મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગુજરાતી ફિલ્મોવાળાના ગફલાઓ

- છલકાયે જામ ‘વિઠ્ઠલ તીડી’ નામની એક ગુજરાતી વેબસિરિઝ ફિલ્મનાં ખૂબ ખૂબ વખાણ અનેક દોસ્તોએ કર્યા અન

શતરંગ / ગુજરાતી ફિલ્મોવાળાના ગફલાઓ

- છલકાયે જામ

‘વિઠ્ઠલ તીડી’ નામની એક ગુજરાતી વેબસિરિઝ ફિલ્મનાં ખૂબ ખૂબ વખાણ અનેક દોસ્તોએ કર્યા અને અમુક લેખકો, પત્રકારોએ પણ વખાણ કર્યા. આ અગાઉ  ‘યુવા સરકાર’ નામની ગુજરાતી ફિલ્મનાં પણ બેહદ વખાણ સાંભળ્યા હતા. હજી સુધી આપણે ‘યુવા સરકાર’ ફિલ્મ જોવાની તક નથી મળી, પણ તાજેતરમાં ‘વિઠ્ઠલ તીડી’ જોવા મળી ગઈ.

     આ ગુજરાતી વેબસિરિઝ જોઈને ખૂબ નિરાશા થઈ. જેટલા વખાણ સાંભળ્યા, વાંચ્યા હતા એ બધા જ ખોટા હતા. હકીકતમાં આ ફિલ્મ અતિ સામાન્ય છે. ગુજરાતી માહોલમાં ફિલ્માવેલી એક અતિ સામાન્ય એટલે જેને ઠીક ઠીક કહી શકીએ એવી.આ ફિલ્મ જોઈને વિચાર આવ્યો કે આટલા બધા લોકો આનાં આટલી હદે વખાણ શા માટે કરતા હશે ! ગુજરાતી ફિલ્મો આજે પણ પોતાનું કોઈ સ્તર બનાવી શકી નથી. આજથી લગભગ દસેક વરસ પહેલાં આવેલી સરસ મજાની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ નામની. આ ફિલ્મ વખતે કહેવાતું હતું કે હવે ગુજરાતી ફિલ્મોનો દૌર બદલાઈ જવાનો અને એ પછી અઢળક ફિલ્મો આવી પણ ત્રણ-ચાર ફિલ્મો સિવાય ક્યાંય કોઈ ચમત્કાર થયો નથી કે નથી ગુજરાતી ફિલ્મોનો દૌર બદલાઈ ગયો!

     ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓના મિત્રો જ એમની ફિલ્મોના ખોટા વખાણ કરતા રહે છે, જાણે મિત્રતા નિભાવતા હોય એ રીતે. હકીકતમાં આવા ખોટા વખાણોથી ગુજરાતી ફિલ્મો અને કલાકાર-કસબીઓનું કોઈ હિત નથી થતું, બલ્કે અહિત થાય છે! આજે ભારત દેશમાં ગુજરાત એક આગળ પડતું રાજ્ય હોવા છતાં ગુજરાતી ફિલ્મો શા માટે પછાત રહી ગઈ છે એનો ખરેખર કોઈ નિષ્ણાતને રોકીને પૈસા આપીને એક વિસ્તૃત અભ્યાસ ગુજરાતી ફિલ્મ સર્જકો અને કલાકાર-કસબીઓએ કરાવવો જોઈએ! આપણે જોઈએ છે કે મરાઠી, બંગાળી અને દક્ષિણનાં રાજ્યોની ફિલ્મો દરેક દ્રષ્ટિએ મુખ્યધારાની હિન્દી ફિલ્મો સાથે તંદુરસ્ત સ્પર્ધા કરતી થઈ ગઈ છે.  ગુજરાતી ફિલ્મો સૌથી પછાત છે.હિન્દી ફિલ્મોના કલાકાર કસબીઓ સાઉથ ઉપરાંત મરાઠી, બંગાળી ફિલ્મો જુએ છે, એ ફિલ્મો વિશે વાત કરે છે,અને એમને ગમી ગયેલી ફિલ્મની હિન્દી રિમેક પણ બનાવે છે.

     હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મો જોતા હશે કે નહીં ? કોઈ ગુજરાતી કલાકાર કસબી જો હિન્દી સિનેમામાં કાર્યરત હોય અને ગુજરાતી ફિલ્મો જોઈને ક્યાંય ગુજરાતી ફિલ્મ વિશે બોલ્યા કે લખ્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી.

 સંજય લીલા ભણસાલી જેવા ગુજરાતી નિર્માતા દિગ્દર્શક ગુજરાતી સાહિત્યથી પરિચિત છે અને એમની ફિલ્મોમાં પણ ગુજરાતી માહોલ ઉભો કરે છે પણ તેઓએ કદી ગુજરાતી ફિલ્મો જોઈને કઇ કહ્યું, લખ્યું હોય એવું મારી જાણમાં નથી! એને લીધે જ ગુજરાતી ફિલ્મ સાથે સંકળાયેલા બધા લોકોનું નિશાન અંતે હિન્દી ફિલ્મો સુધી પહોંચવાનું જ રહે છે. હિન્દી ફિલ્મો સાથે શરૂઆતથી પુષ્કળ ગુજરાતીઓ, કલાકાર-કસબીઓ સંકળાયેલા રહ્યા છે અને ટોચ પર પણ પહોંચ્યા છે છતાં એવા કસબીઓ પણ ક્યારેય ગુજરાતી સિનેમા ભણી શા માટે પાછું ફરીને જોતા નથી ?

     રજનીકુમાર પંડ્યાની ગુજરાતી નવલકથા ‘ કુંતી ‘ સુધી ઠેઠ ટેલિવિઝન જગતમાંથી અધિકારી બ્રધર્સ પહોંચી ગયા, અરે હિન્દી ફિલ્મજગતમાંથી દેવ આનંદ જેવા પહોંચી ગયા પણ કોઈ ગુજરાતી સર્જકના ધ્યાનમાં આવી નવલકથા આવી નહીં. રજનીકુમારની જ એક બીજી નવલકથા ‘ ફરેબ ‘ તો ટોટલ ફિલ્મી છે અને એની પરથી સુપરહિટ મનોરંજક ગુજરાતી ફિલ્મ બની જ શકે. અશ્વિની ભટ્ટની મોટી નોવેલો પરથી ફિલ્મ બનાવી શકે એવો કોઈ મોટા ગજાનો સર્જક ગુજરાતમાં નથી પણ અશ્વિની ભટ્ટની જ ‘ કસબ ‘, ‘ કમઠાણ ‘, અને ‘ કરામત ‘ પરથી અદભૂત ગુજરાતી ફિલ્મો બની શકે, બને જ અને સુપરહિટ રહે.(કમઠાણ વાર્તા પરથી ગુજરાતી ફિલ્મ બની પણ જેવી બનવી જોઈએ એવી નથી બની.) અરે, જનક ત્રિવેદીની કિતાબ ‘મારો અસબાબ’ ના એક બહેતરીન નિબંધ ‘ઈશ્વરને તલાક’ પરથી તો આંતરરાષ્ટ્રીય ક્વોલિટીની ગુજરાતી ફિલ્મ બને જેની બીજી ભાષાઓમાં પણ રિમેક થાય.શા માટે ગુજરાતીમાં આ બધી ફિલ્મો નથી બનતી એ સવાલનો કોઈ વાજબી જવાબ ક્યારેય નથી મળ્યો. ફક્ત બહાનાબાજી અને ખોટો બચાવ કરવાનો કોઈ અર્થ નથી.

     આ બધું જે મનમાં ઊગ્યું એ ખૂબ દુઃખ સાથે લખ્યું છે, ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી સર્જકો, કલાકાર- કસબીઓ ખૂબ આગળ વધે અને હિન્દી ફિલ્મોની સમકક્ષ બેસે એવી વરસોથી એક ભાવક તરીકે અભિલાષા છે.ખોટી રીતે ખોટા વખાણો કરવા, ખોટા એવોર્ડો આપવા આવી બધી બાબતોથી બચવું એ આગળ વધવા માટેની પહેલી શરત છે બાકી એક બીજાની પીઠ ખજવાળવાનો કોઈ અર્થ નથી.એક કોઈ ‘મોન્ટુ કી બીટ્ટુ’નામની કચરો ફિલ્મને કોઈએ એવોર્ડ પણ આપી દીધો છે, બોલો!

     અહીંયા આ લખવાનું કારણ એ છે કે મને આવું લાગે છે.બાકી કોઈને આવું ન લાગતું હોય અને આ લખાણ વાંચીને એમને દુઃખ થાય કે એમની લાગણી ઘવાય જાય તો એવા લોકોએ જમવામાં બે રોટલી વધુ જમી નાખવી!

- હકીમ રંગવાલા

આ સમાચાર શેર કરો