલી વાર કીધું છે કે આમ દર વખતે પ્લેટફોર્મ પર દોડાવવાનું બંધ કર. યાર નયલા આને કે’ને કે ટ્રેન હજી ઊભી છે, ડબ્બો આવી ગયો છે, ખોટો દોડાવે નહીં. જયારે હોય ત્યારે ફ્રેન્ચ ફ્રાઇઝ જેવો ગરમ જ હોય લ્યા.’ ધવલે માંડ માંડ રિશી સાથે દોડવાની કોશિશમાં હાંફતા હાંફતા પાછળ દોડતા નયનને કહ્યું.
નયન કંઈ બોલે એ પહેલાં જ રિશીએ ટ્રેનના એસ8 ડબ્બાના દરવાજે અચાનક ઊભા રહી જતા કહ્યું, ‘ગરમ એમ? નયલા જો તો બર્ગર કે ફ્રાઇઝમાંથી કંઈ ગરમ રહ્યું છે?’
નયને પોતાના હાથમાં રહેલા ફૂડ પાર્સલમાં નજર કરી ત્યાં રિશીએ કહ્યું, ‘ચેક શું કરે છે તું પણ? આટલી બધી વારમાં ન જ હોય ને ગરમ. હું મારા આયોજન પ્રમાણે જ હતો, ધવલા. તે કહ્યું કે આંટીએ ભલે બનાવ્યું, આપણે બહાર જમવા જઈએ. એમાં…’
‘હવે ટ્રેનમાં ચડીએ? અધૂરું જમવાનું પેક કરાવીને ડબ્બા બહાર ઊભા રહેવા માટે નથી દોડ્યા.’ નયને બંને સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું.
સાંજના સાડા આઠ વાગ્યા હતા. ટ્રેનની વ્હીસલ વાગી એટલે રિશી પોતાની મીડિયમ સાઈઝ ટ્રોલી બેગ દરવાજામાં મૂકીને ચડ્યો કે પાછળ ધવલ પણ પોતાની બેકપેક સરખી કરતો ચડ્યો. અને બંનેની પાછળ હાંફળો ફાંફળો નયન પણ પોતાની બેગ અને પાર્સલ સાથે ડબ્બામાં ચડ્યો. બે કમ્પાર્ટમેન્ટ વટ્યા કે તેમની સીટ આવી ગઈ.
ડબ્બો લગભગ પોણો ભરેલો હતો. પોતાનો સામાન ગોઠવતા ગોઠવતા ત્રણેએ આજુબાજુ નજર કરી. એક ચારેક વર્ષની બાળકી બિસ્કીટ્સ ખાતાં ખાતાં તેના મમ્મી સાથે ફોનમાં કશુંક જોઈને હસી રહી હતી. એક પંચાવનની આસપાસ પહોંચેલા કાકા એકલા એકલા સાઈડ લોઅર સીટ પર બેસીને થેપલાં ખાઈ રહ્યા હતા. એક સાઠેક વર્ષના કાકી આમતેમ જોતાં બેસેલાં હતાં. અને એક યુવાન બારીની લગોલગ બેસીને તલ્લીનતાથી બહાર જોતો તેમને દેખાયો.
પોતાનો સામાન નીચે મુકવાની પૂરતી જગ્યા ન મળતા રિશી બોલી ઊઠ્યો, ‘જો ધવલા, આ તારા બર્ગરના ચક્કરમાં વધુ એક મુશ્કેલી. ટાઈમે પહોંચ્યા હોત તો સામાન રાખવાની સરખી જગ્યા મળી જાત ને. આ તારા ફાસ્ટ ફૂડના મોહમાં આવ્યા વિના ઘરે બનાવેલા રોટલી શાક ખાઈ લીધા હોત તો સારું થાત.’
ત્યાં પેલા થેપલાં ખાઈ રહેલા કાકાએ કહ્યું કે ‘ચિંતા ન કરો, મારે આગલા સ્ટેશને ઊતરી જ જવાનું છે. તમે ત્યાં સુધી ઉપર સામાન મૂકી દો.’
રિશીએ પોતાની ટ્રોલી બેગ ગુસ્સામાં ઉપર રાખીને નયન સામે તાડૂકીને કહ્યું, ‘હવે બેસ અને ખોલ આપણું અધૂરું મીલ, એટલે વાત પતે.’
ધવલે રીશીની ટીખળ કરતા પૂછ્યું, ‘તો તું ખાઈશ અમારી પસંદનું ફાસ્ટ ફૂડ એમ ને?’
‘અમારી? આ નયલાનેય નથી ભાવતું. પૂછી લે.’ રિશીએ નયન સામે સહકારની અપેક્ષા સાથે જોયું.
નયન કશો જવાબ આપ્યા વગર બંને સામે જોઈ રહ્યો. પછી કંઈ બોલવું ન પડે એ માટે પાર્સલમાંથી ફટાફટ પોતાના ભાગનું બર્ગર કાઢીને મોંમાં ઠૂંસી દીધું.
ત્યાં જ સામે બેસેલા કાકા થેપલાનું બટકું ચાવતા બોલ્યા, ‘મનેય નથી ભાવતું હો એ બધું. એક તો મોટાભાગે એમાં નકરો મેંદો હોય. ને પાછું નકામું તેલ. શીંગ તેલ તો આજે કોઈને વાપરવું જ છે ક્યાં! આ જો મારી બૈરીએ કાલના થેપલાં બનાવેલા છે. છે ને હજીય એવા ને એવા? આ તમે જે ખાવ છો એ શરીરને ગણ તો નથી જ કરતું, પણ ઊલટાનું નડે એ ખબર છે? અત્યારે માણસ જેટલો ખૂન ખરાબામાં નથી મરતો એટલો આવું બધું ખાઈને મરે છે બોલો.’
રિશીએ ફ્રેન્ચ ફ્રાઇઝને કેચઅપમાં ડૂબાડીને મોમાં નાખતા કહ્યું, ‘સાવ સાચી વાત અંકલ તમારી. હું આ લોકોને એ જ કહું, પણ ખાવાના શોખીન રહ્યા ને. થેપલાં, ભાખરી કે રોટલામાં તો મજા ક્યાંથી આવે.’
પણ તોય કાકાએ રિશીનો ઊધડો લેતા કહ્યું, ‘તુંય ક્યાં ઓછો છો છોકરા. આ ચડ્યા વગરના બટેટાની પતરી અને સડી ગયેલા ટમેટાનો સોસ તુંય ઝાપટ જ છો ને.’
રિશીએ કંઈ જવાબ આપ્યા વિના ધવલ સામે જોયું. ધવલે તેને શાંત રહેવા ઈશારો કર્યો. ત્રણે જણ જમવામાં લાગી ગયા. કાકાએ પોતાના થેપલાં પૂરા કરીને સીટ પર લંબાવ્યું. રિશી, ધવલ અને નયને પણ જમીને, ફેરિયા પાસેથી ખરીદેલું ઠંડુ પાણી પીને ઉનો કાર્ડ્સ કાઢીને રમવાનું શરૂ કર્યું. પેલી બાળકી તેમની સામે જોતી હતી એટલે નયને તેને સાથે રમવા બોલાવી, પણ બાળકીના મમ્મીએ નકારમાં ઈશારો કર્યો એટલે નયને માંડી વાળ્યું. પણ કાકાએ બાળકીને હસતાં જોઈને પોતાની પાસે બોલાવી તો તેના મમ્મીએ તેને ત્યાં જવા દીધી. કાકાએ થોડીવાર નામ અને ગામના સવાલો પૂછ્યા અને બાળકીને મજા કરાવી.
થોડીક જ વાર થઈ હશે કે ટ્રેન એક સ્ટેશને થોભી. કાકા ઊભા થયા અને સીટ નીચે મૂકેલી બે મોટી બેગ અને ખભે નાખવાનો ગમછો લઈને બાળકીના માથે હાથ મૂકીને દરવાજા તરફ ચાલવા માંડ્યા. ટ્રેન પાછી ઊપડી ગઈ પછી થોડી વારે નયનનું ધ્યાન કાકાની સીટ તરફ ગયું. તે પોતાના કાર્ડ્સ ધવલ અને રિશી જોઈ ન જાય એ રીતે છાતી નજીક સંતાડીને ઊભો થઈને કાકાની સીટ નજીક ગયો.
નયને ફર્શ પર પડેલા એક લાલ ટીપાં સામે જોયું અને તરત જ હસીને બોલ્યો, ‘કાકા એમ રમાડી ગયા હો. પોતે જો તો થેપલાં સાથે મોજથી કેચઅપ ખાતા હતા, તોય આપણને જ્ઞાન આપીને જતા રહ્યા.’
ધવલ અને રિશીનું ધ્યાન તરત જ ત્યાં ગયું. નયને પડખેના કમ્પાર્ટમેન્ટમાં વધુ એક ટીપું જોયું એટલે એ ફરી બોલ્યો, ‘કાકા તો કેચઅપના જબરા શોખીન લાગે છે લ્યા. ખાતા ખાતા ઊતર્યા હતા કે શું!’ નયન એ ટીપાં તરફ કુતૂહલવશ આગળ વધ્યો ત્યાં તેને દરવાજાની દિશામાં વધુ એક એવું જ ટીપું દેખાયું. નયનને હવે અચરજ થયું એટલે તેણે ધવલ અને રિશીને પાસે આવવા ઈશારો કર્યો.
ટીપાંઓની કતાર જોતા જોતા ત્રણે છેક દરવાજા નજીક પહોંચ્યા કે ત્યાં તેમને અચાનક કાકાની બે બેગમાંની એક કાળા રંગની મોટી બેગ પડેલી દેખાઈ. નયન અને ધવલ ગભરાઈને આજુબાજુ કાકાને શોધવા લાગ્યા. પણ રિશીએ સૂઝબૂઝ વાપરીને તેમને રોકતા કહ્યું, ‘આમતેમ શું જુઓ છો? લાગે છે કાકાથી સ્ટેશને બંને બેગ ઊતરી નહીં હોય અને ટ્રેન ચાલવા માંડી હશે. જલ્દી બેગ ખોલ, એમાંથી કંઈ મળે તો કાકાને બેગ પહોંચતી કરી શકાય.’
ધવલે તરત જ નીચે નમીને બેગની ચેન ખોલી કે તે ધ્રુજી ઊઠ્યો. અંદર ત્રણેને પેલા કેચઅપના ટીપાંઓનું સરનામું દેખાયું- લોહીથી ખરડાયેલી એક લાશ! આ જોઈને નયનની છાતીએથી ઉનો કાર્ડ્સ નીચે પડી ગયા. રિવર્સનું કાર્ડ તરત જ આખું લોહીથી ઝબોળાઈ ગયું!








