શતરંગ / નીચે ધરતી ને ઉપર ગગન, નાગણ નોકરીને નમન
- નાગણ નોકરી નોકરીને નાગણ કહેવી કે ડાકણ એ હજુ નક્કી નથી થઈ શકતું એટલે હાલ પૂરતી વ્યવસ્થા માટે તેનું નામકરણ વૃશ્ચિક રાશિના આધારે ક

- નાગણ નોકરી
નોકરીને નાગણ કહેવી કે ડાકણ એ હજુ નક્કી નથી થઈ શકતું એટલે હાલ પૂરતી વ્યવસ્થા માટે તેનું નામકરણ વૃશ્ચિક રાશિના આધારે કરવામાં આવ્યુ છે. આમ તો વૃશ્ચિક રાશિને કાયમી ધોરણે પનોતી હોય એવું પાદરે બેઠેલા ભાભલાના પડી ગયેલા દાંત સામે જોઈને મલકાતા માજીએ કહેલું. એમણે આવું કહેલું એવું મને પાછું કોણે કહ્યું એ સવાલ તમારા મનમાં થાય એ સ્વાભાવિક છે પણ તમે ધંધામાં ને હું નોકરીમાં ધ્યાન આલુ તો સારું કહેવાય. આ આપુને બદલે આલુ બોલતાં હમણાં હમણાં શીખ્યું છે પણ હવે એ ભૂલવું પડશે કેમકે સાસુમાએ કહ્યું એ અજૈન શબ્દ છે બેટા તું એની જગ્યાએ કાચું કેળું બોલજે!!
ગાડી આડે પાટે ચડી ગઈ એવું નથી. આ જ નાગણ નોકરી છે. શરૂ ક્યાંથી થાય ને પુગી ક્યા જાય એના નેઠા વગરની, શબરીના હેઠા બોર વગરની!!
નોકરી કરવી કોઈને ગમતી નથી એના કારણો અને તારણો જાણવા માટે ય રજા જોઈએ જે મળતી નથી. દુનિયાના.. છોડોને આપણે દુનિયાની ક્યાં પંચાત કરવી. દેશ પૂરતી કરીએ. હા તો, દેશના પોણા બસ્સો ટકા લોકોને નોકરી કરવી શું કામ ગમતી નથી એ હું તમને વિસ્તાર પૂર્વક સમજાવીશ દરેક લેખમાં પણ આ પોણા બસ્સો ટકા શેના? અલા ભાઈ, દરેક જણ બસ્સો ટકા ભાર લઈને નોકરી કરે છે. પચ્ચીસ ટકા જીએસટી કાઢ્યો!! હાસ્તો, મમ્મીએ કીધું કે કંઇપણ ખાવાનું બનાવો ગાય કૂતરાંનું પેલ્લા કાઢવાનું ને પપ્પાએ કીધું આવું જ જીએસટી માટે ય રાખવું બેટા!! કોઈપણ ગણતરીમાં જીએસટી કાઢી જ લેવો.
રજાનો પ્રશ્ન અને રાજાનો પ્રશ્ન બેય બહુ આકરા. સોલ્વ ન થાય. રાજા પાસે તો હજુ ય બિરબલ હોય પણ રજા માટે બોસ લિબરલ ન હોય!! આલેલે, જોયું કેવું મીટરમાં લખાઈ ગયું.
નોકરી આજકાલની નહિ સદીઓથી નાગણ છે એની ખાતરી આપતો કિસ્સો. એક દિવસ એક કર્મચારી; હાલ પૂરતો નમન નામનો કર્મચારી. છગન મગન રાખીએ પણ એના છાપરે લગન થઈ ગયા ને ચમનની રાશિ નાગણ નોકરી હારે જામતી નથી એટલે. હા તો નમને કીધું કે થાય ઈ કરી લ્યો હું નોકરીએ નહિ આવું. સાહેબે એને કાઢી મૂકવાનો સંદેશો આપવા માટે પોસ્ટ કાર્ડ લખ્યું ને ટિકિટ ચોંટાડી નહિ. પોસ્ટમેન આપવા આવ્યો પોસ્ટકાર્ડ અને કીધું કે આમાં ટિકિટ નથી, રૂપિયા તમારે આપવાના. નમને પોસ્ટકાર્ડને નમન કર્યું, વાંચી લીધું અને પાછું આપી દીધું કે લો નથી જોઈતું પાછું મોકલી દો!! સાહેબે બીજું પોસ્ટકાર્ડ લખ્યું કે કાલથી ઑફિસ આવી જજે, ટિકિટના પૈસા લઈને!!
નમન અને નમૂનીઓ તો ય નોકરી કર્યે જાય છે. અમારા એક સંબંધી કહેતા કે નોકરીયાત જીવ ભીંડા જેવા હોય. ચીકણાં. ભીંડા જૂના થયા. આપણે સીઝન પ્રમાણે ગુંદા રાખીએ. એ વધુ ચીકણાં હોય તો થોડો ન્યાય મળે. જુઓ, કોઈના વખાણ કરો તો પેટ ભરીને કરો અને નિંદા કરો તો દિલ ભરીને કરો આ નિયમ યાદ રાખવો. કોઈનું સારું બોલવામાં મર્યાદા ન રાખવી પણ ખરાબ કહેવામાં માન, મર્યાદા કે મોભો કંઈ ન રાખવું. ને એમાં ય નોકરિયાત જીવની ઉત્પત્તિ જ નિંદા સાંભળવા થઈ છે તો એમાં શરમ શેની!!
એમાં ય પાછા ભાગ પડે. સરકારી નોકરી વાળા ને પ્રાઇવેટ વાળા. સરકારી ગુંદા જેવા રાખીએ ને પ્રાઇવેટ ભીંડા જેવા. કારણ તમારે જાતે ધારી લેવું. ધારી લેવા કરતાં પૂછી લેવું સારું એ નિયમ પાળતા હોય એમણે મારો કોન્ટેક્ટ કરીને પૂછવું. પૂછવાના પૈસા નથી ને નોકરીમાંથી છૂટવાના ય નથી!!
કહેવાય છે કે નાગણ ક્યારેય તમને નુકસાન ન કરે જો તમે એની સળી ન કરો તો. જો તમે નાગને કે એના બચ્ચાને હાનિ પહોંચે એવું કૃત્ય કરો તો તમારું આવી બને. નોકરીનું આવું નામકરણ પણ એટલે જ છે કે એને શાંતિથી એની રીતે થવા દો એ એના રસ્તાઓ કરી લેશે.
- સ્નેહલ તન્ના








