શતરંગ / નાનકડી વાર્તા: નોટ
- થ્રિલ માંગે મોર 5 એપ્રિલ, 1998. કોલેજના આખરી દિવસે વિદ્યાર્થીઓ એકબીજાને છેલ્લી વાર મળીને મળતા રહીશું એવા વચનો આપી રહ્ય

- થ્રિલ માંગે મોર
5 એપ્રિલ, 1998. કોલેજના આખરી દિવસે વિદ્યાર્થીઓ એકબીજાને છેલ્લી વાર મળીને મળતા રહીશું એવા વચનો આપી રહ્યા હતા. વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં તેમની રાહ જોઈ રહેલા વાલીઓ તરફ ભાગી રહ્યા હતા. પણ પ્રભાકરની નજર તો સુધાને જ શોધી રહી હતી. વર્ગમાં આચાર્યએ સૌને આખરી વાર સંબોધ્યા પછી બહાર નીકળતા હતા ત્યારે તો તેણે તેને જોઈ હતી, પણ પછી ક્યાંક અચાનક તે ખોવાઈ ગઈ હતી.
મિત્રો પ્રભાકરને આવજો કહી રહ્યા હતા. પણ અત્યારે તેને સુધાને જ ‘આવજે’ કહેવામાં રસ હતો. તે સૌ સાથે ચાલતો ચાલતો મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો તો પણ તેને સુધા ન દેખાઈ. મિત્રોએ હોસ્ટેલ તરફ ચાલવાનું શરૂ કર્યું, પણ પ્રભાકર તો ત્યાં જ ખોડાઈ ગયો. આખરે તેના વાલી અને એક શિક્ષિકા સાથે ધીમી ચાલે આવતી સુધા દેખાઈ અને તેના ગાયબ થઈ જવાનું કારણ પણ સમજાયું. સુધાની નજર પણ પ્રભાકર પર પડી. બંનેએ આજ સુધી એકબીજા સાથે વાત નહોતી કરી. પણ આજે પ્રભાકરે પૂછેલા એક પ્રશ્નનો જવાબ મળવાની તેને આશ હતી. સુધાએ ગેટ તરફ ડગલાં માંડ્યાં એ જોઈને પ્રભાકરને જાણે અચાનક તડકો વધી ગયો હોય તેમ લાગ્યું.
સુધા ગેટ પાસે પહોંચી અને તેણે વાતોમાં મશગુલ તેના વાલી અને શિક્ષિકાથી નજર ચોરાવીને પોતાની બેગમાંથી 1 રૂપિયાની નોટ કાઢી. ફટાફટ પેન કાઢીને નોટ પર કંઈક લખ્યું. પ્રભાકર જોઈ રહ્યો હતો કે કોઈ જોતું તો નથી ને. સુધાએ પેન બેગમાં મૂકી અને ખૂબ જ ઝડપે એ નોટ તેણે પ્રભાકર સામે એક હલકા સ્મિત સાથે ધરી. પ્રભાકરે નોટ પકડવા હાથ લંબાવ્યો પણ નોટ તેના આશ્વર્ય વચ્ચે ત્યાંથી ચાલ્યો જતો એક ચોર પ્રભાકર પહેલાં સુધાના હાથ પર લપક્યો અને નોટ લઈને ભાગ્યો. બરાબર એ જ સમયે સુધાના બાપા જોરથી બોલ્યા, ‘સુધા, ધ્યાન ક્યાં છે તારું? મેડમ આવજો કહે છે.’
સુધાએ બાપાની વાત સાંભળી, પણ તેની નજર તો પેલા ચોર પર હતી. અચાનક જે બની ગયું એ સુધા કે પ્રભાકર કોઈનેય ન સમજાયું. પણ સુધાથી વધુ પ્રભાકર કે ચોર સામે જોવાય તેમ હતું નહીં. તેણે પોતાના શિક્ષિકા સામે જોયું અને તેમને પગે લાગીને આવજો કહ્યું. પણ તેના મનમાં તો તેણે આપેલી નોટ, પ્રભાકર અને પેલો ચોર જ રમી રહ્યાં હતાં. જોકે સાથે એક હાશકારો એ પણ હતો કે આમાંથી કશું પણ તેના વાલી કે મેડમની નજરમાં નહોતું આવ્યું.
