મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભાજપ સરકારે મનાવી પ્રાણઘાતક આગની પાંચમી વર્ષગાંઠ

- અર્થ અને તંત્ર રાજકોટમાં ભાજપની ત્રિપલ એન્જિન સરકાર

શતરંગ / ભાજપ સરકારે મનાવી પ્રાણઘાતક આગની પાંચમી વર્ષગાંઠ

- અર્થ અને તંત્ર

રાજકોટમાં ભાજપની ત્રિપલ એન્જિન સરકાર છે. એટલે એ તો એકદમ કાર્યક્ષમ હોવી જોઈએ. પણ એ તો સાવ જ પાંગળી નીકળી. પ્રશ્ન એ છે કે શું રાજકોટ મહાનગરપાલિકા એ પ્રેમ, દયા, કરુણા વગેરે જેવું ભાવવાચક નામ છે? એમાં કામ કરનારા અધિકારીઓ, મેયર અને નગરસેવકો માણસો છે કે પછી અદૃશ્ય પરમાત્મા છે? એ બધામાંથી કોઈને પણ કશો દાખલો બેસે એવી સજા આ આગ લાગી તે સબબ થશે ખરી? સવાલ બેદરકારીનો નથી સવાલ કુશાસનનો છે. 

સવાલ એ છે કે મહાનગરપાલિકાએ જે ટીઆરપી ગેમ ઝોનને મંજૂરી આપેલી તેમાં આગ ન લાગે તેની કોઈ વ્યવસ્થા હતી કે નહિ? તેમાં કેટલા લોકો એકસાથે જવા જોઈએ તેવો કોઈ નિયમ રાખેલો કે નહિ? જો આગ લાગે તો તત્કાલ તે ઓલવી શકાય તેની વ્યવસ્થા હતી કે નહિ? જરૂરી વહીવટી મંજૂરીઓ કોણે આપેલી અને કેવી રીતે આપેલી? કોના દબાણથી પૂરતી કાળજી લીધા વિના જ મંજૂરીઓ અપાયેલી હતી? ટીઆરપી ગેમ ઝોનને મંજૂરીઓ આપવામાં માત્ર રાજકીય દબાણ હતું કે પછી નાણાકીય ભ્રષ્ટાચાર પણ હતો? આ અને આવા અનેક સવાલો ઊભા થાય છે અને તેમના જવાબો ગુજરાતના ભારતીય નાગરિકોએ માગવાની જરૂર છે. 

ગુજરાતના નાગરિકો એ ભૂલી ગયા છે કે તેઓ પહેલાં મનુષ્યો છે, ભારતના નાગરિકો છે અને તેમનો જીવન જીવવાનો અધિકાર ભારતના બંધારણમાં કલમ-૨૧માં લખેલો છે કે જે ગુજરાત સરકાર તેમને શાંતિથી ભોગવવા દેતી નથી. તેઓ પહેલાં નાગરિકો છે અને પછી હિંદુ કે મુસલમાન છે એ પણ ગુજરાતના નાગરિકો ભૂલી ગયા છે. તેઓ એ પણ ભૂલી ગયા છે કે જે સરકાર આવી દુર્ઘટનાઓ થયા છતાં પણ શાસન વ્યવસ્થામાં સુધારા ન કરે તેને ચૂંટણીમાં તો હાંકી કાઢી શકાય તેમ હોય છે જ. 

રાજકોટમાં સુરતની આગની પાંચમી વર્ષગાંઠની ઉજવણી થઈ આશરે ૨૪ બાળકોનો ભોગ લઈને. સુરતમાં બરાબર પાંચ વર્ષ પહેલાં ૨૦૧૯માં ૨૪મી મેના રોજ તક્ષશિલા મકાનમાં એક ટ્યુશન ક્લાસમાં આગ લાગેલી અને તેમાં યુવાન વિદ્યાર્થીઓનો ભોગ લેવાયેલો. રાજકોટમાં આજે ૨૫મી મેના રોજ લાગેલી આગે બાળકોનો ભોગ લીધો હોવાનું અત્યારે જણાવાય છે. બાળકો અને યુવાનો દેશનું ભવિષ્ય છે એમ  કહેવામાં આવે છે પણ તે હવે આગમાં હોમી રહ્યું છે. મોરબીનો પુલ તૂટી ગયો અને તેમાં ૧૩૪ વ્યક્તિઓનો ભોગ લેવાયેલો તે ઘટના હજુ બહુ દૂરની ઘટના નથી. વડોદરામાં બોટ ઊંધી વળી અને બાળકો સહિત ૧૪ જણા ડૂબી ગયા એ ઘટના હજુ બહુ દૂરની નથી. 

પ્રશ્ન એ છે કે આ ઘટનાઓ બને છે અને શાસન તંત્ર ઊંઘતું જ રહે છે. કારણ કે ગુજરાતની ભાજપ સરકારને ખબર છે કે તેને હિંદુઓ મત આપવાના જ છે. સુરતની ઘટનાના લગભગ બધા આરોપીઓ અત્યારે જામીન પર છૂટેલા જ છે. મોરબીની ઘટનામાં તો મોટું માથું સામેલ હતું એટલે ખાસ્સો હોબાળો થયો. પણ જેમના જાન ગયા તે તો ગયા જ. તેઓ ક્યાં પાછા આ પૃથ્વી પર પાછા આવી શકવાના છે અને તેમનાં સગાંવહાલાને જે ખોટ પડી હોય છે તે તો સરકાર થોડાક લાખ રૂપિયા આપીને પૂરી દઈને સંતોષ માની લે છે. 

જ્યાં સુધી આવી ઘટનાઓના વહીવટી અને રાજકીય દોષિતોને આકરી સજા ન થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બન્યા જ કરશે એ નક્કી છે. સુરતનો તક્ષશિલા કેસ હજુ ચાલે છે, ક્યાં સુધી ચાલશે એની ખબર નથી. ગુજરાત સરકારને પણ એની ચિંતા નથી. ન્યાયની વાત તો બાજુ પર રહી, પણ સરકારમાં બેઠેલાઓની સંવેદનશીલતા જ મરી પરવારી છે. મુખ્ય પ્રધાન કે વિધાનસભ્યો કે પ્રધાનો હવે હોસ્પિટલના આંટા મારે, મૃતકોના પરિવારજનોને મળવા જાય અને મગરનાં આંસુ સારે તે સંવેદનશીલતા ન કહેવાય. એ તો ત્યારે કહેવાય કે જયારે આવી ઘટનાઓ ફરી ન બને તેની જડબેસલાક વ્યવસ્થાઓ થાય. 

જ્યાં નાણાકીય અને રાજકીય ભ્રષ્ટતા છે ત્યાં સરકાર સંવેદનશીલ હોઈ શકે જ નહિ. મોરબી, સુરત, વડોદરા અને રાજકોટની ઘટનાઓ એ પુરવાર કરે છે કે ત્રિપલ એન્જીન સરકારમાં બધા ડબ્બા જ છે અને એન્જિનતો પરમાત્માએ મોકલેલું છે એટલે મૃતકો હવે ઉપર જઈને જ પરમાત્માને જ સીધો સવાલ પૂછશે કે આવું એન્જિન કેમ મોકલ્યું?  

હવે જે આવા ગેમ ઝોન ગુજરાતમાં છે ત્યાં કે જ્યાં બધા જાતજાતના મેળાઓ અને સર્કસ વગેરે ભરાયેલા છે ત્યાં કશી ચકાસણી થશે ખરી અને દુર્ઘટનાઓ ન થાય એને માટે સખ્ત પગલાં લેવાશે ખરાં? એ બધા તત્કાલ બંધ કરી દેવાય તે જરૂરી છે. જિંદગીમાં આનંદ મનાવવા કરતાં જિંદગી પોતે વધુ મહત્ત્વની ચીજ છે.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો