શતરંગ / નાના નાના પ્રેમાળ એફર્ટ્સ લગ્નજીવનને લીલુંછમ્મ રાખે છે
- એય, સાંભળે છે? કોઈ તાપણું કર્યું હોય તો એના લાકડાને થોડી થોડી વારે સંકોરતા રહેવા પડે, એમ લગ્

- એય, સાંભળે છે?
કોઈ તાપણું કર્યું હોય તો એના લાકડાને થોડી થોડી વારે સંકોરતા રહેવા પડે, એમ લગ્નમાં પ્રિયજનને અનુભવાય કે પ્રેમને પ્રજ્વલિત છે, એ માટે આવા એફર્ટસ્ કરતાં રહેવા જેવા છે!
બેડરૂમમાં સુતા સુતા વાતો કરતાં પત્ની ઉલટી ફરીને કહે છે: “મારી પીઠ ખંજવાળને !” પતિ back scratcher (પીઠ ખંજવાળવાનું હેન્ડલ) હાથમાં લઈને પીઠ ખંજવાળવા જાય છે. પત્ની બોલે છે: “ઊંહું....આનાથી નહિ...”
પતિ back scratcher એક બાજુ મુકીને પોતાના હાથથી પત્નીની પીઠ ખંજવાળવા લાગે છે. પત્ની ફરી ખભા ઉલાળે છે: “ઉંહુ...આનાથી પણ નહિ...”
“તો...?” પતિ પૂછે છે.
પત્ની સવળી ફરી. પતિની હડપચી પર હાથ ફેરવતા કહ્યું કે “તારી આ ત્રણ દિવસની વધેલી દાઢી છે એનાથી...”.એમ કહીને એણે ફરી પીઠ ધરી દીધી.
*****
સાંજે વરસાદ ચાલુ થયો અને ઘરમાં સૌને મેથીના ભજીયા ખાવાની ઈચ્છા થઇ. સ્ત્રી છત્રી લઈને મેથી-મરચા લેવા નીકળે છે. પતિ પણ એક કામ છે એમ કરીને એની સાથે છત્રીમાં અડધો ભીંજાતો ચાલ્યો. માર્કેટમાં એક યુવાન દંપતી શાકભાજીની લારી લઈને ઉભું છે. બેઉ એમની પાસે જઈને મેથી અને મરચા લે છે. શાકભાજીવાળું દંપતી આપસમાં કોઈ વાતે મસ્તી મજાક કરતુ કરતુ શાક તોલે છે!. પત્ની કમરથી પતિને કમરમાં ઠોંસો મારીને હસે છે. પતિ શાક જોખતાં જોખતાં પત્નીની કમરે ચીંટીયો ભરીને બનાવટી ખીજ સાથે કહે છે, “રાત્રે તારો વારો છે, જો !”
શાક લેતા સ્ત્રી-પુરુષ આ દૃશ્યથી નિતાંત ભીંજાયા...જ્યારે કોઈ પ્રેમમાં હોય ત્યારે એને બીજાને પ્રેમ કરતાં જોવાનો અનહદ આનંદ આવતો હોય છે!
*****
મોડી રાત્રે બેડરૂમની બારીમાંથી ચન્દ્રનો દૂધિયો ઉજાસ રૂમને અજવાળી રહ્યો છે. થોડી ક્ષણો પહેલા તીવ્ર શ્વાસોશ્વાસથી ભરાઈ ગયેલો ઓરડામાં હવે ‘હાશ...’ ભરી છે. દંપતી પોતાની અંગત ક્ષણો અનુભવીને સાથે સુતા છે. પતિ પત્ની પર વધુ વજન ન આવે એમ ખ્યાલ રાખીને એની ઉપર સુતો છે. પતિની પીઠ પર એક હાથ ફેરવતી પત્ની પતિના માથા પર બીજો હાથ ફેરવતા ધીરે રહીને બોલે છે: “જેમ કોઈ મહત્વનાં કાગળો હવામાં ઉડી ન જાય એટલે એના પર પપેર વેઈટ મુકીએ એમ તું મારું પેપર વેઈટ છે.”
પત્નીની છાતી પર માથું ઢાળેલો પુરુષ માથું ઊંચું કરીને પ્રશ્નાર્થ નજરે હસતો પૂછે છે: “એમ? તો તું કઈ હવાથી ઉડે છે?”
પત્ની હળવાશથી કહે કે, “હવાથી નહિ, મારા વિચારોથી...મારા વિચારો અને મારા હાર્મોન્સ જ મને આમથી તેમ ખેંચતા રહે છે. એ બધામાં તું મને એક જગ્યાએ સ્થિર પકડી રાખતું પેપર વેઈટ, વાયડા !”
“હમ્મ...સમજ્યો મારી વાયડી બાયડી...” પુરુષ ફરી પત્ની પર માથું ઢાળી દે છે. !
******
આ દૃશ્યચિત્રો માત્ર કલ્પના નથી. આસપાસ જોયેલા, અનુભવેલા છે. મેરેજલાઈફમાં નાના નાના પ્રેમાળ એફર્ટ બસ આપણી થોડી મિનીટ કે થોડી સેકંડ માંગતા હોય છે ! પણ એ ક્ષણો જીવંત થઇ ઉઠતી હોય છે. કોઈ તાપણું કર્યું હોય તો એના લાકડાને થોડી થોડી વારે સંકોરતા રહેવા પડે, એમ પ્રેમ કરતી વખતે પ્રિયજનને અનુભવાય કે પ્રેમને પ્રજ્વલિત છે, એ માટે આવા એફર્ટસ્ કરતાં રહેવા જેવા છે, તો આઠે પહોર એની હૂંફ આવ્યા જ કરે...
‘હન્ટર’ નામનું એક એવરેજ મુવી હતું, જેમાં એક સ્કુલ બોય એને ગમતી છોકરી માટે પહેલાના જમાનામાં જે ગમતા ગીતોની કેસેટ બનાવડાવતા એવી કેસેટ બનાવડાવી લાવે છે. છોકરી એના ગમતા સોંગની કેસેટ જોઇને ખુશ થઇ જાય છે, એ છોકરી છોકરાને કહે છેકે, “અરે, તે કેટલા સરસ સોંગ શોધી કાઢ્યા...” પેલો છોકરો કહે કે, “શોધ્યા નથી, મારા એક ફ્રેન્ડ પાસે હતા બસ એ જ સીધા કોપી માર્યા છે.” છોકરી થોડી ઝંખવાય જાય છે. વળી કહે છે, “અચ્છા પણ આ ઉપર સોંગના નામ લખ્યા છે એ તારા હેન્ડરાઈટીંગ કેટલા મસ્ત છે.”, છોકરો કહે કે, “મારા નથી, બહેન પાસે લખાવ્યું છે.” હવે છોકરીનું મગજ જાય છે કે, “તો તે શું કર્યું આમાં મારા માટે...” છોકરો એક જ વાક્ય કહે છે કે, “મેં વિચાર્યુંને...”
હરેક પ્રેમ કરનારે ઈશ્વર પાસે આમ પોતાના પ્રિયજન માટે વિચારતા રહેવાની શાશ્વતતા માંગવા જેવી છે, કેમ કે એકબીજા માટે મોટી જ નહીં પણ રોજ રોજ નાની નાની બાબતો ય વિચારતા રહેવાથી પ્રેમ ધબકતો રહેતો હોય છે. દિવસમાં બે-ત્રણ ટાઈમ જમવાની જેમ લગ્નને પોષણ આપવા નાની નાની બાબતો જરૂરી હોય છે.
હોંકારો:
“ઓય...આ મહિને મારી તારીખ કઈ છે?” પત્ની પૂછે છે.
“16...” પતિ જવાબ આપીને કહે છે કે,”તને યાદ છે ? જ્યારે સગાઈ બાદ એકવાર ફોનમાં વાત કરતાં તે પિરિયડમાં છે એમ કહ્યું, ત્યારે મેં પુછ્યું હતું કે કેટલામો દિવસ છે, ત્યારે તે સંકોચાઇને ‘અવાજ નથી આવતો’ એમ કહીને ફોન કાપી નાખ્યો હતો...”
“હા...યાદ છે ! અને હવે જો, મારે જ દર મહિને તને તારીખ પૂછવી પડે છે!”
- કાનજી મકવાણા








