શતરંગ / પ્રેશર વિનાનું પીસફૂલ પેરેન્ટહૂડ
- નોન - ફિલ્ટર્ડ માતૃત્વ કે પિતૃત્વ એક એવી ભાવના છે જે હ્રદયના એ ખૂણેથી આવે છે જ્યાં સ્થળ, કાળ, પહ

- નોન - ફિલ્ટર્ડ
માતૃત્વ કે પિતૃત્વ એક એવી ભાવના છે જે હ્રદયના એ ખૂણેથી આવે છે જ્યાં સ્થળ, કાળ, પહેરવેશ, ખાણીપીણી, બોલી, આદતો/વ્યસનો, પોલિટિકલ કે ફિલોસોફિકલ વ્યુઝ કશું જ પહોંચતું નથી, સિવાય કે પ્રેમ અને સમર્પણ. બાળકને જન્મ આપવો અને એનો યોગ્ય ઉછેર કરવો તમારું સર્વસ્વ માંગી લે છે.
જેને જનમ આપ્યો, એ જીવ ક્યારે તમારું જીવન બની જાય છે, ખબર નથી પડતી. એને જાળવવા જીવ આપવો ય ઓછો લાગે. એના માટેનો સ્નેહ એટલો સબળ હોય છે કે એના માટે શ્રેષ્ઠથી ઓછું કદી સ્વીકાર્ય જ નથી હોતું! 'શ્રેષ્ઠ બાળક' ના 'શ્રેષ્ઠ માઁ-બાપ' બની એમનો 'શ્રેષ્ઠ ઉછેર' કરવો જ જાણે જીવનનું લક્ષ્ય બની રહે છે!
૨૧મી સદી AI ની છે. આજના બાળકની કોમ્પિટીશન માણસો સાથે નહી, મશીન સાથે રહેશે. એટલે જ એના ભવિષ્યનો વધારે પડતો જ ભાર અને ભય રહે છે આજના પેરેન્ટ્સને. એમાં વળી મોટીવેશન અને પોઝીટીવિટીની જેમ જ પરફેક્ટ પેરેન્ટીંગના એક્સપર્ટ્સ ગલીએ ગલીએ દુકાનો ખોલીને બેઠા છે. આપણે પેરેન્ટ હોઈએ તો આપણા ઉછેર પર અને પેરેન્ટ ન હોઈએ તો અન્ય પેરેન્ટ, ઘણીવાર તો આપણા માઁ-બાપના ઉછેર પર શંકા જાય એ હદના આદર્શો સતત મગજમાં ઠલવાય છે. બાળકના બાળોતિયાની બ્રાન્ડથી માંડીને એમની સાથેના બિહેવિયર સુધીની સલાહો રીલે રીલે ઝીંકાય છે.
મૂંઝાયેલા માઁ-બાપ બાળકના ભવિષ્ય માટે પોતાના વર્તમાનને વેતરી નાખવા એમ પણ મક્કમ હોય છે. તેઓ શ્રેષ્ઠ બનવાની લહાયમાં પોતાની સહજતા ગુમાવતા રહે છે. તેઓ ભૂલી જાય છે કે માઁ-બાપ બનતા પહેલા તેઓ માણસ છે. જે ક્ષણે બાળક જન્મ્યું, એ ક્ષણે પેરેન્ટ પણ જન્મે છે. જેમ બાળક પડતા આખડતા જીવન જીવવાનું શીખે છે, એમ જ પેરેન્ટ્સે પણ શીખવાનું હોય. બાળઉછેરએવોવિષયછેજેભૂલોકરીનેજભણાય. હજારો પુસ્તકો ઉથલાવો, તમારો પાઠ બીજાથી અલગ જ રહેશે. લાખો સલાહોને અનુસરો, તમારો અનુભવ અનોખો જ હોવાનો.
ભારવિનાનુંભણતરજેટલુંજરૂરીછે, એટલુંજજરૂરીછેપ્રેશરવિનાનુંપેરેન્ટહૂડ. બાળકોને સુપર પેરેન્ટ નહી, સહજ પેરેન્ટ જોઈએ. 'આદર્શ મા-બાપ' ના સામાજિક ચોકઠામાં ફીટ થવા પોતાના ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વને ગુમાવવાથી વધારે મોટી ભૂલ કોઈ નથી. કારણકે તમે જાણ્યે અજાણ્યે તમારા બાળકને પણ એ જ માન્યતાઓનો ભાર આપો છો. પેરેન્ટહૂડ બંધન નહી, ઉત્સવ છે! એને ઉજવો, પણ નિજાનંદમાં મસ્ત થઈને. સહજતાથી જે પણ શીખવો એ શ્રેષ્ઠ સંસ્કાર છે. પ્રેમથી જે પણ કરો એ શ્રેષ્ઠ પરવરિશ છે. બાળકોને સમય ઓછો આપો કે વધારે, આપો ત્યારે સંપૂર્ણ આપો. દરેક સારી-ખરાબ લાગણીઓને તમે ય મન ભરીને માણો અને એમને ય માણવા દો. જે મળે એને અનુમોદવા દો ને અભાવોને આવકારવા દો. તમારી હાજરીમાં હૂંફ અનુભવવા દો ને એકલતામાં આનંદ શોધવા દો. એમને એમના સપનાઓ સજાવવા દો ને તમારા સપનાઓ સ્વીકારવા દો. તમારી સહજતાથી વધારે આદર્શ કેળવણી બીજી કોઈ નથી. તમારી જિંદગીથી વધુ સુંદર કોઈ વાર્તા નથી. બોધ આપવાના બોજ વગર તમે બસ તમારી વાર્તા જીવ્યે જાઓ.
અને હા, બીજા પેરેન્ટ્સને જજ ન કરો. જેમ બાળકોની બીજા સાથે તુલના યોગ્ય નથી, એમ જ બીજા માઁ-બાપ સાથે પોતાની કે પોતાની સાથે બીજા માઁ-બાપની તુલના કરવાનું ટાળો. એમની રીત અલગ હોઈ શકે, પ્રીત નહી. શક્ય હોય તો એમને થોડો સાથ આપો, કદીક શાબાશી આપો. સ્વયંને અને એ સહુને જણાવો કે એ જે પણ કરે છે, જેવું પણ કરે છે, શ્રેષ્ઠ જ છે. આ સામે જ મધર્સ ડે છે અને આવતા મહિને ફાધર્સ ડે આવશે. તો ચાલો, ગિલ્ટ ફ્રી બનો અને ખુદને પીસફૂલ પેરેન્ટહૂડની ગિફ્ટ આપો.
- કૃતિ શાહ






