શતરંગ / વરસાદ, વિરહ અને વિષાદ!
- જોગીજ્ઞાન એ વિજ્ઞાનની વાતો ઘડીભર બાજુએ મૂકી દેવાની કે વરસાદ કે ભેજવાળા વાતાવરણમાં સૂર્યના કિરણો શરીર સુધી પ

- જોગીજ્ઞાન
એ વિજ્ઞાનની વાતો ઘડીભર બાજુએ મૂકી દેવાની કે વરસાદ કે ભેજવાળા વાતાવરણમાં સૂર્યના કિરણો શરીર સુધી પહોંચતા નથી, અને વિટામિન ડી મળતું નથી. પરિણામે મગજમાં સેરેટોનિન લેવલ ઘટવાથી ડિપ્રેશન આવે છે.
એ મહાન અંગ્રેજ લેખકોની વાત પણ જવા દો જેમણે બારેમાસ સૂરજના અભાવમાં વિષદગ્રસ્ત થઈ થઈને જગતભરની શ્રેષ્ઠ ડિટેકટિવ નોવેલ લખી દીધી. વાત એ ફિલ્મી દુનિયાની પણ કોરાણે મુકો જેમાં દુઃખ કે આઘાતના સીન સાથે બોઝીલ સાંજે કે અંધારી રાતો કે વરસતો વરસાદ બતાવવો ફરજિયાત હતો.
જ્ઞાન તો એ મૂળ લેટિન શબ્દ "ડીપ્રાઇમર"નું પણ નથી જોતું કે જેનો અર્થ "નીચે દબાઈ જવું" થાય અને ડાહ્યા જ્ઞાનીઓએ એને અંગ્રેજીમાં ડિપ્રેશન જેવા સુંવાળા શબ્દ તરીકે આયાત કરી લીધો. ભારતના ચોમાસામાં જ્યાં મેઘરાજા માટે પણ સાંબેલાધાર અને મુશળધાર જેવા ભારેખમ અને ઇમ્પ્રેસિવ અલંકાર લોકજીભે ચડી ગયા હોય ત્યારે સંસ્કૃતિપ્રેમીઓએ એક જ શબ્દ યાદ રાખવો- વિષાદ! વિષાદ એટલે અંગ્રેજીમાં કહીએ તો "ગ્રેટ અનહેપ્પીનેસ.' અને સરળ ગુજરાતીમાં કહીએ તો ગમગીની કે નિરાશા. એમાં કોઈ ભૌતિક દુઃખ નથી હોતું, બસ મનને પજવતું કશુંક નિર્દોષ અને સરળ એવું દુષ્ટ તત્વ!
વાત "વ" થી વરસાદની કરીએ કે "વ" થી વિષાદની. તો એ બન્નેની વચ્ચે સેન્ડવીચમાંના બફાઈ ગયેલા બટાકાની જેમ એકરસ થઈ ગયેલા જેવા "વિરહ"ની પણ થવી જોઈએ. વિરહ તો આપણને ભારતીયોને પ્રભુ શ્રીરામથી વાયા કાલિદાસ થઈને આજ સુધીના સાહિત્યએ આપેલો અમૂલ્ય વારસો છે. સીતાના વિરહમાં આંખોમાંથી મેઘાશ્રુ (મેઘ વત્તાઅશ્રુ) વરસાવતા અને હાંફળા થઈને "પત્તા પત્તા બુટા બુટા હાલ હમારા જાને હૈ..." પણ આપણે જ છીએ. પત્નીની વેદનામાં દુબળા અને કાળા પડી ગયેલા યક્ષના સંતાનો પણ આપણે જ છીએ...
કૌન કમ્બખ્ત બરદાસ્ત કરને કો પીતાં હૈ કહીને વરસાદી રસ્તા પર લપસી ગયેલા દેવદાસ પણ આપણે જ છીએ, બારીમાંથી વરસતા વરસાદને જોઈને કોઈના વિરહમાં ગાતા "લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ..." વિનોદ ખન્ના ભી હમ અને મેઘને જ મેસેન્જર બનાવીને, "તેરા નામ મૈને લિયા હૈ યહાં, મૂજે યાદ તૂને કિયા હૈ વહાં..." ગણગણીને દિલ કે ખુશ રખને કો યે ખ્યાલ અચ્છા હૈ સમજતા પણ અમલ ન કરી શકતા પણ આપણે જ છીએ!
ખૈર, વરસાદી ઋતુમાં પોલી જમીનમાંથી દેડકાઓ જ બહાર નથી આવતા ફક્ત, દિલના પોલાણમાં ધરબાઈ ગયેલા ભવ્ય ભૂતકાળો પણ લાવરસની જેમ ફાટીને બહાર ઉડતા હોય છે. વિષાદ કોઈ લાખો પ્રકાશવર્ષ દૂર રહેલા સૂરજના કિરણો ના સ્પર્શી શકયાનો નથી હોતો, હાથવેંતમાં આવી ગયેલ કોઈ હાથને ના પકડી શકાયાનો પણ હોય છે. ફરક ફક્ત એટલો જ છે કે આખુ વરસ પાણી પી પીને ધરાઈ ગયેલા વાદળો ફાટવાનો અવાજ બધાને સંભળાય છે, અને સુકાય ગયેલી ધરતીની માફક દુષ્કાળગ્રસ્ત હ્રદયમાં પડી ગયેલા ચીરાઓ મૂંગા હોય છે.
વરસાદ, વિરહ અને વિષાદની વિશેષતા કહો કે સામ્યતા. ત્રણેય એકબીજાને સમાંતર લાગતા હોવા છતાં સમરસ છે, બારેમાસી આમ હોતા નથી, પણ લાગે છે અવિનાશી. એ આમ તો આનંદ સંસારી છે, પણ એના ગુણ સંન્યાસી હોય છે. જયારે વરસતા વરસાદમાં બહારથી નહાતા પણ અંદરથી નિચોવાતા કોઈ વિષાદગ્રસ્ત પુરુષ કે વિરહથી પીડિત સ્ત્રીને બોધીવૃક્ષની નીચે બેસેલા બુદ્ધની જેમ સમજણ ઊગી હશે કે- ભલે બધું લાગે છે છલોછલ પણ, હકીકતમાં છે બહુ અવકાશી!
- ડૉ. ભગીરથ જોગિયા








