મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આપણી પરીક્ષાઓમાં કશું 'નીટ' એન્ડ ક્લીન નથી?

- જોગીજ્ઞાન એક ગરીબ પણ વિદ્યાર્થી, જે એક વર્ષથી ડોકટર બનવા માટેની એન્ટ્રન્સ ટેસ્ટ નિટ માટે તનતોડ મહે

શતરંગ / આપણી પરીક્ષાઓમાં કશું 'નીટ' એન્ડ ક્લીન નથી?

- જોગીજ્ઞાન

એક ગરીબ પણ વિદ્યાર્થી, જે એક વર્ષથી ડોકટર બનવા માટેની એન્ટ્રન્સ ટેસ્ટ નિટ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે, અને એના પેરેન્ટ્સ વિજ્ઞાન પ્રવાહ તેમજ નિટના કલાસીસ માટે બે અઢી લાખ રૂપિયા માંગી ભીખીને ચૂકવી રહ્યા છે. કારણ કે, એમને આશા છે કે એક દિવસ દીકરો ડોકટર બનશે પછી આપણે આ દેશની કરોડો ખડબદતી જિંદગીમાં કંઈક માથું ઊંચું કરીને જીવી શકીશું. એ તેજસ્વી વિદ્યાર્થી પોતાના ટાર્ગેટ પ્રમાણે જ 650 જેટલા માર્ક્સ લાવે છે. આટલા માર્ક્સ પ્રમાણે, 6 હજાર કે 7 હજાર મેરીટ નંબરે એને સરકારી મેડિકલ કોલેજમાં નજીવી ફીઝમાં એડમિશન મળી શકે. પણ કૌભાંડી તત્વોના કારણે એનું મેરીટ ગયું 40 હજારે. હવે આટલા માર્કસે એને ડોકટર બનવા માટે ચૂકવવા પડે 1 કરોડ રૂપિયા. જવાબદાર કોણ? 

બીજો એક ઠોઠ વિદ્યાર્થી, પણ પહોંચેલી માયાનો દીકરો. એના સગા કાકા એને પરીક્ષા અગાઉ ફોન કરે છે કે પેપરની વ્યવસ્થા થઈ ગઈ છે. ભાવ કેટલો? તો કહે કે 32 લાખ પુરા. ઠોઠ નિશાળીયો રાજીનો રેડ થઈ જાય છે. પોતે તો 718 માર્ક્સ લાવે છે, પણ એ જ પેપર બીજા વિદ્યાર્થીઓને વેચીને 40 લાખની રોકડી કરી લેવા પણ કોશિશ કરે છે. જવાબદાર કોણ? આ બન્ને ઘટનાઓ કોઈ વાર્તા નથી. પણ વીસ દિવસથી જે હોબાળો મચી રહ્યો છે એ જ મેડિકલની પ્રવેશ પરીક્ષાના કાળા કૌભાંડોના પરિણામ છે, જેનો ભોગ ચોવીસ લાખ વિદ્યાર્થીઓ અત્યારે બની ગયા છે.અને આમાં એક જ સરકાર હસ્તકની સંસ્થા જવાબદાર છે - NTA.

નિટની પરીક્ષાનું આયોજન કરનારી કથિત સ્વતંત્ર સંસ્થા NTA- નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે શું? અગાઉ થતું એવું કે અમુક સ્પર્ધાત્મક પરીક્ષા કે એન્ટ્રન્સ એક્ઝામ્સની જવાબદારી સરકાર કોઈક પ્રાઇવેટ એજન્સીઓને સોંપી દેતી. પણ એમાં તકલીફ એ થતી કે પેપર લીક જેવા કૌભાંડો થાય તો બહુ તો એ એજન્સીઓનો કોન્ટ્રાકટ રદ કરી શકો કે જવાબદાર માણસો પર નાની મોટી કાર્યવાહી કરી શકો. હવે આપણા દેશમાં પહોંચેલા મોટા માથાઓ આવી કાર્યવાહીઓની એક, બે ને સાડા ત્રણ કરી નાંખતા હોય છે. એટલે ભારતના શિક્ષા મંત્રાલય હસ્તક જ એક સ્વતંત્ર બોડીનું નિર્માણ થયું, 2017માં. એ કથિત ઇન્ડીપેન્ડન્ટ બોડી એટલે NTA. UPSC લકે CBSEની જેમ જ. 

આ ચોથી જૂને જેના પરિણામ આવતા જ હોબાળો મચી ગયો એ નિટની પરીક્ષાનું આયોજન આ NTA એ કરેલું. પણ દરેક ક્રિમિનલ પોતાના કાળા કારનામાં પાછળ અમુક સબૂતો મૂકી જાય છે. એમ પરિણામ આવ્યા પછી ખબર પડી કે આટલા બધા અઘરા પેપરમાં આટલા સ્ટુડન્ટસએ ટોપ કર્યું? 180 સવાલો, એક સવાલના ચાર માર્ક્સ અને ટોટલ 720. એક સવાલ ડ્રોપ કરો તો 716 આવે અને ખોટા જવાબના એક માઇનસ એટલે 715. ટૂંકમાં, 718 કે 719નો સ્કોર અહીંયા શક્ય જ નથી એટલે લાકડે માકડું વળગાડીને ઘણા વિધાર્થીઓની કરિયર બગાડી નાખી છે આ સિસ્ટમે. પછી NTA ને સવાલો પૂછાતા એમને લાળા ચાવ્યા કે, અમે તો અમુક વિદ્યાર્થીઓને ફલાણા ઢીંકણા નિયમ પ્રમાણે ગ્રેસિંગ માકર્સ આપ્યા છે. અરે સાહેબ, પણ તમારા કન્સ્ટિયુશનમાં આવો કશો નિયમ ક્યારેય હતો જ નહીં તો આ સિસ્ટમ લાવ્યા કઈ રીતે તમે? 

વળી, થયું એવું કે પરીક્ષાના ગણતરીના દિવસો પહેલા જ એક્ઝામ સેન્ટર ફરીથી સિલેક્ટ કરવાની ચોઇસ વિદ્યાર્થીઓને આપવામાં આવી. અને ગોટાળો પકડાયો ત્યારે ખબર પડી કે જે 20 25 હજાર વિધાર્થીઓએ સેન્ટર બદલ્યા હતા એમાંથી જ તો આ ખેલ થયો છે. 4000 ઉપરાંત એક્ઝામ સેન્ટરમાંથી નિયમ પ્રમાણે બે સીસીટીવી કેમેરા હોવા જોઈએ જે 40 સેન્ટરમાં નહોતા. પેપરના સ્ટ્રોંગરૂમમાં જે સિક્યુરિટી હોવી જોઈએ એ તો 68 સેન્ટરમાં નહોતી. ઉપરાંત એક જ સેન્ટરમાં આગળ પાછળ નંબરવાળા સાત વિદ્યાર્થીઓ ટોપર. સાવ આમ ડોકટર બનાવશો આ દેશમાં તમે?

પેલા વાયરલ થયેલા કોલ પ્રમાણે તો કહેવાય છે કે વિદ્યાર્થીઓને આવડે એટલા સવાલ એટેન્ડ કરવા ને બીજા    મલ્ટીપલ ચોઇસ કવેશ્ચન છોડી દેવા સ્પષ્ટ સૂચના અપાઈ હતી. અને કહેવાયું હતું કે પેપર એટેન્ડ કરવાની એક્ટિંગ કરવી બસ. વ્હાલા તંત્રશ્રી, આ કોઈ પ્રાથમિક શાળાની પરીક્ષા નથી. દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશમાં, સૌથી અઘરી ડિગ્રીઓમાંની એક મેળવવાની, કરોડો નાગરિકોના સ્વાસ્થ્યની જવાબદારી હાથમાં લેવાની અને સમાજમાં સૌથી સન્માનજનક સ્થાન ઉભું કરવાની એક એન્ટ્રન્સ એકઝામ છે આ. જમીન કૌભાંડ, દારૂ કે ડ્રગ્સના વેપલા, રાજકીય ખરીદવેચાણનું આ મેદાન નથી કોઈ! ભલું થજો બિહાર પોલીસનું કે એમણે કોઈ આદેશ દબાણની પરવા કર્યા વિના ધડાધડ એક્શન લઈને અડધો ડઝન ધરપકડ કરી નાંખી અને પછી પગેરુઓની ગંધ આવતા રાજસ્થાન, હરિયાણા અને આપણા ગાંધીના ગુજરાત સુધી પણ રેલો આવ્યો. 

ખૈર, ડાહ્યા માણસો ભલે કહેતા કે આમાં રાજકારણ ના હોય ને કોઈ ચમરબંધીઓને છોડવા ના જોઈએ વગેરે વગેરે. પણ હકીકત તો એ છે કે કોર્પોરેટ અને રાજકીય સાંઠગાંઠ વગર આવા મોટા સ્કેન્ડલો કરવાની કોઈ અધિકારી લેવલની શકિતઓની આ તાકાત નથી. બાત નીકલી હૈ તો દૂર તલક જાયેગી માફક નજીકના ભવિષ્યમાં ખબર પડશે કે આમાં કયા મોટા ગજાના કાગડાઓ કળા કરી ગયા છે! બાકી તો છેલ્લા સાત વર્ષમાં સિત્તેર જેટલી ભરતી કે પ્રવેશ પરીક્ષાઓના પેપર લીક થયા છે, અને આનો ભોગ પોણા બે કરોડ ઉમેદવારો બન્યા છે. પણ આ 'નિટ' ઘૂંટડો સરકાર કે પબ્લિક કોઈને ગળે ક્યારેય ઉતરવાનો નથી એ નક્કી છે! 

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો