શતરંગ / મળી માતૃભાષા મને ગુજરાતી
- શબ્દ ઝણકાર 1લી મે, એટલે કે ગુજરાતનો ગૌરવ દિન. ગુજરાત સ્થાપના દિવસ. સૌપ્રથમ તો મારે ગુજરાતી પૂર્વક સલામ કરવું છે. જેમણે આ કવ

- શબ્દ ઝણકાર
1લી મે, એટલે કે ગુજરાતનો ગૌરવ દિન. ગુજરાત સ્થાપના દિવસ. સૌપ્રથમ તો મારે ગુજરાતી પૂર્વક સલામ કરવું છે.
જેમણે આ કવિતા રચી છે. આ કવિતા છે ગઝલ સમ્રાટ કવિ શ્રી અંકિત ત્રિવેદીની :
બધાને દંડવત કરી એ નમે છે
મજા બહુ પડે જીન્સમાં એ રમે છે
દિવસ-રાત, સાંજે, સવારે ગમે છે
મને મારી ભાષા વધારે ગમે છે
અનુવાદ, સર્જન, અનુસર્જન, પણ મમત કોઈ પર નહિ
ને મમતાનો સગપણ
જીવન એક એના સહારે ગમે છે
જમું એને હું અને મને એ જમે છે
મને મારી ભાષા વધારે ગમે છે
રહું તોય આવીને છાતીએ રાખે
રહે કાને, જીભે અને હોય આંખે
મનોબળનાં મક્કમ ઈશારે ગમે છે
તરી ગઈ જે પેઢી હજુ ધમધમે છે
મને મારી ભાષા વધારે ગમે છે
બળુકી, નિખાલસ, સહજ, ઔપચારિક
અનુરૂપ સૌને સદા પારિવારિક
નકારે ગમે છે, હકારે ગમે છે
વગર એના જીવન સતત આથમે છે
મને મારી ભાષા વધારે ગમે છે
ના ખપશે કદાપિ તમારા ખુલાસા
જન્મથી મરણ સુધી જીવે છે ભાષા
પરમ પ્રેમનાં ચિત્રકારે ગમે છે
વિધાતાને માતા પછીનાં ક્રમે છે
મને મારી ભાષા વધારે ગમે છે.
- અંકિત ત્રિવેદી
કેટલી સુંદર રચના છે. ગુજરાતીપણાંની ઝલક અક્ષરે અક્ષરે ઝાકમઝોળ તરી આવે છે. ગુજરાતી એટલે કોણ? ગુજરાતી એટલે એવી પ્રજાનું સામ્રાજ્ય જયાં ખિસ્સા ખાલી હોવા છતાં મોંઘીદાટ વસ્તુઓ લેવામાં ખચકાય નહિ. નાગરો જેમ લચકો દાળ અને છૂટા ભાત કરે એવાં છે ગુજરાતી. દૂધમાં સાકર ભળે એવાં તે ભળી જાય. ખાસિયત અને ખુમારી જેના લોહીમાં સતત વહ્યા કરે એ છે ગુજરાતી. શાકવાળા સાથે પણ છેલ્લે સુધી ભાવતાલ ન કરાવે, એકાદ મેણાં-ટોણાં ન મારે ત્યાં સુધી ગુજરાતણો હાશકારો નથી મેળવતી. છેવટે શાકવાળો પણ તમામ પ્રકારના હોંકારા-પડકારા સાંભળી અંતે શાક તો આપે જ છે. પન્ના નાયક તો એમ કહે;
“આપણને જે ભાષામાં સપના આવે, એ આપણી માતૃભાષા”
ગુજરાતનો જન્મદિવસ એટલે સંપૂર્ણતા, આદરતા અને અખંડ તાત્વિક્તાને ઉજવવાનો દિવસ. ગુજરાતનાં શૌર્ય વીરોનાં કસુંબા રસને યાદ કરવાનો દિવસ. ધન્ય ધરા ગુજરાતની અસ્મિતાના અજવાળાનો ઉત્સવ. ગુજરાતીનાં ધાવણમાં કદાચ ભરત ઋષિનાં રસ કરતા પણ વધારે રસો છે. ગુજરાત પાસે કાળને સામા થવાની પણ તાકાત છે. ગુજરાત વિશ્વ શાંતિનું પ્રતીક છે. વિપિન પરીખ તો એમ કહે;
“મને મારી ભાષા ગમે છે, કારણ કે હું મારી બા ને બા કહી શકું છું.”
આ એ ધરતી છે જે નરસૈયાનાં પદો પર ઝૂમી છે. મીરાંની કૃષ્ણભક્તિનાં ગુણગાન ગાયા છે. ગાંધી અને સરદાર પટેલ જેવાં જ્યોતિર્ધરો એ જન્મ લઈને આ ધરતીને ચૂમી છે. ચાહી છે. ગુજરાતી લોકગીતોની ધમાલ છે. યુવાવર્ગે મદ્યપાનને નહીં, પણ ગરબાને આલ્કોહોલિક નશો ગણયો છે. આ એવો છેલછબીલો ગુજરાતી છે જે આખી રાત ઢોલના ઢબૂકે નાચી ઉઠે છે. આ એવો અલબેલો ગુજરાતી છે જે સામાન્ય જીવનશૈલી જીવીને આખી દુનિયાનું સામ્રાજ્ય હાથમાં લાવી શકે છે. આ ગુજરાત એટલે અવિનાશી અવિનાશ વ્યાસના ગીતોમાં જીવતું, પુરુષોત્તમ ઉપાધ્યાયની ગઝલોમાં ગાતું, ફાલ્ગુની પાઠકનાં ગરબે ઘુમતું. ગુજરાતી ભાષા આપણાં લોહીમાં લય થઈને વહે છે. જય વસાવડાએ તો પૂજ્ય મોરારીબાપૂનાં “સત્ય, પ્રેમ,કરુણા”ને તો માત્ર ત્રણ શબ્દો જ નહીં, ”ગુજરાતી વૃક્ષનું બીલીપત્ર” કહ્યું છે. ગુજરાતી પ્રેમની વાતો ગાઈ શકે છે. રમેશ પારેખના કાવ્યો, મરીઝની રચનાઓને ઝીલી શકે છે અને જીવી જાણે છે. કચ્છ-સૌરાષ્ટ્રની સંત પરંપરા પણ યાદ આવે. નરસિંહનું “વૈષ્ણવજન” ગુજરાતીઓનું સંસ્કારિતાનું પ્રતીક છે.
ઘણા સમયથી માતૃભાષા દિવસ આવે કે સ્થાપના દિવસ આવે તો એવાં પ્રચાર-પ્રસાર થાય છે જયાં ભાષાને બચાવવા શું કરવું જોઈએ, કઈ રીતે ભાષાને જીવતી રાખવી. પણ સ્પષ્ટપણે અને દ્રઢપણે માન્યતા છે કે ભાષા ક્યારેય મરતી નથી અને મરી પરવાની પણ નથી. જયાં સુધી વિદેશે વસતાં કે બારે ફરતાં ગુજરાતીઓનાં બેગમાં થેપલા-ઢોકળા-અથાણાં છે એટલે હંમેશા જીવંત રહેવાની જ છે. ભાષા આપણાં જન્મ પહેલાંથી છે અને મરણોપરાંત પણ રહેવાની જ છે. ભાષા આપણને જીવતી રાખે છે. આપણે ભાષાને જીવતા રાખવા જરાય સક્ષમ છીએ જ નહીં. ભાષા છે તો આપણે છીએ. આ સાથે જ કવિશ્રી ઉમાશંકરને યાદ કરવા જ પડે;
“મળી હેમ આશિષ, નરસિંહ – મીરાં,
થયા પ્રેમ ભટ ને અખો ભક્ત ધીરા.
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધન જે,
સજી ન્હાનલે કલ્પના ભવ્ય નેજે
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી.”
- પાયલ અંતાણી








