શતરંગ / એક મચ્છરની આત્મવ્યથા
- વટથી, હકથી ને હુકમથી હું મચ્છર. નર મચ્છર. કોઈ નાગર પરિવાર સાથે મારે કોઈ કનેક્શન નથી. એમની સરનેમ અમારા ખાનદાનનો હિસ્સ

- વટથી, હકથી ને હુકમથી
હું મચ્છર. નર મચ્છર. કોઈ નાગર પરિવાર સાથે મારે કોઈ કનેક્શન નથી. એમની સરનેમ અમારા ખાનદાનનો હિસ્સો છે કે અમારું ખાનદાન એમની અટકનો કિસ્સો એની મને કોઈ જાણ નથી. આમ તો મારી આત્મકથા વ્હાઇટમાં વેંચાય. માણસ નામના પ્રાણીને પોતાની આત્મકથા બ્લેકમાં અને બલ્કમાં વેંચવી હોય છે એટલે અમારે વ્હાઇટમાં આપવી છે, માણસ સાથે કે માણસ જેવું અમારે કશું કરવું જ નથી આ ભવમાં. આવતા ભવમાં પણ નહિ. આવતા સતરસો ભવમાં પણ નહિ જ. મને તો સમજ નથી પડતી કે આ ઈશ્વરે અમને લોહી ભૂખ્યા કેમ મોકલ્યા આ પૃથ્વી પર. અને એમાં ય તે માણસના લોહીની કેમ અમને જરૂર પડે?!! બહુ ખરાબ કર્મોનો હિસાબ કરવો હોય તો કાદવ ખાઉં બનાવ્યા હોત, લોહીપીણાં કેમ બનાવ્યા! સવાલ અનેક, જવાબ એક; કે એક હોય કે અનેક સવાલના જવાબ હોતા નથી આ જગતમાં. આપણને ગમતાં જવાબો આપણે બનાવીને સવાલને શાતા આપતા હોઈએ છીએ. ઓ તેરી, હું આ માણસની જેમ ફિલોસોફી કેમ કરવા લાગુ છું?! જોયું, આ જ વાંધો, આ જ તકલીફ ને આ જ કારણથી મને માણસનું લોહી પીવું ગમતું નથી. સાલું એની જેવા વિચારો થઈ જાય ને પછી વિવાદો પણ હવે એમની પાસે તો વાદ-વિવાદ કરવા માટે ભરપૂર સમય અને મૂડ હોય છે, અમારે એવું હોતું નથી પાછું. અમારે ગામેગામ લોહી ચૂસવા જવાનું હોય છે ને અમારી પાસે તો ગાડી પણ નથી હોતી. માણસ નામના પ્રાણીને ખબર નહિ શું દુશ્મનાવટ છે અમારી જોડે કે અમારો દુશ્મન બની બેઠો છે, જો કે અમારા દૂરના નાતભાઈ માંકડે અમને કહ્યું કે માણસને માણસ સાથે પણ દુશ્મનાવટ હોય છે તો આપણે તો અલગ જાત ને આપણી અલગ નાત એટલે તારે બહુ દુઃખી થવું નહિ. માણસ જો માણસનો ન થાય તો મચ્છરનો શું તંબુરો થવાનો. બસ ત્યારથી મારો અફસોસ જીએસટી જેટલા ટકા ઓછો થઈ ગયો. ખોટું નહિ કહું પણ અમારામાં ય માદા મચ્છરની તકલીફ ખરી. એ બાબતમાં અમે માણસો જેટલા જ કમનસીબ છીએ. અમારી મહિલા મચ્છરો થોડી વધુ ખતરનાક. હા પણ એ ખાલી માણસ માટે, અમારામાં અંદરોઅંદર લોહી પીવાના રિવાજ નથી. અમારી બાયુ કંઈ કરડી ન ખાય, ખાલી કરડે!! આને આત્મકથા નહિ, આત્મવ્યથા સમજવી. આત્મકથા તો માણસની હોય ને એનું જે કંઈપણ હોય એ અમારે જોઈતું નથી. લોહી પણ નહિ. પણ એ તો જીવવા માટે લેવું પડે છે એ મજબૂરી છે. જ્યાં જઈએ ત્યાં બારીઓ બંધ કરી દેવામાં આવે, અમારે પણ માન અપમાન જેવું હોય કે નહિ. અમે ક્યાં દરવાજેથી પ્રવેશ ઈચ્છીએ છીએ પણ નહિ. પહેલા તો અમને ચપ્પલ વડે ટિંચી નાખવામાં આવતા, કાળક્રમે માણસ જાતે અમારા મૃત્યુને કેમિકલ યુક્ત દૂષિત, ઝેરી બનાવી દીધું. હવે તો સાલાઓ રેકેટ લઈને આવ્યા છે. પોતે સેકસ રેકેટમાં ફસાઈ જાય ને અમને પ્લાસ્ટિકના રેકેટમાં ફસાવે, આટલો અન્યાય?!! અમારી કથામાં ખાસ કંઈ ઉકાળી લેવા જેવું હોતું નથી કેમકે અમારામાં માણસ જાત જેવા ડખ્ખા હોતા નથી એટલે કંઈ સનસનીખેજ ઘટના, આક્ષેપ, ખુલાસાઓ જેવું કન્ટેન્ટ મળે નહિ. એટલે અમે આ વ્હાઇટમાં જ વેંચવા માંગીએ છીએ. સરકારને ટેક્સ ભરીને. કેમ કે સરકાર ઈચ્છે તો ગમે ત્યાં ટેક્સ લગાવી શકે, એમાં નવાઈ શેની? એક વિનંતી છે મારી. તમે લોકો જે આ મચ્છર ભગાડો મશીન લગાવો છો ને તમારા ઘરમાં, મશીન લોન લીધા વગર રોકડેથી; એમાં થોડી માદક સુગંધ ઉમેરો તો શું છે કે અમારું મૃત્યુ થોડું સેક્સી બની જાય. વળી તમારા રૂમમાં આવી સુગંધ આવે તો તમારું જીવતર સેક્સી બની રહે; એટલે એક કાંકરે બે પક્ષી જેવી વાત છે આ. ગમે તો વધાવી લેજો મિત્રો. અરરરરર, ગઈકાલે એક ડાયરા વાળાનું લોહી પીવાઈ ગયું હતું એનું પરિણામ છે આ. હજુ તો તમને બહુ બધું કહેવાનું છે. કોના કોના લોહી પીધા પછી અમને શું સાઈડ ઈફેક્ટ થઈ. અમારા કેટલા ભાઈઓના કેસ ફેઇલ થયા ને કેટલાના કેસ ફાઈલ થયા એ પણ. મારી પાસે ટુ વ્હીલર છે નહિ, અમે તો લોહી ભરાવીને એ ચલાવવા પણ તૈયાર છીએ, પેટ્રોલ ડીઝલ કરતાં તો એ સસ્તું જ પડશે. આવતા લેખમાં વધુ કથા માંડીશું, અત્યારે મારો ડિનર ટાઈમ થઈ ગયો ને આજે તો એક રાજકારણીના ઘરે પત્રકાર પરિષદમાં જવાનું છે લોહી પીવા માટે, લોહીપીણાં લોકોનું લોહી પીવા. હેહેહે.. અચ્છા ચલતા હૂ, દુઆઓ મેં યાદ રખના... અગલે બુધવાર કો વટથી, હકથી ને હુકમથી ફિર સે આ જાના... - સ્નેહલ તન્ના



