શતરંગ / નાનકડી વાર્તા: ફ્યૂચર
- થ્રિલ માંગે મોર ઘણા વર્ષો પછીની વાત છે. સાલ 2125માં સીસી અને બીસીએ મંગળ ગ્રહના ઉપગ્રહ ‘સેવિયર’ પર ‘ફ્યૂચર’ ના

- થ્રિલ માંગે મોર
ઘણા વર્ષો પછીની વાત છે. સાલ 2125માં સીસી અને બીસીએ મંગળ ગ્રહના ઉપગ્રહ ‘સેવિયર’ પર ‘ફ્યૂચર’ નામનું માનવયાન ઊતાર્યું. ‘ફ્યૂચર’ને સ્ટેન્ડબાય મોડ પર જ રાખીને બંને સ્યૂટ પહેરીને યાનમાંથી નીચે ઊતરવાની સીડી પાસે પહોંચ્યા. બીસી સીસી માટે તૈયાર કરાયેલા ખાસ પિન્ક કલરના ડિઝાઈનર ફિમેલ સ્યૂટને નીરખીને ચાલતા પહેલું પગથિયું ચૂકી ગયો. સીસી આ જોઈને હસી પડી. તેના હસવાનો અવાજ બીસીને હેલ્મેટમાં પણ કાનમાં ભરાવેલા કોમ થકી પહોંચ્યો.
‘બીસી, તારો બ્લ્યુ સ્યૂટ પણ સારો જ છે.’ સીસીએ બીસીને સારું લાગે એ માટે કહ્યું.
‘ના, એ તો કદાચ આપણને સરખી ફ્લેટ સર્ફેસ નથી મળી ને લેન્ડ કરવા માટે એટલે આ પગથિયું ચૂકાયું.’ બીસીએ આદતવશ બહાનું બતાવી દીધું.
‘સર્ફેસ તો ઠીક, પણ તને શું લાગે છે? ઓક્સિજન અને પાણી સાચે જ આપણને મળી રહેશે સેવિયર પર?’ સીસીએ તેની પાછળ ઊતરી રહેલા બીસી સામે જોઈને પૂછ્યું.
બીસી વિચારમાં પડી ગયો. સવાલ પણ તો એવો હતો! સદીઓની મહેનત પછી પણ પૃથ્વીવાસીઓને મંગળ ગ્રહ પર માનવ જીવનની સંપૂર્ણ શક્યતાઓ ન મળી એટલે છેલ્લો પ્રોજેક્ટ ‘લાસ્ટ લાઈફ’ સમેટવાની તૈયારી ચાલી જ રહી હતી કે મંગળની નજીક જ એક નવોસવો ઉપગ્રહ મળી આવ્યો હતો. વર્ષોના સંશોધન અને ત્રણ વખત માનવ રહિત લ્યુનાર-રોવર યાન મોકલીને જે સંભાવના જન્મી તેના પરથી ઉપગ્રહને નામ અપાયું ‘સેવિયર’. સેવિયર જ ને! પાણી અને ઓક્સિજનની વધી રહેલી ઓછપ, બચેલામાં પણ પુષ્કળ પ્રદુષણ, ભ્રષ્ટાચાર અને ગુનાખોરીના ભયંકર માહોલ, અને ખાદ્ય સામગ્રીમાં જાતે ભેળવેલા ઝેરયુક્ત પદાર્થોથી પૃથ્વી તો મનુષ્યજાતે રહેવા લાયક છોડી જ ક્યાં હતી! ચાલીસ વર્ષની આવરદા પણ જયારે રેકોર્ડ મનાતી હતી છતાં એ સ્વાર્થી પ્રજાતિ હવે પાછી વળી શકે તેમ નહોતી.
છેલ્લા દસ વર્ષથી આવેલી મહામારીમાં મનુષ્ય, ઝાડ-છોડ, અને પશુ-પ્રાણીઓમાં પણ ન કલ્પી શકાય એવા રોગે પૃથ્વીના વિનાશની ગતિ વધારી દીધી હતી. મહામારીને અટકાવવા રસી શોધાઈ પણ તેમાં પણ અમુક વિશ્વનેતાઓએ રસીની બોટલ પર લખેલી સાઈડ ઇફેક્ટ્સ પર જ પોતાની તસવીરો છપાવીને બને તેટલા ઓછા લોકોને નવા ગ્રહ પર લઈ જવાનું કાવતરું ઘડ્યું હતું.
સેવિયર પર મોકલેલા છેલ્લા યાને ત્યાંના પોણા ભાગના વિસ્તારમાં ચોખ્ખા હવા અને પાણીની ખાતરી આપી કે આખી માનવ પ્રજાતિને પૃથ્વી પરથી સેવિયર પર શિફ્ટ કરવાના મહાકાય મિશનની યોજના શરૂ થઇ હતી. પણ શિફ્ટિંગનો ફર્સ્ટ ફેઝ શરૂ થાય એ પહેલાં સેવિયર પર માનવ જીવનના એક મહિનાના ટ્રાયલ માટે સીસી અને બીસીની પસંદગી કરવામાં આવી હતી. સીસી અને બીસીનું કામ હતું ડેટા મુજબ પાણીના સ્ત્રોતો અને ફળદ્રુપ જમીનની ચકાસણી કરી ત્યાં વસવાટ શરૂ કરવાનું. તેમને પૃથ્વીના પેટાળમાંથી 35 વર્ષ પહેલાં મળી આવેલા ગેસ અને લીકવીડ મિશ્રિત રંગવિહીન ફ્યુઅલ ‘હાઇડ્રોજલ’ થકી સેવિયર પર પણ ઊડી શકે તેવું અતિશય સુવિધાયુક્ત ‘ફ્યૂચર’ સ્પેસક્રાફ્ટ આપવામાં આવ્યું હતું.
‘ફ્યૂચર’માંથી ઊતરીને સીસીએ પૂછેલા સવાલ પર બીસીએ વિચારીને જવાબ આપ્યો, ‘મને લાગે છે કે મળશે જ. પૂરતો ડેટા છે. અરે! અહીંની હવા તો શુદ્ધ છે જ, પણ સ્વચ્છ જળની મોટી મોટી નદીઓ પણ છે. હું શોધી કાઢીશ.’
‘આપણે.’ સીસીએ બીસીને યાદ કરાવ્યું કે તેઓ બે જણ છે.
‘હા, હા આપણે જ.’
બીસી ‘લાસ્ટ લાઈફ’ પ્રોજેકટમાં પ્રી અશ્યોરન્સ મેથડ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર હતો. રિસર્ચ રોવર માટેના પ્રોગ્રામ્ડ સોફ્ટવેર બનાવવાની જવાબદારી તેના ડિપાર્ટમેન્ટ પાસે હતી. જ્યારે સીસી હ્યુમન લાઈફ સ્ટાન્ડર્ડ ડિપાર્ટમેન્ટની હેડ હતી. તેના ડિપાર્ટમેન્ટનું કામ હતું બદલાયેલી પરિસ્થિતિઓમાં પૃથ્વી અને સેવિયર પર મનુષ્યના જીવન ધોરણને સામાજિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મૂલવવાનું. પણ બીસીના મતે સીસી કે તેના ડિપાર્ટમેન્ટને ટ્રાયલ પ્રોજેક્ટમાં સામેલ કરવાની જરૂર નહોતી. તેનો મત તેના જવાબમાં પણ દેખાયો.
બંનેએ લેન્ડિંગના સૌથી નજીકના ડેટા પોઇન્ટ તરફ ચાલતી વખતે વ્લોગમાં નોંધ્યું કે ‘તાપમાન પૃથ્વીના વર્તમાન તાપમાન 60 ડિગ્રી જેટલું જ છે. પહાડો નજરે ચડે છે પણ હરિયાળી નથી. હજુ વધુ ચકાસણી કર્યા પછી જ ઓક્સિજન માસ્ક હટાવીશું.’
બીસીએ ડેટા એકત્રિત કરવા માટે એક નવી ટેક્નોલોજી વિકસાવી હતી. જે સેન્સર અને વિઝ્યુઅલથી પણ આગળ વધીને રોવર જ્યાં ન પહોંચી શકે એ વિસ્તારોની વિગત પણ કેટલાય કિલોમીટર દૂરથી જ મેળવી આપવા સક્ષમ હતી. સ્પેસમાં તરતા મૂકેલા સેટેલાઇટ અને રોવરના ડેટાથી મળતા એ વિસ્તારોના આકારના ગ્રાફિક્સથી નદી કે પહાડની સંખ્યા, લંબાઈ, ઊંડાઈ વગેરે માહિતી મળી જતી હતી. આ જ ટેક્નોલોજીના આધારે તો પોણા ભાગમાં જીવન સંભવિત છે એ અતિ મહત્વપૂર્ણ માહિતી બીસીએ સૌને આપી હતી.
