શતરંગ / 'કો'ક તો જાગો, કો'ક તો જાગો, જુગ જુનેરી નિંદરા ત્યાગો'
- શબ્દ ઝણકાર “આમથી આવે ક્રોડ કોલાહલ તેમથી વ્હેતાં લોહી છલોછલ તોય ઊ

- શબ્દ ઝણકાર
“આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !”
- વેણીભાઈ પુરોહિત
આપણે જાગવાની વાત તો દૂર રહી, ઉઠીને મદદ કરવા પણ આગળ આવી નથી શકતા. બસ, જોઈએ છીએ તો ફક્ત મનોરંજન અને 30 સેકન્ડ જેટલી ક્લિપ જે વાયરલ કરી, સ્ટોરી રાખી ‘ટ્રેન્ડ’ કરી શકીએ. બાકી તો ક્યાં આપણને લેવા દેવા જ છે. દુનિયા ભડકે બળી હોય, કરો પોસ્ટ. કોક મરી પરવાને આરે છે, નાખો સ્ટેટ્સ. બસ આ બધામાંથી આપણે ઊંચા નથી આવી શકતા. ફક્ત નારા લગાડવાથી, વોટ આપવાથી સમાજની જો આ ને આ વાસ્તવિકતા હશે, તો સમજી લેજો, તમે વિનાશના આરે છો અને પછી વારો તમારો છે.
શું તમે જાણો પણ છો, કે “ALL EYES ON RAFAH” કેમ્પેઇન અને ઇઝરાયલ દ્વારા રફાના શરણાર્થી કેમ્પ પર કરવામાં આવેલ હુમલો? કે એ પાછળની હકીકત? છેલ્લાં થોડાં સમયમાં ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયેલ “ALL EYES ON RAFAH”ને લઈને સ્ટોરીઝ છે શું? કે લોકો ફક્ત એક એ રાખ્યું એટલે ‘હાલો આપણે પણ કેમ નહીં’.
એ પ્રવાહ માં ગયા છે. ભાગ્યેજ 10% લોકોને ખ્યાલ હશે કે ચાલી શું રહ્યું છે. આ સમાચાર આજે આંખે આવીને કાલે ઉડી જવાના છે. લોકો માટે ફક્ત આ સો કોલ્ડ ‘ટ્રેન્ડ’ છે બીજું કશું નહીં. પણ જેનાં પર વિતે એ જ જાણી શકે છે. આપણે ખરેખર અવાજ ઉઠાવી શકવાના છીએ? માનદ જ્યારે રાક્ષસી પ્રવૃત્તિઓ પર આવી જાય છે ત્યારે વિનાશ સર્જે છે. યુદ્ધ કરવામાં અમુક નીતિ નિયમો લાગુ પાડવામાં આવતાં હોય છે જે ભયાવહ રીતે આ મામલે તોડવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય ઇઝરાયલે રફામાં ચાલતું ઓપરેશન અટકાવવાનું કહ્યું. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હોવા છતાં ઇઝરાયલે રફાના કેમ્પ પર ઘાતક હુમલો કર્યા. જેમાં અનેક લોકો તે જ સમયે સંખ્યા કહું તો આશરે 45ની ત્યાં જ જિંદગી હોમાઈ ગઈ, જેમાં નાના ભૂલકાંઓ પણ હતા. દરેક વખતની જેમ સમાજ અને સોશિયલ મીડિયા 2 ભાગમાં વિભાજીત થયું. વિનાશ અને મૃત્યુ જ્યારે આપણા ઘરના બારણે આવીને ઉભા રહે છે ત્યારે કોઈ પણ પ્રકારના ટ્વીટ્સ, સ્ટોરી, કે ઓપિનિયન લાગુ પડતા જ નથી.
તો બીજી બાજુ, ‘રંગીલું’ કહેવાતું રાજકોટના ટી.આર.પી. ગેમ ઝોનમાં આગથી અનેકના મોત થયા. એ રીતે બળ્યા કે, ડી.એન.એ. ટેસ્ટથી ઓળખવા પડેલા. આગ લાગવાનું કારણ એ રીતે બહાર આવ્યું, કે સીડી પર વેલ્ડીંગ કરતી વખતે બ્લાસ્ટ થયો અને આગ છેક ત્રીજા મળે પ્રસરી ગઈ. શું ફક્ત આ જ કારણ? ફક્ત ગેમ ઝોન જ જવાબદાર? કે બીજું કોઈ જ કારણ નથી? ખરેખર? આ મૃત્યુના અગ્નિ તાંડવમાં અનેક આંખો હંમેશા માટે મીંચાઈ ગઈ અને અસંખ્ય આંખોની અગન ઝુરાપો ક્યારે પણ શાંત થવાનો નથી જે હંમેશને માટે બુઝાઈ ગયો. શું એ મૃત બાળકોને બળબળતો તાપ, એ કોફિનમાં સૂવાથી રાહત થઈ હશે? હોસ્પિટલ સામે પરિવારજનોનું આક્રંદ શું આપણે કલ્પના કરી શકીએ એમ છીએ ખરા? શું ફક્ત એફ.આઈ.આર. કે અટકાયત કરીને મૃત લોકોને જીવંત કરી શકાશે? શું તંત્ર ક્યારે પણ ભાનમાં નહીં આવે?
ક્યારેક તક્ષશિલા, ક્યારેક મોરબી, ક્યારેક હરણી, રફા, તો હવે આ ગેમ ઝોન. મેઘાણી હોય કે મન્ટો, આપણાં પાસે બહુ ઓછા સર્જકો છે જે સત્યને સમાજનું પ્રતિબિંબ ઝીલીને પોતાની કલમની તાકાત દ્વારા સમાજને સાચો અરીસો દેખાડી શકે છે. આજે આધુનિક યુગમાં પણ આપણાં પાસે એવાં ઘણાં સર્જકો, કવિઓને લેખકો છે જે ખરેખર સમાજને સાચું પ્રતિબિંબ દેખાડવાની હિંમત અને તાકાત રાખે છે. કલમની ધાર કાઢી, હ્ર્દયને હચમચાવી દે એવું ધારદાર લેખન પીરસે છે:
“ફરી દીવા, ફરી સરઘસ, જમૂરા, “ઓમ શાંતિ” બોલ,
તું જોયા કર બધા ફારસ, જમૂરા, “ઓમ શાંતિ” બોલ.”
- પારુલ ખખ્ખર
“ક્યાં સુધી સહેવી પીડા સળગી જવાની?
જે નિમિત્ત છે એ બધાને પણ દઝાડો.”
- ઉર્વીશ વસાવડા
બસ, જગતમાં ચાલતા આવા કૌભાંડો સામે એક સવાર એવી પણ આવે જયાં શાંતિ, અમન અને મનુષ્યતા ફરીથી જન્મે એવી પ્રાર્થના.
- પાયલ અંતાણી








