શતરંગ / પેરાન્બૂ: ભારતીય સિનેમામાં આટલી સાહસિક ફિલ્મ ભાગ્યે જ જોવા મળે!
- બિયોન્ડ એન્ટરટેઈનમેન્ટ ડિરેક્ટર: રામ કલાકાર: મમૂટી, સાધના, અંજલિ આમિર, અંજલિ

- બિયોન્ડ એન્ટરટેઈનમેન્ટ
ડિરેક્ટર: રામ
કલાકાર: મમૂટી, સાધના, અંજલિ આમિર, અંજલિ
2019માં શ્રીરામ રાઘવનની આયુષ્માન ખુરાના અભિનીત ક્રાઈમ-કૉમેડી થ્રિલર ફિલ્મ 'અંધાધૂન'ને બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મ આ એવોર્ડ માટે એકદમ હકદાર હતી, તમામ માપદંડો પર ખરી ઉતરતી હતી. જોકે, આમ છતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો, ખાસ કરીને સાઉથ ઈન્ડસ્ટ્રી અને કેટલાક પ્રખર ફિલ્મ રસિકોમાં નારાજગી હતી. તેમનું માનવું હતું કે, તે વર્ષે નેશનલ એવોર્ડની ખરી હકદાર સાઉથના સુપરસ્ટાર મમૂટીની તમિલ ફિલ્મ 'પેરાન્બૂ' હતી. અલબત્ત, 'અંધાધૂન' ખૂબ જ ઉત્કૃષ્ઠ ફિલ્મ હતી તેમાં કોઈ જ બેમત નથી પણ નેશનલ એવોર્ડ માટે 'પેરાન્બૂ' વધારે કાબેલ હતી તેવું લોકોનું માનવું હતું અને ફિલ્મ જોયા પછી આ વાત કદાચ તમે પણ માનતા થઈ જશો.
'પેરાન્બૂ' એક સિંગલ ફાધર અને તેની દીકરી અને તેમની આસપાસની દુનિયા પર પ્રકાશ પાડતી ફિલ્મ છે. અમુધવન (મમૂટી) અને તેની દીકરી પાપા (અંજલિ) વચ્ચેના રૂણાનુબંધ પર ટકેલી આ ફિલ્મ કદાચ ભારતીય સિનેમા ઈતિહાસની સૌથી સાહસિક ફિલ્મોમાંની એક છે. 'પેરાન્બૂ' નો અર્થ થાય છે કરુણા, કમ્પેશન અને ફિલ્મમાં તેને 12 અધ્યાય દ્વારા સમજાવવામાં આવ્યો છે.
અમુધવનની દીકરી પાપા સેરેબ્રલ પાલ્સી(એક પ્રકારની માનસિક બીમારી) થી પીડાય છે. તેની હાલત એવી છે કે, કોઈ એક વ્યક્તિએ 24 કલાક, 365 દિવસ તેની સંભાળ રાખવી પડે. આવામાં તેની મા એવું વિચારીને પોતાની જવાબદારીઓમાંથી છૂટી પડે છે કે, એક પાગલ, બીમાર છોકરીની સેવામાં તેની આખી જિંદગી પૂરી થઈ જશે, અને તે બીજા કોઈની સાથે ભાગી જાય છે. પણ અમુધવન પોતાની જવાબદારી ચૂકતો નથી, ઉલ્ટાનું તે પાપા માટે પિતાની સાથે માતાની જવાબદારી પણ નિભાવે છે. તે પોતાની દીકરીની સંભાળ રાખવા માટે એ હદે સમર્પિત થઈ જાય છે કે, એ રોડ પર આવી જાય છે. બીજી તરફ માનસિક રીતે બીમાર પણ શરીરથી મોટી થઈ રહેલી દીકરીની સમસ્યાઓ અને જરૂરિયાતોને સમજી એ રીતે વર્તવાના પ્રયત્નો કરે છે.
ફિલ્મમાં એક્ટ્રેસ અંજલિ આમિર (મીરા) એક કિન્નરના પાત્રમાં છે. રસપ્રદ વાત એ છે કે, તેણે અસલ જીવનમાં પણ સેક્સ ચેન્જ કરાવેલું છે! કપરા સમયમાં તે અમુધવન અને પાપાને ખૂબ મદદ કરે છે. ફિલ્મનો એક પ્રસંગ એવો છે જેમાં અમુધવન પોતાની દીકરીને ટીવીમાં ચાલતા રોમેન્ટિક સીનથી ઉત્તેજિત થતી જુએ છે. પહેલા તો તે હચમચી જાય છે પણ પછી તે પોતાની જ દીકરી માટે એવા વ્યક્તિની શોધ કરવા લાગે છે જે તેને શારીરિક સુખ આપી શકે!! આ ઉપરાંત ફિલ્મમાં ઘણા બધા એવા પ્રસંગો છે જે તમને વિચારતા કરી મૂકે. ફિલ્મનો અંત પણ એટલો પ્રોગ્રેસિવ છે કે સામાન્ય માણસના ગળે ન ઉતરે છતાં પરફેક્ટ અને રૂંવાડા ઉભા કરી દેનારો લાગે.
આ ફિલ્મ જેણે પણ જોઈ હશે તે ચોક્કસપણે તેની અસરમાંથી છૂટી શકે નહીં. ડિરેક્શન, એક્ટિંગ, સંવાદ અને સ્ક્રિનપ્લે જેવા દરેક પાસામાં આ ફિલ્મ ખૂબ જ શાનદાર છે. આપણા દિમાગમાં સાઉથ ઈન્ડિયન સિનેમા માટે એક્શન-વેક્શન, ધૂમ-ધડાકાવાળી છબિ છે પણ અસલમાં તે કમાલ કરી રહ્યું છે. વિશ્વાસ ન થતો હોય તો આ ફિલ્મ જોઈ લો, કદાચ વિચાર બદલાઈ જશે.
- આગંતુક








