શતરંગ / નરેન્દ્ર મોદી અને સંઘ: એક જંગ તો જૂનો છે જ! ભાગ 2
- કરન્ટ કીક 1951-52માં જ્યારે ભાજપના પિતૃ પક્ષ એ "જનસંઘ"ની સ્થાપના થઇ ત્યારે સંઘના સર્વેસર્વા

- કરન્ટ કીક
1951-52માં જ્યારે ભાજપના પિતૃ પક્ષ એ "જનસંઘ"ની સ્થાપના થઇ ત્યારે સંઘના સર્વેસર્વા ગુરુ ગોલવલકરે એક વિવાદાસ્પદ નિવેદન આપેલું કે- ગાજરની પીપુડી છે આ. વાગશે ત્યાં સુધી વગાડીશું. પછી ખાઈ જશું...
પણ 2014 અને 2019ના ઇલેક્શન પહેલા શું બન્ને પહેલા ભાજપ અને સંઘ વચ્ચે બરોબરનો ટકરાવ થયેલો એ આપણે અગાઉ જોયું. પણ હવે વાત 2024માં જેપી નડ્ડાએ સ્ફોટક સ્ટેટમેન્ટ કેમ આપ્યું એ જંગ માટે પણ થોડો ભૂતકાળ ખોતરી લઈએ.
સંઘના શિષ્ટાચાર મુજબ એમાં કોઈ "વ્યક્તિવાદ"નું મહત્વ જ નથી. એક જ મુદ્દો બસ એને આપણે હિંદુત્વવાદ કહીએ કે રાષ્ટ્રવાદ! એને બદલે થયું શું? સ્વદેશી જાગરણ મંચ પછી સંઘનું મહત્વનું અંગ એવા ભારતીય કિશાન મંચ પણ નરેન્દ્ર મોદીના ઈશારે સમાધાન કરીને ચુપચાપ બેસી ગયું. 2014 પહેલાના સમયમાં જેટલા ખેડૂત આંદોલન થયા એમાં "ભારતીય કિશાન મંચ" જ આગળ પડતું રહેતું. ભલે ને, એ પછી ભાજપની જ સરકાર કેમ ના હોય!
પણ પણ 2021-22માં થયેલા ખેડૂત આંદોલનમાં સંઘની આ પાંખે ભાગ લીધેલો કે નહીં, એ હવે કોઈ પૂછવાનો સવાલ જ નથી, સમજદાર કો ઈશારા કાફી!
વળી, ઉપર જે વ્યકિતવાદની વાત લખી એનાથી વિરુદ્ધ દસ વરસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘ તો ઠીક, ભાજપનું નામ લેવાનું પણ બંધ કરી દીધું. "મોદી સરકાર, મોદી હૈ તો મુમકીન હૈ, મોદી કી ગેરેન્ટી... વગેરે વગેરે... ઇવન ભાજપના ઉમેદવારો પણ મોદીના નામે જ ચૂંટણી લડે છે. સોશિયલ મીડિયામાં પણ ભાજપ સમર્થકો કહે છે કે મોદીને જોઈને વોટ આપવાનો બસ. કંઈ સીટ પર કયો ઉમેદવાર એ બધું ભૂલી જવાનું. એ તો રેગ્યુલર સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય એ એટમોસ્ફિયર જોઈને સમજી જ જાય! નગરપાલિકાની ચૂંટણી હોય કે લોકસભાની ચહેરો એક જ "નરેન્દ્ર મોદી!"
ચાલો તો શરત મુજબ, અફવાથી વાત શરૂ થયેલી તો અફવાથી જ પુરી કરીએ. 2019 પછી નીતિન ગડકરીએ ત્રણ મંત્રાલય ગુમાવી દીધા. અને મહારાષ્ટ્રના નાગપુરમાં એક છાપા લોકમતમાં એક રિપોર્ટ આવ્યો કે - નીતિન ગડકરી પોતાના તરફદાર એવા 120 સાંસદોને લઈને પક્ષમાંથી છુટા પડે છે.... પછી તો ગડકરીએ જ આ વાત અફવા હોવાની પુષ્ટિ કરી અને લોકમતના એ પત્રકારે નોકરી ગુમાવવી પડી!
ખૈર, બની શકે કે આ છેલ્લી વાત અફવા ના પણ હોય. પણ જો અફવા હોય તો ફેલાવી કોણે? સંઘના ગઢ અને સંઘના વફાદાર એવા નીતિન ગડકરીની લગભગ સાડા ત્રણ લાખ કે ચાર લાખ વોટના તોતિંગ માર્જિનથી જીતેલી નાગપુરની એ સીટ પર કોની ત્રેવડ છે કે, આવી અફવા ફેલાવી શકે? અગેઇન, સમજદાર કો ઈશારા કાફી!
- ડૉ. ભગીરથ જોગિયા