એક તો માંડ કોલેજના આખરી દિવસે, આખરી ક્ષણે પ્રભાકરને પોતાના પ્રેમના પ્રસ્તાવનો જવાબ મળી રહ્યો હતો. જવાબમાં શું હતું એ ખબર પણ નહોતી. જે છોકરીને તે અત્યંત ચાહતો હતો તેના જ બાપા અને શિક્ષિકા સામે હિંમત એકઠી કરીને તે પોતાના ભવિષ્યને હાથમાં પકડવા જઈ જ રહ્યો હતો ત્યાં જ કોઈ ઘડીભરમાં તેની સામેથી છીનવીને એ લઈ ગયું હતું. તેણે એક નજર સુધા પર નાખી અને પછી ઝડપથી ચોર પાછળ ભાગ્યો. સુધા પોતાના બાપા સાથે ગર્લ્સ હોસ્ટેલ તરફ જતાં જતાં પ્રભાકરને ચોર પાછળ દોડતા જોઈ રહી!
એક રૂપિયાની કિંમત 90ના દાયકામાં કંઈ એટલી બધી નહોતી કે પ્રભાકરને પાછળ દોડવું પડે. પણ એ નોટ તો ખાનદાની હતી. પ્રભાકરના દાદાએ જયારે તેના બાપાનો સંબંધ તેની મા સાથે નક્કી કર્યો, ત્યારે તેના નાનાને આ રૂપિયાની નોટ, એક શ્રીફળ અને એક સોપારી આપ્યા હતા. લગ્ન પછી સોપારી અને નોટ યાદી માટે તેના બાએ સાસરે લઇ આવીને ભગવાનના ટાંકામાં સાચવીને મૂક્યાં હતાં. દિવાળી વેકેશનમાં જયારે પ્રભાકરે ભગવાન સામે બેસીને નક્કી કર્યું કે સુધાને પૂછી જ લેવું છે, ત્યારે તેને સોપારી અને નોટ દેખાયા. તેણે સામાન પેક કરતી વખતે કહ્યું કે ‘બા, છેલ્લી પરીક્ષા આવે છે ને એટલે સાથે શુકન માટે આ બે વસ્તુ લઈ જાઉં છું.’ બાને તો એમ કે છોકરાને ચોપડીની કવિતા સરખી યાદ રહેશે, અહીં તો પ્રેમની કવિતાની વાત હતી.
ચોર પણ દોડતો દોડતો વિચારતો હતો કે પેલો સાચે જ એક રૂપિયા માટે પાછળ પડ્યો છે? બંને એક-દોઢ કિલોમીટર તો દોડી જ ગયા હતા. રસ્તે બધા લોકોને આ બંનેને દોડતા જોઈને મજા આવી રહી હતી. પણ એ મજા પ્રભાકર માટે બહુ જ આકરી હતી. મહિનાઓ સુધી અલગ-અલગ તરીકાઓ પર જાતે જ ચોકડી માર્યા પછી જયારે કોલેજને પૂરી થવાને માંડ બે જ દિવસની જ વાર હતી ત્યારે તેને થયું કે હવે નહીં તો ક્યારેય નહીં. તેણે રૂપિયાની નોટ અને સોપારીને એક કવરમાં નાખ્યા. અને સાથે જેવી આવડે એવી એક ચિઠ્ઠી લખી-
‘પ્રિય, સુધા, મને પ્રેમ કરતા આવડે છે, લખતા નથી આવડતું. તું મને ગમે છે. જો હું પણ તને ગમતો હોઉં તો આ રૂપિયો ને સોપારી રાખી લેજે. જયારે પરણીને આવે ત્યારે પાછી લેતી આવજે. ને જો જવાબ ના હોય તો પણ કહી દેજે. હું તને ભૂલવાની કોશિશ કરી જોઇશ. એક ભાઈબંધે શાયરી લખવાનું કીધું છે. પણ મને આવડતી નથી ને મારે બીજાના મનનો એક અક્ષરય આમાં લખવો નથી. કાલે છેલ્લો દિવસ છે. હું જવાબની વાટ જોઇશ. લિ. પ્રભાકર.’
આ શબ્દોના જવાબમાં સુધાએ નોટમાં શું લખ્યું હશે એ વિચારતો પ્રભાકર ગાંડાની જેમ પેલા બે કોડીના ચોર પાછળ પોતાના અબજોની કિંમતથીય વધારેના એક રૂપિયાની નોટ પાછળ દોડ્યે જતો હતો. એ નોટમાં સમાયેલું તેનું ભવિષ્ય તેનાથી થોડાક જ ડગલાં આગળ દોડી રહ્યું હતું. પ્રભાકર સુધાની સામે જોતો ત્યારે ક્યારેક તે પણ સામે હસતી. પણ એક ચિઠ્ઠી સિવાય આજ દિન સુધી એક શબ્દની પણ બંને વચ્ચે આપ-લે થઈ નહોતી. જે થઈ એ પેલી નોટમાં હતી. પ્રભાકરને થયું કે સુધાને કહ્યું તો હતું કે જો હા હોય તો નોટ પરણીને આવે ત્યારે લાવજે. તો પછી આજે જ કેમ નોટ પાછી આપતી હતી? જો નોટમાં શું છે એ ખબર ન પડે તો જિંદગીભર સુધાને મળી શકાશે કે નહીં એ તેને ખબર નહોતી.
આખરે ચોર થાકીને તેમની વચ્ચે રહેલા અંતરને જોઈને પોરો ખાવા ઊભો રહ્યો એટલે પ્રભાકર પણ હાંફતો ઊભો રહ્યો. પ્રભાકરના પગ દોડતા બંધ થયા કે તેને એક વિચાર આવ્યો. તેણે પોતાના ખિસ્સા ફંફોસ્યા તો એમાંથી બે રૂપિયા-રૂપિયાની નોટો નીકળી. તેણે જોરથી રાડ પાડીને એ ચોરને બતાવી, ‘ઓયે, એ નોટ મને આપી દે તો હું તને આ બે રૂપિયા આપું.’
ચોર ખુશ તો થયો, પણ અચાનક તેને વિચાર આવ્યો કે એવું તો શું છે આ નોટમાં કે પેલો બે રૂપિયા આપવા તૈયાર છે? તેણે નોટમાં જોયું તો તેમાં લેન્ડલાઈન ફોન નંબર લખેલો હતો. ચોરને આખી વાત સમજાઈ. તેણે બાજુમાં રહેલા સીટી બસ સ્ટોપ પર બેસવાનો ઈશારો કર્યો. પ્રભાકર સ્ટોપ પર તેની બાજુમાં બેસવા ગયો, પણ ચોરે તેને દૂર જ રહેવા ઈશારો કર્યો. પ્રભાકરે વચ્ચે બેઠેલા પેસેન્જર્સ થકી બે નોટ તેના સુધી પહોંચાડી. પણ ચોર લુચ્ચો નીકળ્યો. તેણે બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના હાથમાંથી પેન લઈને ફોન નંબરના બે-ત્રણ આંકડા ખબર ન પડે તેમ છેકછાક વગર ઝડપથી બદલી નાખ્યા અને નોટનો ઘા કરીને દોડવા માંડ્યો. પ્રભાકરે દૂરથી આ જોયું. પણ ચોર પાછળ ભાગવા કરતા તેણે દોડીને નીચે પડી ગયેલી પોતાની નોટ હાથમાં લીધી. તેમાં સુધાએ લખેલો ફોન નંબર જોઈને તે રાજી તો થયો, પણ ચોરે કરેલી કરતૂતના કારણે ત્યાં જ માથું પકડીને બેસી ગયો!
* * * * *
ન તો પ્રભાકરના ઘરે ફોન હતો, ન પડોશમાં કોઈને ત્યાં હતો. ગામમાં એકમાત્ર એસટીડી સર્વિસ હતી. પ્રભાકર જિંદગીમાં બધું જ છોડી દઈને મહિનાઓ ફક્ત પેલા ફોન નંબરમાં અલગ-અલગ આંકડાઓ બદલીને લખ્યા કરતો અને એસટીડીએ જઈને પૈસા બગાડ્યા કરતો, પણ સામે ‘હું સુધા’ એવો અવાજ સાંભળવા ન મળતો. પ્રભાકરની નોકરીની વાટે બેસેલા તેના મા-બાપ છોકરાને આ હાલતમાં જોઈને દુઃખી થયા કરતા હતા.
* * * * *
5 એપ્રિલ, 1999. પ્રભાકર પાંચ-દસ નંબરની કાપલી લઈને એસટીડીએ નંબર ઘુમાવતો હતો ત્યાં જ સામે એક પ્રિય પરિચિત અવાજ સંભળાયો.
પ્રભાકરે પૂછ્યું, ‘હલ્લો સુધા?’
‘હા, તમે કોણ?’
‘હું પ્રભાકર.’ પ્રભાકર પોતાની જગ્યાએ ઊછળી પડ્યો.
‘તને ખબર છે? અડધી મિનિટ વહેલો છે તું.’ સુધાએ પોતાના રૂમમાં કાચ સામે જોતાં પાનેતરનો છેડો સરખો કરતાં કહ્યું.
‘શેમાં વહેલો, સુધા?’ પ્રભાકરનું હૈયું હિલોળા લેતું હતું.
‘કન્યા પધરાવો સાવધાન સાંભળવામાં.’
‘ઓહ! તો હવે?’
‘હવે આ કન્યા સાવધાન થઈ ગઈ છે. મંડપમાં તેની પધરામણી નહીં થાય!’
- દિવ્યકાંત પંડ્યા








