શતરંગ / મેઘાણીની નાયીકા અને નોલાનનો નાયક
- નાની નાની વાતો આપણું વર્તન એવું હોવું જોઈએ જેનાથી આપણા સંપર્કમાં આવનાર કોઈપણનો માનવતામાં વિશ્વાસ બની રહે

- નાની નાની વાતો
આપણું વર્તન એવું હોવું જોઈએ જેનાથી આપણા સંપર્કમાં આવનાર કોઈપણનો માનવતામાં વિશ્વાસ બની રહે.
રવીન્દ્રનાથ ટાગોરનું એક બહુ જાણીતું વિધાન છે કે, “જન્મનાર દરેક બાળક એ સંદેશ લઈને આવે છે કે ઈશ્વર ને હજુ માનવજાતમાં વિશ્વાસ છે.” ઈશ્વર ને જેમાં વિશ્વાસ છે એવી રીતે વર્તવું એ ભક્તિ જ છે.
મેઘાણીની એક અદ્ભુત નવલિકા છે: ‘બુરાઈના દ્વાર પરથી’ જેમાં એક દંપતી છે, જેનો પતિ ચોર રહ્યો છે, પણ પત્ની એને મહેનતના સાચા રસ્તે વાળે છે. બેઉ દંપતી ખેતી કરે છે. શાકભાજી વેંચવા શહેર આવે છે. અને શહેરના કહેવાતા ભદ્ર વર્ગ દ્વારા જે ભાવતાલ અને ભોળા દંપતી પાસેથી સસ્તામાં શાક પડાવીના કરતબો થાય છે. એવી ઘણી વાતોથી દુભાઈને પતિ જમન છે એનું મન સારપમાંથી ઉઠીને ઘડી ઘડી ચોરીના-બુરાઈના દ્વાર પર જતું રહે છે. પણ પત્ની ઝમકું સતત પતિને વાળે છે. માનસ શાસ્ત્ર અને સમાજશાસ્ત્રની સ્તરો ખોલતી આખી વાર્તા અદ્ભુત છે. વાર્તાના અંતે મેઘાણી વાક્યો લખે છે કે, “સમાજનો સેવક આ જમન, એ આઠમની રાતના પહોરે, સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતા દ્વારના છેક ઉંબર સુધી પહોચી ગયો હતો, પણ ઝમકુંના જનેતા સમા ફોસલામણાએ એને ત્યાંથી પાછો વાળી લીધો હતો...”
વાર્તાના અંતે વાર્તાનું શીર્ષક “બુરાઈના દ્વાર પરથી’ આપણા હૃદયમાં સુંદર સાત્વન આપી જાય છે!
‘મુન્નાભાઈ એમબીબીએસ’ મુન્ના વાટે ગાંધીજી કહે છે ને: “કિસી ઇન્સાન કો પહેચાનના હો તો વો દેખો કી વહ આદમી અપને સે છોટે લોગો કે સાથ કૈસા બર્તાવ કરતાં હૈ.”
ક્રિસ્ટોફર નોલનને બનાવેલી બેટમેન ટ્રાયોલોજી ફિલ્મસના ત્રીજા પાર્ટ “ડાર્ક નાઈટ રાઈઝીસ”ના ક્લાઈમેક્ષ આખું ગોથમ શહેર એટમબોમ્બ બ્લાસ્ટ થવાની અણી પર જ બેઠું છે, ત્યારે બેટમેન ઉભો થાય છે અને થોડી જ મીનીટો પછી જે એટમબોમ્બ આખા શહેરનો નાશ કરી દેવાનો છે એ બોમ્બને પોતાના બેટપ્લેન સાથે ટાંગીને શહેરથી દુર ખાડીમાં લઇ જવા ઉડાન ભરે છે. જેમાં એ પણ મરી જવાનો છે. એ ઉડાન ભરવા તૈયાર થાય છે, એ સમયે ગોથમ પોલીસ કમિશનર જીમ ગોર્ડન બેટમેનની પાસે આવીને કહે છે: “મને ક્યારેય ફરક નથી પડ્યો કે (આ માસ્કની નીચે) તું કોણ છે ? પણ (હવે ગોથમ માટે તું બલિદાન આપવા જઈ રહ્યો છે ત્યારે) ગોથમ શહેરને ખબર હોવી જોઈએ કે એનો હીરો કોણ હતો?”
બેટમેન જવાબ આપે છે: “હીરો કોઇપણ હોઈ શકે, એક એવો સાદો માણસ પણ કે જે કોઈ અનાથ અને લાચાર બાળકના ખભા પર પોતાનો કોટ ઓઢાડી દે, જેથી એ બાળકને આશ્વાસન મળે જે એની દુનિયા સલામત છે. A hero can be any one.”
અને બેટમેન એટમ બોમ્બ લઈને ઉડાન ભરે છે. એ ઉડાનની હવા વચ્ચે કમિશનર જીમ ગોર્ડનની સ્મૃતિમાં ત્રણ-ત્રણ દાયકા પસાર થઇ જાય છે. ત્રણ દાયકા પહેલા ગોથમના એક સજ્જન ઉધોગપતિ દંપતી- થોમસ વેઇન અને માર્થા વેઇન-જેમણે સતત ગોથમને ખુબ આપ્યું હતું-એ દંપતીની એક થીયેટરની પાછળની સુમસામ ગલીમાં કોઈ અજાણ્યા લુંટારુએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. દંપતીની હત્યા થઇ ત્યારે એનો આઠેક વર્ષનો બાળક બ્રુસ સાથે હતો. બધી પોલીસ પ્રોસીજર થઇ રહી છે, ત્યારે અનાથ થઇ ગઈ ગયેલો બાળક પોલીસ સ્ટેશનના એક ખૂણામાં બેઠો થથરી રહ્યો છે, એક પોલીસ સાર્જન્ટ આવે છે, પોતાનો કોટ કાઢે છે અને બાળકને ઓઢાડી દે છે. બાળકના ખભે હાથ મુકે છે, સહેજ સ્મિત આપે છે. આ વાત યાદ આવતા સાથે કમિશનર જીમ ગોર્ડન આશ્વર્ય સાથે સ્વગત બોલી ઉઠે છે: ‘બ્રુસ વેઇન...’
એટલા સુધીમાં બેટમેને ઉડાન ભરી લીધી છે. ત્રણ દાયકા પહેલા એ અનાથ બાળકને કોટ ઓઢાડનાર સાર્જન્ટ હતા, જીમ ગોર્ડન પોતે. અને જેણે શહેર આખાના અનાથ થતા બચાવી લેવા બોમ્બ લઈને ઉડાન ભરી છે એ બેટમેન છે બ્રુસ વેઇન પોતે...
ક્રાઈમનો ભોગ બનનાર બાળક બ્રુસ ક્રાઈમના માર્ગે જતો રહ્યો હોત એવું પણ બનત... પણ ત્યારે કોઈ હોય જે માનવતાનો કોટ ઓઢાડી દે તો એ બાળક શહેરનો રક્ષક બને છે.
આપણું વર્તન કોઈનું હૈયું ઠારે એવું હોય તો એ વર્તન સૌપ્રથમ તો આપણને કેટલો સંતોષ આપે છે !
કસુંબો:
આપણું વર્તન એવું હોવું જોઈએ જેનાથી આપણા સંપર્કમાં આવનાર કોઈપણનો માનવતામાં વિશ્વાસ બની રહે. ક્યાંય ચાની કીટલીએ, ક્યાંય રેસ્ટોરાંમાં જમવા જાઓ ત્યારે કામ કરતાં વેઈટરો કે આપણા ઘરે કે સોસાયટી કે આપણી ફેક્ટરી કેઆપણા ખેતરમાં કામ કરવા આવતા લોકો સાથે આપણું વર્તન એવું ઉદાર રાખવા પ્રયાસ કરવો જોઈએ, જેનાથી માણસાઈ પર એનો વિશ્વાસ મજબુત બને. બાકી જે દુભાયેલા છે, જે શોષિત છે, જે પીડિત છે એને છત્ર આપીને પોતાનામાં ભેળવી દેવા દુર્જનો તો તૈયાર જ હોય છે. સજ્જનો વિચાર કરતાં રહે છે ત્યાં દુર્યોધનો કર્ણને અંગદેશ આપીને એને પોતાનો હાથો બનાવી જ લેતા હોય છે.
- કાનજી મકવાણા








