શતરંગ / નાનકડી વાર્તા: હવા
- થ્રિલ માંગે મોર ‘ઓનલાઇન પેમેન્ટ હો?’ આયુષે જીમમાંથી બહાર નીકળીને સામે પડેલી રિક્ષાના ડ્રાઇવરને પોતાના સરનામ

- થ્રિલ માંગે મોર
‘ઓનલાઇન પેમેન્ટ હો?’ આયુષે જીમમાંથી બહાર નીકળીને સામે પડેલી રિક્ષાના ડ્રાઇવરને પોતાના સરનામું કહ્યા પછી પેમેન્ટ વિશે ચોખવટ કરતા પૂછ્યું.
ડ્રાઇવરે જવાબમાં કશું બોલવાના બદલે ફક્ત માથું જ ધુણાવ્યું. આયુષ રિક્ષામાં બેસી ગયો. ડ્રાઇવરે રિક્ષા ચાલુ તો કરી પણ તે જાણે આયુષના પ્રોટીન શેકને હલાવતો હોય તેમ ઝટકો લાગ્યો અને પાછળ આયુષ માંડ સમતોલન જાળવી શક્યો.
‘ભાઈ આપણે કંઈ ઉતાવળ નથી, તમે સરખી રીતે ચલાવો.’ આયુષે ડ્રાઇવરને સૂચના આપી.
‘સર, હું સરખી રીતે જ ચલાવું છું. આ રસ્તા તો જુઓ તમે. આમાં તો ઊલટાનું ધીમે ચલાવીએ તો વધુ ઝટકા લાગે.’ ડ્રાઇવરે ખુલાસો કર્યો.
‘હા, તમારી વાત સાચી પણ થોડું જાળવો.’
‘મને આમ તો ધીમી જ ચલાવવી ગમે, પણ આ રસ્તાઓમાં ખાડા તારવવા જઈએ એમાં રિક્ષા એક દિશામાં ન ચાલે. આપણા દેશમાં આવી જ હાલત છે રસ્તાઓની, શું કરીએ!’ ડ્રાઇવરે પોતાની ચિંતા ઠાલવી.
આયુષે અધીરા થઈને સેલફોનમાં ટાઈમ જોયો. પછી ફ્રેન્ડ જૈમિનને કોલ લગાવ્યો. થોડીવાર રહીને એરપોડ્સ થકી જ તેણે વાત કરવાની શરૂ કરી.
‘હું નીકળી ગયો છું. હું પહોંચીને શાવર લઉં પછી આપણે નીકળીએ. તું રેડી રહેજે.’
‘પાક્કું? અને રિચાને મળવાનું?’ જૈમિને સામે છેડેથી સવાલ કર્યો.
‘ઓવર. રિચા સાથે બધું જ પૂરું હવે.’ આયુષ રોષમાં બોલી ગયો.
‘લે કેમ શું થયું પાછું? આજે તો તમે મળવાના હતા ને?’ જૈમિને ચિંતિત અવાજે પૂછ્યું.
‘હા, પણ તેણે ના પાડી દીધી. મને હતું કે આજે છેલ્લી વખત તેની સાથે વાત કરીને કહી દઈશ કે મને તેના કરતૂતોની ખબર પડી ગઈ છે. પણ તેણે મળવાની તો ના પાડી જ, સાથે બ્લોક પણ કરી દીધો. અને તેનું કારણ પણ એ જ છે.’ આયુષનો ગુસ્સો વધતો જતો હતો.
‘કોણ?’
‘સૌરભ, બીજું કોણ? તેણે જ ચડાવી હશે.’ આયુષે મોટા અવાજે કહ્યું પણ રસ્તે વાહનો અને માણસોના અવાજમાં તેનો અવાજ દબાઈ ગયો.
‘તો હવે?’
‘હવે શું? તારે શોપિંગ પર જવું હતું ને. હું આવું છું જોડે.’
‘અરે એમ નહીં, રિચાનું શું?’ જૈમિને આયુષને યાદ કરાવ્યું.
‘એને બહુ હવા છે ને દેખાવની. એ તો કાઢવી જ પડશે. કેટલા ખર્ચ્યા છે મેં એની પાછળ તને તો ખબર છે. હવે પેલો સૌરભ ખર્ચશે. મને હતું કે હું તેને પ્રેમ કરું છું તો એ પણ એક દિવસ કરશે. પણ રિચાએ મને યૂઝ જ કર્યો જૈમિન્યા. ખબર નહીં કેટલા સાથે આવું કર્યું હશે! હું એને નહીં છોડું, એની બધી હવા કાઢી નાખીશ જોજે ને. બેવફા સાલી’
ત્યાં જ એક મોટો ખાડો આવ્યો ને ઝટકાના કારણે આયુષનો હાથ એરપોડને લાગી ગયો અને કોલ કપાઈ ગયો.
‘અરે ભાઈ તમને કેટલી વાર કહ્યું કે ધ્યાનથી ચલાવો ને. આ મારો કોલ કપાઈ ગયો.’ આયુષ ડ્રાઇવર પર ખિજાઈ ગયો.
‘અરે સર આ બાજુમાં ટ્રકે કેટલી ધૂળ ઊડાડી એ તો જુઓ. એમાં કંઈ દેખાયું જ નહીં. ખાડો કેમ દેખાય. આ આપણા દેશનું કંઈ સારું રહેવા દીધું છે કોઈએ? ખાડાવાળા રસ્તા ને આજુબાજુ બધે નકરી ધૂળ ને કચરો. જમીન તો ખરાબ જ, પણ હવાય એ ધૂળ ને કચરાથી જ ભરેલી હોય છે. ને પાણી…પાણી તો પીવા રહેશે કે નહીં થોડા વર્ષોમાં એ જ ખબર નથી.’ ડ્રાઇવરે પોતાનો બળાપો બહાર કાઢ્યો.
‘વાત તો તમારી સાચી.’ જૈમિને સેલફોન ખિસ્સામાં મૂકીને કહ્યું.
‘માણસ માટે જીવવા જરૂરી વસ્તુઓ બરબાદ કરવા બેઠા છીએ આપણે. આ હવા જ લઇ લો ને. થોડી સેકન્ડ્સ શ્વાસ બંધ થાય તો માણસનું પૂરું નથી થઈ જતું? હવા એટલી મહત્વની છે તોય આપણને ક્યાં પડી છે એની? અરે થોડી સેકન્ડ્સ નહીં લેવાનું તો છોડો, થોડી સેકન્ડ્સ નાક ને મોઢાના બદલે બીજે ક્યાંયથી હવા લઈએ તોય માણસનું પૂરું થઈ જાય.’
‘બીજે ક્યાંયથી મતલબ?’ આયુષે કુતુહલ સાથે પૂછ્યું.
‘બીજે ક્યાંયથી મતલબ જે જીવાડે એ મારેય ખરું. જે પ્રેમ કરે એ નફરત પણ કરે એના જેવું. આ હવા આપણને જીવાડે, પણ જો થોડીક અમથી હવા પણ ખાલી ઈન્જેક્શનમાં ભરીને નસમાં નાખી દઈએ ને તો થોડીવારમાં જ માણસ એટેકથી મરી જાય ખબર?’
‘ના, પણ તમને આ કેમ ખબર?’
ડ્રાઇવરે પાછળ ફરીને આયુષ સામે હસીને જોયું, ‘સાહેબ, રિક્ષા ભલે ચલાવું, પણ હુંય ભણેલો છું. મેડિકલમાં થોડાક માટે રહી ગયો ને પછી પપ્પાએ કહ્યું કે ધંધો કરવો જ પડશે એટલે આ હેન્ડલ પકડવું પડ્યું, બાકી તો...’
ડ્રાઇવરની આ વાત સાંભળીને આયુષે પહેલી વાર ધ્યાનથી તેની સામે જોયું. કપડાં થોડા સાધારણ દેખાયા પણ સાઇડ મિરરમાં ફરી તેનો ચહેરો જોયો તો તેને સારા ઘરનો કોઈક ભણેલો ગણેલો જુવાન જ લાગ્યો.
‘ઓહ ઓકે! ના સ્ટડી પૂરું કરવાનો મોકો મળે તો કરજો.’
‘ના ના, ભણી લીધું. હવે તો ભણેલાય ચા વેચે છે, ગાડીઓ ચલાવે છે. હું પણ કંઈક બિઝનેસ જ કરીશ.’ ડ્રાઇવરે આત્મવિશ્વાસથી કહ્યું.
‘વાહ. ઓલ ધ બેસ્ટ ભાઈ!’
‘થેંક્યુ સર!’
ડ્રાઇવર સાથે વાતો કરવામાં ક્યારે પોતાની સોસાયટી આવી ગઈ એ જ આયુષને ધ્યાન ન રહ્યું. રિક્ષામાંથી ઊતરીને પોતાના ફ્લેટ તરફ ચાલતાં પણ તેના મનમાં ટ્રાફિક સિગ્નલ પર હોર્ન મારી રહેલા લોકોને જોઈને ડ્રાઇવરે કહેલા શબ્દો જ ગૂંજી રહ્યા હતા- ‘આ બધાની હવા તો જુઓ. કોઈને બીક જ નથી. સૌને એમ કે આપણે તો હમણાં આ સિગ્નલથી બીજા સિગ્નલ ને બીજાથી ત્રીજા. મને તો થાય કે આ બધાની ગાડીની હવા જ કાઢી નાખું.’
ફ્લેટમાં પ્રવેશીને આયુષે જૈમિનને કહ્યું, ‘તું કહેતો હતો ને કે હવે રિચાનું શું? રસ્તો મળી ગયો.’
*****
ચારેક કલાક પછી રસ્તે સાંજના અંધારામાં રિક્ષા પાસે ઊભેલો રિક્ષા ડ્રાઇવર એક બીજા ડ્રાઇવર સાથે ફોનમાં કશુંક જોતો હતો ત્યાં જ એક લોકલ યુટ્યુબ ન્યુઝ ચેનલમાં સમાચાર આવ્યા, ‘શહેરની રિચા નામની 25 વર્ષની છોકરીનું હવા ભરેલા ઇન્જેક્શનથી કાર્ડિયાક એરેસ્ટ આવતા થયું મોત. પણ કહેવાય છે કે આ આત્મહત્યા નહીં, ખૂન છે. તપાસ હજુ ચાલુ છે.’
બીજો ડ્રાઇવર આ જોઈને બોલી ઊઠ્યો, ‘બાપ રે! આ દુનિયામાં કેવું કેવું થાય છે!’
‘હા, વાત તો સાચી તારી!’
‘સારું ચાલો. હવે હું નીકળું સાહેબ. તમે પાંચ દિવસ આ મારી રિક્ષા તમારા બંગલે રાખી એ બહુ સારું કર્યું. આભાર સાહેબ. પણ આ મારા કપડાંય તમારે કેમ જોતા હતા એ ન સમજાયું.’
‘કામ હતું થોડું.’ આમ કહીને 'ડ્રાઇવર' બોબીએ પોતાના રસ્તાને અડીને આવેલા બંગલામાં દાખલ થતા ફોનમાં રિચાનો ફોટો કાઢ્યો અને તેના પર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્ટર લગાડીને મનમાં બોલ્યો, ‘બેવફા સાલી!’
- દિવ્યકાંત પંડ્યા








