શતરંગ / ભારતની સંસદમાં વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ
- વિજ્ઞાન વિહાર એક વખત હું મારા એક અમેરિકન વૈજ્ઞાનિક મિત્ર સાથે ભારત અને અમેરિકામાં વૈજ્ઞાનિક

- વિજ્ઞાન વિહાર
એક વખત હું મારા એક અમેરિકન વૈજ્ઞાનિક મિત્ર સાથે ભારત અને અમેરિકામાં વૈજ્ઞાનિક અભિગમ બાબતે ચર્ચા કરી રહ્યો હતો. અમેરિકામાં ત્યાંની પબ્લિક કાર્લ સેગન, રિચર્ડ ફાઈનમેન, કે નવી પેઢીમાં બિલ નાય અને નીલ દ ગ્રાસ ટાયસન જેવા વૈજ્ઞાનિકો અને સાયન્સ કમ્યુનિકેટર્સને સેલિબ્રિટીની જેમ ટ્રીટ કરે છે જે મને ખુબ પ્રભાવિત કરે. એટલે એ વિશે મે મિત્રને વખાણ કરતા કહ્યું કે તમે અમેરિકન લોકો તમારા વૈજ્ઞાનિકોને રોક સ્ટારની જેમ ટ્રીટ કરો છો જે ખુબ પ્રશંશનીય છે. મારા એ હાજરજવાબી મિત્રએ તરત જ વળતો જવાબ આપ્યો કે અમે તો અમારા ગમતા વૈજ્ઞાનિકોને માત્ર રોક સ્ટાર તરીકે ટ્રીટ કરીએ છીએ. તમે ભારતીયોએ તો તમારા પ્રિય વૈજ્ઞાનિકનું સન્માન તમારા દેશના સર્વોચ્ચ પદ, એટલે કે રાષ્ટ્રપતિપદ ઉપર બેસાડીને કર્યું હતું. અમે અમેરિકનોએ હજુ તમારી પાસેથી ઘણું શીખવાનું છે.
મિત્રનો આ જવાબ સાંભળીને થોડા સમય માટે તો મારી બોલતી જ બંધ થઇ ગઈ. ખરેખર આ દિશામાં કે એ પરિપ્રેક્ષ્યમાં તો મે ક્યારેય વિચારેલું જ નહિ. જ્યારે મિત્રએ ધ્યાન દોર્યું તો લાગ્યું કે હા, એ બાબતે આપણને હરખાવાનો હક તો ખરો. આપણે આપણા લોકલાડીલા વૈજ્ઞાનિક, ડૉ. કલામ સાહેબને ખુબ પ્રેમ આપ્યો અને દેશના સર્વોચ્ચ પદે નિર્વિવાદ એક અવાજે વધાવી લઇ વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યેનો સમાજ તરીકે અહોભાવ પ્રગટ કર્યો. જો કે આપણી લોકશાહી અમેરિકન સિસ્ટમ કરતા અલગ છે અને આપણે અહીંયા રાષ્ટ્રપતિ લોકો દ્વારા ચૂંટાઈને લોક-પ્રતિનિધિ તરીકે નથી આવતા. પણ એ અલગ વાત છે. ખેર, હવે મને કુતુહલ એ હતું કે ચાલો રાષ્ટ્રપતિનું ઉદાહરણ તો મળી ગયું. પરંતુ શું ભારતના ઇતિહાસમાં કોઈ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકને લોકો દ્વારા ચૂંટીને સંસદમાં મોકલ્યા હોય અને લો-મેકર બનાવ્યા હોય તેવું ઉદાહરણ ખરું? ઉદાહરણ મળ્યું.