પ્રથમ ડેટા પોઇન્ટ પર પહોંચ્યા તો બંનેને ત્યાં એક નાનકડો ઝરો દેખાયો. પૃથ્વી ઉપરાંત મંગળના એક વિશાળ ઉપગ્રહ પર મળી આવેલા પાણીને પોતાની લેન્સ ફીલ્ટર્ડ આંખે જોયાનો સંતોષ તેમના ચહેરા પર દેખાયો. બીસીએ સાથે રહેલી કીટમાંથી વોટર હેલ્થ સ્ટ્રીપ કાઢીને એ ઝરાના પાણીમાં ડૂબાડી અને ટેસ્ટિંગ રિઝલ્ટ માટે કીટમાં જ એક નાના બોક્સમાં મૂકી દીધી.
તરત જ એઆઈ આસિસ્ટન્ટે બીસીને ચાર કિલોમીટર દૂર એક નદીનું લોકેશન બીજા ડેટા પોઇન્ટ તરીકે આપ્યું. બંને નદી જોવા આતુર થઈ ગયા. તેઓ ‘ફ્યૂચર’માં પાછા ફરીને નદી તરફ આગળ વધ્યા.
રસ્તે સીસી પોતાના સ્ટ્રીપબોક્સને બતાવતા વ્લોગમાં બોલી, ‘સેવિયર પર સૌ પ્રથમ પગ મૂકનારી સીસીના હાથમાં જુઓ સેવિયરના પાણીની હાજરી.’
આ સાંભળીને બીસી ઉગ્ર થઈને બોલી ઊઠ્યો, ‘સૌ પ્રથમ? યુ આર રિયલી અ સીસી. ક્રેડિટ ચોર. આ પ્રોજેક્ટ કોની ઇન્ટેલિજન્સથી શક્ય બન્યો છે, ખબર છે?’
‘અરે! સાચો સેવિયર તો મારો ડિપાર્ટમેન્ટ છે…’ સીસી બીસીના અહંકારને ઠેસ પહોંચાડતા બોલી.
ત્યાં જ લોકેશન પર પહોંચ્યાની નોટિફિકેશન આવી. પણ સ્પેસક્રાફ્ટમાંથી નીચે ઊતરીને સામેનું દ્રશ્ય જોઈને બંનેને મોટો આઘાત લાગ્યો. તેમનું ડિવાઇસ તેમને નદી દેખાડી રહ્યું હતું. સામે નદી હતી પણ ખરી. બસ તેમાં પાણી નહોતું. બીસીએ બનાવેલા પ્રોગ્રામ મુજબ તેનું ડિવાઇસ આકાર સાચો જ બતાવી રહ્યું હતું. બંનેએ નજીકના ત્રણ-ચાર ડેટા પોઈન્ટ્સ પર તપાસ કરી લીધી. જેના આધારે કરોડો પૃથ્વીવાસીઓની આશા બંધાઈ હતી એમાંનું કશું જ સેવિયર પર નહોતું. હવા, પાણી, વૃક્ષ કશું જ નહીં. સ્ટ્રીપનું રિઝલ્ટ જોયું તો તેમાં હાઇડ્રોજલની પ્રદુષિત હાજરી મળી આવી.
સીસી અને બીસી એક ખાલી નદી કિનારે પહોંચ્યા તો ત્યાં તેમના આશ્ચર્ય વચ્ચે તેમનેખખડી ગયેલા અમુક માનવનિર્મિત બાંધકામ દેખાયા. નવી આશા સાથે ખાંખાંખોળા કરતા ત્યાંની ચીજવસ્તુઓમાંથી સીસીને એક જર્જરિત પુસ્તક મળી આવ્યું. ટ્રાન્સલેટર ઓન કરીને તેણે પુસ્તકના છેલ્લા પાને લખેલું વાંચ્યું, ‘બસ આ રીતે જ અમે અનેક જાતના કેમિકલ્સ અને ગેસ વાપરીને આ ગ્રહ અને અમારા શરીરને કચરાપેટી બનાવી દીધી. જેમાંથી ઉત્પન્ન થયો ઘાતક હાઇડ્રોજલ. વિનાશ સમયે બચેલી માનવજાત તો નીકળી રહી છે પૃથ્વી નામના એક નવા ગ્રહ પર ડાયનાસોર નામના પ્રાણીની હયાતી મળતા હવા અને પાણીની શોધમાં. આ લખું છું જયારે અમારા વંશજો પૃથ્વીને પણ બરબાદ કરીને નવા ગ્રહની શોધમાં અહીં આવે ત્યારે એ કહેવા માટે કે શરૂઆત અહીં જ થઈ હતી!’
બીસી અને સીસી ‘ફ્યૂચર’ સામે જોઈ રહ્યા!
- દિવ્યકાંત પંડ્યા








