શતરંગ / શેરબજાર: નરેન્દ્ર મોદી મનમોહનસિંહને આંબી શક્યા નથી
- અર્થ અને તંત્ર શેરબજારમાં આજે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે તેનું કારણ એ

- અર્થ અને તંત્ર
શેરબજારમાં આજે સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે તેનું કારણ એ છે કે લોકસભાની ચૂંટણી અંગે જે એક્ઝિટ પોલ આવ્યા છે તેમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર ફરીથી રચાશે એવી આગાહી કરવામાં આવી છે. સેન્સેક્સમાં આવા મોટા ઉછાળા ભૂતકાળમાં આવ્યા નથી એવું તો નથી જ અને તેવા ઉછાળા માત્ર નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમ્યાન જ કે પછી તેમના સત્તાગ્રહણ સમયે જ આવ્યા છે એવું પણ નથી. અગાઉ એક જ દિવસમાં શેરબજાર બહુ ઊછળ્યું હોય તેવું ૨૦૧૪ પહેલાં અનેક વાર બનેલું જ છે. પણ શેરબજાર ઊછળે એ સરકારની આર્થિક નીતિઓની સફળતા છે એમ માનવાની ભૂલ કરવી જોઈએ નહિ.
મૂળ સવાલ એ છે કે ભારતના શેરબજારના સેન્સેક્સ અને દેશના વિકાસની વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ. મનમોહનસિંહના દસ વર્ષના ગાળા દરમ્યાન ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર ૭.૫ ટકા રહ્યો હતો. જ્યારે નરેન્દ્ર મોદીના દાયકા દરમ્યાન જીડીપીનો વૃદ્ધિ દર ૫.૯ ટકા જ રહ્યો છે અને છતાં સેન્સેક્સ ત્રણ ગણો વધ્યો છે! મતલબ એ છે કે વિકાસનો દર ઊંચો જાય કે નીચો જાય તેને સેન્સેક્સ સાથે બહુ સંબંધ છે જ નહિ. ૧૯૯૧થી ૨૦૦૦ના ગાળા દરમ્યાન ભારતનો વિકાસનો દર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નવી આર્થિક નીતિ છતાં ૫.૫ ટકા જેટલો જ રહ્યો હતો, અને છતાં ૨,૦૦૦થી વધીને ૬,૦૦૦ થઈ ગયો હતો. એટલે વિકાસના દર સાથે મેળ ખાય તે રીતે સેન્સેક્સ આગળ વધતો જ નથી અને તેથી સેન્સેક્સ ભારતના વિકાસનું બેરોમિટર છે એમ કહી શકાય તેમ નથી.
જરા જુદી રીતે પણ શેરબજારને જોવાની જરૂર છે. મોતીલાલ ઓસવાલ ફાયનાન્સિયલ સર્વિસિસ નામની કંપનીએ ફેબ્રુઆરી- ૨૦૨૪માં એમ કહ્યું હતું કે દેશમાં ૧૪.૮ કરોડ ડિમેટ એકાઉન્ટ શેરબજારમાં ખૂલેલાં છે. આ દસ કરોડ પરિવારોનાં ખાતાં છે એમ માનીએ કારણ કે એક જ પરિવારમાં એક કરતાં વધુ સભ્યોએ એ ખાતું ખોલાવ્યું હોય એમ પણ બને. એક પરિવારમાં પાંચ જણા છે એમ માનીએ તો એનો અર્થ એ થયો કે કુલ ૧૪૦ કરોડની વસ્તીમાંથી માત્ર ૫૦ કરોડ લોકો જ શેરબજારમાં ભાગ લે છે. બાકીનાને શેરબજાર સાથે કશી જ લેવાદેવા નથી. તેમાં
સેન્સેક્સ ઊંચો જાય કે નીચો જાય, તેમની જિંદગી કોઈ ફરક પડતો જ નથી.
વળી, જેમનાં ડિમેટ ખાતાં છે તેઓ બધા જ શેરબજારમાં સતત સક્રિય હોય છે એટલે કે શેરબજારમાં શેરની લે-વેચ કરે છે એવું પણ નથી. ઉપરોક્ત કંપની પોતે જ તેના અભ્યાસમાં એમ કહે છે કે જે સક્રિય ખાતાં છે તે તો માત્ર ૪.૦૫ કરોડ જ છે. એટલે કે ૧૪.૮ કરોડ ખાતાંમાંથી ચાર કરોડ પાંચ લાખ ખાતાંમાં જ શેરની લેવડદેવડ સતત થયા કરે છે અને બાકીનાં ખાતાં તો સાવ નિષ્ક્રિય છે. એટલે કે એ ખાતામાં ભાગ્યે જ લે-વેચના સોદા થાય છે. એનો અર્થ એ થાય કે માત્ર ૨૦ કરોડની વસ્તીને જ શેરબજાર સાથે સીધો અને નિયમિત સંબંધ છે, બાકીનાને શેરબજાર સાથે નહાવાનીચોવાનો સંબંધ નથી.