મારા સર્વે પ્રમાણે આઝાદ ભારતની સંસદના 75 વર્ષના ઇતિહાસમાં એક માત્ર વૈજ્ઞાનિક જેઓએ લોકસભામાં જન-પ્રતિનિધિત્વ કર્યું તે છે ડૉ. મેઘનાદ સહા. મેઘનાદ સહા ભારતીય વિજ્ઞાન જ નહિ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક ખુંબ મોટું નામ છે. તેઓએ તત્વોના આયનિકરણનો અભ્યાસ કરી દૂરના તારાઓમાં રહેલા તત્વોને ઓળખવા માટે એક આયનિકરણ સમીકરણ તારવ્યું જે સહા આયનીકરણ સમીકરણ તરીકે પણ ઓળખાય છે. આ સમીકરણની મદદથી આપણે અહીં બેઠા બેઠા દૂર-સુદૂરના તારાઓના વર્ણપટ ઉપરથી એ તારાઓનું તાપમાન અને પરિણામે બીજા ઘણા પરિમાણો જાણી શકીએ છીએ. એ સમયે પ્રખ્યાત એસ્ટ્રોફિઝિસિસ્ટ એવા સહા પહેલા અલ્હાબાદ યુનિવર્સીટી અને ત્યારબાદ કલકતા યુનિવર્સીટીના ભૌતિક શાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર હતા. એ સિવાય તેઓએ અનેક પ્રખ્યાત ઇન્સ્ટીટયુટ અને સોસાયટીની સ્થાપના પણ કરેલી. કલકત્તામાં તેમણે સ્થાપેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ આજે તેમના નામે સહા ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુક્લિયર ફિઝિક્સ તરીકે પ્રખ્યાત છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક હોવા ઉપરાંત તેઓ સામાજિક મુદ્દાઓ વિશે ખુબ સભાન અને વોકલ હતા અને એ ક્ષેત્રમાં સેવા કરવા તેઓએ 1951માં ભારતની પહેલી લોકસભાની ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ કલકત્તા સીટ ઉપર રિવોલ્યુશનરી સોસ્યાલિસ્ટ પાર્ટીના ટેકાથી ઉમેદવારી નોંધાવી. ચૂંટણી લડવા માટે ફંડની તંગી હતી તો તેઓએ પોતાની એક બુકના પબ્લીશર પાસેથી પાંચ હજાર રૂપિયા એડવાન્સ લઈને પ્રચાર કરેલો. એ ચૂંટણી જીતીને 1951 થી 1956 સુધી તેઓ સાંસદ રહ્યા. જો કે સંસદમાં તેઓએ પાર્ટીથી અંતર જાળવી રાખ્યું. તેઓએ પોતાના મુદ્દ્દાઓ અપક્ષ તરીકે જ રજુ કર્યા અને ઘણા વિષયો ઉપર બેધડક બોલ્યા. ભારતની નદીઓના પ્લાનિંગની શરૂઆતની રૂપરેખા તૈયાર કરવામાં તેઓએ સાંસદ તરીકે ખુબ મહત્વનું યોગદાન આપ્યું. પ્લાંનિંગ કમિશનનો કન્સેપ્ટ અને તેનું માળખું તૈયાર કરવામાં પણ તેમણે અગત્યનો ભાગ ભજવેલો.
