મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રામ ગુણ સુમિરન રતન ધન

- શબ્દ ઝણકાર नौमी तिथि मधु मास पुनीता। सुकल पच्छ अभिजित हरिप्रीता॥मध्यदिवस अति सीत न घामा। पावन काल लो

શતરંગ / રામ ગુણ સુમિરન રતન ધન

- શબ્દ ઝણકાર

नौमी तिथि मधु मास पुनीता। सुकल पच्छ अभिजित हरिप्रीता॥
मध्यदिवस अति सीत न घामा। पावन काल लोक बिश्रामा॥

     ચૈત્ર સુદ નોમ એટલે આખી ધરતી સોળે શણગાર સજી રઘુકુળ નંદનને આવકરવાનો દિવસ. માતા કૌશલ્યાના કુખે જન્મ્યાં સમગ્ર સૃષ્ટિ ના પાલનહાર, નમ્રતાનાં ગુણ, સભ્યતાનો સાર આપનાર એવાં આત્મારામ એટલે કે આપણા સૌ કોઈનાં રામ જે સગુણ બ્રહ્મા રૂપમાં સુંદર એવાં અયોધ્યા ધામનાં રાજા ભગવાન શ્રી રામ. આમ તો ‘રામ’ શબ્દ ‘રમ્ય’ ધાતુ પરથી આવ્યો અને આ રમ્ય એટલે આપણા સૌના હૈયામાં રમણ કરનાર ભગવાન શ્રી રામ. હવે રામ એટલે કોણ? તો રામ એટલે; અહલ્યાનો અવધાર કરનાર, વિશ્વામિત્રનો પ્રિયજન, રાવણનો કાળ, સુગ્રીવનો પરમ સખા, શબરીના પ્રભુ, પતિત પાવન સીતાના રામ. સમગ્ર હિન્દૂ ધર્મનો આધાર એટલે મર્યાદા પુરુષોત્તમ રામ.

     રામ સંસ્કાર છે. દયાના સાગર છે. અશાંતિને અળગી કરે એ સુખરૂપ નામ એટલે રામ. જ્યાં રામ છે ત્યાં હંમેશા પ્રતીક્ષા એના ખોળે ખૂંદતી રહી છે. રામની ફક્ત પ્રજા જ નહીં, શબરી, અહલ્યા, રાવણ પણ રાહ જુએ છે. શબરીની આંખોમાં તો ભગવાન શ્રી રામના પહેલેથી જ પ્રતીક્ષા આંખ્યુંના ઓજસમાં હતી. એના હૈયામાં પ્રતીક્ષાના સ્પંદન છે. સૌમ્ય જોશીએ પ્રતીક્ષાને કેવી સરસ રીતે સાધી છે; “રામ એકદા પાછો જઈ તું ચાખજે એ પણ, બોર જેટલાં આંસુઓ સારે શબરી.”

     રામ એક જીવન નિષ્ઠ પુરુષ જે જીવનનાં તમામ તમામ પાસાંઓને ચાહે છે અને પુરી નિસ્બત પૂર્વક નિભાવી જાણે છે. રામનાં બધાજ પાસાંઓ આજે પણ એટલાં જ અકબંધ રહ્યાં છે. પછી એ રામની પિતૃભક્તિ હોય, ગુરુ ભક્તિ હોય, ભાતૃભક્તિ હોય, મિત્રપ્રેમ હોય, રાજા રામ, રાજનેતા રામ હોય કે દામ્પત્ય જીવનમાં પતિ રામ હોય. આ તમામ પાસાંઓને ચકાસવા અને વિચારમંથન કરવા જેવા છે. જીવનની દરેક પરિસ્થિતિમાં તેમનો સ્થાયી ભાવ ‘અનાસક્તિ’નો રહ્યો છે.

     એટલે જ અહીં મારે શૂન્ય પાલનપુરી ને યાદ કરવાજ પડે : “હરણ સીતાઓનું ફક્ત માત્ર એક બહાનું છે, બધાજ રાવણો અંતે ઢળે છે રામ તરફ.”

     રામચંદ્રને આદિકવિ વાલ્મિકીએ રામને ‘અકાળ પુરુષ’ કહ્યા છે. અકાળ એટલે કે, જેને કોઈ પણ કાળ અસ્ત ન કરે તે. રામ પાસેથી કેટલું પ્રેરકબળ આપણને મળે છે : રામ પાસે સત્ય છે, સભ્યતા છે, વચન છે, આચરણ છે, મર્યાદા છે, સંસ્કાર છે, શુભ અને સારા વિચારો નું વૃંદાવન છે, રામસેતુ છે. આપણે કોઈના જીવનનો રામસેતુ બનીએ જેમાં નીડરતાથી અને વિવેકપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી જીવન રૂપી સાગર માંથી તરી જવા કરતાં તારી શકીએ.

ભગવાન શ્રી રામ પાસેથી શીખવા જેવા 8 જીવન મંત્રો:

1. સત્યને હંમેશા વળગી રહેવું.
2. દરેક માટે આદર ભાવ રાખવો.
3. ભાવાત્મક નિપુણતા કેળવવી.
4 . પ્રેમ અને સમર્પણ.
5. જીવનના પડકારોનો સામનો નીડરતાથી કરવો.
6. શીખવાની પ્રતિબદ્ધતા.
7. મજબૂત સબંધો બનાવવા.
8. દયા અને કરુણા.

     રામના વર્તનનું, સમર્પણનું, સંસ્કારનું સાચું સુખ આપણી ભીતર પ્રગટે તો આપણા મનમાં જ રામલલ્લા જેનાં કપાળે સૂર્યતિલક છે. જે સ્વયં અંતર ચેતનાથી જીવનને પ્રકાશ આપે છે એવા ખુદ શ્રી રામ પ્રસન્ન થશે. સાચી રામનવમી તો એ છે જ્યારે આપણે રામનાં તમામ ગુણોનું ધ્યાન ધરી આત્મા રૂપી રામને સત્ય,પ્રેમ અને કરુણાથી આપણાં જીવનમાં આત્મસાત કરીએ.

છેલ્લે એ વાતે પૂર્ણ કરીશ, રઘુવંશને આરંભે આદિકવિ વાલ્મિકી એક વાત મૂકે છે;

     “ક્યાં એ મહાન સૂર્યવંશ અને ક્યાં મારી અલ્પમતિ. તેમ છતાં હું એનાં ઉપર કવિતા રચવા તૈયાર થયો છું એ મારો પ્રયત્ન વિશાળ સાગરમાં કાગળની હોળી તરાવવા જેવો છે.” જેનાં મનમાં શ્રી રામ નામ વસે છે, સંસારમાં એમનું શુભ થાઓ, કલ્યાણ થાઓ એજ દિવ્યમયી પ્રાર્થના સહ આપ સૌને રામ પૂર્વક જય સિયારામ.

- પાયલ અંતાણી

આ સમાચાર શેર કરો