મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પિછવાઈ કળા: 16મી સદીથી લઈને રાધિકાના લગ્ન સુધી ફેશન જગતમાં ધૂમ મચાવતી ચિત્રકળા

- ગ્લેમર ગાઈડ પિછવાઈ એટલે મંદિરના ગર્ભગૃહમાં મ

શતરંગ / પિછવાઈ કળા: 16મી સદીથી લઈને રાધિકાના લગ્ન સુધી ફેશન જગતમાં ધૂમ મચાવતી ચિત્રકળા

- ગ્લેમર ગાઈડ

પિછવાઈ એટલે મંદિરના ગર્ભગૃહમાં મૂર્તિની પાછળ લગાવવામાં આવતો રંગીન પડદો. પરંતુ પુષ્ટિમાર્ગમાં પિછવાઈનુ ખૂબ મહત્વ છે. કેમકે તે શ્રીજી મહારાજના દરેક શમાંના દર્શન માટેનુ યોગ્ય વાતાવરણ અને ભાવ દર્શાવે છે. દરેક પર્વ કે ઉત્સવ અને ઋતુ સબંધિત ચિત્રો દ્વારા અલગ અલગ પિછવાઈ બનાવવાનો નાથદ્વારામાં ખાસ મહિમા છે.

તેમાં રંગકામ, વણાટ કામ, ભરત કળા, કિનખાબ અને આભલાઓ દ્વારા ઝીણવટ ભર્યું કામ થાય છે. પરંતુ પરંપરાગત ચિત્રકામ અહીં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. અહીં દેશી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. દરેકમાં પર્વ અનુસાર અલગ અલગ ચિત્રોથી રંગકામ કરવામાં આવે છે.જેમાં મોટાભાગે કૃષ્ણ લીલાઓનુ વર્ણન કરવામાં આવે છે.અન્નકૂટ ઉત્સવ, ગોપાષ્ટમી, રાસલીલા, શીખર કંદરા, ચીરહરણ એમાં મુખ્ય હોય છે. આ ઉપરાંત તેમાં શ્રીનાથજીના અલગ અલગ દર્શનના ભાવો પણ પ્રદર્શિત કરવામાં આવે છે.

પિછવાઈનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. એવુ પણ કહેવાય છે કે બીજા કોઈ પણ મંદિરોમાં આ રીતે પડદો લગાડવામાં આવતો નથી, માત્ર શ્રીનાથજીની હવેલીમાં પિછવાઈ લગાડવામાં આવે છે. કાંકરોલીના ગોસ્વામીજી સ્વ. વ્રજભૂષણ લાલજીના મત અનુસાર મોગલોમાં શાહી તંબુઓમાં પડદા અને ચંદરવા પ્રખ્યાત હતાં. અને ગુંસાઈજી અકબર સાથે સંપર્કમાં હોય, બની શકે કે પિછવાઈ કળાનો નાથદ્વારામાં ઉપયોગ માટેની પ્રેરણા અહીં થી મળી હોય.

હાલ આધુનિક વસ્ત્રોમાં પિચ્છવાઈ

આ કળાની અનોખી વિશેષતાઓએ ફેશન ડિઝાઈનરોને આકર્ષિત કર્યા છે. આધુનિક વસ્ત્રોમાં પિછવાઈ કળાનો ઉપયોગ વિવિધ રીતે થાય છે

કાપડ પર ચિત્રો:

દુપટ્ટા, સારી અને ડ્રેસમાં મોટા કમળ, ગાય અને મોરના ચિત્રો ઘણા જ ફેમસ થયેલ છે. અગાઉ પ્રખ્યાત ડિઝાઇનર મસાબા દ્વારા આ પ્રકારની પ્રિન્ટથી થયેલ કપડાંએ લોકોને ખુબજ આકર્ષિત કર્યા હતાં.

હસ્તકલા અને હસ્તકામ:

પિચ્છવાઈ કળાના ચિત્રો કપડામાં એમ્બ્રોઈડરી, બ્લોક પ્રિન્ટિંગ, પેઇન્ટિંગ અને એપ્લીક વર્ક કરવામાં આવે છે. આ કળા વસ્ત્રોમાં રોયલિટી અને ભવ્યતા લાવે છે.હાલ રાધિકા મર્ચન્ટના દાંડિયા ફંક્સન માટે તૈયાર કરવામાં આવેલ લહેંગામાં શ્રીનાથજી ની છબીઓ બનાવવામાં આવેલ હતી. જે ગુજરાતી 'જીગ્યામ' બ્રાન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતાં.જે ગુજરાતી પરંપરાગત વસ્ત્રો તૈયાર કરવા માટે પ્રખ્યાત છે.

વિવિધ ફેશન શૈલીઓ:

પિછવાઈ કળા વસ્ત્રોમાં વિશિષ્ટ અને આધુનિક ટચ આપીને, ફ્યુઝન વસ્ત્રોમાં પણ તેનો ઉપયોગ થાય છે. પિચ્છવાઈ પ્રિન્ટેડ જીન્સ, સ્કર્ટ, ટોપ્સ અને અહીંયા સુધી કે પિચ્છવાઈ મોટિફ્સ વાળી સ્નીકર્સ પણ ફેશનમાં પ્રચલિત છે.

પિછવાઈ કળાના અનોખા દ્રશ્યો જ્યારે આધુનિક વસ્ત્રોમાં જીવંત થાય છે, ત્યારે તે ફેશન અને પરંપરાનો અનોખો મેળ આપે છે. આ કળા ના પ્રભાવશાળી નમુનાઓ આપણા પરંપરાગત કળા સંસ્કૃતિને નવી પેઢી સાથે જોડતા રહે છે. પિછવાઈ કળાના આ આધુનિક વસ્ત્રો ફક્ત કપડાં નથી, તે એક વાર્તા છે, જે આપણને ભૂતકાળની સુંદર યાદો અને ધાર્મિક ભક્તિ સાથે સંકળતી રાખે છે.

- જીજ્ઞા જોગીયા 

આ સમાચાર શેર કરો