ભારતીય સંસદની લોકસભામાં મેઘનાદ સહા સિવાય બીજા કોઈ જાણીતા વૈજ્ઞાનિકે પ્રતિનિધિત્વ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. આમ પણ વૈજ્ઞાનિકોની સામાન્ય છાપ એવી હોય કે તેઓ ક્રાઉડ પુલર ન હોય. માટે લોકો વચ્ચે જઈને વોટ મેળવવાનું એમના માટે સરળ ન હોય. અને આ માત્ર વિજ્ઞાન જ નહિ, કળા, સાહિત્ય, અર્થશાસ્ત્ર, શિક્ષણ કે સમાજસેવા જેવા અનેક ક્ષેત્રોને લાગુ પડે. એ માટે જ આપણી સંસદમાં રાજ્યસભા પણ છે જ્યાં આવા અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા નામી અને નિષ્ણાંત લોકોને સંસદમાં લો-મેકર તરીકે લાવી શકાય. અહીં, રાજ્યસભામાં 12 સભ્યોની નિમણુંક સીધી રાષ્ટ્રપતિ કરે જ્યારે બાકીના સભ્યો રાજ્યોમાંથી વિધાનસભ્યો દ્વારા ચૂંટીને મોકલવામાં આવે. રાજ્યસભાના સાંસદોની ચૂંટણી લોકો દ્વારા સીધી નહિ પણ ચૂંટાયેલા ધારાસભ્યો દ્વારા થતી હોવાથી સ્વાભાવિક છે કે આવા અન્ય ક્ષેત્રોના એક્સપર્ટ્સને સંસદમાં મોકલવા માટે આ જ રૂટ સરળ રહે. એટલે જ પોણી સદીના ઇતિહાસમાં મેઘનાદ સહા સિવાય લોકસભામાં બીજા કોઈ નામી વૈજ્ઞાનિક મારા ધ્યાનમાં નથી આવ્યા પરંતુ રાજ્યસભામાં કેટલાક જાણીતા નામ ધ્યાન પર આવ્યા.
સૌથી પહેલું નામ મેઘનાદ સહાના સહાધ્યાયી અને પહેલી જ ટર્મમાં સંસદમાં પણ સાથી એવા મહાન વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝનું આવ્યું. સત્યેન્દ્રનાથ બોઝ પણ ત્યારે ઓલરેડી આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ ખ્યાતનામ હતા. આઈન્સટાઈન સાથે તેમણે ડેવલપ કરેલું બોઝ-આઈન્સટાઈન સ્ટેટિસ્ટિકસ અને બોઝ આઈન્સટાઈન કન્ડેન્સેટની થિયરીને આખા વિશ્વમાં ક્વોન્ટમ મિકેનિક્સના પાયાના કન્સેપ્ટ્સ તરીકે જોવામાં આવે છે. એ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે વર્તન કરતા કણોને ખુદ પૌલ ડિરાકે બોઝના નામ ઉપરથી બોઝોન તરીકે ઓળખાવેલા. સત્યેદ્રનાથ બોઝને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરવામાં આવેલા. UGCની સ્થાપના માટેના બિલ ઉપર બોઝનું વ્યક્તવ્ય અને પ્રસ્તાવિત સંશોધન ભારતના ઉચ્ચ શિક્ષણની દિશા નક્કી કરવામાં એક મહત્વનો પ્રસંગ છે. 1952માં જ સત્યેન્દ્રનાથ બોઝની સાથે મેજર જનરલ સાહિબ સિંહ શોખેને પણ રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નોમિનેટ કરવામાં આવેલા. ડૉ. શોખે પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બાયોકેમિસ્ટ અને બ્રિટિશ ઇન્ડિયન આર્મીમાં મેડિકલ ડોક્ટર હતા. 1920ના દાયકામાં તેઓએ હાવર્ડ, ટોરન્ટો અને એડિનબર્ગ યુનિવર્સીટીમાં ઓટો ફોલીન, મેક્લોડ અને હોપકિન્સ જેવા નોબેલ લોરેટ્સ સાથે કામ કરેલું. અને 1925માં ભારત આવી અનેક મેડિકલ પ્રોગ્રામ્સ સંભાળ્યા. 1952માં જ્યારે તેમને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા ત્યારે તેઓ જીનિવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ADG હતા. સહા, બોઝ અને શોખે, ત્રણેય લગભગ સાથે સંસદ સભ્યો હતા અને ત્રણેય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાન વૈજ્ઞાનિક. સંસદમાં દલીલોનું લેવલ અને ક્વોલિટી વિચારી જુઓ.
