શતરંગ / ધર્મો એટલે શોષણવૃદ્ધિ કાર્યક્રમ અને શ્રદ્ધાનો ધંધો!
- અર્થ અને તંત્ર આજકાલ સંપત્તિની પુનર્વહેંચણીની ચર્ચા મોટા પ્રમાણમાં ચાલી રહી છે. જાણીતા ટ

- અર્થ અને તંત્ર
આજકાલ સંપત્તિની પુનર્વહેંચણીની ચર્ચા મોટા પ્રમાણમાં ચાલી રહી છે. જાણીતા ટેક્નોક્રેટ સામ પિત્રોડા દ્વારા વારસા વેરો નાખવા માટેની તરફેણ કરવામાં આવી અને તેમાંથી આ મુદ્દો ચગ્યો છે. સંપત્તિની પુનર્વહેંચણીનો અર્થ એ છે કે ધનવાનો પાસેથી તેમની સંપત્તિ થોડી લઈ લેવામાં આવે અને ગરીબોના લાભાર્થે સરકાર એ સંપત્તિ વાપરે. અમીરોની ભરચક અમીરી ખૂંચે છે તેનું એક મહત્ત્વનું કારણ એ છે કે ભારતમાં અને દુનિયામાં ભારે ગરીબી અને ભૂખમરો છે. અને એ બધું મનુષ્યનું સર્જન છે. કોઈક ધનવાન છે અને કોઈક ગરીબ છે એનું કારણ ભગવાન નથી પણ એનું કારણ મનુષ્યે જ સર્જેલી સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થાઓ છે. જો આ હકીકત સ્વીકારીએ તો એમ કહેવું પડે કે ગરીબી દૂર કરવાનું પણ મનુષ્યના હાથમાં છે.
પ્રશ્ન એ છે કે ગરીબોની ગરીબી દૂર કરે કોણ; અથવા દુનિયામાં જે અસમાનતા વ્યાપે છે તે ઘટાડે કોણ? સમાજમાં આર્થિક સમાનતા હોવી જોઈએ એ એક આદર્શ ગણાય છે. જો કે, સંપૂર્ણ આર્થિક સમાનતા શક્ય નથી, પણ અસમાનતા શક્ય તેટલી ઘટાડવાનું શક્ય છે. પણ એ કામ કરે કોણ? બધા ધર્મો એ કામ કરવામાં દુનિયાભરમાં સદીઓ વીતી છતાં નિષ્ફળ ગયા છે. ધર્મો સમાનતાના મસમોટા ઉપદેશો આપે છે ખરા, પણ ધર્મ ધૂરંધરોએ બધે જ ધર્મને રીતસર શ્રદ્ધાના એક ધંધામાં પરિવર્તિત કરી નાખ્યો છે. એટલે જેઓ ધનવાનો છે તેમણે મંદિર, મસ્જિદ, ચર્ચ, દેરાસર, પેગોડા વગેરેના બાંધકામમાં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા છે કે જેમાં બધા ધર્મોના સાધુઓ, મહારાજો, મૌલવીઓ અને પાદરીઓ વગેરે પોષાય છે.
એટલે એ કમને પણ સ્વીકારવું પડે તેમ છે કે શોષણને નાબૂદ કરવામાં અને શક્ય તેટલી આર્થિક અસમાનતા લાવવામાં ધર્મો કશું ઝાઝું ઉકાળી શક્યા જ નથી. હકીકત તો એ છે કે ધર્મોએ અને ધર્મધૂરંધરોએ આ અસમાનતાને પોષી છે અને ઉછેરી છે. તેઓ આ અસમાનતાના લાભાર્થી રહ્યા છે. ધર્મોએ શોષણમુક્તિનો નહિ પણ, શોષણવૃદ્ધિનો કાર્યક્રમ ચલાવેલો છે. ધર્મ દાનનો ઉપદેશ આપે છે. દાન કરવા માટેની રકમો અમીરો પાસેથી આવે છે. એટલે તેઓ કદી પણ અમીરોને એ સવાલ નહિ પૂછે કે તેઓ આટલા બધા અમીર કેવી રીતે થયા? દાન કરવાનું પવિત્ર ગણાય છે એટલે દાનમાં જે પૈસા આવે છે તે પણ પવિત્ર રસ્તે જ કમાવામાં આવ્યા છે એમ આસાનીથી સમજી લેવામાં આવે છે. પણ ખરેખર એવું તો હોતું જ નથી.
શોષણ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, એની સામે એક પણ ધર્મધૂરંધર બોલશે જ નહિ. એક દાખલો લઈએ. ભારતની સંસદમાં તા.૦૬-૦૮-૨૦૨૩ના રોજ આપવામાં આવેલી માહિતી અનુસાર દેશની બેંકોએ ૨૦૧૪-૨૩ના ગાળા દરમ્યાન રૂ. ૧૪.૫૭ લાખ કરોડની લોનની માંડવાળ કરી હતી. રીઝર્વ બેંકની માહિતી મુજબ બેંકોએ માત્ર ૨૦૨૨-૨૩માં રૂ. ૨.૦૯ લાખ કરોડની લોનની માંડવાળ કરી હતી તે સાથે છેલ્લાં પાંચ વર્ષમાં બેંકોએ રૂ. ૧૦.૫૭ લાખ કરોડની લોન માંડવાળ કરી હતી. છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન જે લોન માંડવાળ કરવામાં આવી હતી તેમાંથી ફક્ત ૧૮.૬ ટકા એટલે કે રૂ. ૧.૧ લાખ કરોડની લોનની જ બેંકો રિકવર કરી શકી હતી. આ રકમ ચ્યાંઉ કરી જનારા કોણ છે? રેલવે સ્ટેશન પર કે પછી ફૂટપાથ પર કોઈ ચા વેચનારો છે? કોઈ લારીમાં શાકભાજી વેચનારી બહેન છે?
હવે જરા જુઓ, બેંકો પાસે આ પૈસા આવ્યા હતા ક્યાંથી? ફેબ્રુઆરી-૨૦૨૨ની વિગત મુજબ બેંકોમાં ૪૮ કરોડ ખાતાં છે. તેમના ઉપરોક્ત પૈસા ચ્યાંઉ કરી ગયા કોણ? રિઝર્વ બેંક દ્વારા ૨૦૧૭માં આપવામાં આવેલી માહિતી મુજબ માત્ર ૧૨ કંપનીઓ એવી છે કે જેઓ ઉપરોક્ત ૧૫ લાખ કરોડમાંથી ચોથા ભાગની રકમ લઈ ગઈ છે. યાદ રાખો, કંપની એ કોઈ ભાવવાચક નામ નથી. કંપની એટલે તેના માલિકો. એટલે કે એ પૈસા એમના ખિસ્સામાં ગયા છે. આમ, ૪૮ કરોડ લોકોના પૈસા માત્ર ૧૨ કંપનીમાં જતા રહ્યા!
આ છે ખરી ન દેખાતી સંપત્તિની પુનર્વહેંચણી! બીજી ૪૮૮ કંપનીઓએ આ પૈસા ખાધા છે. જેમની કરોડો રૂપિયાની લોનની માંડવાળ થઈ હોય તેવા અનિલ અંબાણી સહિતનો એક પણ અબજોપતિ ફૂટપાથ પર આવીને રહેવા માંડ્યો હોય એવું તો બન્યું જ નથી. પૈસા અમીરો પાસેથી ગરીબો પાસે આવે છે એમ નહિ, પણ અહીં તો ઊંધું થાય છે; ગરીબો જ અમીરોને અમીર બનાવે છે. અથવા એમ કહી શકાય કે કરોડો લોકોના પૈસા બહુ થોડા લોકોના ખિસ્સામાં જમા થાય છે.
કોઈ પણ ધર્મના ધર્મધૂરંધરને આની કશી ગતાગમ પડે છે ખરી? તેઓ આને વિષે કશું બોલે ખરા? કદાચ એ શક્ય છે કે જે અમીરોએ બેંકોને પૈસા પાછા ન આપ્યા હોય તેમણે ધર્મધૂરંધરોને મોટું દાન આપ્યું હોય. જેનું તેઓ ખાય તેનું ખોદે કેવી રીતે? સંપત્તિની પુનર્વહેંચણી કરવાની વાત તેઓ કદી કરતા નથી અને કરશે પણ નહિ. તેઓ માત્ર દાનનો મહિમા ગાય છે કારણ કે એમાં એમનો પણ હિસ્સો હોય છે.
જેઓ ધનવાનો છે તેઓ વારસા વેરાના વિરોધી હોય તે અનિવાર્ય છે કારણ કે તેઓ પોતાના પગ પર કેવી રીતે કુહાડો મારે? ધર્મધૂરંધરો પણ તેને વિષે કશું જ ન કહે. ધર્મો જો નિષ્ફળ જાય, બજાર તો અસમાનતા વધારનારું હોય અને સમાજની વ્યવસ્થા પણ અસમાનતાને પોષનારી હોય તો પછી અસમાનતા ઘટાડવાની જવાબદારી કોની? છેલ્લી ચારેક સદી દરમ્યાન એમ સ્વીકારવામાં આવ્યું કે અસમાનતા ઘટાડવાની ગરીબોનું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની એટલે કે રાજ્યની છે કારણ કે રાજ્ય એ મનુષ્યોએ પોતે પોતાનાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે ઊભી કરેલી વ્યવસ્થા છે.
ભારતનું બંધારણ “અમે ભારતના લોકો” એવા શબ્દોથી શરૂ થાય છે. એટલે એમાં અત્યારે જે ૧૪૦ કરોડ જીવિત લોકો છે એ બધાનો સમાવેશ થાય છે. એ બધાનું કલ્યાણ કરવાની જવાબદારી બંધારણ દ્વારા રાજ્યને એટલે કે સરકારને સોંપવામાં આવી છે. બંધારણનું ચોથું પ્રકરણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું છે કે જેમાં રાજ્યને ગરીબોનું કલ્યાણ કરવાની અને બહુ થોડા લોકોના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ ન થાય તે જોવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે જો સરકાર વારસા વેરો નાખે તો તે આ સિદ્ધાંતો અનુસાર યોગ્ય જ છે.
મૂળ મુદ્દો એ છે કે જો ભારે અસમાનતા ઇચ્છનીય નથી એમ આપણે સમજતા હોઈએ તો પછી એને ધર્મને ભરોસે છોડી શકાય નહિ. તે ઘટાડવા માટે સરકારોએ પ્રયત્નો કરવા જ પડે. અમીરોની અમીરી ઓછી કર્યા સિવાય ગરીબોની ગરીબી ઓછી થાય અને અસમાનતા ઓછી થાય તે વાતમાં માલ નથી જ નથી! વારસા વેરો એનો એક આંશિક ઉપાય છે.
- હેમન્તકુમાર શાહ








