મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રામરાજ્ય માટે પરમાત્માએ મોકલેલા કોઈની જરૂર નથી

- અર્થ અને તંત્ર ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ અયોધ્યામાં આ વર્ષના પ્રથમ મહિનામાં નવા જ નિ

શતરંગ / રામરાજ્ય માટે પરમાત્માએ મોકલેલા કોઈની જરૂર નથી

- અર્થ અને તંત્ર

ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ અયોધ્યામાં આ વર્ષના પ્રથમ મહિનામાં નવા જ નિર્માણ પામેલા અધૂરા બાંધકામવાળા રામમંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થઈ. તેને પરિણામે દેશમાં રામરાજ્ય આવ્યું છે એવી વાતો પણ વહેતી થઈ કે પછી હવે રામરાજ્ય આવી જશે એમ પણ કહેવામાં આવતું રહ્યું. વાસ્તવમાં, રામ લંકામાં રાવણને મારીને અયોધ્યા પરત આવ્યા બાદ તેમનો રાજ્યાભિષેક થયો અને તેઓ રાજા બન્યા તે પછી રામે જે રાજ્ય ઊભું કર્યું તે રામરાજ્ય કહેવાય. 

વાલ્મીકિ રામાયણ રામકથા કહેનારો મૂળ ગ્રંથ છે અને તે પછીનો સૌથી લોકપ્રિય ગ્રંથ તુલસીદાસનો ‘રામચરિતમાનસ’ છે. આ ઉપરાંત ક્યાં રામકથા મળે છે અને તેમાં રામરાજ્ય વિશેના ઉલ્લેખો ક્યાં ક્યાં મળે છે તેને વિશેની છાનબીન કરીને રામરાજ્યનો મૂળ ખ્યાલ શો છે અને તેમાં રામની ભૂમિકા એક રાજા તરીકેની શી રહી છે તે સમજવાનું અગત્યનું છે. રામાયણમાં રાજ્ય નામની સંસ્થા કેવી હતી અને કેવી રીતે કામ કરતી હતી તે સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. એટલે રાજ્ય વિશેના જે ઉલ્લેખો રામાયણમાં મળે છે તે બધા પણ સૌએ સમજવા જોઈએ. 

રામરાજ્યને એક આદર્શ રાજ્ય તરીકે કલ્પવામાં આવે છે. તે એક એટલો બધો ભાવનાત્મક ખ્યાલ બની ગયો છે કે ખરેખર રામનું એ રાજ્ય કેવું હતું, રાજા તરીકે રામનું વર્તન કેવું હતું, તેમ જ એ રાજ્યમાં વહીવટ કેવી રીતે ચાલતો હતો તેને વિષે ભાગ્યે જ કશો વિચાર અત્યારે લોકો કરે છે. હકીકતમાં, રામરાજ્ય વિશેની અને તેના રાજા રામ દ્વારા થયેલા વહીવટ વિશેની વિગતો બહુ જ ઓછા પ્રમાણમાં વાલ્મીકિ અને તુલસીદાસના રામાયણમાં મળે છે. 

વાલ્મીકિ રામાયણ મૂળભૂત રીતે રામને એક આદર્શ મનુષ્ય તરીકે વર્ણવે છે, ભગવાન તરીકે નહિ કે ભગવાન વિષ્ણુના અવતાર તરીકે પણ નહિ. એટલે રાજવ્યવસ્થા મનુષ્યોએ પોતાનાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સલામતી માટે ઊભી કરેલી છે એ સમજવાની જરૂર રહે છે; કારણ કે વાલ્મીકિ રામાયણ અનુસાર રામ મનુષ્ય હતા. એમ કહીએ તો રામરાજ્ય કોઈ પણ જાતના ભેદભાવ વિના તમામ મનુષ્યોની નાગરિકો તરીકેની ચિંતા કરનારી વ્યવસ્થા બને.      