જો કે ત્યાર બાદ ઘણા વર્ષો સુધી કોઈ વૈજ્ઞાનિક સંસદ સભ્ય બન્યા હોય તેવું મારા ધ્યાનમાં ન આવ્યું. 1956 પછી છેક 1990માં એમ જી કે મેનન રાજ્યસભામાં સાંસદ બન્યા. મેનન જો કે રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થઈને નહિ પણ રાજસ્થાનથી જનતા દળના વિધાનસભ્યો દ્વારા ચૂંટાઈને રાજ્યસભામાં આવ્યા હતા અને ત્યાર બાદ થોડા સમય માટે વિજ્ઞાન અને શિક્ષણ મંત્રી તરીકે પણ રહ્યા. હોમી ભાભાએ સ્થાપેલી TIFRને વર્લ્ડ ક્લાસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનો શ્રેય ઘણા અંશે મેનનને જાય છે. મેનન કદાચ એક માત્ર વૈજ્ઞાનિક છે જે રાજ્યસભામાં વિધાનસભ્યો દ્વારા ચૂંટાઈને આવેલા. ત્યાર બાદ 1997માં રાજા રામન્ના રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ થઈને રાજ્યસભામાં સાંસદ બન્યા. 1974માં પોખરણમાં ભારતનો પ્રથમ પરમાણુ વિસ્ફોટ ટેસ્ટ તેમની આગેવાનીમાં જ થયેલો. એ સિવાય એકવીસમી સદીના પ્રથમ દશકમાં 2003માં ઇસરોના પૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરીરંગન અને 2007માં ભારતની હરિત ક્રાંતિના પ્રણેતા એવા અગ્રિકલચરલ સાયન્ટિસ્ટ એમ. એસ. સ્વામીનાથન પણ રાષ્ટ્રપતિ દ્વારા જ રાજ્યસભામાં નોમિનેટ થયેલા.
આવા અલગ અલગ ક્ષેત્રોમાં પોતાના વિષયોની નિષ્ણાંત પ્રતિભાઓ સંસદમાં જઈ સરકારને જે તે ક્ષેત્રને લગતી પોલિસી બનાવવામાં માર્ગદર્શન કરે તે અત્યંત જરૂરી છે અને ખાસ કરીને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો અગ્રગામી સમાજ તૈયાર કરવો હોય તો સ્પષ્ટ બોલતા અને રેશનલ વિચારો નીડરતાથી રજુ કરતા વૈજ્ઞાનિકોને લો-મેકિંગ પ્રક્રિયામાં સાથે રાખવા જ જોઈએ. યુનિવર્સીટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ (UNSW)ની પ્રો-વાઇસ ચાન્સેલર એમ્મા જોહ્ન્સટનું એક ક્વોટ કોઈ લેખમાં વાંચેલું અને મને યાદ રહી ગયું હતું, જેનો ભાવાર્થ કઈંક આવો છે. "વૈજ્ઞાનિકોને તથ્યો અને આંકડાઓ પસંદ છે. તેઓને દૂરંદેશી અને તે માટેની પ્રક્રિયા પસંદ છે. માટે વિજ્ઞાન, એન્જીનીયરીંગ, ટેક્નોલોજી, ગણિત, કે મેડિસિન સાથે ટ્રેઈન થયેલા જેટલા વધુ લોકો રાજકારણમાં હશે તેટલી ચર્ચાઓ વધુ વાસ્તવિક અને તથ્યો આધારિત હશે. તમે આ વાંચતા હશો ત્યારે 18મી લોકસભા માટેની સામાન્ય ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું હશે અને આવતા પાંચ વર્ષો માટે આપણા માટે પોલિસીઝ અને કાયદાઓ બનાવવાનો અધિકાર આપણે 543 સભ્યોને આપી દીધો હશે. આશા રાખીયે કે તેઓ આ નિર્ણયો વૈજ્ઞાનિક અભિગમથી લે અને વધુ ને વધુ વૈજ્ઞાનિકોનો આ પ્રક્રિયામાં સમાવેશ કરે.
- વિપુલ ખેરાજ








