શતરંગ / માઁ વો હોતી હૈ જો...
- જોગી જ્ઞાન દસ વર્ષના એક બાળકને એકવાર સ્કૂલેથી એના ટીચરે એક લેટર આપીને કહ્યું કે, આ તારી મમ્મીને બતાવી દેજે. બાળકે ઘરે આવીને મમ્મ

- જોગી જ્ઞાન
દસ વર્ષના એક બાળકને એકવાર સ્કૂલેથી એના ટીચરે એક લેટર આપીને કહ્યું કે, આ તારી મમ્મીને બતાવી દેજે. બાળકે ઘરે આવીને મમ્મીને એ લેટર આપ્યો. વાચતા વાચતા માની આંખમાં આંસુ આવેલા જોઈને દીકરાએ પૂછ્યું કે, શું લખ્યું છે આમાં? મમ્મીએ આંસુ લૂછીને કહ્યું કે, તારા શિક્ષકે લખ્યું છે કે-તમારો દીકરો એટલો જીનિયસ છે કે, અમારી સ્કૂલ એને લાયક નથી. આ બાળકને ભણાવી શકે એવા અમારી શાળામાં શિક્ષકો નથી.
પછી તો એ સાત બાળકોની મમ્મીએ આ સૌથી નાના દીકરાને ઘરે જ ભણાવ્યો. અમુક કેમેસ્ટ્રી ચોપડીઓ વાચતો કર્યો, અને આગળ વધતા ઘરે જ એક નાનકડી પ્રયોગશાળા બનાવી આપી. અને એક દિવસ, આ બાળકે બલ્બ અને ફોનોગ્રાફ એમ જગતની બે મહાન શોધ કરી નાખી, અને બની ગયો વિશ્વનો મહાન વૈજ્ઞાનિક. આજે જેના નામે એક એવોર્ડ અપાય છે, અમેરિકામાં બે કોલેજ અને બે બ્રિજ જેના નામે છે એ જીનિયસ બાળક એટલે, થોમસ આલ્વા એડિશન.
માઁ ના ગુજરી ગયા બાદ, દૌલત અને શોહરત બેય કમાય લીધા પછી એક દિવસ થોમસને કબાટમાં કશુંક શોધતા શોધતા એ વર્ષો પહેલાનો લેટર હાથમાં આવ્યો જેમાં લખ્યું હતું કે- આ મંદબુદ્ધિનો બાળક અમારી શાળામાં ચાલે એમ નથી. મહેરબાની કરીને આવતીકાલથી એને શાળાએ ના મોકલતા... અને થોમસ આલ્વા એડિશને એ દિવસે લખ્યું કે- એક મૂર્ખ બાળકને મહાન વૈજ્ઞાનિક બનાવનાર મમ્મી!
આવી હોય છે મમ્મીઓ. દરેક બાળક ભલે એડિશનની જેમ મહાન ના બની જાય, પણ દરેક માઁ તો નેન્સી સેમ્યુઅલ હોય જ છે. એને ફરક નથી પડતો કે એનું સંતાન મંદબુદ્ધિ છે કે જીનિયસ, એને ફરક નથી પડતો એનું બચ્ચું ગરીબ છે કે પૈસાદાર, એને ફરક નથી પડતો એનું લોહી નામી છે કે બદનામ! એના માટે એ જ મહત્વનું હોય છે કે એનું સંતાન એનું લોહી છે, બસ!
દુનિયામાં જે દિવસે નામ-દામ નહિ રહે ત્યારે આ સ્વાર્થી જગત લાત મારીને ફેંકી દેવાનું છે, જ્યારે કિસ્મતનો સૂરજ તપતો હશે ત્યારે લોકો પગમાં પડી જવાના છે. પણ બન્ને પરિસ્થિતિમાં એક સ્થિતિ કાયમ રહેવાની છે કે,જનેતાના પ્રેમમાં કોઈ ફરક નથી આવવાનો. એ દુન્યવી પરિબળોથી કાયમ પર જ રહેવાનો છે. જનેતાએ જગત નથી ને જગત ક્યારેય "જનેતા" બની શકતું નથી. બહાર ગમે એટલો રૂઆબ હોય, પણ આખો દિવસ હજારો લોકો સાથે હાથ મિલાવ્યા પછી ઘરે માથે હાથ ફેરવનાર માઁ ના હોય ત્યારે જ એ ખાલીપો અનુભવાય છે!
"રોગ" ફિલ્મનો કડક ઇન્સપેક્ટર ઈરફાન અનિંદ્રા બાબતે છેલ્લે ક્યારે સરખી ઊંઘ લીધેલી, એ સવાલના જવાબમાં ડોક્ટરને કહે છે કે, પિછલી બાર જબ ગાંવ ગયા થા તબ મા કી ગોદ મેં સર રખકર સો ગયા થા, સોતા રહા, ઘંટો તક... નીંદ તો મા કી ગોદ મેં આતી હૈ ડોકટર સા'બ...કેમ કે, મમ્મીના હાથથી વધીને કોઈ "ટ્રાન્કવિલાઈઝર" નથી સંસારમાં!
અમ્બિલિકલ કોર્ડથી અંતિમ સંસ્કાર સુધી અવિરત વહેતો પ્રેમનો પ્રવાહ એટલે મમ્મી!
- ડૉ.ભગીરથ જોગિયા








