શતરંગ / બ્રિટિશરોના આગમન પૂર્વે ગુજરાતમાં રાજકીય અને વહીવટી વ્યવસ્થા
- ઇતિહાસ ગાથા ગરવી ગુર્જર ભૂમિએ સમયાંતરે અનેક આક્રમણો અને પ

- ઇતિહાસ ગાથા
ગરવી ગુર્જર ભૂમિએ સમયાંતરે અનેક આક્રમણો અને પરિવર્તનો જોયા છે. સત્તા માટેની લડાઈઓ, બદલાતી વ્યવસ્થા અને પોતાનું બદલાતું સ્વરૂપ જોયું છે. ભારતની ભોમમાં રહેલી આ ઝાઝેરી ગુજરાતનું બ્રિટિશ શાસન કાળ પૂર્વેનું રાજકીય સ્વરૂપ જોઈએ તો આપણને તેના અનેક બદલાતા સ્વરૂપો જોવા મળશે. પ્રાચીન કાળમાં ગુજરાત એ ‘ગુજરાત’ તરીકે ઓળખાતો કોઈ પ્રદેશ ન હતો અને તેની સીમાઓ પણ નિશ્ચિત ન હતી. સૌરાષ્ટ્ર વિસ્તાર એ જ નામથી ઓળખાતો હતો, જયારે ઉત્તર ગુજરાત ‘આનર્ત’ તરીકે અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત ‘લાટ’ તરીકે ઓળખાતા હતા. જેની સીમાઓમાં સમયાંતરે ફેરફાર થતો રહ્યો.
ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે જેની ગણના થાય છે એ સમયગાળામાં સોલંકી વંશના શાસક મૂળરાજે સત્યપુર (સાંચોર) મંડલથી સારસ્વત મંડલ સુધી પોતાની સત્તા વિસ્તારી ત્યારથી હાલના ઉત્તર ગુજરાતને ‘ગુર્જરદેશ’ એવું નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે. જે સમય જતાં હાલના સમસ્ત ગુજરાતને લાગુ પડ્યું. મુઘલકાળ દરમિયાન દિલ્હીના બાદશાહે માળવા અને ખાનદેશ જેવા અનેક પ્રદેશોનો ગુજરાતમાં સમાવેશ કરીને તેનો વહીવટ એક જ સૂબા હેઠળ કરવાનું નક્કી કર્યું. જેને ગુજરાતનો સૂબો કહેતા હતા. ગુજરાતના ફારસી ઇતિહાસનું પુસ્તક મિરાતે
અહમદીમાં ગુજરાતના સુલતાનોના સમયમાં ગુજરાત 25 સરકારોનું બનેલું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પાછળથી અકબરના શાસન હેઠળ તેનું 16 સરકારોમાં ફરી વિભાજન કરાયું હતું. આમ, ગુજરાતનો કોઈ પણ ભાગ રાજકીય રીતે કોઈ નિશ્ચિત સીમારેખા ધરાવતો ન હતો. વારંવારના આક્રમણો અને સત્તાના સંઘર્ષ વચ્ચે સીમાડાઓ પણ વિસ્તરતા અને સંકોચાતા રહેતા. ગુજરાતમાં વારંવાર શાસકો બદલાતા રહેતા હોવા છતાં નાના નાના વિસ્તારોમાં સ્થાનિક ઠાકોરો અને નવાબોની કાયમી સત્તા રહેતી. કાઠીયાવાડમાં મુખ્યત્વે ઠાકોરો અને ખેડૂતોની વસ્તી હતી. જેમાં,
ઠાકોરોમાં રાજપૂતો બળના આધારે પ્રભુત્વ ધરાવતા હતા.
