શતરંગ / "પંચાયત" વેબ સિરીઝ જે આપણે બધા જ જીવીએ છીએ!
- જોગીજ્ઞાન આપણી ભાષાના ફિલસૂફ પત્રકાર કાંતિ ભટ્ટ કહેતા એમ, દુઃખ પછી સુખ આવે જ છે એ વહેમ છે. હકીકત

- જોગીજ્ઞાન
આપણી ભાષાના ફિલસૂફ પત્રકાર કાંતિ ભટ્ટ કહેતા એમ, દુઃખ પછી સુખ આવે જ છે એ વહેમ છે. હકીકતમાં ઘણીવાર દુઃખ પછી ફરીથી દુઃખ આવતું હોય છે! બહુ ગાઝેલી પંચાયત જોઈ લીધા પછી કાંતિ ભટ્ટનું આ ફિલોસોફીકલ કવોટ યાદ આવી ગયું. હવે રિલીઝ થયાના આટલા સમયે તો શોખીન ઓડિયનસે જોઈ જ લીધી હશે. એટલે સ્પોઇલર એલર્ટનો કોઈ મતલબ નથી. છતાં સ્ટોરી સાવ ખુલ્લી નહિ પડે એની ગેરેન્ટી!
મૂળ તો આપણામાંથી મોટા ભાગના લોકો "સચિવજી" જેવી જિંદગી જીવતા હોય છે. તરુણવયમાં મોટા મોટા સપના જોયા હોય કે, ડોકટર બનીશું, એન્જીનીયર બનીશું, બિઝનેસ કરીને લાખો કમાઈશું. પણ છેલ્લે 15, 20 કે 25 હજારની ફાલતુ નોકરીઓમાં મન મારીને જીવી લેવું પડે છે. એમાંય નોકરી દૂરના સ્થળોએ હોય તો પછી પરિવારના વિયોગની એકલતા, નવા સ્થળોએ દોસ્તો મળે નહીં જલ્દી, એની કાળી ડિબાંગ એકલતા.
હા, બહુ ખુશનસીબ હોવ તો શરૂઆતમાં વિચિત્ર લાગે એવા દોસ્તો ધીમે રહીને મળી જાય. પછી દોસ્તોના સથવારે જિંદગી થોડી જીવવા લાગે. છતા ક્યારેક એકલા પડો તો ફરીથી ભૂતકાળનું "ભૂત" માથે સવાર થાય અને નિરાશામાં માણસ ગાતો થઈ જાય કે- કયા સે કયા હો ગયે દેખતે દેખતે! પણ બીજો કોઈ ઑપ્શન હોતો નથી એટલે નિભાવયે જ છૂટકો. બસ, વીસ હજારના પગારમાં ઝાડ નીચે બેસીને દોસ્તો સાથે બિયર પીવો એ જ સાચું સુખ. બાકી બધા દૂર રહી ગયેલા સપના તો બસ કિસ્મતે માણસ સાથે કરેલી મીઠી છલના
હવે વાતને બીજી તરફ વાળીએ. દરેક ગામની દરેક ગલીમાં એક "બનરાક્સ" હોય જ છે. જેનું કામ પંચાત કરવાનું, સારા માણસોની સળી કરવાનું જ હોય છે. જોવા જેવી વાત એ છે કે એ આપણી ખુદની અંદર ડોકિયું કરીએ તો આપણે પણ ઓછા વત્તા અંશે "બનરાક્સ" બની જતા હોઈએ છે. પણ કોઈ સ્વીકારતું નથી એ અલગ વાત છે!
આપણે જ "વિકાસ" હોઈ શકીએ છીએ જે દસ હજારના પગારમાં હસતા હસતા મોજથી એની પત્ની સાથે જીવન જીવ્યા કરે છે, કોઈ ફરિયાદ વિના. આપણે જ પ્રહલાદ ચાચા હોઈએ છીએ જે અંગત દુઃખોને હૃદયના દરવાજામાં કેદ કરીને એકાંતવાસમાં જીવી લે છે. પણ દોસ્તોની વાત આવે ત્યારે બધું ભૂલીને સાથ આપવાનો એટલે આપવાનો!
આપણે જ "પ્રધાનજી" હોઈએ છીએ, જે એમની પત્ની મંજુદેવીને મહિલા રિઝર્વ સીટ હેઠળ "પ્રધાન" બનાવી તો દે છે, પણ અસલી પ્રધાનણું પોતે જ ભોગવે છે. છતાં, એ માણસ કાટ નથી કે નથી ખિલાડી. એ જ્યાં નમવાનું હોય ત્યાં નમે છે. અપમાન સહન કરે છે. અને એનું ભેજું ફરે ત્યારે એ ભલભલા મોટામાથાઓને ગાંઠતો નથી. વળી, એ ગામના સભ્યોની દરેક તકલીફ વખતે ઉભા રહે છે
એની વે, સોશિયલ મીડિયાના જમાનામાં એક રિલેવન્ટ કેરેકટર તો "બિનોદ" જ છે. સિરીઝની વાત જવા દો. પણ એવા "બિનોદ" હજારો ફેસબુક પર મળશે જેને કોઈ વોટ્સએપ મેસેજ મોકલે કે---દેખ રહે હો બિનોદ....અને...બિનોદ પાછો બધે બધું માની લે, સમજયા વિના!
ખૈર, મૌજ છે "ફૂલેરા" ગામમાં. સાવ સામાન્ય માણસો, બધાની નાની નાની મહત્વકાંક્ષાઓ, નાની અને નિર્દોષ દુશ્મની. સામાન્ય ઝઘડા, વળી એકબીજાની ફિકર પણ ખરી. પણ એ ય પાછી એકમેકને ખબર ના પડે એ રીતે!
આ જ તો છીએ આપણે, આપણી ભારતીયતા, અને આ જ છે આપણું ભવ્ય ભારત!
- ડૉ. ભગીરથ જોગિયા








