મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માતા મહાન છે! પણ માથે કન્ડિશન અપ્લાયની અદૃશ્ય * ફૂદડી છે

- નાની નાની વાતો આપણે જે તાજમહેલને પ્રેમનું પ્રતીક ગણીયે છીએ

શતરંગ / માતા મહાન છે! પણ માથે કન્ડિશન અપ્લાયની અદૃશ્ય * ફૂદડી છે

- નાની નાની વાતો 

આપણે જે તાજમહેલને પ્રેમનું પ્રતીક ગણીયે છીએ એ મુમતાઝ પોતાની ચૌદમી ‘ડિલિવરી’ વખતે મૃત્યુ પામી હતી... આ કેવો પ્રેમ છે!

     અમારે એક મિત્રના પરિવારમાં એક મજાની દસ વર્ષની દીકરી છે. પણ સારા એવા શિક્ષિત એ પરિવારમાં હવે દીકરો આવે એ માટે આર્યુવેદિક નુસખાઓથી લઈને કોઈ પીર બાબાના પાણી સુધી અનેક માનતાઓ પણ છાના ખૂણે  થયેલી. આખરે દીકરો આવ્યો ત્યારે પરિવારના બા હરખમાં બોલ્યા કે, “હવે હું ખરા અર્થમાં દાદી બની...”

     ઉપર ઉપરથી ભલે લાગતું હોય કે સમાજ દીકરો-દીકરી એક સમાન ગણાતો થયો છે, પણ હજુ અંદરખાને ઘણા અંશે સ્થિતિ ‘દાદી બનવા’ અને ‘ખરા અર્થમાં દાદી બનાવાનો’ ભેદ રાખે એવી છે જ. 

     આપણે સ્ત્રીને માત્ર સ્ત્રી તરીકે નહિ પણ માતા તરીકે મહાન માનીએ છીએ.પણ વાતને જરા જુદી રીતે વિચારીએ માતા મહાન છે, પણ એમાં માથે કન્ડિશન એપ્લાયની * ફૂદડી પણ છે. સંતાન જ ન હોય તો એ સ્ત્રી કરતાં જેને દીકરી છે એ માતા મહાન છે, જો કે પેહેલી દીકરી હોય અને પછી ય દીકરીઓની લાઈન થતી જાય તો એ માતાની મહાનતા ઓછી થતી જાય, પણ એ દીકરીની માતા કરતાં દીકરાની માતા વધુ મહાન છે, એમાં ય પહેલા પહેલા ખોળે દીકરો આવે તો એ માતા ઔર મહાન છે...બે દીકરા તો તો મહાનત્તમ !

     નાના સેન્ટરના એક એવા ડોકટરને પણ હું જાણું છું, જે પોતે એમબીબીએસ ડોક્ટર છે પણ એમણે કૈક આયુર્વેદિક દવા બનાવેલી, જે દવા એમની બેઉ પુત્રવધુઓને ઉંબરા વચ્ચે ઉભા રહીને કેટલીક ખાસ તાકીદો સાથે લેવડાવી. કેમ કે બેઉ પુત્રવધુને પહેલા ખોળે દીકરો આવે. કુદરતને કરવું હશે તો બેઉ વહુઓને પહેલું સંતાન દીકરો જ થયો. આવું તો છાનુંછપનું ખુબ ચાલે છે, જે સૌને ખબર છે! જરા તપાસ કરીએ તો જાણવા મળે કે અમુક દોર ધાગા કે તાવીજ, માદળિયાં કે અમુક જગ્યાના ભુઈજી કે પીરબાબાના દાણા કે પાણીથી દીકરો જ આવે છે એવા એના રેકોર્ડ છે!. જો કે આવી અંધશ્રદ્ધાળું જગ્યાઓએ જેમના કેસમાં કુદરતી સંજોગે સાચું રીઝલ્ટ આવ્યું એમને જ પ્રેઝન્ટ કરીને માર્કેટિંગ કરવામાં આવતું હોય, કેટલા કેસમાં એ ફેઈલ ગયા એ ક્યાંય ન બતાવવામાં આવે. 

