શતરંગ / સમાજવાદી ચિંતન અને ભારત
- ઇતિહાસ ગાથા સમાજવાદ અને ભારત – આમ જોવા જઈએ તો આ કથા બહુ રસપ્રદ છે. સામાન્ય રીત

- ઇતિહાસ ગાથા
સમાજવાદ અને ભારત – આમ જોવા જઈએ તો આ કથા બહુ રસપ્રદ છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભારતમાં સમાજવાદી ચિંતન બહુ મોડું આવ્યું. એમ.એન, રોય એ ભારતીય સમાજવાદી ચિંતનના સૌથી પહેલા અને મોટા વિચારક ગણાય છે. પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા પર નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભારતમાં સમાજવાદનું એક સ્વરૂપ અસ્તિત્વ ધરાવતું જ હતું. જો કે એ બધું પણ મનને રાજી રાખવાની વાતો જ કહી શકાય. જે રીતે દુનિયામાં જે કંઈ પણ સારું છે એ બધું પહેલા ભારતમાં હતું એવા આધાર પુરાવાઓ રજૂ કરીને આપણે રાજી રહીએ છીએ એ રીતનું. પરંતુ જેને ખરા અર્થમાં સમાજવાદ કહેવાય, જેને અડધી દુનિયાએ અપનાવ્યો એ તો ભારતમાં ઘણો મોડો આવ્યો.
લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ જેવા ચિંતક નેતાઓ જયારે યુરોપના પ્રવાસે ગયા ત્યારે તેઓ ઘણા સમાજવાદી બૌદ્ધિકોને મળ્યા હતા. આ બંને ચિંતકોએ મૂડીવાદી વિચારસરણીની ઘણી ટીકા કરી હોવા છતાં તેમની ગણના સમાજવાદી તરીકે કરવામાં આવતી નથી. અરવિંદ ઘોષે પણ મજૂરોના હિતમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ચિંતકો એવા હતા જે પોતાને સમાજવાદી તરીકે ઓળખાવતા ન હતા, પરંતુ તેમના વિચારો એ તરફ ઝૂકેલા ખરા! અને આમેય મહાન માણસો હંમેશા જનકલ્યાણ વિષે વિચારતા જ હોય ને! એ બધાને સમાજવાદ સુધી સીમિત કરી દઈએ તો તો આપણે તેમનું અવમૂલ્ય ન કરી બેસીએ!
સમગ્ર વિશ્વમાં અને વિશેષપણે ભારતમાં સમાજવાદી ચિંતનનો ફેલાવો થવા પાછળ રશિયાની બોલ્શેવિક ક્રાંતિએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. એ ક્રાંતિને બિરદાવતા ઘણા લેખો એ સમયના ભારતીય વર્તમાનપત્રોમાં લખાયા. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ‘કેસરી’માં, હોર્નીમેનના ‘બોમ્બે ક્રોનિકલ’માં તથા રામાનંદ ચેટરજી સંપાદિત 'મોડન રિવ્યુ’માં છપાયેલા રશિયન ક્રાંતિ વિશેનો લેખોએ ભારતમાં રશિયન ક્રાંતિના વિચારોના ફેલાવામાં ખુબ પ્રભાવ પાડ્યો. એ પહેલા સમાજવાદી ચિંતન ભારતમાં અમેરિકાના પ્રભાવ તળે હતું. રશિયન ક્રાંતિ પછી ભારતનું સમાજવાદી ચિંતન રશિયાના પ્રભાવ હેઠળ આવ્યું જે હજુ સુધી બરકરાર છે. ગુરુદેવ ટાગોરે પણ રશિયન ક્રાંતિને બિરદાવી હતી.
રશિયન ક્રાંતિના પ્રભાવ તળે આવેલા એ સમયના મહાન નેતાઓમાં પંડિત જવાહરલાલ નેહરુ મોખરે ગણાય. એ સિવાય સુભાષચંદ્ર બોઝ, જયપ્રકાશ નારાયણ જેવા યુવાન બૌદ્ધિકો પણ આ ક્રાંતિથી ખુબ પ્રભાવિત થયા હતા. જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, અશોક મહેતા અને દિનકર મહેતા જેવા યુવા બૌદ્ધિકો કાર્લ માર્ક્સના લખાણોનો વિસ્તૃત અભ્યાસ કરવા લાગ્યા. ભારત જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશ માટે આ વિચારો તેમને અસરકાર લાગ્યા. કારણ કે, રશિયન ક્રાંતિ પછીના રશિયાના આર્થિક આયોજનને અડધી દુનિયા અનુસરવા લાગી હતી. લેનિન અને ત્યારબાદ સ્ટાલિનના નેતૃત્વ હેઠળ રશિયા અભૂતપૂર્વ વિકાસના માર્ગે આગળ વધ્યું હતું. ભારતને જો આઝાદી બાદ એ જ રીતે વિકસિત કરવું હોય તો આ વિચારોને અનુસરવા એ હિતકારી હતુ. કારણ કે, ભારતમાં ગાંધીજીના પ્રચંડ પ્રભાવ હેઠળ એક અલગ ગાંધીવાદી સમાજવાદ તો વિકસી જ રહ્યો હતો.
ઈ.સ.1921 થી 1923 દરમિયાન માનવેન્દ્રનાથ રોયે પોતાના પુસ્તક ‘ઈન્ડિયા ઈન ટ્રાન્ઝિશન’ અને ‘ઈન્ડિયન પ્રોબ્લેમ’માં માર્ક્સવાદી વિચારક તરીકે પોતાના વિચાર રજૂ કર્યા. ત્યારથી તેઓ ભારતના સૌથી મોટા માર્ક્સવાદી વિચારક ગણાયા. વરિષ્ઠ કોંગ્રેસી નેતા ચિત્તરંજનદાસ, જેઓ સમાજવાદી ન હોવા છતાં તેમણે એમ.એન.રોયના આ વિચારોને બિરદાવ્યા હતા.
અહીં સુધી ભારતમાં સમાજવાદી વિચારસરણી માત્ર વ્યક્તિગત વિચારો પુરતી સીમિત હતી. તેને સંસ્થાકીય સ્વરૂપ મળ્યું ઈ.સ. 1918માં અલ્હાબાદમાં સ્થપાયેલી કિસાન સભાથી. ઈ.સ. 1934માં કેન્દ્રીય કિસાન સભા અને 1936માં અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના કરવામાં આવી. ઈ.સ. 1931માં બિહારમાં સમાજવાદી પક્ષની અને ઈ.સ. ૧૯૩૪માં મુંબઈમાં સમાજવાદી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. એટલે એમ કહી શકાય કે, 20મી સદીના ત્રીજા દાયકામાં ભારતમાં વિવિધ સમાજવાદી જૂથો રચાયા.
ભારતીય નેતાઓમાં સમાજવાદી વિચારોથી આકર્ષાયેલા સૌથી મોટા નેતા પંડિત જવાહરલાલ નહેરુ હતા. સમાજવાદી ન હોવા છતાં તેમના પર સમાજવાદનો બહુ ઊંડો પ્રભાવ હતો. ઇસ. ૧૯૨૯માં તેઓ જયારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા ત્યારે કોંગ્રેસના જે ઠરાવો થયા એ મોટાભાગે સમાજવાદી અસરવાળા હતા. આ ઠરાવોમાં ભારતની ગરીબી માટે માત્ર બ્રિટીશ શાસન જ નહીં પરંતુ આર્થિક શોષણને પણ જવાબદાર ગણવામાં આવ્યું હતું.
ઇ.સ.1931માં કરાચી કોંગ્રેસ અધિવેશનમાં મૂળભૂત અધિકારો અને આર્થિક નીતિ અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં રાજયની સંપત્તિ અને રાષ્ટ્રીયકરણની નીતિ પર ભાર મુકવામાં આવ્યો હતો.
સવિનય કાનૂતભંગની ચળવળ દરમિયાન જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, અશોક મહેતા, મીનુ મસાણી, એન. જી. ગોરે, એસ. એમ. જોશી અને એમ. એલ. દાંતવાલા વગેરે સમાજવાદી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને નાસિક જેલમાં રાખવામાં આવ્યા હતા. આ જેલવાસમાં તેમની વચ્ચે જે ચર્ચા વિચારણા થઈ તેના પરિણામરૂપે કોંગ્રેસ સમાજવાદી પક્ષની રચનાનો પાયો નંખાયો. જેનું નામકરણ પછીથી કોંગ્રેસ સોશિયલિસ્ટ એવું થયું. ઑક્ટોબર ૧૯૩૪માં મુંબઈ પરિષદમાં સમાજવાદી નેતાઓએ જાહેરાત કરી કે, તેમની નીતિ પાયાના અને મુખ્ય ઉદ્યોગોનું રાષ્ટ્રીયકરણ કરવાની રહેશ.
આમ, રાજા રામમોહનરાયના ઇંગ્લેન્ડ પ્રવાસથી આરંભાયેલી સમાજવાદી ચિંતનધારા એક રાજકીય પક્ષ સુધી પહોંચી. જેના પ્રવાહો કેવા રહ્યા, એ પક્ષોએ ભારતની આઝાદીની ચળવળમાં કેવો ભાગ ભજવ્યો, આઝાદી બાદ તેમની શું સ્થિતિ હતી તે આપણે હવે પછીના પ્રકરણમાં જાણીશું.
- રક્ષા ત્રાપસિયા