હવે જો સેન્સેક્સમાં વધારો થાય તો ફાયદો માત્ર ૨૦ કરોડ લોકોને જ થાય છે, અથવા વધુમાં વધુ ૫૦ કરોડ લોકોને જ થાય છે અને બાકીનાને તેનાથી કશો જ લાભ થતો નથી. હા, એ વાત સાચી કે, નરેન્દ્ર મોદીના ૨૦૧૪માં સત્તારોહણ પછી ડિમેટ ખાતાંની સંખ્યામાં જોરદાર વધારો થયો. સપ્ટેમ્બર-૨૦૧૫માં ડિમેટ ખાતાંની સંખ્યા ૨.૫૧ કરોડ જ હતી કે આજે ૧૪.૮ કરોડ થઈ ગઈ છે. પરંતુ શેરબજાર એક જુગારખાનું છે, કેસિનો છે. તેમાં પૈસા કમાવાય પણ ખરા ને ગુમાવાય પણ ખરા. એટલે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેમના દ્વારા એવી આર્થિક અને નાણાકીય નીતિઓ અપનાવવામાં આવી કે જેથી વધુ ને વધુ લોકો આ કેસિનો તરફ વળે અને સલામત રોકાણમાંથી બહાર નીકળે એમ પણ કહી શકાય. આ એક સારી બાબત છે કે ખોટી તે તો એક મોટો દાર્શનિક અને સામાજિક સવાલ છે. આમ તો જુગાર રમવો એ ફોજદારી ગુનો છે, પણ શેરબજાર એ સત્તાવાર જુગારખાનું છે.
હવે બીજો સવાલ એ છે કે શેરબજારમાં લોકો પોતાની કેટલી બચતનું રોકાણ કરે છે. જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે તેઓ પણ શું પોતાની બધી બચતનું રોકાણ શેરબજારમાં કરે છે ખરા? ના, એવું તો નથી જ. કોટક મહીન્દ્ર એસેટ મેનેજમેન્ટ કંપનીના નીલેશ શાહ દ્વારા માર્ચ-૨૦૨૩માં એમ જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ-૨૦૨૦થી માર્ચ-૨૦૨૩ સુધીમાં દેશમાં ૮.૬૨ લાખ કરોડ રૂ.ની બચત થઈ હતી અને તેમાંથી માત્ર ૫૧,૦૦૦ કરોડ રૂ.ની બચત જ એટલે કે ફક્ત છ ટકા બચત જ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાઈ હતી. આનો અર્થ તો એ થયો કે લોકોની ૯૪ ટકા બચત સ્થિર આવક જેમાંથી મળે છે તેવી વીમા યોજનાઓ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, નાની બચત યોજનાઓ અને બેંકો કે કંપનીઓની મુદતી થાપણોમાં રોકવામાં આવી હતી. લોકોને જુગારખાનું પસંદ નથી એમ આનાથી સાબિત થાય છે.
જે દેશની માત્ર છ ટકા બચત શેર બજારમાં રોકાતી હોય અને જે દેશના માત્ર ૧૫ ટકા લોકો જ શેરબજારમાં સક્રિય હોય તે દેશનો વિકાસ શેરબજાર ઊંચું જાય કે નીચું જાય તેના પર આધાર રાખે છે એમ સમજીએ તો એ પાગલપન અને મૂર્ખતા છે એમ જ કહેવાય. મનમોહનસિંહના કુલ ૧૫ વર્ષના જમાનામાં શેરબજારમાં સેન્સેક્સમાં ભારે વધારો થયો જ હતો, પણ તેથી દેશના લોકોની ગરીબી અને બેકારી સાવ જ દૂર થઈ ગઈ હતી એમ કહી શકાય તેમ નથી. એમાં ઘટાડો અવશ્ય થયો હતો પણ તેને શેરબજાર સાથે સંબંધ નહોતો, તેને તો મનમોહનસિંહની ગરીબી દૂર કરવા માટેની મનરેગા જેવી અને ખેડૂતોનાં દેવાં માફ કરવા જેવી યોજનાઓ અને નીતિઓ સાથે વધુ સંબંધ હતો. વળી, સેન્સેક્સની દૃષ્ટિએ શું નરેન્દ્ર મોદી બહુ જ સફળ છે એમ કહેવાય ખરું? કેટલીક હકીકતો જોઈએ: જાન્યુઆરી-૧૯૯૧માં સેન્સેક્સ માત્ર ૯૯૯ હતો અને તે જુલાઈ-૧૯૯૧માં ૧,૯૧૬ થયો હતો. એટલે કે માત્ર છ મહિનામાં જ તે બમણો થઈ ગયો હતો. જુન મહિનામાં નરસિંહરાવની સરકાર આવી અને મનમોહનસિંહ નાણાં પ્રધાન બન્યા અને તેમણે જે નવી ઔદ્યોગિક નીતિ અપનાવી તેનું એ પરિણામ હતું. શું નરેન્દ્ર મોદીના શાસનકાળમાં આવું કદી પણ થયું છે ખરું? ના.
જરા વિગતો જોઈએ. તા.૦૨-૦૧-૨૦૦૪ના રોજ સેન્સેક્સ ૬,૦૨૭ હતો. તે સમયે અટલબિહારી વાજપેયીની સરકાર હતી. પરંતુ મનમોહનસિંહની સરકારનું પતન થયું તેના થોડા દિવસો અગાઉ તા.૧૬-૦૫-૨૦૧૪ના રોજ સેન્સેક્સ ૨૫,૦૦૦ થઈ ગયો હતો. આમ, મનમોહનસિંહના દસ વર્ષના શાસનકાળમાં સેન્સેક્સ ચાર ગણા કરતાં વધુ વધ્યો હતો. આજે સેન્સેક્સ ૭૬,૦૦૦ની આસપાસ થયો છે. એનો અર્થ એ થયો કે દસ વર્ષના મોદીના શાસનકાળમાં સેન્સેક્સ લગભગ ત્રણ ગણા કરતાં સહેજ વધુ વધ્યો છે; પણ ચાર ગણો તો નહિ જ. તો નરેન્દ્ર મોદીએ દેશનો વિકાસ વધુ પ્રમાણમાં જીડીપીનો વૃદ્ધિ દર કે સેન્સેક્સ બેમાંથી એકેય બાબતમાં કર્યો છે એમ કેવી રીતે કહેવાય?
- હેમન્તકુમાર શાહ








