મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મૌર્ય શાસન અને ગુજરાત

- ઇતિહાસ ગાથા ઇતિહાસની કથા રમ્ય હોય છે. પણ શું ઈતિહાસ એટલે માત્ર કથા? ના, વિજ્ઞાન પછી જો સૌથી પ્રમાણભૂત વિષય કોઈ હો

શતરંગ / મૌર્ય શાસન અને ગુજરાત

- ઇતિહાસ ગાથા

ઇતિહાસની કથા રમ્ય હોય છે. પણ શું ઈતિહાસ એટલે માત્ર કથા? ના, વિજ્ઞાન પછી જો સૌથી પ્રમાણભૂત વિષય કોઈ હોય તો એ ઈતિહાસ છે. વિજ્ઞાનમાં સાબિતી જોઈએ અને ઇતિહાસમાં પુરાવા. એટલે જ જયારે ગુજરાતના ઇતિહાસની વાત આવે ત્યારે ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ મૌર્યકાળથી શરુ થાય છે એમ કહેવાય છે. કારણ કે, એ પહેલાના પુરાવાઓ પ્રાપ્ય નથી. સિંધુ સભ્યતાના પુરાવાઓ બાદ મૌર્યકાળ જ છે જેના પુરાવા ઇતિહાસકારોને મળ્યા હોય. એ બંને વચ્ચેના કાળખંડ બાબતે હજુ આપણે અજ્ઞાત છીએ.

તો મૌર્યકાળના એવા ક્યાં પુરાવા મળ્યા, જેના કારણે તેની પ્રમાણભૂતતા સાબિત થઇ? ઈતિહાસને જાણવાની ઘણી રીત છે. જેવી કે - ઐતિહાસિક વર્ણનો, સિક્કાઓ, શિલાલેખ, સ્તંભલેખો, વિદેશી પ્રવાસીઓની ડાયરીઓ વગેરે. એમાંથી ગરવા ગઢ ગિરનારની તળેટીમાં નરસૈયાના દામોકુંડની નજીક એક શિલાલેખ મળી આવેલો. જે ઈ.સ. 1822માં અંગ્રેજ અધિકારી કર્નલ ટોડે શોધ્યો હતો અને ઇ.સ.1837માં જેમ્સ પ્રિન્સેપે તેને ઉકેલ્યો. આ શિલાલેખ ઉકેલવામાં ગુજરાતી પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજીનો પણ બહુ મોટો ફાળો હતો. તેના પર સમ્રાટ અશોકની 14 ધર્મલીપીઓ કોતરેલી છે. આ 2 હજાર વર્ષથી પણ જૂના લેખોમાં સમ્રાટ સ્કંદગુપ્ત અને ક્ષત્રપ રાજવી રુદ્રદામાના શિલાલેખો પણ આવેલા છે. 

મૌર્ય વંશ એ સુશાસનનો આગ્રહી હતો. તે સમયે નગરનાં વહીવટ માટે અધિકારીઓ નિમાતા અને તેઓ અલગ અલગ જવાબદારીઓ જેમકે- જન્મ મરણની નોંધ, તોલમાપ, વેચાણવેરાની દેખરેખ વગેરે સંભાળતા. આ રાજ્યના ઘણાં સિક્કાઓ પણ મળી આવ્યા છે. સમ્રાટ અશોક પછી તેના પુત્ર સંપ્રતિના સમયમાં પણ ગુજરાત તેના તાબા હેઠળ રહ્યું. ભારતમાં જેમ બૌદ્ધ ધર્મના વિકાસમાં અશોકનો ફાળો હતો, તેમ જૈન ધર્મના વિકાસમાં તેના પુત્ર સંપ્રતિનો બહુ મોટો ફાળો હતો. તેના સમયમાં જૈન ધર્મ પૂર્ણ રીતે ફૂલ્યો ફાલ્યો. આજે પણ ગીરનાર જૈન ધર્મનું બહુ મોટું કેન્દ્ર છે તેના પાયામાં રાજા સંપ્રતિ હતા. તેમના નામ પરથી ગિરનાર પર સંપ્રતિની ટૂંક આવેલી છે. ગુજરાતમાં મૌર્ય વંશનું શાસન લગભગ ઇ.સ. પૂર્વે 185 સુધી રહ્યું. બૃહદથ ભારતનો અંતિમ અંતિમ મૌર્ય શાસક હતો પરંતુ તેનું શાસન ગુજરાતમાં હોય એવા કોઈ પુરાવા મળતા નથી. મૌર્ય કાળ પછી તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગનું શુંગ શાસન ભારતમાં આવ્યું. પરંતુ એ થોડા સમય પુરતું જ રહ્યું. ત્યારબાદ યવનોના શાસન તળે આવેલા ભારતમાં એક નવી જ પ્રજાતિ શાસક તરીકે આવી. જે શક કહેવાયા. આજે પણ તેમના દ્વારા શરુ થયેલું શક સવંત ભારતનું સત્તાવાર સવંત છે. શક શાસકો ક્ષત્રપોના નામથી પણ જાણીતા બન્યા. તેમના સૌથી પ્રખ્યાત રાજવી રુદ્રદામાએ ગુજરાતમાં પોતાનો શિલાલેખ કોતરાવ્યો હતો. જેનો ઉલ્લેખ આગળ આપણે જોયો.   

ક્ષત્રપો હતા તો મૂળ ઈરાનના. છતાં તેઓ સવાયા ભારતીય થઈને રહ્યા અને ભારતીય તરીકે જ ઓળખાયા. મૌર્યકાળ પછી આવેલા શાસકો બળવાન હોવા છતાં તેમનો પ્રભાવ સમગ્ર ભારતમાં ન રહ્યો. છુટ્ટા છવાયા શાસનના કારણે તેઓ એકહથ્થુ શાસન ન સ્થાપી શક્યા. 
ગુજરાતમાં ક્ષત્રપશાસન બહુ ટૂંકાગાળા માટે રહ્યું. મૌર્ય વંશથી ગુપ્ત સામ્રાજ્યની વચ્ચેના સમયગાળાને અનુમૌર્યકાળ કહેવામાં આવે છે. એ પછી શરુ થાય છે ભારતના મહા પ્રતાપી સામ્રાજ્યના સ્થાપક ગુપ્ત વંશનું શાસન. ગુજરાતમાં ક્ષત્રપોના અંત અને ગુપ્ત રાજ્યના ઉદયની વચ્ચે જે ખાલી સમયગાળો રહ્યો એમાં શર્વ ભટ્ટારક નામનો રાજા રાજ કરતો હોવાનું જણાય છે. આ રાજાના સિક્કાઓ ઘણી જગ્યાએ જોવા મળ્યા છે. આ ખૂબ ઓછો જાણીતો રાજવંશ હતો તેથી તે કયા વંશનો હતો તે પ્રશ્ન છે. તેમના વિશે કોઈ વિગતો મળતી નથી. 

ભારતમાં ગુપ્તકાળને ભારતનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. ગુપ્ત વંશના સમયમાં ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ બન્યો. નાલંદા જેવી મહા વિદ્યાલય ગુપ્ત સામ્રાજ્યની દેન છે. જો ભારતમાં આવો પ્રતાપી વંશ શાસન કરતો હોય તો એની અસર ગુજરાત પર પણ પડવાની જ છે એ સ્વાભાવિક છે. તો ગુજરાત ગુપ્ત વંશના શાસન હેઠળ કઈ રીતે આવ્યું અને ગુજરાતના ઇતિહાસમાં સુશાસનની શરૂઆત કેવી રીતે થાય છે એ જોઈએ આગળના પ્રકરણમાં.

- રક્ષા ત્રાપસિયા 

આ સમાચાર શેર કરો