શતરંગ / બારસો માણસના જીવનનો બચાવ
- છલકાયે જામ ‘ધ ગન્સ ઓફ નેવરોન’ ડિરેકટર જે.લી. થોમ્પસને એલિસ્ટર મેકલીનની સ્ટોરી પરથી બ

- છલકાયે જામ
‘ધ ગન્સ ઓફ નેવરોન’ ડિરેકટર જે.લી. થોમ્પસને એલિસ્ટર મેકલીનની સ્ટોરી પરથી બનાવેલી દિલધડક થ્રિલર વોર ફિલ્મ. ડિરેકટર જે.લી. થોમ્પસને જ આગળ જતાં મેકેનાઝ ગોલ્ડ, ધ પેસેજ, હકલબરી ફિન (માર્ક ટવેઇન ની સુપર્બ સ્ટોરી.) જેવી અનેક ફિલ્મો બનાવેલી.
ખેરોસ નામના ટાપુ પર બ્રિટન અને મિત્ર રાજ્યોના 1200 સૈનિકો ફસાઈ ગયેલા છે, કારણકે જર્મનોએ નેવરોનના ખડક પર કબજો કરી લીધો છે અને ખડકની ટોચ પર બે મહાકાય તોપ ગોઠવી દીધી છે. આ લોકેશન એવું છે કે કોઈ રીતે એ તોપ થી બચીને બ્રિટિશરો ખેરોસ ટાપુ પર ફસાયેલા 1200 સૈનિકોને બચાવી શકે એમ નથી અને એ સૈનિકોના બચાવ માટે કેપ્ટન જેન્સનની નિમણૂક થયેલી છે અને દુનિયાના સર્વશ્રેષ્ઠ યોદ્ધાઓ કહેવાય એવા ચુંનદા અનેક આદમીઓનો ભોગ કેપ્ટન જેન્સન આપી ચુક્યો છે.
કોઈ જ તક નથી પણ 1200 માણસના જીવનનો સવાલ છે અને એક ટકા કરતા પણ ઓછી તકમાં આખરી કોશિશ કરી લેવા ન્યુઝીલેન્ડના પહાડખેડુ અને કીટના યુદ્ધમાં ભયંકર કામગીરી બજાવી જીવતા રહેલા કેપ્ટન કિથ મેલોરીને આ અશક્ય મિશન જેન્સન આપે છે. કિથ મેલોરી પોતાની ટુકડીમાં એન્દ્રે, મિલર અને એક જુવાન કેપ્ટન સ્ટીવન્સને મોતના મુખમાં લઈ જવા ચુને છે. જર્મનોના કબ્જાવાળા નેવરોન પર એમની મદદ કરી શકે એવા લુકી અને પાનેસ છે. એ ઉપરાંત કદાચ આ ટુકડી નેવરોનની તોપ સુધી પહોંચે તો ત્યાં આના નામની સ્ત્રી છે જે બ્રિટિશરોની સહાયક છે. આ આખી કુમકમાં પણ કોઈક તો ગદ્દાર છે અને ડબલ એજન્ટનું કામ કરે છે. એક એક સીન દિલધડક છે વાર્તાનો અને એનું ફિલ્માંકન પણ અદભૂત રીતે કરવામાં આવ્યું છે.
ગ્રેગરી પેકને આ ફિલ્મમાં પ્રથમ વખત જોયો અને તત્કાલ મનમાં પ્રતિભાવ ઉઠ્યો કે, ‘અરે આ તો આપણા દેવ આનંદ જેવો દેખાય છે અને એક્શન પણ થોડી થોડી દેવ આનંદને મળતી જ કરે છે !’ કિથ મેલોરીની ભૂમિકા ગ્રેગરી પેક ભજવે છે અને એન્દ્રેની મજબૂત ભૂમિકામાં એન્થની કવિન છે, મિલરની ભૂમિકા ડેવિડ નિવેન.
આ લોકોમાં કોઈ સંવેદન નથી કે તેઓ અનીતિ કરવાની કોઈ શરમ રાખતા નથી એવું નથી પણ આ ટુકડી ‘નિનૈતિક’ છે અને એમનો પરદા પર અભિનય જોઈને લાગે કે આ લોકો ખરેખર આ કામ જ કરતા હશે, સતત યુદ્ધ મોરચે લડવાનું.
ફિલ્મ આખી મજબૂત છે, દરેક સીન પ્રભાવક છે પણ એક સીન ખૂબ ચોટદાર રીતે ફિલ્માવ્યો છે. જ્યારે આ ટુકડી એકઠી થઈને આખી વિગત એક રૂમમાં બંધ થઈને સમજતી હોય છે ત્યારે વાતો કરતા કરતા એન્દ્રે ઉભો થઇ જાય છે અને ઇશારાથી વાતો શરૂ રાખવાનું કહે છે અને પોતે પાછા પગે દરવાજા પાસે પહોંચીને એક ઝટકા સાથે પળમાં દરવાજો ખોલીને એક માણસને રૂમમાં ગળું પકડીને લઈ આવે છે. આ ફિલ્મ પછી અનેક ફિલ્મોમાં આ સીન લેવામાં આવ્યો હશે પણ આ સીનની તોલે એકપણ બીજો સીન નહીં આવે.
અંગ્રેજી ફિલ્મો લગભગ દોઢથી પોણા બે/બે કલાકના જ હોય છે પણ આ ફિલ્મ ત્રણ કલાકની લંબાઈ ધરાવે છે અને ખૂબ ઓછા સંવાદો અને એ પણ ખૂબ ટૂંકા સંવાદો.મોટાભાગની ફિલ્મ અંધારામાં શૂટ થઈ છે અને ખૂબ ટૂંકા સમયની અવધિમાં ફિલ્મની કથા આકાર લે છે પણ એક વખત જોઈ હોય તેના મન મગજમાં અમિટ છાપ છોડી જનાર ફિલ્મ એટલે શું એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ‘ધ ગન્સ ઓફ નેવરોન’ છે. જેમને યુદ્ધકથાઓ ગમતી ન હોય કે યુદ્ધ કે વિશ્વયુદ્ધ વિશે કશું જ જાણતા ન હોય એવા લોકો પણ એક વખત આ ફિલ્મ જોઈ નાખે તો આજીવન એના પ્રભાવમાંથી મુક્ત ન થઈ શકે એવી અફલાતૂન ફિલ્મ છે.
એલિસ્ટર મેકલીનની સ્ટોરી પરથી બનેલી દરેક ફિલ્મો અચૂક જોવા જેવી છે જો ફિલ્મોનો શોખ હોય તો!
- હકીમ રંગવાલા