દરેક રાજ્ય પોતાની અલગ વહીવટી વ્યવસ્થા ધરાવતું હતું. ગુજરાતનો સૂબો સંભાળનાર સૂબેદારની નિમણૂક દિલ્હીથી થતી અને તેને અમુક લશ્કરી સત્તા પણ આપવામાં આવતી હતી. તેને જમીનદારો પાસેથી ખંડણી ઉપરાંત રોકડ રકમ અને જમીન મળતી હતી. સૂબેદારથી નીચેનું સ્થાન દીવાનનું હતું. જે મહેસૂલ ખાતાનો વડો કહેવાતો. મંત્રી, પોલીસ, ખજાનચી, દારોગા, કારકુન વગેરે કચેરીનો વહીવટ સંભાળતા હતા. ન્યાય વ્યવસ્થા માટે વકીલ, ન્યાયાધીશ, કાઝી, બક્ષી વગેરેની નિમણૂક કરવામાં આવતી. નોકરીનું પદ મોટાભાગે વારસાગત મળતું હતું. નવી ભરતીમાં પણ ઓળખાણને ધ્યાનમાં લેવામાં આવતી. મોટી સેવાના બદલામાં જાગીર આપવામાં આવતી હતી અને નિવૃત્તિ, બઢતી કે
અન્ય કોઈ નિયમોનું માળખું જોવા મળતું ન હતું. વહીવટી પદ્ધતિમાં જ્યાં મુખ્ય સત્તાનું નિયંત્રણ નબળું હોય, ત્યાં વહીવટકર્તાઓ મરજી મુજબનું વર્તન કરતા.
ન્યાય વ્યવસ્થામાં ગામડાઓમાં મોટાભાગે જ્ઞાતિ પંચાયતોની જ ભૂમિકા રહેતી. હિંદુઓ અને મુસ્લિમોને તેમના ધર્મગ્રંથો અને શાસ્ત્રોના આધારે ન્યાય મળતો. જયારે ગ્રામપંચાયત ધરાવતા ગામમાં પંચ જ ન્યાય કરતુ. અમુક કિસ્સાઓમાં કાઝીની જરૂર રહેતી. અમુક વિસ્તારોમાં ત્યાંના નગરશેઠ કે કોઈ શ્રેષ્ઠી ન્યાય કરતા. ન્યાય અગ્નિપરીક્ષા, કસોટી કે સોગંદ દ્વારા પણ કરવામાં આવતો. ટૂંકમાં, ન્યાય માટે કોઈ સર્વમાન્ય બંધારણ ન હતું. વ્યક્તિનો ધર્મ, તેના પરિવારની પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ન્યાય પ્રક્રિયામાં અસરકારક પરિબળો હતા. આ ઉપરાંત મહેસૂલ વસૂલનાર માણસો પોતે ધનવાન બનવા માટે લોકો પાસેથી ફોજદારી ગુનાઓ બદલ મોટી રકમ વસૂલતા હતા. ફોજદારી ગુનાઓમાં ન્યાય મેળવવો મોંઘો હોવાથી અદાલતોનું લક્ષ્ય પણ નાણાભંડોળ એકઠું કરવાનું જ રહેતું. મહેસૂલ એકઠું કરવા માટે દરેક ગામમાં એક મુખી હતો જેનું કાર્ય આખા ગામનું મહેસૂલ એકઠું કરીને ભરણું કરવાનું રહેતું. દરેક વિસ્તારમાં મહેસૂલ કેટલું ભરવું એની રીત અલગ અલગ હતી. મહેસૂલ એકઠું કરનારનું સ્થાન વારસાગત મળતું હતું. તેઓને મહેસૂલ ઉઘરાવવા બદલ રોકડ રકમમાં પગાર, જમીન તેમજ લોકો પાસેથી ભેટ-સોગાદો પણ મળતી.
આમ, અનેક રજવાડાઓમાં વિભાજિત ગુજરાતમાં રાજાની સત્તા સર્વોપરી ગણાતી અને ન્યાયની પ્રક્રિયા પર ધર્મ, જ્ઞાતિ, સામાજિક મોભો અને રિવાજોની અસર હતી. નોકરીમાં કોઈ જ સર્વમાન્ય માળખું ન હતું અને વહીવટી વ્યવસ્થામાં સામાન્ય ગ્રામજનો દાખલ કરી શકતા નહીં.
- રક્ષા ત્રાપાસિયા








