શતરંગ / નાનકડી વાર્તા: પાણી... પાણી...
- સહજને કિનારે સિતારના સૂર રેલાઈ રહ્યા હતા. રાત જામેલી હતી. ધીમી ધીમી પગની ઠેક, ઝાંઝરનો રણકાર અને હળવા કંઠે ગવાતું સંગીત.&nb

- સહજને કિનારે
સિતારના સૂર રેલાઈ રહ્યા હતા. રાત જામેલી હતી. ધીમી ધીમી પગની ઠેક, ઝાંઝરનો રણકાર અને હળવા કંઠે ગવાતું સંગીત. ઘુઘવતા શહેરના દૂર કિનારે એક ફાર્મહાઉસ, રોજ રાત થાય અને રંગમહેલમાં પરિણમી જતું. એક રાજા આવતો અને રાણી – ક્યારેક ત્યાં હોય ક્યારેક રાજાની સાથે આવે. ફાર્મહાઉસ દૂર દૂરથી અંધારાથી ઘેરાયેલું હોય, બસ ત્રીજા માળના એક ઓરડાની કાચની બારીમાંથી ક્યારેક પડદા હલતા અને અજવાસ ચમકી જતો.
એ રાજારાણી બહુ મોડી રાત સુધી કેલિવિહાર કરતા એવું લોકો કહેતા. સવાર પડતા એ રાજા બાઈક લઈને નીકળી જતો. રાણી પાછળથી મોડેથી નીકળતી ફોરવ્હિલ લઈને. થલતેજ ટેકરા પાસે રાણીની કાર ઊભી રહેતી અને રાજા સજીધજીને ચાલ્યો આવતો હોય, એ રાણી કારમાં બેઠી બેઠી જ જોતી હોય સાઈડ મીરરમાં.
રાણી રથ ચલાવે અને રાજા બેઠો હોય. એરપોર્ટ પહોંચે એ યાત્રા અને રાણી ઉતરે રથમાંથી, પોતાની મસમોટી બેગ લઈને, ગાડી પાર્ક થાય અને રાજા રાણીને પ્લેનમાં વળાવે, કોર્ડન પર સ્નેહમિલન થાય. આસપાસનું જગત તો એ બન્ને માટે જાણે તરતી આકાશગંગા અને એ સમંદરમાં ડૂબતા હિલસ્ટેશન જેવા એકલા અટૂલા હોય એમ છડે ચોક ગાલ ગાલને મળતા અને વિદાય થતી. રાણી ક્યારેક અમેરિકા, ક્યારેક યુરોપ, ક્યારેક મલેશિયા, ક્યારેક ઓસ્ટ્રેલિયા..., ક્યારેક સ્વર્ગમાં ક્યારેક પાતાળલોકમાં ગગનચુંબી મહાલયોમાં રાણીના નૃત્ય-શૉ રચાય. રાણીને પાંખો ફૂટે – પરી બનીને ઊડે એક દેશથી બીજા દેશ. તરતા આકાશમાં રચાય દેશ – વિદેશમાંથી પણ ફોનકોલ્સ રાજા સાથે... વિડિયો ચેટ પણ.
પણ રાજા..., રાજાને ય જાણે ગાડી મળે... રાણીની કાર લઈને વિદ્યાપીઠથી ભદ્રના કિલ્લે અને ભદ્રના કિલ્લેથી સાણંદ ચોકડી... આમથી તેમ ભાયુંદોસ્તારું સાથે ધોડાધોડ, રાતરાતના રોણાંમાં રાજા કારમાં બેસાડીને વણજારી ચોક લઈ જાય મિત્રોને અને ત્યાં ઊડે ચોકલેટી સેન્ડવિચની લ્હાણીઓ...
રાતના ત્રણવાગે..., રાણીનો અચાનક કોલ... રાજા ગોદડાને ફંગોળતો દોડે કાર લઈને એરપોર્ટ પર રાણી દોડીને વળગી પડે રાજાને..., ફરી એ ફાર્મહાઉસ બની જાય રંગમહેલ..., રાજારાણી રૂમમાં આછ્છો નાઈટ્ લેમ્પનો પ્રકાશ અને રાણી રાજાને ભેટીને સૂઈ પડે અને બોલેઃ
રાજા, હું વિદેશ જાઉં અને મને ત્યાં રોજ રાતે ડરામણાં સપના આવે...
પ્રત્યુત્તરમાં રાજાના હાથ રાણીના સ્ટ્રેટ કરાવેલા વાળમાં લસપટ્ટી ખાતા હોય...
રાણી ઉવાચ આગળ વધે..
કાળા કાળા વાદળાં અને કાળા ભમ્મર કૂવાં, એની વચ્ચે રસ્તો કરી હું તો કૂદું મોટાં ભૂવાં. દૂર સમંદર ઘૂઘવે એના પાણી પણ ભૂરા, કાળી બળતરા અંગેઅંગમાં કોઈ જાણે કરે ચૂરા.
રાત વીતે છે, હું છું અહીં તારી સાથે..., સાત સાત ભવથી બાવો થઈને તારી પાછળ ફરું છું અને તું હવે કોઈ વિચાર છોડી દે. હવે છોડી દે વિદેશ જવાનું, અઠવાડિયું થયું નથી ને તને ફૂટે છે દેશવિદેશ કૂદવાની પાંખોં. હું તારો ભૂવો, મટાડું ચાર ભવના મારણ... હમણાં આવશે ગાંધર્વો અને ગાન કરશે મારી રાણી માટે લીલી જાજમ સૂરજ પાથરશે અને ચંદ્ર લળાવશે વાયરા.... હાઆઆઆઆ.... હાઆઆઆ... હાઆઆઆત્ .... નિંદરડી આવે મારી રાણીને ને ન કરવારવે રાત...
રાણી સૂઈ જાય. નવનવ મહેલો ઉતર્યાનો રાણીનો થાક રાજાની છાતીએ ઉતરી જાય. રાજા જાગતો રહે મહેલની છત્ત જોતો. ગાડાવટના રસ્તા, એસ.ટી. બસના ધક્કા, વરસાદ આવે તો ગારો ગારો આખું બદન લીંપાતું એ બધું તો જાણે રાજાને ઓલા ભવનું ગાણું લાગે!
એક રાતે આવે એવો જ એક કોલ ગાડાવટના રસ્તેથી,
દિકરા ગામમાં ઘેરો દુકાળ છે. રૈયત રાનરાન ને પાનપાન થઈ ગઈ છે. ટ્રેક્ટર વેંચ્યું એટલે શેરથી લઈ આવ્યા છીએ થોડી ઘરવખરી. હાલે છે અમારું. પણ દિકરા, પાણીના પોકાર વચ્ચે એકવાર તને મળવાની ય તલપ છે.
પૈસા તો મળે છે બરોબર?
એ તો થાય છે ખાતામાં જમા ને એટલે જ બીજા કરતા આપણું ઘર વધારે ટક્યું છે. એક ટેન્કરના છે પાંચ પાંચ હજાર રૂપિયા.
જોઉં છું....
રાણી લઈને આવે છે લેમન ટી. રાજાને ઘૂંટડો ઉતરતો નથી ગળે.
કેમ રાજાની રૈયત તો સૌ સલામતને?
ભોગ લેશે ભોગ...
રાજા ફાટી આંખોથી ડરી ગયેલી રાણી લેમન ટીનો કપ મૂકી વળગી પડે છે રાજાને, રાણીની આંગળીઓ ખોવાય જાય છે. રાજાની સૂંવાળી દાઢીમાં.
અને રાણીનો એક ચિત્કાર... તું મને છોડીને તો નહીં જાને !!!
યાદ છેને તને મને તારા હાથમાં પપ્પા સોંપીને ગયા છે. તું ક્યાંય નહીં જાય. મને કેમ લઈ નથી જતો ત્યાંના મમ્મી- પપ્પા પાસે. મારે તો મમ્મી પહેલા ગઈ પછી ડેડી... તું તો જાણે છે , એકની એક હું વલોવાણી કોઈ અરણ્યમાં અને સ્વર્ગમાં કોઈ વિખુટા પડેલા ગાંધર્વ જેવો મળ્યો તું મને. પપ્પાની લાડકી એટલે ના ન પાડી. આ ફાર્મહાઉસ, બે ઘર બીજા... કરોડો રૂપિયા.. મારી નૃત્યની કમાણઈ... કીર્તિ બધું તારા નામે જ તો છે.
હા. હા. હા. મને ખબર છે. વારંવાર યાદ દેવડાવીને એવું ફિલ ન કરાવ કે હું નવરી બજાર છું. રાજા તાડુક્યો.
રાણીની આંખમાંથી બોરબોર જેવા આંસું. રાજા ધડધડધડધડ કરતો દાદરા ઉતરતો જાય ત્યાં ક્યારેય ન વાગેલી આ ફાર્મહાઉસની ડોરબેલ વાગે છે. દોડી પડે છે રાણી અને વળગી પડે છે રાજાને કોણ હશે?
ડોન્ટ વરી હું જોઉં છું. તું ઉપર બેસ હું આવું છું.
ના. હું તને નહીં છોડું. દેખાય છે મને નિર્જિવ અરણ્ય, કાળાભમ્મર કૂવા અને ઘૂઘવતો સમંદર પણ કાળાશ વાળો...
બાર ખોલતાં જ માથે મોટા ઝંડા જેવા વાળ..., આડીત્રેડી વધી ગયેલી દાઢી અને છોલાયેલા હાથ. ફાટેલું પેન્ટ અને મેલોઘાણ જેવો શર્ટ અને આવીને હાંફે છે બારણે.
જીવલા..., તું જ જીવલો ને? વિસ્ફારીત આંખે એ આગંતુક પૂછી બેઠે છે, એની કિકિ ઘડી રાણી ને ઘડી રાજાને જૂએ છે.
કેમ એલા આંયાં તને કોણે બતાવ્યું?
જીવલા.... જીવલા.. પાણી પેલા આપ... ખતમ, ખતમ થઈ ગયું બધું.
કેમ પણ શું છે..
રાણી તરફ રાજા જોઈ બોલે છે પાણી લઈ આવને..
રાણીનો નકારમાં જવાબ, પ્રેમથી મનાવે રાણીને રાજા, કશું નથી મારો દોસ્ત છે.
દેવલાએ ... દે...વલાએ કીધું ’તું, આંયાં સે તું. હું હાઝો ર્યો તો પોગીશ ગામ. ત્યાં હંધું ખતમ થઈ ગ્યું. પાણી વેંસાય સે પાંસહઝ્ઝારે.
હસતા હસતા બોલ્યો રાજા, અમે અહીં આઠહજ્જારનું લઈએ છીએ.
હહેં સ. સાલ્લા નફ્ફટ્, દેવલો હાસું કે તો તો... તને વળગી સે ડાકણ્ય... ડાકણ્ય વળગી સે...
પાણીનો જગ જ રાણીના હાથમાંથી લઈને ગટગટાવી ગયો આગંતુક.
નારસી કાકાએ મોકલ્યો તને સંધેશો આપવા કે ઝુંપડા વાળા મરી ઝાહે ઝો વધારે વરસાદ ખેંસાણો તો... પૈસા ખવાતા નથી. તમે હંધાય આંયાં લેર કરો સો... ન્યાં ઝીવ નીકળે સ. ખંઠેર થઈ ઝાહે બધું અમારું જો ન્યાંથી ધાડું આવ્યું તો.
આગંતુક નીકળ્યો ઘરની બાર પણ અટકી ગયો. ડેલી પાસે દૂર બોરવેલ...
સાલ્લા, તને ક્યાંથી ખબર હોય પાણીની... આવે સે... આવે સે ધાડા તારા ઘેર ધામા નાખવા. કઈ દઉં સું. હું ઝાઉં છું.
દોડે છે રાજા એની પાછળ, પકડી પાડે છે આગંતુકને અને ઘસડીને લઈ જાય છે રાડો પાડતો પાડતો. લઈ આવે છે ડેલીમાં, એનો જ શર્ટ ફાડીને બાંધી દે છે પેલાને રાજા.
રાણીને આદેશ મળે છે બોરવેલની ચાપ પાડવાનો...
આખી ભૂંગળી આગંતુકના મોઢામાં અને રાજાના બરાડાઃ
લે... લે પી પાણી... મારે ન્યાં ધાડા મોકલે છે. લે પી.
ઘાસમાં પેલાના ઢસડાઈ છે ટાંટિયા, પહેલા એકધારા અને પછી ધીમે... ધીમે... ધી....મે... ધઈઈઈઈમએએએ.... ઢસરડા બંધ. છાતી ત્રણવાર ફૂલીને ફાટી પડે છે. પેટ દડા જેવું પેલા આગંતુકનું.
આ બધી વેળા રાણી રાજાને વારી રહી હતી, તેના હાથ છોડાવી રહી હતી, પણ પછી રાજાને ય ભાન આવે છે કે એક હાથે પેલાના મોઢામાં નળી નાખી છે અને એક હાથે તો તેણે રાણીને વાળથી પકડી રાખી છે.
રાણી બેભાન...
રાજા ફ્રિઝમાંથી બરફ કાઢીને ઘસે છે, રાણીને ભાનમાં લાવે છે.
રાણી બરાડા પાડતી રડે છે. રાજાને વળગે છે. રાજાને ધક્કે ચડાવે છે. રાજા ચૂપ.
ત્રીજા માળની બારીમાંથી દેખાતો નિશ્ચેષ્ટ આગંતુક પાણીના ખાબોચિયામાં પડ્યો છે.
