મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સંત અને સગર્ભા

- નાની નાની વાતો આખો વખત સહજ ભાવે ઈશ્વર ભજન કર્યા કરતાં મૂળદાસની અડધી રાત્રે કિરતારે કસોટી આદરી હતી. અડધીક રાતનો સમ

શતરંગ / સંત અને સગર્ભા

- નાની નાની વાતો

આખો વખત સહજ ભાવે ઈશ્વર ભજન કર્યા કરતાં મૂળદાસની અડધી રાત્રે કિરતારે કસોટી આદરી હતી.

અડધીક રાતનો સમય છે. નગરના એક કૂવા પાસે કોઈ રૂપાળી સુંદર સ્ત્રી ઘેરા શોકમાં ઊભી છે, પોતાના ઉપસેલા પેટ પર હાથ ફેરવે છે, એની આંખમાંથી અડધી રાતના ઝાકળ જેવા અશ્રુબુંદ ખરી પડે છે. એ સ્ત્રી કુવાની પાળીએ ચડીને કૂવામાં પડતું મૂકે એ પહેલા કોઈએ એનું બાવડું ઝાલ્યું.

સ્ત્રીએ ચાંદાના અજવાળામાં  એ વ્યક્તિને ઓળખ્યો કે, “અરે…આ તો અમારા અમરેલી ગામની ભિક્ષા પર નભતો, નવરો બેઠો ભજનો લલકારતો. દાઢી-ધોતીધારી બાવો મૂળદાસ...”

બાવાએ બહુ ઋજુતાથી પુછ્યું કે, “બાઈ, આટલી રાતે આ દેહ પાડી નાખવા કેમ આવી છો, દીકરી?”

બાઈએ કહ્યું, “બાપુ, મને મરવા દો, હું આ ગામની નીચા કુળની વિધવા છું, અને એક ભૂલ કરી બેઠી છું, મારા પેટમાં એક જીવ છે, આવતીકાલે મારું આ પાપ પોકારશે અને ગામ પૂછશે તો એના બાપનું નામ કોઈને આપી શકું એમ નથી...” 

બાવા મૂળદાસે સહજતાથી કહ્યું, “અરે બેટા, બસ આટલી જ વાત...એમાં તો જીવનના દીવાનું તેલ ખૂટે એ પહેલા તું એને ફૂંક મારવા આવી છો. આવ દીકરી, કોઈ પૂછે તો કહી દેજે કે તારા બાળકનો પિતા આ બાવો મૂળદાસ છે.”

“પણ બાપુ, તમને અમરેલી મારશે...!”

“દીકરી, ભલે ગામ મારે મને, મારી જે વલે કરે તે…પણ એના માટે બે-બે ખૂન નહીં થવા દઉં. આ કલંકનો ડાઘ મૂળદાસ ખમી લેશે, પણ હું જોવા- જાણવા છતાં તને બેજીવીને મરવા દઉં તો એ હત્યાનો ડાઘ મૂળદાસ નહીં ઝીરવી શકે...”

આખો વખત સહજ ભાવે ઈશ્વર ભજન કર્યા કરતાં મૂળદાસની આ અડધી રાત્રે કિરતારે કસોટી આદરી હતી.  દીકરીને પોતાના આશરે લઈ જતા જોઈને આકાશને હાશ વળી.

*****

બીજે દિવસે અમરેલીએ જાણ્યું કે, ‘ઓલ્યો બાવો મૂળદાસ તો મહાલંપટ નીકળ્યો, ગામની વિધવાને અભડાવી...”

વાતનું મૂળ જાણ્યા વિના આખું ગામ મૂળદાસ પર ઉકળ્યું. અમરેલીએ મૂળદાસને માર્યો, ખાસડાંનો હાર પહેરાવ્યો, મોઢે મેષ ચોપડી. મૂળદાસ અને એ વિધવા બાઈ બેઉને ગામ બહાર કાઢી મૂક્યાં. મૂળદાસે ગામની બહાર ઝૂંપડી વાળી, એ બાઈ અને બાળકનું જેમ તેમ કરીને પોષણ કર્યું, ગામે તો ભિક્ષા આપવાની ય બંધ કરી દીધેલી. કપરાં દહાડા વિતતા ગયાં. 

સૂર્ય ઊગતા પહેલા વહેલી સવારના અંધારામાં પક્ષીઓ જાગીને કલરવ કરવા લાગતાં હોય છે કેમ કે એમને હૈયે શ્રદ્ધા છે કે સૂરજ ઊગશે જ. તો આ તો મૂળદાસ હતા !

એક દી’ વહેલી સવારે હજુ અમરેલીના દરવાજા બંધ છે અને આજુબાજુનાં ગામડામાંથી ખેતપેદાશો વેચવા આવતા ખેડૂતો વહેલા આવી ગયા છે. ગાડાં છોડી, તાપણા કરી બેઠાં છે, એમાં બે ખેડૂત મૂળદાસની ઝૂપડી પછવાડે જઈ ચડ્યાં.  વહેલી સવારની નીરવ શાંતિમાં ઝૂપડીમાં બાપ-દીકરીની જેમ રહેતા મૂળદાસ અને એ બાઈ વાતો કરતાં હતા. બાઈ અફસોસ કરતી હતી કે, “બાપુ, મુજ પાપી માટે તમે કેટલું અપમાન ખમ્યું...” મૂળદાસ એને બની વાત ભૂલી જવા સમજાવતા હતા. આખી બીના જાણી ઝૂંપડીના પછવાડે બેઉ ખેડુની આંખ ભીની થઈ ગઈ. એણે જઈ બીજા ખેડૂતોને વાત કરી, ખેડૂતોએ ગામમાં જઈ અમરેલીના વડા લોકોને વાત કરી કે તમે ગામે કેવડી મોટી ભૂલ કરી છે મૂળદાસને ઓળખવામાં...

ગામે સત્ય જાણ્યું, જે મૂળદાસને મેષ ચોપડી હતી એના પગમાં અમરેલી આખું પડી ગયું, જેને ગામ બાવો મૂળદાસ કહેતું એ મૂળદાસ સદકાર્ય માટે ગામ આખાના હાડોહાડ માર-અપમાન સહન કરીને હવે એ જ ગામ અને ઇતિહાસ માટે ‘સંત’ મૂળદાસ લેખાયા. પણ મૂળદાસને ક્યારેય કોઈ ફર્ક નહોતો પડતો કે ગામ એને બાવો કહે કે સંત...! પણ કુદરતની કસોટીમાં પાર ઉતરેલા મૂળદાસ હવે મહાત્મા મૂળદાસ બન્યા હતા. 

અમરેલી જિલ્લાનો એક તાલુકો છે લાઠી, લાઠીના કવિ કલાપીએ એક કાવ્ય લખ્યું છે: “મહાત્મા મૂળદાસ”, એમાં એક પંક્તિ છે, જેમાં મૂળદાસ એ બાઈને રોકતા બોલે છે કે:

'તુચ્છ એ કીર્તિને માટે ના ના ખૂન થવા દ‌ઉં,'

'સહેશે સુખથી ડાઘો નામ આ મૂળદાસનું.'

અમારા ગામનો તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી થાય, અમરેલી શહેરનું નામ પડે એટલે કોઈ રાજકારણનું જાણકાર હોય તો એને ગુજરાત રાજયના પહેલા સીએમ જીવરાજ મહેતા યાદ આવી શકે, કોઈ કવિતા-સાહિત્યના રસિયાને તરત ઝબકારો થાય:છ અક્ષરનું નામ:રમેશ પારેખ. બીજા કોઈએ કદાચ કઈ યાદ આવતું હશે, મારુ કહું તો મને મૂળદાસ યાદ આવે... 

આજે અમુક કહેવાતા સંતોએ મૂળદાસ પરથી કેટલું બધુ શીખવા જેવુ છે ! હા, સંત મૂળદાસે જે સગર્ભા સ્ત્રીનો જીવ બચાવેલો, એ સ્ત્રીને જે બાળક થયું. એ દીકરી હતી. એનું નામ રાધા હતું, એ રાધાને પરણાવી અને એના કુખે જે બાળક થયો, એનું બાળપણનું નામ હતું: મુકુંદદાસ, જે બાળક મોટો થઈ સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર પરમહંસ બન્યા, એ ‘શ્રી મુક્તાનંદ સ્વામી’.

કસુંબો: 

સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,

નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો