શતરંગ / પાર્ટી સોંગ્સ: દિલ હૈ કે માનતા નહિ!
- સિંગલ સ્ક્રિન ૧૯૭૫ પછીનો એઇટિઝનો સમય ચાલી રહ્યો હતો, હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, રા

- સિંગલ સ્ક્રિન
૧૯૭૫ પછીનો એઇટિઝનો સમય ચાલી રહ્યો હતો, હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, શત્રુઘ્ન સિંહા, રાજેશ ખન્નાનો દબદબો હતો તો બીજી તરફ વિનોદ ખન્ના, રાજેન્દ્ર કુમાર પણ ધુમ મચાવી રહ્યા હતા! દરેક ફિલ્મમાં એક અનિવાર્ય એલિમેન્ટ હતું જ અને એ છે ‘પાર્ટી સોંગ!’. જે વાત સીધી રીતે ન કહી શકાય એ વાત પાર્ટીઝમાં વિલન કે દિકરીનાં બાપ સામે ગીત ગાતા અને ડાન્સ કરતાં છડેચોક કહેવાતી! ૧૯૭૭ માં આવેલી ફિલ્મ ‘પરવરિશ’માં અમિતાભ અને વિનોદ ખન્ના એકસાથે ગાતા હોય ‘હમ પ્રેમી પ્રેમ કરનાં જાને!’. ૧૯૮૧ માં આવેલી ફિલ્મ ‘કાલિયા’ માં અમિતાભ અને અમજદ ખાન હિરો ચોરવાની ફિરાકમાં છે અને ગીત આવે છે, ‘જહાં તેરી યે નઝર હૈ, મેરી જાં મુજે ખબર હૈ!’, અમિતાભ અને શત્રુઘ્ન સિંહા એકબીજાને દોસ્તીની દુહાઈ દેતા કહે છે, તેરે જૈસા યાર કહાં...
કહેવાનો મતલબ કમ્યુનિકેશનની આખી એક ચેનલ હતી, જે પાર્ટીમાં જે વાત કરવાની હોય એ કહેવામાં આવતી! આવા પાર્ટી સોંગ્સનું લિસ્ટ બનાવો તો એક મસમોટું લિસ્ટ બને. થોડા હજુ પાછળ જાવ તો ૧૯૬૪ માં રાજકપૂર પિયાનો પર પોતાની ચાહતને જતા જોઇને લલકારે છે, ‘દોસ્ત દોસ્ત નાં રહા, પ્યાર પ્યાર નાં રહા!’, હજુ પાછળ જઈએ તો? રાજ કપુર તો શ્રી ૪૨૦ માં જ બધાની સામે લલકારતા, ‘મુડ મુડ કે ન દેખ!’ નાચનારી થી લઈને જમીનદાર શેઠિયાઓ, સામે પોતાનો લવ ઇન્ટરેસ્ટ! આહા, કેટલું રસપ્રદ હતું બધું! પાર્ટી સોંગ્સ એ આખું એક માધ્યમ બન્યું વાતને કહેવાનું એ પણ ડિરેક્ટલી કહેવાને બદલે, છતાં જે કહેવું છે એ છડેચોક!
એઇટીઝ પછી તો નાઈન્ટીઝ આવતા આવતા નદીમ શ્રવણ, જતિન લલિત યુગ આવ્યો અને પાર્ટી સોંગ્સનો રાફડો ફાટ્યો! થોડા ગીતો યાદ કરીએ, જેની થિમ એવી છે કે એક પ્રેમી છે જેને પેઈન છે પોતાનો પ્રેમ પોતાની જ નજર સામે જઈ રહ્યા નો, એક ફિયાન્સ કે પતિ છે જે બાઘો બની ને કે એરોગન્ટ બનીને બધું જોઈ રહ્યો છે! થોડા ગીતો જોઈએ: દિલ હૈ કે માનતા નહિનું ‘તું પ્યાર હૈ, કિસી ઔર કા, તુજે ચાહતા કોઈ ઔર હૈ!’, આ ગીત તો નાસીપાસ થયેલા પ્રેમીઓનું એન્થમ હતું! કુમાર સાનું કે અભિજિત આવા ગીતો ગાતા, અને ઉદિત નારાયણ થોડા સોફ્ટ રોમેન્ટિક ગીતો ગાતા!
ફિલ્મ બાઝિગરનું ‘છુપાનાં ભી નહિ આતા, બતાનાં ભી નહિ આતા’ તો આજે પણ ખુબ સંભળાય ગવાય છે! અનુ મલિક અને વિનોદ રાઠોડ પણ આ ગીતમાં દેખાય છે! આ ગીતોની લાઈફ કેટલી લાંબી કહી શકાય, કે ૨૫-૨૭ વર્ષે પણ એટલા જ ગવાય સંભળાય છે. ફિલ્મ દિલવાલેમાં અજય દેવગન કહે છે, ‘કિતના હસીન ચહેરા, કિતની પ્યારી આંખે, કિતની પ્યારી આંખે હૈ, આંખો સે છલકતા પ્યાર!’ રવિના અમથી અમથી શરમાતી હોય, હિરો બધાની સામે પેલીને કહેતો હોય અને પેલી લાઈન આપતી હોય છતાં બધા બાઘાની જેમ જોતા હોય, કે જોડીમાં સામાન્ય ચહેરાઓ ડાન્સ કરતા હોય! એક ફ્લોપ ફિલ્મ આવેલી ‘ફરેબ’ જેમાં મિલિન્દ ગુનાજી નામનાં સદાય પોલીસ ઇન્સ્પેકટર બનતા અભિનેતા ગાય છે ‘યે તેરી આંખે જુકી જુકી, યે તેરા ચહેરા ખિલા ખિલા’, આ ગીત સુપરહિટ થયેલું!
દિલ તૂટે તો પાર્ટીમાં ગવાતું ‘એ કાશ કહીં ઐસા હોતા, દો દિલ હોતે સિને મેં’, દિલ ખુશ હોય તો પણ ‘જો હાલ દિલ કા ઇધર હો રહા હૈ, વો હાલ દિલ કા, ઉધર હો રહા હૈ’ ગવાય! પાર્ટી સોંગ્સની સફળતાનું રહસ્ય શું હતું? સરળ શબ્દો, રિધમિક સરળ યાદ રહી જવાય એવી ટયુન, અને સિમ્પલીસિટી વિથ કેચીનેસ!
પણ પછી આ આખો એક કન્સેપ્ટ કેવી રીતે સમય જતાં ગાયબ થઇ ગયો? હવે કેમ આવા પાર્ટી સોંગ નથી બનતા? કદાચ એક જનરેશન જે આખી ચેન્જ થઇ ગઈ, હવે લોકોને ગળે નથી ઉતરતું કે હિરો હિરોઈન પોતાનાં પ્રેમનું એલાન બધાની સામે કરે, હિરોઈનનો બાપ જોયા કરે! વિલનની સામે બધું ચાલતું હોય, અરે ફિલ્મો પણ જે ટિપિકલ આવતી એ પણ નથી આવતી ને! હા, આદિત્ય પ્રતિક સિસોદિયા એટલે કે બાદશાહનાં ગીતો ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ! થી લઈને લડકી બ્યુટીફૂલ કર ગઈ ચુલ!’ અને 'હાય ગરમી' એ એક નવો ફાલ આવ્યો જે હવે વધુ ચાલે છે. હવે પાર્ટી સોંગ્સ આવે છે પણ એમાં પિયાનો કે ગિટાર નથી હોતા, એ ડાન્સ ફ્લોર હોય છે જેનાં પર ગીત ગવાય છે! કોઈ હવે હાથમાં હાથ નાંખીને થનાર સસરાની સામે ડાન્સ નથી કરતું પણ નોરા ફાતેહી કે જેકલિન ફર્નાન્ડિઝનાં આઈટમ નંબર્સ જ કાન અને આંખોને અથડાય છે!
લિરિક્સમાં હિન્દી સાથે અંગ્રેજી શબ્દોની ભેળસેળ અને વચ્ચે રેપર આવીને થોડું રેપ ઉમેરે એટલે એક સફળ હિટ પાર્ટી સોંગ તૈયાર! બેશર્મ રંગ, બુર્જ ખલિફા, દારૂ બદનામ કર દી,નદીયો પાર સજન દા ઠાણા, તરીફાં સુપર હિટ છે, વ્હોટ્સ એપ કે ઇન્સટાગ્રામ પર સ્ટોરીમાં મુકાય છે. પણ આપણે કદાચ છેલ્લી એવી પેઢી છીએ જે હજુ આ પાર્ટી સોંગ્સને મિસ કરીએ છીએ! સમય બદલાઈ રહ્યો છે બહુ ઝડપ થી, પણ ક્યારેક કેસેટ યુગ યાદ આવે અને આ પાર્ટી સોંગ્સ યાદ આવે! બધાની સામે પાર્ટીમાં કહેવાને બદલે પ્રેમીઓ વ્હોટ્સ એપમાં બધું કહી દે છે અને ડબલ અને બ્લ્યુ ટિક થી બધું સમજમાં આવી જાય છે! પાર્ટી સોંગ્સ સાથે પ્રેમ અને ઈગોનાં ડાયનામિક્સ પણ બદલાઈ જ ગયા ને?
છેલ્લા થોડા વર્ષોથી મોટાભાગની હિન્દી ફિલ્મોનું સંગીત કેવી રીતે પ્લાન થાય છે? ત્રણ નવા ગીતો લેવાનાં, બે જુના કે થોડા વર્ષો પહેલા જ આવેલા સોંગને રિમિક્સ કરી દેવાનાં અને પેલા ત્રણ નવાં ગીતોને હિરો કે હિરોઈન પાસે ફરી થી ગવડાવીને એને ‘અન્પ્લગ્ડ’ નું નામ આપી દેવાનું એટલે ફિલ્મનું મ્યુઝિક આલ્બમ તૈયાર!
- ભાવિન અધ્યારુ