     પહેલા સંતાનો માટે ભુવા-ભારાડી કે તાંત્રિકો ફૂલફાલ્યા હતાં, એ દૃશ્ય બદલાય હવે રહ્યા છે. હવે આવનારા પાંચ દસ વર્ષમાં આપણે ત્યાં હરેક રોડ પર એક-બે  IVF સેન્ટર હશે ! રસ્તા અલગ છે મૂળમાં એ જ ઝંખના. જ્યારે પ્રાકૃતિક રીતે ગર્ભધારણ શક્ય નથી બનતું તો Ivf જેવી ટ્રીટમેન્ટસમાં આર્ટીફીસીયલ હાર્મોન્સ જ્યારે સ્ત્રીના બોડીમાં જાય છે ત્યારે એ સ્ત્રી પોતે ય પોતાને અજીબ લાગતી હોય છે કે આ હું નથી ! કોઈપણ સ્ત્રીને સ્વેચ્છાએ આવી બધી ટ્રીટમેન્ટમાંથી પસાર થવું ગમે છે? કદાચ મોટાભાગની સ્ત્રીઓનો જવાબ ના હોય ! છતાં સ્ત્રી આવી ટ્રીટમેન્ટસમાંથી પસાર થાય છે,કેમ કે એ જાણે છે અહી લોકો સ્ત્રી કરતા માતાને મહાન ગણે છે. આપણે તો જે તાજમહેલને પ્રેમનું પ્રતીક ગણીયે છીએ એ મુમતાઝ પણ પોતાની ચૌદમી ‘ડિલિવરી’ વખતે મૃત્યુ પામી હતી...

     જાવેદ અખ્તર એક વિચારવા જેવો પ્રશ્ન કરે છે કે કોઈ સ્ત્રી 12 તારીખે એક બાળકને જન્મ આપે છે, એ મા બને છે અને મા મહાન હોય છે, પણ એ સ્ત્રી મા તો 12 તારીખે બની...તો શું 11 તારીખે એ મહાન નહોતી ? એ સ્ત્રી તો હતી જ...આપણે એને બાળક આવ્યા પછી મહાનનો દરજ્જો આપ્યો તો મહાન કોણ થયું? મા કે આવનાર બાળક? પ્રેગનન્સી દરમિયાન સ્ત્રીને લાડકોડ કરનાર-પાણી માંગે ત્યાં દૂધ હાજર કરી દેનાર સૌનાં હાથમાં સ્ત્રી જ્યારે મિસકેરેજ કે કોઈ કારણસર બાળક નથી આપી શકતી ત્યારે એકાએક એ લોકોના વર્તનમાં જે ફેરફાર આવે છે ને?! એ વર્તનનો-ઉપેક્ષાનો આઘાત સ્ત્રીને બાળક ગુમાવ્યા કરતા ય મોટો હોતો હશે. 

     યુવાનોને એકવાત કહેવાની ઈચ્છા થાય કે જ્યારે દામ્પત્યમાં આવો છો ત્યારે કોઈપણ દંપતી બાળક ચાહે એમ તમે ય ચાહતા હો...પણ બનવાકાળે બેઉમાંથી કોઈ એકમાં સંતાન ઉત્પતી માટે કોઈ ઉણપ છે. જે કોઈમાં પણ હોય છે,  એ આપણા હાથની વાત જ નથી. (જો કે બેઉ જીવનસાથી ભરુપુર પ્રેમ છે તો બાળક ના હોવાના ય એડવાંટેજ છે જ.) પણ જો એ શારીરિક ખામી સ્ત્રી સાથીમાં છે તો પુરુષ સાથી તરીકે જવાબદારી ઘણી વધી જાય છે. આવા સમયે પરિવારમાં જ વડીલો કે સમાજમાં પ્રસંગોપાત બીજા સગાસબંધીઓ વાતવાતમાં એવ વેણ બોલી જ જવાના જે માતા ના બનનારી સ્ત્રીને આઘાત પમાડે...આમાં સ્ત્રીઓ જ સ્ત્રીને એ બાબતે વધુ સંભળાવતી હોય છે. આવા સમયે ગામના મોઢે ગળણું બાંધી ના શકાય...પણ પુરુષ આવા સમયે સ્ત્રીને વધુ માન આપે એ દૃશ્ય કેટલું પ્રેમભર્યું લાગે ! એ ભરોસો કે, "કઈ વાંધો નહિ...બાળક હોય કે ના હોય ! મારા માટે તું જ પહેલા છો ! ને તું છો એ જ પુરતું છે."

હોંકારો: 

એક સ્ત્રીને સૌથી વધુ શુ ગમે? એને સ્ત્રી તરીકે-એક વ્યક્તિ તરીકે આદર આપો એ...!

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો