શતરંગ / મોદીના ગોદી મીડિયાએ ભારતમાં લોકશાહીની કબર ખોદી
- અર્થ અને તંત્ર દુનિયાભરના પત્રકારોના સંગઠન ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ&rs

- અર્થ અને તંત્ર
દુનિયાભરના પત્રકારોના સંગઠન ‘રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ’ નામની સંસ્થા દ્વારા ગયે અઠવાડિયે જે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો તેમાં દુનિયાના ૧૭૬ દેશોમાં ભારતનો ક્રમ ૧૫૯ આવ્યો. ૨૦૨૩માં ભારત ૧૬૧મા ક્રમે હતું. ભારત હંમેશાં એવી શેખી મારે છે કે તે દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. સૌથી મોટી એટલા માટે કે દુનિયામાં એવો કોઈ લોકશાહી દેશ નથી કે જ્યાં ભારત જેટલી વસ્તી હોય. પણ ભારતમાં લોકશાહી હોવા છતાં લોકશાહીની ગુણવત્તા કેવી છે તે અગત્યનું છે. માત્ર ભોજન મળે તે મહત્ત્વનું નથી, મહત્ત્વનું એ પણ છે કે ભોજનની ગુણવત્તા કેવી છે. જેને ભારત પોતાનું કટ્ટર દુશ્મન સમજે છે તે પાકિસ્તાન પણ આમાં ૧૫૨મો ક્રમ ધરાવે છે. એટલે કે પાકિસ્તાનમાં પણ ભારત કરતાં મિડિયા વધુ સ્વતંત્ર છે.
આ સંસ્થાએ કહ્યું છે કે ભારતમાં પત્રકારો સામે હિંસા આચરવામાં આવે છે, માધ્યમોની માલિકીમાં મોટા ઈજારા પ્રવર્તે છે અને માધ્યમો રાજકીય જોડાણો ધરાવે છે તેથી ભારતમાં માધ્યમોની સ્વતંત્રતા જોખમમાં મૂકાઈ છે. તેણે કહ્યું છે કે એશિયા અને પ્રશાંત મહાસાગરના દેશોમાં “તાનાશાહી સરકારોની ધૂંસરી” હેઠળ માધ્યમોની સ્વતંત્રતા ખાસ્સી ખતમ થઈ ગઈ છે અને એ દેશોમાં ભારતનો પણ સમાવેશ થયો છે. તેણે નોંધ્યું છે કે ભારતનો ક્રમ ગયા વર્ષ કરતાં બે આંક ઊંચો ગયો છે કારણ કે બીજા દેશોની સ્થિતિ વધુ બગડી છે. એ કંઈ ભારતની સિદ્ધિ તો નથી જ. ભારતની સ્થિતિ “લોકશાહી કહેવડાવવાને લાયક નથી” એવું તેણે તેના અહેવાલમાં કહ્યું છે અને ખરેખર આઘાતજનક બનવું જોઈએ.
આવું કેમ બન્યું? કેવી રીતે બન્યું? નરેન્દ્ર મોદી ૨૦૧૪માં સત્તા પર આવ્યા પછી મુકેશ અંબાણી ૭૦ જેટલી ટીવી ચેનલો અને અખબારોની માલિકી સીધી કે આડકતરી રીતે ધરાવતા થઈ ગયા અને દેશના ૮૦ કરોડ લોકો તે જુએ છે કે વાંચે છે. એનડીટીવીની માલિકી ૨૦૨૨માં ગૌતમ અદાણી પાસે જતી રહી પછી માધ્યમોમાં જે વિવિધતા થોડીઘણી પણ બચી હતી તેનો લગભગ અંત આવ્યો એમ આ અહેવાલ કહે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં દેશમાં ‘ગોદી મિડિયા’ જેવા બે શબ્દની બોલબાલા વધી ગઈ છે. એનો અર્થ એ થાય છે કે અનેક ટીવી ચેનલો અને અખબારો નરેન્દ્ર મોદીના ખોળામાં બેઠેલા કૂતરાની જેમ ભસે છે. નરેન્દ્ર મોદી પોતે પત્રકારોના ભારે ટીકાકાર રહ્યા છે. તેઓ પોતે જ કહે છે કે પત્રકારો તેમની અને તેમના ટેકેદારોની વચ્ચે આવનારા “વચેટિયા” છે. તેમણે છેલ્લાં દસ વર્ષમાં એક પણ પત્રકાર પરિષદ સંબોધી નથી એ હકીકત જ એમ બતાવે છે કે તેઓ તેમની કે તેમની સરકારની નીતિરીતિ સામે કોઈ પણ સવાલ ઉઠાવવામાં આવે તે પસંદ કરતા જ નથી.
વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં પત્રકારો, સમાચાર સંસ્થાઓ અને ઈન્ટરનેટની ઉપયોગ કરનારા નાગરિકો કેટલી સ્વતંત્રતા ધરાવે છે તે અને સરકાર તેનો કેવો પ્રતિભાવ આપે છે તે માપવામાં આવે છે. ૨૦૦૨થી આ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. ૨૦૧૦માં ભારતનો ક્રમ આ ઇન્ડેક્સમાં ૧૦૫મો હતો અને તે ૨૦૧૪માં ૧૪૦મો થયો હતો અને હવે તે ૧૫૯ થયો. તે એમ બતાવે છે કે માધ્યમોની સ્વતંત્રતા ભારતમાં વધુ ને વધુ છીનવાઈ રહી છે અને એટલી હદે લોકશાહી પાંગળી બની રહી છે.
માધ્યમોની સ્વતંત્રતા લોકશાહીનાં ઉછેર, સંવર્ધન અને ટકાઉપણા માટે અત્યંત મહત્ત્વની છે. તે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો એક અભિન્ન હિસ્સો છે. ભારતનું બંધારણ તે સ્વીકારે છે. બંધારણનું આમુખ વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સૌ નાગરિકોને મળે તેમ ઈચ્છે છે. વધુમાં, બંધારણની કલમ-૧૯ કહે છે કે દેશના તમામ નાગરિકોને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે. અખબારો, ટીવી ચેનલો, ફિલ્મો, નાટકો, કવિતા કે વાર્તા કે નવલકથા જેવું સાહિત્ય, ચોપાનિયાં, સામયિકો વગેરે કોઈ પણ માધ્યમ દ્વારા સરકારની આલોચના કરવાનો અધિકાર નાગરિકોને હોય નહિ તો તે લોકશાહી કહેવાય જ નહિ.
મોદી સરકારે છેલ્લા દાયકામાં આ અભિવ્યક્તિને દબાવવાનો ભરચક પ્રયાસ કર્યો છે. એ ઉપરાંત, આરએસએસ સાથે સંકળાયેલી કે પછી હિન્દુત્વનો ઠેકો લેનારી સંસ્થાઓએ પણ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી છે અને સરકર બંધ આંખે એ તમાશા જોતી રહી છે. કેટલાક પત્રકારો અને ચેનલો તેમ જ અખબારો જાતે જ મોદીના ખોળામાં બેસી ગયા! તેનું કારણ તેમનું હિન્દુત્વની વિચારધારા પ્રત્યેનું વળગણ પણ હોઈ શકે. મોદીએ ડર અને લાલચને પોતાના શાસન માટેનાં સાધનો બનાવ્યાં છે. એટલે કેટલાંક માધ્યમો ડરના માર્યા તેમના ખોળામાં બેઠાં તો કેટલાક સરકારી લાભ મેળવવા બેઠાં. સરવાળે મુક્ત અને સ્વતંત્ર અભિવ્યક્તિનો ખાસ્સો નાશ થયો અને ગાડરિયા પ્રવાહમાં લોકો તણાતા ગયા.
જો માધ્યમોની સ્વતંત્રતા નથી તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પણ નથી એમ કહેવાય. કારણ કે ટીવી ચેનલો અને અખબારો વગેરે માધ્યમો લોકોનો અભિપ્રાય વ્યક્ત કરે છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ લોકશાહી સરકારનો પાયો છે. મનુષ્ય ભાષાથી અન્ય પ્રાણીઓથી અલગ પડે છે અને એ ભાષા લેખિત છે અને અભિવ્યક્ત થાય છે માટે જ મનુષ્યે પ્રગતિ સાધી છે કે જે કોઈ પ્રાણી સાધી શક્યું નથી. એટલે જો લોકો પોતાની અસંમતિ શાંતિથી અને અહિંસાથી વ્યક્ત ન કરી શકે તો લોકશાહી રહે જ નહિ. માત્ર ચૂંટણી એ લોકશાહી નથી. પણ બે ચૂંટણીની વચ્ચેના સમયગાળામાં અને ચૂંટણી દરમ્યાન પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહે એ આવશ્યક બની જાય છે.
માધ્યમોની સ્વતંત્રતાને પરિણામે લોકોને શાસન વિશેની સાચી માહિતી મળે છે અને ચૂંટણીમાં તેમને યોગ્ય માહિતીપ્રદ પસંદગી કરવા માટે પ્રેરણા મળે છે. નોબેલ ઇનામ વિજેતા યુરોપિયન અર્થશાસ્ત્રી ફ્રેડરિક વોન હાયેક કહે છે કે, “આપણે જો સત્તાને મર્યાદિત કરવા માટે તૈયાર ન હોઈએ તો આપણે કદી પણ સત્તાના દુરુપયોગને અટકાવી શકીશું નહિ, પછી ભલે ને તે મર્યાદા ક્યારેક ઈચ્છિત હેતુઓ માટે પણ સત્તાના થતા ઉપયોગને અટકાવી દે.” આમ, સત્તાના દુરુપયોગને અટકાવવાનું કામ અને સત્તાને માર્યાદિત કરવાનું કામ માધ્યમો કરે છે એવું નથી, પણ તેઓ તો તેની માહિતી આપીને લોકોને એ દુરુપયોગ અટકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. બીજા એક નોબેલ ઇનામ વિજેતા ફ્રેંચ દાર્શનિક જ્યાં પોલ સાર્ત્રે કહેલું કે, “મનુષ્ય પર સ્વતંત્ર થવાનો અભિશાપ છે.” ભારતમાં સરકારો આ અભિશાપને સત્તા માટેના વરદાનમાં ફેરવી દેવા માગે છે એમ લાગે છે.
- હેમન્તકુમાર શાહ








