મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગુજરાતી સાહિત્ય જગતમાં અમરત્વ પામેલું “છ અક્ષરનું નામ”

- શબ્દ ઝણકાર ગુજરાતી સાહિત્ય જગતમાં અણમોલ એવું “છ અક્ષરનું નામ” એટલે ર

શતરંગ / ગુજરાતી સાહિત્ય જગતમાં અમરત્વ પામેલું “છ અક્ષરનું નામ”

- શબ્દ ઝણકાર

ગુજરાતી સાહિત્ય જગતમાં અણમોલ એવું “છ અક્ષરનું નામ” એટલે ર.પા. "ર.પા." એટલે આપણા સૌના હૃદયસ્થ, મનગમતા કવિ રમેશ પારેખ. 17 મે,2006માં અસ્ત થયેલા ર.પા.ને આજે યાદ કરવા છે, અર્થાત “રમેશાંજલિ” આપવી છે. બહુ અંગત વાત કરું, તો કવિ રમેશ પારેખ મારા અતિ પ્રિય કવિ રહ્યાં છે. હું માનું છું ત્યાં સુધી કોઈ પણ કલાકાર ખરેખર રીતે ક્યારે પણ અસ્ત નથી થતો, તેઓ હંમેશા પોતાની કળા દ્વારા વાચકોના મનમાં વસેલા હોય છે. આજીવન. ર.પા.ની આગળ ક્યારે પણ “સ્વ” લખવું ગમતું નથી અને લખવું પણ નથી. ર.પા. આજે પણ અમર છે. એમના ગીતો થકી, ગઝલોમાં મ્હોરે છે, કવિતામાં જીવંત છે, બાળગીતોમાં રમે છે, અછાંદસ, સોનેટ, મરસિયા હોય કે મુક્ત પદ્ય, તમામ કવિત્વશક્તિ ઉન્મેષોમાં આજે પણ સદાયને માટે હાજરાહજુર છે.   

ર.પા.ને યાદ કરવા એટલે વરસાદને યાદ કરવો, ઈશ્વર સાથે વાર્તાલાપ કરવો, મીરાં સાથે વાતો કરી ખુદ મીરાં થઇને જીવવું, ગીતોનો જન્મદિવસ ઉજ્જવવો, નખશિખ ગઝલ અને કવિતાનો દરિયો, ગુજરાતી ભાષાનું સૌંદર્ય એટલે “છ અક્ષરનું નામ : રમેશ પારેખ.” ર.પા. એટલે રોમરોમથી છલકાતો માણસ. ઉદાસીનો અભિષેક કરનાર અને ઉલ્લાસનો ખુશનુમા અંતર છાંટનાર એટલે ર.પા. 

કવિ શ્રી સુરેશ દલાલે જે શબ્દો વાપર્યાં છે, મને નથી લાગતું કે તેનાથી વિશેષ અંજલિ હોઈ જ ન શકે : 

“રમેશ, તારી ગઝલ એ રણ પર ઉગેલો ચાંદ છે, રમેશ, તારી કવિતા એ ઝાડ પર ફૂટેલું લીલેરું પાન છે.”

ર.પા. એટલે ગુજરાતી ગીત-કવિતાની પાર થયેલા કવિ. કોઈએ ખૂબ સરસ કહ્યું છે કે, “ગુજરાતીનો શબ્દકોશ એ રમેશનાં ઘરે નોકરી કરે.” ખરેખર કવિનો શબ્દકોશ ઘેઘુર અને ઘટાદાર તો છે જ. એટલા માટે જ ર.પા.ને યાદ કરવા કોઈ ખાસ દિવસ લાગુ પડતા નથી. તેઓ તેમના સર્જન દ્વારા જીવંત છે એ વાસ્તવિકતા છે. 

તેમણે લખેલું છે: 

“હા, અમારા પછી તો અમે નહિ હોઈએ,

ફોક થઇ જશે પાડેલું નામ કોઈએ.”

પણ, ર.પા. નું નામ ક્યારેય ફોક થયું નથી.

ર.પા. મનપાંચમના કવિ છે : 

“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,

કોઈ આવ્યાં છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યાં છે.”

તો, જીવનની વાસ્તવિકતા ચીંધતા કવિ પણ છે: 

“હાથને ચીરો તો ગંગા નીકળે 

છેવટે એ વાત અફવા નીકળે.” 

ર.પા.મીરાંની પ્રીતે નહીં, મીરાં થઈને મીરાં રીતે જીવ્યા છે, મીરાં જેમ જીવ્યા છે. રમેશ પારેખને મીરા-કાવ્યોની પ્રેરણા હરીન્દ્ર દવે પાસેથી મળેલી:

“મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભા છીએ લ્યો, વાંચો 

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગયો કાચો.”

તો, એકલતાનાં ઓવારણાં પણ લઈને જીવ્યા છે: 

“એકલતાનો સાદ બિછાવી સુઈ જતા

લોકો, ટોળું ઓઢીને શહેરની જેમ.” 

ર.પા.એ મા માટે લખ્યું છે: 

“મને તોહ થાય છે કે સ્વીકારી લઈએ હાર,

પણ મારી મા એ ખાધેલી સવાશેર સૂંઠનું શું?”

વરસાદ તેમનો પ્રિય વિષય હંમેશા રહ્યો છે: 

“અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,

મને ભીંજવે તું અને તને વરસાદ ભીંજવે.”

હરિને ભજતાં કહે છે: 

“મારા સપનામાં આવ્યા હરિ.”

ગુજરાતી ગીત-કવિતાની પર થયેલા ર.પા. હાય પણ કેવી રીતે આપે છે જુઓ : 

“બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,

બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.”

તો, પ્રેમ માટે તો તેમની કવિતા પાર વારી જવા જેવું છે: 

“ન હોત પ્રેમ તો શું થાત?

છાલ જાડી હોત, હું હોત વૃક્ષ 

ને હે મિત્ર, તું કુહાડી હોત.”

“દરિયામાં હોય એને મોતી કહેવાય છે 

તો, આંખોમાં હોય તેને શું?

લે, બોલ હવે તું.”

અને છેલ્લે મારા સંગીતની શરૂઆત એટલે કે, મારા પ્રથમ સ્ટેજ પ્રસ્તુતિ માટે મેં ર.પા.ને પસંદ કર્યા અને ત્યારથી લઈને આજ સુધી એ ગીત મારા જીવનનો એક ભાગ બની ગયો છે જે ખરેખર અવિસ્મરણીય છે અને હા, ગુજરાતી સુગમ સંગીતમાં પણ મોખરે હંમેશા રહેવાનું છે: 

“સાંવરિયો રે મારો, સાંવરિયો 

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો.”

ર.પા. સદાયને માટે એમનાં ગીતો, કવિતા, ગઝલો થકી જીવંત છે અને રહેશે જ.

પ્રિય કવિ ર.પા.ને મારા શબ્દે હું આ લેખ તેમને “રમેશપૂર્વક” અર્પણ કરું છું.

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો