મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મને કોઈ ગણતું નથી...

- ચાલ જિંદગી મારી સાથે “મેં રસોઈ કરી તમને ભાવી?”, “બોલ ને, મેં કેવ

શતરંગ / મને કોઈ ગણતું નથી...

- ચાલ જિંદગી મારી સાથે

     “મેં રસોઈ કરી તમને ભાવી?”, “બોલ ને, મેં કેવી પેઇન્ટિંગ કરી છે?” “આજે હું કેવી લાગું છું?”, “આ સાડી મને સારી તો લાગે છે ને?. “તમે ક્યારેય મારા વખાણ કર્યા?” “તમે ક્યારેય મારી કદર કરી?”, “મારી આખી જિંદગી વીતી ગઈ પણ મને બે સારા શબ્દો સાંભળવા નથી મળ્યા તમારા મોઢે” આવા અનેક વાક્યો આપણે રોજબરોજના જીવનમાં સાંભળતા હોઈએ છીએ અને ત્યારે આપણને જે વ્યક્તિઓ આવા શબ્દો કહે છે આપણે એના વિષે સરળતાથી એમ કહી દઈએ છીએ કે આ તો બહુ જ અપેક્ષા રાખે છે. દિવસમાં ઘણી વાર આવા શબ્દો, વાક્યો આપણને ક્યાંક ને ક્યાંક સાંભળવા મળી જ જાય છે. તો શું કારણ હશે કે દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે “મને કોઈ ગણતું નથી”. શું કારણ હશે આ વાક્ય પાછળનું? શું બધા સાથે આવું થતું હશે કે બધા ખુબ જ અપેક્ષાઓ રાખતા હશે? કઈ લાગણી કામ કરતી હશે આની પાછળ? કોઈ આપણને ફોન કરે, કોઈ આપણી વાત સાંભળે, કોઈ આપણી પ્રસંશા કરે, કોઈ આપણને સુંદર કહે, કોઈના માટે આપણે મહત્વના હોઈએ, કોઈ આપણા માટે એટલું મહત્વનું હોય કે એના માટે સજવાનું મન થાય, કોઈ એટલું અગત્યનું બની જાય કે એના મોઢે પોતાના માટે બે સારા શબ્દ સાંભળવા માટે આપણે વહેલી સવારે ઉઠવા, રાતોના ઉજાગરા કરવા, દિવસો સુધી કામ કરવા પણ તૈયાર થઇ જઈએ છીએ. કોઈની એક ઝલક જોવા માટે આપણે કિલોમીટરના અંતર કાપી નાખીએ છીએ. શું કારણ હશે કે કોઈ વ્યક્તિનીની શાબાશીનું મુલ્ય આપણા માટે કરોડો રૂપિયા કરતાં પણ વધુ મુલ્યવાન બની જાય છે? ક્યારેક કોઈના આવા વર્તનને આપણે પાગલપનમાં પણ ખપાઈ દઈએ છીએ. પણ ખરેખર શું આ પાગલપન છે કે પોતાની જાતની સ્વીકૃતિ માટેની તરસ? વત્તા ઓછા પ્રમાણમાં આ તરસ, આ ભૂખ બધામાં હોય જ છે. કોઈ આપણને સ્વીકારે, આપણી ગણના કરે, એવું કોને ના ગમે? આજના સમયમાં સારા માણસો હોવાનો એક માપદંડ બની ગયો છે કે જે આપણને કામ લાગે અને આપણી પાસે કંઈ ના માંગે અને જે આપણી બધી અપેક્ષાઓ પૂરી કરે પણ આપણી પાસે કોઈ અપેક્ષા ના રાખે એ સારો માણસ કહેવાય.

     કોઈ તમારી પાસે આવી અપેક્ષા રાખે છે તો તમે એમ માનો કે એણે એના જીવનમાં તમારી સ્વીકૃતિ કરી લીધી છે. આપણે સરળતાથી જે વ્યક્તિને ‘અતિશય અપેક્ષા રાખનાર’ કહી દઈએ છીએ એ આપણી પાસે જ અપેક્ષા કેમ રાખે છે? એ પ્રશ્ન આપણે ક્યારેય આપણી જાત ને પૂછ્યો છે? તો એનો જવાબ એ છે કે વ્યક્તિ એની પાસે જ અપેક્ષા રાખે છે કે જેના અસ્તિત્વનો એણે એના જીવનમાં સ્વીકાર કરી લીધો હોય. હમણાં એક યુગલ વચ્ચે થતી વાતચીતને અનાયાસે જ સાંભળવાની થઇ ત્યારે છોકરો છોકરીને કહે કે “હું હોસ્પિટલમાં હતો ને તું મારા પર ગુસ્સે થઇ ગઈ હતી? મારી સાથે ઊંચા અવાજે વાત કરવા લાગી હતી? ત્યારે છોકરી જવાબ આપે છે કે “તને મારો ગુસ્સો અને ઉંચો અવાજ દેખાયો પણ તને એ અવાજ પાછળ છુપાયેલી ચિંતા ના દેખાઈ?” એ જ તો વાત છે, આપણને બધાને અપેક્ષાઓ તો દેખાય છે પણ એ અપેક્ષાઓ આપણી પાસે જ કેમ રાખવામાં આવે છે એ વાત નથી સમજાતી. કોઈ વ્યક્તિને આપણાથી ફરક પડે છે તો જ એ આપણને પ્રશ્નો પૂછે છે, કોઈને આપણી ચિંતા છે એટલે જ એ સલાહ આપે છે. કોઈ આપણને એટલું મહત્વનું સમજે છે કે આપણા બે સારા શબ્દો કે વખાણ એના માટે કોઈ એવોર્ડથી ઓછા નથી હોતા. આપણી પાસે કોઈ અપેક્ષા રાખે તો આપણને ગમતું નથી અને આપણે બીજા કોઈની પાસે એવી જ અપેક્ષા રાખવા જતા રહીએ છીએ. આપણી પાસે જે છે એ આપણને દેખાતું જ નથી. આપણે એની અવગણતા કરીએ છીએ અને બીજું કોઈ એવી જ અવગણના કરે તો દુઃખી થઈએ છીએ. આપણે બધા જ મૃગજળ પાછળ દોડતા એ હરણ જેવા છીએ કે જે મૃગજળ સુધીની દોડના એના માર્ગમાં આવેલ અનેક ખાબોચિયા અને તળાવને કુદી ગયો છે, જ્યાં સાચું પાણી હોય છે પણ એને ખબર પણ નથી અને એ આભાસી પાણી પાછળ દોડ લગાવ્યા જ કરે છે. માનવમન જ એવું છે કે એને જ્યાં સુધી કશું ના મળે ત્યાં સુધી બધું અમુલ્ય અને મળી જાય પછી એનું મુલ્ય નહી અને જયારે એ જ વ્યક્તિ કે જેના ફોનથી આપણે ઇરીટેટ થતાં હોઈએ છીએ, જેના મેસેજને આપણે વાંચીને પણ અનસીન કરી દેતા હોઈએ છીએ, જેને જવાબ પણ આપવો આપણને જરૂરી નથી લાગતો હોતો, જેની અપેક્ષાઓનો આપણને બોઝ લાગતો હોય છે એ એક દિવસ ચુપ થઇ જાય છે. અને પછી માત્ર હોય છે સન્નાટા. અને સન્નાટા બહુ જ બોલતા હોય છે...એ પછી અંતરના હોય કે પછી દીવાલોના.

     એના કરતાં આપણે અપેક્ષાઓની ઉજાણી કરીએ તો? કોઈ એવું છે જે આપણને એવું સક્ષમ માને છે કે આપણી પાસે અપેક્ષા રાખે છે એનો આનંદ લઈયે તો? આપણા બે શબ્દો જો કોઈના માટે ઉત્સાહવર્ધક ટોનિક જેવા હોય તો બોલવામાં વાંધો શું છે? કેમ કોઈના પ્રયાસોને આપણે બિરદાવીએ નહિ? ફરિયાદો કરવામાં પાછા ન પડનારા આપણે કોઈની સારપ વિષે બોલવામાં આટલા કંજૂસ કેમ બની જતા હોઈશું? કોઈની ભૂલને તો છડે ચોક ચર્ચાનો વિષય બનાવી દેતા હોઈએ છીએ તો કોઈના પ્રયાસોની ચર્ચા કેમ નહી?

     જીવન અમુલ્ય છે અને એનાથી પણ અમુલ્ય છે આપણી કોઈના જીવનમાં સ્વીકૃતિનો અહેસાસ. તો જે આપણને સ્વીકારે છે એને આપણે પણ સ્વીકારીએ. એની અપેક્ષાઓ માટે એને દોષિત ના ગણીએ. કારણ વિના ખુશ રહીએ અને જિંદગીને કહીએ “ચાલ ઝીંદગી મારી સાથે”

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો