શતરંગ / નમામિ નાટકેશ્વરમ્ ભજામિ હાટકેશ્વરમ્।।
- શબ્દ ઝણકાર પરમાત્મા અને શક્તિનું અજવાળું પ્રગટ કરતો ઉત્સવ એટલે અમૂલ્ય પવિત્ર ચૈત્ર માસ. જેમાં પ્રથમ નવ દિવસ એટલ

- શબ્દ ઝણકાર
પરમાત્મા અને શક્તિનું અજવાળું પ્રગટ કરતો ઉત્સવ એટલે અમૂલ્ય પવિત્ર ચૈત્ર માસ. જેમાં પ્રથમ નવ દિવસ એટલે ચૈત્ર નવરાત્રિ, એટલે કે ભાવભક્તિનો શક્તિપુંજ અને ત્યારબાદ સળંગ ત્રિદિવસીય ભગવાનનો ઉત્સવ એટલે કે મહાવીર જયંતિ, હાટકેશ્વર જયંતિ અને હનુમાન જયંતિ જે અનુક્રમે તિથિ ચૈત્ર સુદ તેરસ, ચૌદશ અને પૂનમના આવે છે. આજે વાત કરવી છે સુવર્ણ લિંગ સ્વરૂપે બિરાજમાન છે તેવાં ભક્ત કવિ નરસિંહ મહેતા અને નાગરી નાતનાં કુળદેવતા હાટકેશ્વર મહાદેવ.
ભગવાન હાટકેશનું મુખ્ય અને સૌથી પ્રાચીન મંદિર મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલું હાટકેશ્વર મંદિર જે નાગરોના કુળદેવતા જણાય છે. હાટકેશ્વર મહાદેવનું પુરાણોમાં એટલે કે સ્કંધપુરાણનાં નાગરખંડમાં પણ આ વિષયનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં ભગવાન શિવ એ પોતાનાં નિવાસના મુખ્યત્વે આઠ સ્થળો દર્શાવ્યાં છે : કેદાર, પુષ્કર, કાશી, કુરુક્ષેત્ર, પ્રભાસપાટણ, નૈમિષારણ્ય, કુરુજાંગલ્ય અને હાટકેશ્વર. આ બધાંજ તિર્થધામોમાં ઉત્તમ હાટકેશ્વર સર્વોત્તમ છે એવું માનવામાં આવ્યું છે.
ભગવાન શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ જેને પાતાળના દેવ પણ કહેવામાં આવે છે. નરસિંહ મહેતાની જ્ઞાતિ નાગરી નાતનું આસ્થાનું પ્રતિક અને ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર જયંતિ ચૈત્ર સુદ ચૌદશ એ નાગર જ્ઞાતિ દ્વારા હાટકેશ્વર પાટોત્સવના નામે મનાવવામાં આવે છે. હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુદ્ધ-તેજોમયી સુવર્ણ એવો અર્થ થાય છે. આ પાતાળદેવ ભૂમિમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે. જે નિર્મળ-નિરાકાર-નિર્ગુણ-નિર્મમ આત્મસ્વરૂપ છે. ચૈત્ર સુદ ચૌદશના પ્રાગટ્ય દિવસ છે. જે સમગ્ર નાગરોનું વડનગર ખાતેનું હાટકેશ્વર મંદિર આસ્થા-ભક્તિ અને શ્રધ્ધાનું તીર્થઘામ છે.
હાટકેશ્વર મહાદેવ પાતાળલોકમાંથી ભૂમિ ઉપર, વડનગરમાં ચૈત્ર માસની ચતુર્દશીએ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા, એવી આસ્થા અને પવિત્ર માન્યતાના કારણે દર વર્ષે આ તિથિએ હાટકેશ્વર મહાદેવનો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી અને હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ દિવસે નાગર પરિવારો મહાદેવના દર્શન-પૂજન કરે છે. રુદ્રી તેમજ હવન કરી આરાધના કરે છે, શોભાયાત્રા નીકાળે છે. નાગર બ્રાહ્મણોની કલા નિપુણતા, સૌંદર્ય દ્રષ્ટિ અને વિદ્વતાનો સંગમ આ મંદિરમાં થયો છે એમ કહી શકાય છે.નાગરી નાતમાં હાટકેશ જયંતીનું ખૂબ મહાત્મ્ય રહેલું છે. કહેવાય છે કે નાગરોને શબ્દ, સુર,વારસામાંમળેલ છે જે ખુદ ભગવાન હાટકેશ્વર મહાદેવની જ કૃપા રહેલી છે એવું માનવામાં આવે છે.વડનગરમાં બિરાજમાન છે એવાં હાટકેશ્વર ભગવાન ભાવિકભક્તોનું આસ્થા ધામ છે. અહીં પ્રતિષ્ઠિત કરાયેલું સુવર્ણ શિવલિંગ શિવાત્માની અલૌકિકઅનુભૂતિ કરાવી જાય છે.
તેથી જ શ્રી હાટકેશ્વર અષ્ટકમ યાદ આવે :
जटातटान्तरोलसत्सुरापगोर्मिभास्वरं
ललाटनेत्रमिन्दुनाविराजमानशेखरम् ।
लसद्विभूतिभूषितं फणीन्द्रहारमीश्वरंनमामि नाटकेश्वरं भजामि हाटकेश्वरम्.
હાટકેશ્વર જયંતીની સાથોસાથ ચૈત્ર સુદ તેરસ, એટલે કે મહાવીર જયંતિ-2326 મો જન્મ કલ્યાણક મહોત્સવ. ભગવાન મહાવીર એટલે વિશ્વશાંતિના સર્જક જેમણે સમગ્ર વિશ્વને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સંદેશો આપ્યો. ભગવાન મહાવીરનો જન્મ ચૈત્ર સુદ તેરસના થયો હોવાથી જન્મ કલ્યાણક કહેવાય છે. સાચા માતૃભક્ત એટલે ભગવાન મહાવીર. આમ તો જેનાં કલ્યાણ-પર્વથી નર્કના જીવોને પણ સુખનાં અજવાળાં આપ્યા હોય એટલા માટેજ તીર્થંકરના જન્મના દિવસ માટે ‘જયંતિ’ કરતા ‘કલ્યાણક’ શબ્દજ શોભે. આથી, મહાવીર જયંતિ નહીં, મહાવીર જન્મ કલ્યાણક.
તો સાથોસાથ ત્રિદિવસીય જયંતિમાં જેમને સમજવા હોય તો એમનાં જીવનની હકારાત્મકતા સમજવી પડે એવાં અંજની પુત્ર હનુમાન જયંતિ. પૂજ્ય મોરારી બાપુએ ભગવાન હનુમાનને સમજવા એમનાં અક્ષરાર્થ વડે ખુબ સારી રીતે તારી આપ્યા છે :
‘હ’ એટલે હકારાત્મક વિચાર.
‘નુ’ એટલે જે વસ્તુ નુકસાનકારક હોય એમાં હા ન પાડવી.
‘મા’ એટલે સૌને માં આપો.
‘ન’ એટલે નમ્રતા.
હનુમાન જયંતિ એટલે ચૈત્ર સુદ પૂનમ. તુલસીદાસજીએ ‘રામચરિતમાનસ’માં હનુમાનના ગુણગાન કર્યાં છે. એમાં તુલસીદાસજી હનુમાનને નમન કરે છે:
अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम् ।
सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि।।
તો આપ સૌને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક અને શક્તિપૂર્વક ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ, ભગવાન હાટકેશ્વર
પાટોત્સવ અને ભગવાન હનુમાન જયંતિની શુભકામનાઓ.
- પાયલ અંતાણી








