શતરંગ / મેગાપીક્સલની માથાકૂટ મૂકો, કેમેરામાં સારા ફોટા પાડવા હોય તો આટલું જાણી લો
- ટેક્નોપુરાણ &nb

- ટેક્નોપુરાણ
હમણાં કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા અને એ વખતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો જેમાં લખેલ હતું કે નવ્વાણુ ટકા રિલ બનાવનાર અને એક ટકા ભક્તો છે. કારણ પણ વ્યાજબી છે કેમ કે, એ વિડિયોમાં માત્રને માત્ર મોબાઈલ અને કેમેરા જ દેખાતા હતા. હવે આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને એમાંય મોબાઇલમાં કેમેરો તો ગજબ જ જોઈએ.માટે જ્યારે કોઈને પણ મોબાઈલ લેવાનો હોય એટલે સૌથી મોટી માથાકૂટ હોય કે કયો ફોન લેવો કે જેમાં કેમેરો જોરદાર હોય અને ઝક્કાસ ફોટા પાડી સોશિયલ મીડિયામાં સોટ્ટા પાડી શકાય.પણ કયા ફોનનો કેમેરો સારો છે એ ખબર કેવી રીતે પડે? તમને થતું હશે કે મેગાપીક્સલથી. પણ એ વાત પૂરેપૂરી સાચી નથી. તો ચાલે જાણીએ, આ શું છે મેગાપીક્સલની માથાકૂટ
મેગાપીક્સલ શું છે અને કેટલા જરૂરી છે?
ઘણા ઓછા લોકોને ખબર હશે કે મેગાપીક્સલનું પૂરું નામ મિલિયન પીક્સલ એટલે કે દસ લાખ પીક્સલ. પીક્સલ એક પ્રકારનું મેઝરમેંટ યુનિટ છે. દરેક કેમેરામાં નીચે એક સેન્સર લાગેલ હોય છે જેમાં પીક્સલ આવેલા હોય છે જે દરેક ફોટાની લાઇટ,બ્રાઇટનેસ અને કોન્ટ્રાસ્ટને કેપ્ચર કરે છે. જેના લીધે થઈને ફોટોની ક્વોલિટી સારી આવે છે. એનો મતલબ એમ કે જે કેમેરામાં જેટલા વધારે મેગાપીક્સલ હશે એમાં એટલી વધુ ડિટેલિંગ હશે. ધારો કે એક કેમેરામાં બાર મેગાપીક્સલ છે અને બીજામાં એકસોવીસ તો એકસોવીસ મેગાપીક્સલ વાળા કેમેરામાં વધારે પીક્સલ વધારે ડિટેલ કેપ્ચર કરી શકાય. ટૂંકમાં કહીએ તો ઓછા મેગાપીક્સલમાં લીધેલ ફોટો ફાટી જશે જ્યારે વધારે મેગાપિક્સલમાં ફોટો ફાટશે નહીં.
પરંતુ એવું ના વિચારતા કે વધારે મેગાપીક્સલના લીધે ફોટોની ક્વોલિટી સારી જ હશે કારણકે, એપલના ફોનમાં માત્ર બાર મેગાપીક્સલના કેમેરા હોવા છતા તેમાં બીજા વધારે પીક્સલ વાળા કેમેરા કરતાં ફોટા સારા આવે છે. કારણકે સારી ગુણવત્તાના ફોટોમાં સેન્સર મહત્વની ભૂમિકા ભજવે છે. કેમેરામાં જેટલું મોટું સેન્સર એટલી ફોટોની ક્વોલિટી સારી. સાથેજ સેન્સરની અંદર રહેલ ફોટોસાઇટસ મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલી મોટી ફોટોસાઇટ હશે એટલી સારી રીતે કેમેરા લાઇટ અને બીજી ફોટોની ડિટેલ્સ કેપ્ચર કરી શકશે. ઉદા. તરીકે 1/2.7 ઇંચના સેન્સરમાં 5.37 x 4.04 x 6.72 ના ઈમેજિંગ એરિયા ડાયમેન્સન હોય છે. જ્યારે સોનીના APS-C સેન્સરમાં 23.6 x 15.8 x 28.4 ના ઈમેજિંગ એરિયા ડાયમેન્સન હોય છે. આ ઉપરથી સમજાણુ હશે કે એક સાદા મોબાઈલના કેમેરા કરતાં સોનીના સેન્સર વાળો કેમેરો કેવી રીતે સારું રિઝલ્ટ આપે છે.
સેન્સરના ફોટોસાઇટની જે સરફેસ હોય છે એ જેટલી મોટી હશે એ એટલા વધારે ફોટોન (પાર્ટીકલ ઓફ લાઇટ) કેપ્ચર કરી શકશે અને એટલી વધારે માહિતી એકઠી કરી શકશે અને ડેટા પ્રોસેસ કરીને સારી ક્વોલિટીની ઇમેજ તૈયાર કરી શકશે. માટે હવે જો ફોન કે કેમેરો લેવાનું વિચારતા હોય તો મેગાપીક્સલ કરતાં સેન્સર પર વધારે ધ્યાન આપજો જેથી સારી ક્વોલિટીના ફોટો મેળવવી શકાય.
- મહેશ રાજગોર








