મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મારા નથના પરવાડા જેવી ચૂંદડી: વૈભવી ઠાઠમાઠ નહિ પણ માઁની લાગણીઓનુ ભાથું

- ગ્લેમર ગાઈડ સપ્તપદીના સાતેય રંગો જીવનમાં ઉતારવાનો લ્હાવો દરેક દીકરી

શતરંગ / મારા નથના પરવાડા જેવી ચૂંદડી: વૈભવી ઠાઠમાઠ નહિ પણ માઁની લાગણીઓનુ ભાથું

- ગ્લેમર ગાઈડ

સપ્તપદીના સાતેય રંગો જીવનમાં ઉતારવાનો લ્હાવો દરેક દીકરી માટે ખૂબ કિંમતી હોય છે અને એટલે જ વિવાહ સમયે પહેરાતી, એ ચૂંદડી હંમેશા ખાસ હોય છે. એ કોઈ ખેતકામ કરતાં મજુરની દીકરી હોય કે રાજાની રાજકુમારી,વિવાહ સમયની વેળા, એમના માટે સૌથી અનોખી હોય તેવું એ ઈચ્છે છે અને એટલે જ પ્રાચીન કળાના કસબીઓથી લઈને કોઈ લેટેસ્ટ ફેશન ડિઝાઇનર, બ્રાઇડલ વેર, પાનેતર, ચૂંદડી અને ઘરચોડાંને ખાસ બનાવવા માટે તેઓ દિવસ રાત એક કરે છે.

ભારતીય સઁસ્કૃતિના લોકગીતોમાં, સાહિત્યમાં એમનો અલગ જ ઇતિહાસ છે. લગ્નસરાની ચૂંદડીના રંગથી લઈને એમાં કોતરેલી ભાત એ ફેશન જ નહિ પરંતુ લોકગીત અને લગ્નગીતો સુધી પ્રચલિત છે. આજે પણ દરેક ઘરમાં શરણાઈઓ ગુંજતાં પહેલા, ઘરચોડાં અને ચૂંદડી તૈયાર કરવાનો અલગ રિવાજ હોય છે. રંગોની ઊંડાઈ, એ અહીં ઓવર ફેશન નહિ પણ દુલ્હનનો વૈભવ છે, એમાં ચિત્તરાયેલ મોર અને હાથીની છાપ એ એક દિવસ પૂરતી પણ રાજરાણી હોવાનો ઠાઠ છે.

અને એ દરેકથી ઉપર હોય છે, આપણાઓના આશીર્વાદ.મામાના ઘરનું પાનેતર અને સાસરીયાનુ ઘરચોડું, દરેક પોશાક કોઈને કોઈ સબંધ સાથે વણાયેલ છે. પરંતુ સૌથી સુંદર હોય છે એ અહેસાસ, જે દીકરીના એ દિવસને ખૂબ ખાસ બનાવતો હોય છે, જ્યાં એમના માથે ઓઢેલ ચૂંદડી એમની માઁની હોય. તે દાયકાઓ પહેલાની, જુનવાણી હોવા છતાં એમને પહેરવાનો અલગ જ લ્હાવો હોય છે. દરેક દીકરીએ ક્યારેક ને ક્યારેક પોતાની માઁ,દાદી કે નાનીની સાડી જરૂર પહેરી જ હોય છે. ક્યારેક ઢીંગલા પોટલાં રમવા તો ક્યારેક સ્કૂલ કોલેજના ઉત્સવોમાં. પોતાની માતાની છબીઓને એ અલગ અંદાઝમાં અનોખું તેજ આપવા તે હંમેશા તત્પર હોય છે. આજની છોકરીઓમાં આવી લાગણીઓએ, લગ્નોની ફેશનના સુર બદલ્યા છે. સામાન્ય જ નહિ પરંતુ બૉલીવુડ માનુનીઓ આ બાબતમાં જરાં પણ પાછળ નથી.

અંબાણી પરિવાર એમના શાહી ઠાઠ માટે ખૂબ જાણીતા છે, એમની થનારી વહુ રાધિકા માટે લગ્નની ચૂંદડીની જવાબદારી હાલ કચ્છના કસબીઓ માથે છે. પરંતુ એ જ અંબાણી પરિવારની દીકરી ઈશાએ પોતાના લગ્નમાં એમના માતાની 35 વર્ષ જૂની સાડીને દુપટા તરીકે લહેંગા પર ઓઢી હતી. આ ડ્રેસિંગમાં ઈશા અત્યંત મોહક લાગતી હતી.

કરીનાએ એમના સાસુ શર્મિલાજીનો ડ્રેસ પોતાના રિસેપ્શન પર પહેર્યો હતો.જે બેગમ હોવાની શાહી છાપ સમાન હતો. અત્યાર સુધીનો સૌથી આકર્ષક અને મોંઘો વેડિંગ ડ્રેસ પહેનનાર સોનમ કપૂરે તેમના લગ્નમાં એમના મમ્મીના દાગીના પહેર્યા હતાં. માત્ર બૉલીવુડ જ નહિ પણ ઘણી સેલિબ્રિટીસ આમ કોઈ ને કોઈ રીતે પોતાની માતાની જૂની યાદોને પોતાની કિંમતી પળો સાથે જોડી લે છે. ગુલ પનાગ, ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા, પ્રિયંકા ચોપરા, યામી ગૌતમ અને હાલ લગ્ન કરનાર સોનાક્ષી સિન્હા પણ પોતાના લગ્ન પર આ રીતે મોંઘા ડિઝાઇનર્સના અત્યંત માભાદાર લહેંગાના બદલે એમની માઁના ડ્રેસીસ પહેરવાનું પસંદ કર્યું હતું.

- જીજ્ઞા જોગીયા 

આ સમાચાર શેર કરો