શતરંગ / નસીર સાહેબની એ ક્લાસિક ફિલ્મ જેણે અલ પચિનોને ઓસ્કાર અપાવ્યો!
- બિયૉન્ડ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ: સ્પર્શ કલાકાર: નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, ઓમ પુરી, મોહન

- બિયૉન્ડ એન્ટરટેઈનમેન્ટ
ફિલ્મ: સ્પર્શ
કલાકાર: નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, ઓમ પુરી, મોહન ગોખલે
નિર્દેશક: સાંઈ પરાંજપે
અલ પચિનો... ભાગ્યે જ કોઈ એવો સિનેમાપ્રેમી હોય જે આ નામથી વાકેફ ન હોય. બીજું એક નામ... નસીરુદ્દીન શાહ, હવે આ બંનેના કરિયરની એક-એક યાદગાર ફિલ્મ, પચિનોની 'સેન્ટ ઑફ અ વુમન' અને નસીર સાહેબની 'સ્પર્શ'. આ ફિલ્મો વચ્ચે એક કૉમન વાત છે, બંને ફિલ્મના લીડ કેરેક્ટર્સ અંધ છે. અને આ સાત સમંદર પારની બંને ફિલ્મો વચ્ચે જે કનેક્શન છે તેની આજે અહીં વાત કરવાની છે. આમ તો, વિચાર 'સ્પર્શ'ના રિવ્યુનો હતો પણ જે વાત અહીં કરવી છે તે રિવ્યુ જેવી અને તેનાથી પણ આગળ છે.
વિશ્વ સિનેમા ઈતિહાસની મહાનમત ફિલ્મો પૈકીની એક ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની 'ગોડફાધર'માં ધ ગ્રેટ માર્લોન બ્રાન્ડોની સાથે-સાથે એક એક્ટર જેને સૌથી વધુ પ્રશંસા અને લોકપ્રિયતા મળી તે હતા અલ પચિનો. આ ફિલ્મથી દુનિયાભરમાં પચિનોનું નામ ગુંજવા લાગ્યું. 'ગોડફાધર'ને આજે પણ ગેંગસ્ટર ફિલ્મોમાં મીલનો પથ્થર માનવામાં આવે છે. રિલીઝના લગભગ 50 વર્ષથી વધુ સમય પછી પણ તે IMDBમાં સૌથી વધુ રેટિંગ મેળવનારી ફિલ્મોમાં સ્થાન પામે છે. 1972માં આવેલી મૂળ ફિલ્મનો બીજો ભાગ 1974માં આવ્યો અને આ ફિલ્મે અલ પચિનોનું કદ વધારે મોટું કર્યું. કોઈ એવો સિનેમાપ્રેમી નહીં હોય કે જે અલ પચિનોના નામ અને તેની પ્રતિભાથી વાકેફ ન હોય. 1975માં 'ડૉગ ડે આફ્ટરનૂન', 1979માં '...એન્ડ જસ્ટિસ ફૉર ઑલ' અને 1983 'સ્કારફેસ', જેના પરથી આપણે ત્યાં 'અગ્નિપથ' બની અને અમિતાભ બચ્ચનના કરિયરની અને ભારતીય સિનેમાની એક યાદગાર ફિલ્મ બની ગઈ જેવી ફિલ્મોમાં તેમનું કામ પ્રશંસનીય રહ્યું. સ્કારફેસમાં પણ અલ પચિનોની અદાકારીને ખૂબ
વખાણવામાં આવી.
આ સમયમાં તે દુનિયાના બેસ્ટ એક્ટર્સમાં સ્થાન મેળવી ચૂક્યા હતા પણ છતાંય તેના પર એક સત્તાવાર મ્હોર સમાન એકેડમી એવોર્ડ એટલે કે, ઓસ્કારથી દૂર હતા. ત્રણ-ત્રણ નૉમિનેશન પછી પણ પચિનોને કરિયરના બે દાયકાથી પણ વધુ સમય સુધી ઈંતેજાર કરવો પડ્યો. પચિનોનો વર્ષોનો ઈંતેજાર પૂરો થયો 1992માં આવેલી ફિલ્મ 'સેન્ટ ઑફ અ વુમન' થકી. એક અંધ રિટાયર્ડ આર્મી ઑફિસરની ભૂમિકા માટે પચિનોને આ વર્ષના બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો અને સિનેમાપ્રેમીઓ જેને બેસ્ટ માનતી હતી તેના પર ઑસ્કારની જ્યૂરીએ પણ બેસ્ટનો થપ્પો લગાવ્યો!
હવે વાત આવે છે, પચિનોની ઑસ્કાર વિનિંગ પરફોર્મન્સ અને તેના ભારતીય સિનેમા સાથેના કનેક્શનની. 1980માં નસીરુદ્દીન શાહની એક ફિલ્મ આવી હતી, નામ હતું 'સ્પર્શ.' સાંઈ પરાંજપે નિર્દેશિત આ ફિલ્મમાં નસીર સાહેબે એક અંધ વ્યક્તિની ભૂમિકા ભજવેલી. શબાના આઝમી, ઓમ પૂરી અને મોહન ગોખલે પણ મહત્વની ભૂમિકાઓમાં હતા. જોકે, આખી ફિલ્મ નસીર સાહેબના બેનમૂન અભિનયથી જ યાદગાર બની રહી. ફિલ્મમાં તેમના અભિનયને આજે પણ માઈલસ્ટોન માનવામાં આવે છે.
એ વાત અલગ છે કે, ફિલ્મ બૉક્સ ઑફિસ પર એટલું નહોતી ચાલી કે ન નસીર સાહેબને તેના માટે કોઈ મોટો એવોર્ડ મળ્યો હતો. સત્યજીત રે અમથા જ થોડી કહી ગયા છે કે, આપણી ઑડિયન્સ ખૂબ જ બેકવર્ડ છે. સારી ફિલ્મો, સારા કન્ટેન્ટ, અદાકારી ડિલિવર કરનારા નિર્દેશક, નિર્માતા અને કલાકારોને કાયમ સંઘર્ષ કરવો પડ્યો છે, પડી રહ્યો છે.
ખેર, મુદ્દાની વાત પર આવીએ તો ઑસ્કાર જીત્યા પછી એક ઈન્ટરવ્યુમાં અલ પચિનોએ એ વાત સ્વીકારી કે, 'સેન્ટ ઑફ વુમન'ના રોલની તૈયારી માટે તેમણે નસીર સાહેબની 'સ્પર્શ' જોયેલી! તે નસીરની એક્ટિંગ, હાવભાવથી ખૂબ પ્રભાવિત થયા અને પોતાની ફિલ્મની તૈયારીમાં તેમને 'સ્પર્શ' ખૂબ ઉપયોગી થઈ. અલબત્ત, આનો એવો કોઈ મતલબ નથી બનતો કે, અલ પચિનોએ 'સ્પર્શ' ન જોઈ હોત તો તે 'સેન્ટ ઑફ અ વુમન' ન કરી શક્યા હોત કે પછી ઓસ્કાર ન જીતી શક્યા હોત, પણ વાત એ છે કે, આખી દુનિયા જેને પોંખે છે તે હોલિવૂડનો કલાકાર જો આપણા સિનેમા અને કલાકારમાંથી પ્રેરણા લે છે તો આપણે ત્યાં પણ ક્વૉલિટી વર્ક થઈ રહ્યું છે જેની આપણે નોંધ નથી લેતા અથવા ઓછી લઈએ છીએ. રામાયણ કે બીજા ગ્રંથોમાં વિમાનો અને બીજી ટેક્નોલૉજીના ઉલ્લેખ છે એમ કહીને આપણે ગર્વ કરીએ છીએ પણ તેનો અસલ ઉપયોગ વિદેશીઓએ જ કર્યો છે, આપણે ખાલી ખોટો દંભ પાળીને બેઠાં જ રહ્યાં છીએ.
ખેર, અંતમાં મનોજ બાજપેયીએ એક ઈન્ટરવ્યુમાં કહેલી વાત યાદ આવે છે, 'નસીરુદ્દીન શાહ અને ઓમ પુરી જેવા કલાકારો આપણને મળ્યા તે આપણું સૌભાગ્ય છે. મારા મતે તેઓ દુનિયાના મહાનતમ કલાકારો છે. આપણે અલ પચિનો, માર્લોન બ્રાન્ડોના વખાણ કરતા રહીએ છીએ, અલબત્ત તેઓ મહાન છે જ પણ જે ગરીબી અને ભૂખમરીની હાલતમાં, સાવ ઓછા મહેનતાણા, મર્યાદિત સંસાધનોમાં ઓમ સાહેબ કે નસીર સાહેબે જે કામ કર્યું છે તે કોઈ પચિનો કે પચિનોનો બાપ ન કરી શકે.'
અંતમાં, ભારતીય સિનેમાની આ ક્લાસિક ફિલ્મ યુટ્યૂબ પર ફ્રીમાં અવેલેબલ છે. સમય સિવાય કશું જ ખર્ચવાનું નથી અને તે પણ પૂરેપૂરો વર્થ લાગશે તેની ગેરેન્ટી છે.
- આગંતુક