શાસનકર્તાઓ, રાજ્ય અને મનુષ્ય આદર્શ હોય અને મનુષ્ય સુખી થાય તેવી મનુષ્યની ઈચ્છા સદીઓથી રહી છે અને તેમાંથી જ રામરાજ્યનો ખ્યાલ ઉદ્ભવ્યો છે અને લોકપ્રિય બન્યો છે. રામરાજ્ય ખરેખર ઊભું કરવા માટે વર્તમાન શાસકોએ શું કરવું પડે અથવા શાસકોએ અને નાગરિકોએ હકીકતમાં જાતે કેવા થવું પડે તેને વિશેની યોગ્ય સમજ આપણે સૌએ કેળવવી જોઈએ.   

ભારતના નાગરિકો તરીકે આપણે સૌએ લાગણીઓના બહેકાવામાં આવ્યા વિના અને ધર્મ વિશેની વિવિધ માન્યતાઓને બાજુ પર મૂકીને રામ વિષે અને રામરાજ્ય વિષે બુદ્ધિપૂર્વક અને તર્કસંગત રીતે વિચારવાની જરૂર છે. મનુષ્યને મોટે ભાગે પોતાનો અને સમાજનો ભૂતકાળ હંમેશાં સારો અને વ્હાલો લાગતો હોય છે; પણ ભૂતકાળની કઈ બાબતો માનવ અધિકારો અને લોકશાહીનાં વર્તમાન મૂલ્યોના સંદર્ભમાં સારી અને ખરાબ, તેમ જ પ્રસ્તુત અને અપ્રસ્તુત; તેનો વિચાર કરવા જેટલી બુદ્ધિ કામે લગાડવાની આવશ્યકતા રહે જ છે; કારણ કે સમય, સંજોગો અને વિચારો બદલાયા છે.   

રામ ખરેખર થયા હતા કે નહિ તે મહત્ત્વનું છે જ નહિ, પણ એક આદર્શ મનુષ્ય તરીકેની રામ વિશેની જે કલ્પના કરવામાં આવી છે તે અગત્યની છે. રામ અને રામરાજ્ય વિશેનાં કલ્પના અને આદર્શનું મૂલ્યાંકન કરવામાં આપણે થોડી મહેનત કરવી પડે તેમ છે. ભારત નામના દેશની અસમાનતાને સહન કરનારી અને પોષનારી રાજ્ય સંસ્થાને વધુ માનવીય બનાવવા માટે પ્રયત્નશીલ બનવું પડે તેમ છે. રામ રાજા હતા અને આજે ભારતમાં લોકશાહી છે, એટલે એ દૃષ્ટિએ પણ આપણે રામરાજ્ય વિષે વિચારવાની પ્રાસંગિકતા છે. રામાયણમાં ઘણી વાર રામ કહે છે કે તેઓ મનુષ્ય છે. આપણે પણ મનુષ્ય છીએ એ નાતે મનુષ્ય એવા રામને અને તેમના રામરાજ્યને સમજીએ અને લોકશાહીમાં રામ ક્યાં બંધબેસતા થાય છે તેને વિષે વિચારીને માનવ અધિકારો સૌને પ્રાપ્ત થાય તે માટે પ્રવૃત્ત થઈએ તે મહત્ત્વનું છે. રામ આજે હયાત હોય તો તેઓ એમ જ કરે. 

માત્ર અયોધ્યામાં રામમંદિર બાંધવાથી રામરાજ્ય આવી જાય છે એવા ભ્રમમાંથી બહાર આવવાની જરૂર છે. નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી અને વિવેકાનંદ સ્મારકમાં ફોટોજનિક ધ્યાન ધર્યું એટલે રામરાજ્ય આવી જાય એવા ભ્રમમાં રહીએ તો ભારત નામના મહાન દેશનું ખરેખર જ સત્યાનાશ જશે. વર્તમાનમાં રામરાજ્યના ખ્યાલને બંધારણીય મૂલ્યો સાથે સંબંધ છે. બંધારણના આમુખમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિના ગૌરવને આદર્શો તરીકે પ્રસ્થાપેલા છે. એ આદર્શો ચરિતાર્થ થાય તો રામરાજ્ય આવ્યું કહેવાય. બંધારણમાં આ આદર્શો સિદ્ધ કરવા માટે નાગરિકોના જે મૂળભૂત અધિકારો લખેલા છે અને રાજ્યે શું કરવું તે માટે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લખેલા છે તેને ચરિતાર્થ કરવા પડે. 

રામરાજ્યનો અર્થ એ રીતે કોઈ ધર્મ સાથે સંકળાયેલો નથી. રામરાજ્ય એટલે હિન્દુઓનું રાજ્ય અને હિંદુ રાષ્ટ્ર એવું પણ નથી. કોઈ ધર્મને અને રામરાજ્યના આદર્શને આમ જોઈએ તો કશી લેવાદેવા નથી. મહાત્મા ગાંધીએ કહેલું કે, “રામરાજ્ય એટલે હિંદુ રાજ્ય નહિ, મારી પાસે રામ અને રહીમ બંને એક જ છે. મારો હિંદુ ધર્મ સર્વે ધર્મોને આદર આપવાનું શીખવે છે. એ જ રામરાજ્યનું રહસ્ય છે.” 

રામરાજ્ય તેથી કોઈ પણ ધર્મથી પર એવી શાસનવ્યવસ્થા છે કે જેમાં મનુષ્ય એક આઝાદ વ્યક્તિ તરીકે પોતાનો વિકાસ કરી શકે તેવી મોકળાશ છે. જો આપણે એવી મોકળાશ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં ઊભી કરવા પ્રયત્ન જ ન કરીએ તો પછી આપણને રામરાજ્ય વિષે વાત કરવાનો કશો અધિકાર રહેતો નથી. નરેન્દ્ર મોદીની કે બીજા કોઈ પણ નેતાની ભક્તિ કરવાથી કે રામભજન કરવાથી રામરાજ્ય આવી પડતું નથી. એને પરમાત્મા દ્વારા મોકલવામાં પણ આવતું નથી, એ તો નાગરિકોએ અને તેમની સરકારોએ જ ઊભું કરવાનું છે. 

એને માટે નાગરિકોએ સતત સરકારો તેમના અધિકારો ઝૂંટવી તો નથી લેતી ને તેનું ધ્યાન રાખવું પડે, કારણ કે એ જન્મસિદ્ધ અધિકારો જતા રહે તો મનુષ્ય એક જંતુ બની જાય. એ અર્થમાં રામરાજ્ય એટલે નાગરિકો પોતાના પાયાના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા માટેની ફરજ સૌ પ્રથમ બજાવે તે. નાગરિકોની સૌ પ્રથમ ફરજ જ પોતાના અધિકારોના રક્ષણ માટે લડતા રહેવાની છે, પછી ભલે ને એ બંધારણમાં લખવામાં ન આવી હોય. 

આ અર્થમાં મહાત્મા ગાંધીએ કહેલું તે યાદ રાખવાની જરૂર છે: “રામરાજ્ય એ સ્વરાજનો આદર્શ છે. એનો અર્થ   ધર્મનું રાજ્ય, અથવા ન્યાય અને પ્રેમનું રાજ્ય, અથવા અહિંસક સ્વરાજ અથવા પ્રજાનું સ્વરાજ.” આ રામરાજ્યની વ્યાપક અને આધુનિક વ્યાખ્યા છે. તેને માટે રામ જેવા રાજાની જરૂર નથી; ભગવાન વિષ્ણુના કોઈ અવતારની પણ જરૂર નથી; પરંતુ નાગરિકોના કલ્યાણ માટે કામ કરતા શાસકોની અને પોતાના અધિકારો માટે સતત લડતા રહેતા નાગરિકોની આવશ્યકતા છે. રામરાજ્ય પરમાત્મા નહિ મોકલે કારણ કે પરમાત્મા તો એક કલ્પના છે; પરમાત્માએ જેમને મોકલ્યા હોવાનો દાવો થાય છે તેમનાથી તો એ કદી પણ નહિ આવે; કારણ કે તેઓ તો યેનકેનપ્રકારેણ સત્તાની ખુરશી પાછળ પાગલ મનુષ્યો છે અને તેઓ તેને માટે તો કોઈ પણ આદર્શનો અને મનુષ્યોનો ભોગ લેવા હંમેશાં તૈયાર  જ હોય છે.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો