મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

લેખમાળા / આપણી દવાઓ કે ઇન્જેક્શન્સ - ઝેર તો પીધા અ-જાણે અ-જાણે?

એક ડોકટરને ત્યાં વિશ્વાસથી દર્દી જતો હોય છે કે, આ સાહેબ મને સાજો કરી જ દેશે. તો ડોકટર પણ અઘ

લેખમાળા / આપણી દવાઓ કે ઇન્જેક્શન્સ - ઝેર તો પીધા અ-જાણે અ-જાણે?

એક ડોકટરને ત્યાં વિશ્વાસથી દર્દી જતો હોય છે  કે, આ સાહેબ મને સાજો કરી જ દેશે. તો ડોકટર પણ અઘરામાં અઘરા રોગના દર્દીઓને દોડતા કરીને પોતાની બ્રાન્ડ બનાવવા તલપાપડ હોય છે. પણ... ડોકટર અને દર્દી વચ્ચેનો સેતુ તો "દવાઓ" છે. અને એ દવાઓ જ જો "બીમાર" હોય તો? 

જમ્મુમાં એક ચોક્કસ કંપનીની કફ સિરપ પીધા પછી 11 બાળકો ગંભીર થઈ ગયા. કાબેલ ડોકટર કશોક "ખેલ" ભાળી ગયા હશે તે, તાત્કાલિક તમામ બાળકોને ચંડીગઢ ભેગા કર્યા અને ત્યાં જ આ કફ સિરિપનું સેમ્પલ ટેસ્ટ કરાવતા ધડાકો થયો કે, આમાં તો એન્જીન ઓઇલ ભળેલું છે. પણ એ કિસ્સો દબાઈ ગયો.

કોરોના વખતે બિહારમાં રેમડેસિવીર લીધા પછી એક દર્દીનું મૃત્યુ થતા અને બીજાઓને અમુક રિએક્શન આવતા ગુજરાતની ખ્યાતનામ કંપનીએ બનાવેલા રેમડેસિવીરનું સેમ્પલ કલકત્તા ખાતે "સ્ટેટ રેગ્યુલેશન ઓફ ડ્રગ"માં મોકલવામાં આવ્યું. ટેસ્ટ કરતા જણાયુ કે, આ ઇન્જેક્શનમાં કોઈ અન્ય ભેળસેળ નથી, પણ બેક્ટેરિયાઓ ભળી ગયા છે. (જે વાયરસ બેક્ટેરિયાને મારવા માટે દવાઓ-ઇન્જેક્શનો લેવાતા હોય એમાં જ બેક્ટેરિયા ભળેલા હોય એવી બેદરકારી બદલ હસવું કે રડવું?) 

આવા અનેક કિસ્સાઓ શું કામ દબાઈ જતા હોય છે? શા માટે કોઈ ન્યુઝ ચેનલ આ બાબતો વિશે સરકારો ચર્ચા નથી કરતી? શા માટે અમુક સિલેકટેડ અખબારો સિવાય ક્યાંય આપણને ખબરો મળતી જ નથી? શા માટે જે તે સમયે જેતે વિપક્ષ આ વિષય પર સદનમાં ડિબેટ જ નથી કરતો? આગળ વાંચો તો મગજના તાર ખુલી જશે. 

એક તો દરેક બાબતે સુધારાવાદી બનવા જતા આપણે, કાયદાઓમાં યુદ્ધના ધોરણે રીફોર્મ્સ લાવતા આપણી સરકારો હજી દવાઓ બાબતે અંગ્રેજોના જમાનાનો કાયદો જ ચલાવે છે - ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940...

જેમાં ટેસ્ટમાં ફેઈલ થયેલા સેમ્પલો પાછા ખેંચવાની કે લાયસન્સ રદ કરવાની જોગવાઈઓમાં એટલા "લૂપ હોલ્સ" છે કે ફાર્મા કંપનીઓ ગરનાળામાંથી કૂતરું ગળકી જાય એમ સલામત છટકી શકે છે.

કાયદેસર રીતે તો દરેક દવાને ટેસ્ટિંગ માટે લખનૌ ખાતે CDRI- સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ખાતે મોકલવાની હોય. પણ સામાન્ય બુદ્ધિ ધરાવતો માણસ પણ સમજી શકે કે આવડા મોટા દેશમાં લાલચુ ફાર્મસી કંપનીઓ એમ કંઈ લાંબા થાય નહિ. બહુ મોટી કંપનીઓ થતી હશે, પણ લોકલ લેવલે મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓનું શું? 

એમાં તો ઘણીવાર એવું થાય છે કે મોટી કંપનીઓ લોકલ લેવલે મેન્યુફેક્ચરિંગ સોંપી દેતી હોય છે. મફ્તના ભાવે ખરીદાયેલી આ દવાઓમાં "રેપર" મોટી મોટી ફાર્માસ્યુટિકલના લાગી જતા હોય છે. એટલે તો ત્રીસ પૈસાની પેરસીટામોલ ત્રણ રૂપિયાની મળે છે. ત્રણ રૂપિયા નાની રકમ ભલે લાગે પણ, પેરાસિટામોલનો વપરાશ જુઓ. કોવિડ દરમિયાન ફક્ત એક જ બ્રાન્ડ ડોલો 650ની સાડા ત્રણ કરોડ જેટલી ગોળીઓ ખપી ગઈ હતી. આ તો જસ્ટ એક દવાની એક બ્રાન્ડની ખપતનું ઉદાહરણ છે.

એની વે, હમણાં "ઇલેકટોરલ બોન્ડ"નું ભોપાળુ બહાર પડ્યા પીછો બીબીસીએ એક રિસર્ચ કરીને બહાર બૉમ્બ ફોડ્યો....તો વાંચો, આ રિપોર્ટ શું કહે છે? 23 જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ  જુદા જુદા રાજકીય પક્ષોને કુલ 762 કરોડ રૂપિયાનું  ફંડ આપ્યું છે. 

આમાંથી એક કંપનીની સાત દવાઓ અને ગુજરાતની એક કંપનીની ત્રણ દવાઓના સેમ્પલ ફેઈલ થયા છે. વળી, આ દવાઓમાં શરદી-ખાંસીની એક કફ સિરપ, ઝાડા બંધ કરવા માટે વપરાતી સાવ સામાન્ય દવા, હૃદયરોગની બે સામાન્ય દવાઓ,  ઉપરાંત કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ દૂર કરવા જે મેડિસિન અપાય છે, એ પણ સમાવિષ્ટ છે. 

વેલ, અગાઉ ડ્રગ માફિયાઓની નજર જે તે રાજ્યના કે કેન્દ્રના મંત્રી પર રહેતી. પહેલા પૈસાના કોથળાઓની  હેરાફેરી થતી, ડ્રગ કંપનીઓ સાથે "સમાધાન" કરવા. હવે એટલી મહેનત ના કરવી પડે એટલે સાવ સરળ અને પહેલી નજરે અધિકૃત લાગે એવા ઇલેકટોરલ બોન્ડ આવી ગયા છે!!!.

ટૂંકમાં, ઇસ હમામ મેં સબ નંગેની માફક જ જે રાજ્યોમાં જેનું શાસન છે એ તમામને પોતપોતાની "હેસિયત" જેટલા રૂપિયા ઉર્ફે બોન્ડ મળી ગયા છે. અને આ બધા ખિલાડીઓના કેપ્ટન કોણ છે, એ તો દેશ કા બચ્ચા જાનતા હૈ! એટલે જ તો બીજા રાજ્યમાં જાત જાતના ગુનાઓ થાય ત્યારે સરકારો એક બીજા સામે મશીનગન લઈને ઉભી રહી જાય છે! પણ દવાઓના કૌભાંડની બાબતે બધા જ ચૂપ!!!

હે, નાગરિકો આપણે બીજું કંઈ જ ક્રાંતિકારી પગલું નહિ ભરીએ તો ચાલશે, પણ એક સાવ સહેલું કામ કરો. ઇલેક્શન કમિશનની સાઇટ પર જાઓ. 23 ફાર્મા કંપનીઓના લિસ્ટ જુઓ. ગૂગલ કરીને એ સર્ચ કરો કે કઈ કઈ દવાઓના સેમ્પલ ફેઈલ થયા છે. એ દવાની કંપની ચેક કરો તો માલુમ થશે કે મોટાભાગની (બધી જ નહીં હો!) કંપનીનું નામ ઇલેક્શન કમિશનની સાઇટ પર....હા હા હા (જેલર ફિલ્મના ક્લાઈમેક્સમાં રજનીકાંતનુ દર્દનાક હાસ્ય, હા હા હા!)

ખૈર, આવી દવાઓ પીવાથી મરી જવું કે અધમુઆ થઈ જવું એના કરતાં બહેતર કે ઉપર લખ્યું એ પગલાં લઈ લો. મોબાઈલથી ટેવાયેલા માણસો છીએ. અને ભાતભાતની ચીજો સર્ચ કરતા હોઈએ છીએ! તો એક અડધો કલાક પોતાના સ્વાસ્થ્ય માટે ઘરબેઠા કે સુતા સુતા પણ ફાળવો.

આ સમાચાર શેર કરો