રાજા રડી પડે છે. ગેમ સાથે રમ્યા. કોમ્પ્યુટર મારે ત્યાં ન ’તું. એને ત્યાં રમ્યા. આજે એને.... મેં...
હવે રાણી વળગી પડે છે. રાજાને નહીં... નહીં... ના પોકાર કરે છે.
રાજા ભીંતમાં મૂક્કા મારે છે.
રાતની રાત કાળી ડીબાંગ...
બ્રેકિંગન્યૂઝ જાય છે, સાબરમતીના કાંઠે એક લાવારીસ લાશ.
રાજા હવે ખાતો નથી, રાણી હવે પાણી પીતી નથી. ચારેકોર એ બન્નેને સંભળાય છે હો...હા...ના અવાજો...
ધાડું આવ્યું ધાડું. રાજારાણીનો મહેલ હડપ કરી ગયું. રોજ અહીં વ્યક્તિઓ વધતાજાય.
અહીં પાણી છે.
ઉપરના માળેથી રાજા રાણી ક્યારેક પડદો હટાવીને જૂએ તો ભૂખી ભૂતાવળ. એક પગલું મૂકાઈ એવી જગ્યા નથી. રાજાના બાપા નીચે બધાને સમજાવે છે. અહીં રહીને જીવતા રહી શકાય એવું છે, પણ આ પાણીએ કેટલા દિ. મારા છોકરાને તો વળગી છે ડાકણ... બેય બારેય ખોલતા નથી. એ તો ખાતો પણ નથી ને પીતો પણ નથી. ક્યા પાપ અમને નડ્યા. અહીં પાણી ર્યે ત્યાં લગી રોકાઓ પછી આગળ પરિયાણ કરશ્યું.
હા ભાઈ ડાકણ્ય ઝ ને... આ આવડા કળજગીયા દુકાળમાં આનેન્યાં જ પાણી ર્યે. એ ડાકણ્ય ઝ કરી હકે.
રાજાને વળગેલી રાણીએ પણ સાંભળ્યું અને બોલીઃ રાજા, હું ડાકણ છું...???
છોડ મને હું ડાકણ છું... હાહાહાહાહાહા.... ડાકણ હું ડાકણ...
ઉપરના રૂમમાંથી પડકારા... રાણીનું અટ્ટહાસ્ય આખા ફાર્મહાઉસમાં ફેલાય છે. ફફડી ઉઠે છે ધાડા. રાજા પણ બરાડા પાડીને તેને શાંત કરે છે.
દિનપ્રતિદિન વધતા જાય છે ધાડા. થોડાં દિવસમાં વળી દેકારા..., પાણી... પાણી... ખૂટી પડ્યું બધું પાણી.
રાજા રાણી ઉપરના ઓરડામાંથી જૂએ છે. ધાડાઓ દોડતા જાય છે. મોટરનો અવાજ ચાલું છે, પાઈપમાંથી પાણી નીકળતું નથી.
કિડયારાની જેમ ઉભરાયેલું ફાર્મહાઉસ જોતજોતામાં ખાલી થાય છે.
રાજા-રાણી નીચે ઉતરે છે. જૂએ છે તો ફાર્મહાઉસનો બગીચો સૂક્કોભઠ્ઠ, વૃક્ષો સૂકાયેલા કાળા, સોનેરી સપનાની કાર ધૂળધૂળ, ઘરની અંદર બધું વેરણછેરણ, ફર્નિચર-રાચરચિલું બધું જાણે દુકાળિયાઓના હાથે સળગી બળ્યું હોય એવું કાળું કાળું લાગ્યું. મહેલ ખંડેર જેવો બની ગયો.
રાણી વિચારી રહી અને રાજાને કહેતી રહી.
રાજા, માતબાર અને માભાદાર ઉદ્યોગપતિનું આ ફાર્મહાઉસ ને આજે ભૂખીભૂતાવળો ભરખી ગઈ. મારા સપનાએ જ મારી આંખો નોંચી લીધી. ખતમ થઈ ગયું... બધું...
રાજાએ પોતાના પડખે લઈને રાણીને કહ્યું, તું અને હું અકબંધ હશું તો પાણી તો ફીંફાં ખાંડે છે. દૂકાળને દળીદળીને ખાંડી નાખીશું.
કેટલાય દિવસોથી ભૂખ્યા રાજારાણીએ ઘરમાં આવીને ફ્રિજ ખોલ્યું, બે બ્રેડના ટૂકડા અને બન્ને ખાવા માંડ્યા દુકાળિયાની જેમ જ.
- આનંદ ઠાકર








