શતરંગ / મેરેજ ઈઝ નોટ અ ફાઈનલ ડેસ્ટીનેશન
- ચાલ જિંદગી મારી સાથે કૃપાનું બાળપણથી એક જ સપનું હતું આઈ.એ.એસ. ઓફિસર બનવું. બધાને એમ લાગતું એક ભાઈ અને

- ચાલ જિંદગી મારી સાથે
કૃપાનું બાળપણથી એક જ સપનું હતું આઈ.એ.એસ. ઓફિસર બનવું. બધાને એમ લાગતું એક ભાઈ અને એક બહેન અને માતા પિતા એમ ચાર જણના પરિવારમાં અને એ પણ સુશિક્ષિત પરિવાર, આવા પરિવાર ને કારણે કૃપાને એનું સપનું પૂરું કરવામાં વાંધો નહિ આવે. અને કૃપાને પણ એમ જ લાગતું હતી કે એના મમ્મી પપ્પા એને એનું સપનું પૂરું કરવામાં મદદ કરશે જ અને એટલે જ કૃપા કોલેજમાં હતી ત્યારથી એણે સરકારી નોકરીની તૈયારી કરવાની શરુ કરી દીધી. જેથી એ જયારે યુ.પી.એસ.સી.ની પરીક્ષા આપે તો એને વાંધો ના આવે પણ થયું એવું કે નસીબે કંઈ અલગ જ વિચાર્યું હતું અને કૃપા એ એમ ધારીને કે ફાઈનલ મેચ પહેલા નેટ પ્રેક્ટીસ થઇ જાય એણે સરકારી નોકરીની પરીક્ષાઓ આપવાની શરુ કરી અને નસીબે એને પહેલા જ બોલમાં છગ્ગો મારી આપ્યો. સરકારી નોકરીની પહેલી જ વખત આપેલી પરીક્ષામાં કૃપા પાસ થઇ ગઈ અને ગ્રેજ્યુશન કરીને તરત જ વીસ વર્ષની ઉમરે એ સરકારી નોકરી એ લાગી ગઈ. બધે કૃપાની વાહ વાહ થઇ ગઈ. માતા પિતા તો એવી રીતે વર્તતા કે જાણે કૃપા એ ઈડરિયો ગઢ ના જીતી લીધો હોય અને કેમ ના થાય? જયારે આજના સમયમાં વર્ષો સુધી તપસ્યા જેવી તૈયારી કર્યા પછી પણ સરકારી નોકરી ના મળતી હોય ત્યાં કૃપાને આ રીતે નોકરી મળી જવી એ બધા માટે આશ્ચર્ય અને ઈર્ષા બંનેનો વિષય હતો. કૃપાને લાગ્યું કે હવે તો યુ.પી.એસ.સીની તૈયારીનો માર્ગ મોકળો બનશે પણ એને ખબર નહોતી કે પરીક્ષા પાસ કર્યા પછી ખરી પરીક્ષા શરુ થાય છે. શરૂઆતમાં બધું સારું લાગ્યું પણ ધીમે ધીમે નોકરીમાં આઠથી નવ કલાકનો સમય, આવવા જવાનો સમય, એમ કરીને બહુ બધો સમય તો રોજ એમ ને એમ વીતી જતો અને એમાંને એમાં વાંચવું, તૈયારી આ બધું શક્ય ના બનવા લાગ્યું. એને લાગ્યું કે, “હજી ક્યાં મોડું થયું છે? હજી તો હું વીસ વર્ષની છુ. મારી પાસે હજી ઘણો સમય છે” પણ કૃપાને ખબર નહોતી કે સ્ત્રી તો સમયચક્રમાં ફસાયેલું એવું પાત્ર છે કે જો એ એનો સમય ચુકે તો એ ટીકાને, નિંદાને અને બદનામીને પાત્ર બની જાય છે. પણ કૃપાને એ નહોતી ખબર કે એ ટીકા, નિંદા અને બદનામી એને ઘરના જ લોકો દ્વારા પ્રાપ્ત થશે.
સમય વીતતો ગયો અને પાંચ વર્ષ થઇ ગયા. કૃપા પચ્ચીસની થઇ અને વધુ પરિપક્વ પણ બની અને હવે એના સપનાંઓ વધુ મક્કમ બન્યા. એણે વિચારી લીધું કે એક જીવન મળ્યું છે એમાં એ બધું કરી લેવું છે કે એક માણસ કરી શકે. પણ કૃપા એ પણ ભૂલી ગઈ કે સ્ત્રીઓને માણસની શ્રેણીમાં મુકવા માટે હજી બીજા હજારો વર્ષ જશે. કૃપાને સંગીત શીખવું હતું, સ્વીમીંગ શીખવું હતું, શેર-બજારમાં રોકાણ કરતા શીખવું હતું, એને ફરવું હતું, ઊંચા પહાડોની સુગંધ શ્વાસમાં ભરવી હતી, નદીની રેતની નરમાશ અનુભવવી હતી, બરફની સૌમ્યતા જોવી હતી અને આવું તો ઘણું ઘણું કરવું હતું પણ સપનાંઓને ગ્રહણ લાગ્યું. પચ્ચીસ વર્ષની કૃપાને એના માતા પિતા એ પરણવા માટે કહ્યું અને કૃપા એ ના ના પાડી કે કારણ કે એ પરણવાના વિરોધમાં નહોતી. એ પણ તો એના સપનાંના રાજકુમારની રાહમાં જ હતી પણ કોઈ યોગ્ય પત્ર મળવું તો જોઈએ ને. યુ.પી.એસ.સીના એના સપનાંને પ્રેમ કરવાના કારણે એ યુવાનીના એ સુવર્ણ કાળમાં કોઈ છોકરાના પ્રેમમાં ના પડી શકી. અને એણે પણ નક્કી જ કર્યું હતું કે માતા પિતા કહેશે ત્યાં પરણશે અને એને જ પ્રેમ કરશે પણ માતા પિતાને હવે યોગ્ય પાત્ર સાથે પરણાવવા કરતાં કૃપાને માત્ર પરણાવવામાં જ રસ હતો. ધીમે ધીમે એમનો આ રસ જીદમાં પરિણમ્યો અને ધીમે ધીમે આ જીદ કૃપા સાથેની બળજબરીમાં પરિણમી. હવે દર રવિવારે એક જ કામ છોકરાવાળા જોવા આવવાના છે તૈયાર રહેજે અને દર અઠવાડિયે ભણેલી ગણેલી સરકારી નોકરી કરતી કૃપાને તૈયાર થઈને છોકરાવાળા સામે પરેડ કરવી પડતી. પહેલા એને એવું પૂછવામાં આવતું કે. “એને છોકરો ગમ્યો કે નહી?” અને કૃપાની પસંદને માન આપવમાં આવતું પણ બે ત્રણ મહિના પછી એ પુછવાનું એના પરિવાર એ બંધ કરી દીધુ. અને એમ કહેવા લાગ્યા કે, “થોડું ઘણું જતું કરીને ઠરી-ઠામ થઇ જવાનું. પરણી જઈએ ને એટલે સેટલ થઇ જવાય. અને પહેલી વાર કૃપાને પ્રશ્ન થયો કે શું હું સેટલ નથી? અને શું માણસ પરણે એટલે જ સેટલ થાય? કૃપાના મનમાં પહેલી વાર પોતાના માતા-પિતા માટે પ્રશ્નો થવા લાગ્યા જે એમ કહેવા લાગ્યા કે, “હવે એક સરકારી નોકરી મળી છે ને કરી લેવાની અને એમાં જ રીટાયર થઇ જવાનું. હવે બીજી તૈયારી કરવાની ને એની જરૂર નથી. હવે જરૂર છે પરણવાની. જાણે સ્ત્રી માટે પરણવું એ જ અંતિમ ધ્યેય ના હોય. કૃપા એ એના સપનાં વિષે કહ્યું તો કહ્યું કે, “ સપનાં માં ને સપનાંમાં આખી જિંદગી થોડી પૂરી કરાય? લગ્ન ક્યારે કરવાના, પચ્ચીસ તો થયાં? પછી બાળકો ક્યારે થાય અને મોટી બા ઉમરે બાળકો થવામાં તકલીફ પડે.” કૃપાને એના હાથમાંથી બરફની સૌમ્યતા સરકતી લાગી. હવે એનું મન દરરોજ લગ્ન... લગ્ન.... લગ્ન... આ શબ્દથી વીંધાઈ રહ્યું હતું. એને નહોતું સમજાઈ રહ્યું કે લગ્ન જ કરવા અગત્યના છે કે યોગ્ય પાત્ર સાથે લગ્ન કરવા અગત્યના છે?
ધીમે ધીમે કૃપાના માતા-પિતા એ એની આગળ શરત મૂકી કે, “તું લગ્ન નહિ કરે તો તારું નોકરી સિવાય આવવા જવાનું બંધ.” હવે કૃપાને સંગીત શીખવા પર પણ પાબંધી આવી ગઈ. એને ફિલ્મ જોવા જવું હોય કે બહાર જવું હોય તો એના માતા પિતાને એના ફ્રેન્ડસ નો નંબર આપવો પડતો કે જેથી એના માતા પિતા એ નિશ્ચિત કરી શકે કે કૃપા કયાંય બીજે તો નથી ગઈ ને. એના માતા પિતા હવે એ અસુરક્ષામાં આવી ગયા હતા કે ક્યાંક કૃપા એની પસંદ થી લગ્ન કરી લેશે તો અથવા કોઈ છોકરા સાથે ભાગી જશે તો? પણ કૃપા ને તો ભાગવું હતું આ સમાજથી, આ રિવાજોથી..આ નિયમોથી જે સ્ત્રી ને એમ કહે છે કે બસ લગ્ન કરી લે પછી એની સાથે નભે કે ના નભે એ જરૂરી નથી. કૃપાના મમ્મી- પપ્પાના મોઢે એક જ વાત કે, “એક વાર તારા લગ્ન થઇ જાય એટલે અમારી જવાબદારી પૂરી અને ત્યારે કૃપાને થતું કે માતા પિતાની જવાબદારી દીકરીના લગ્ન કરાવી દેવાની જ હોય છે કે એને ખુશ જોવાની હોય છે? કૃપાની ગુંગળામણ વધી રહી હતી...જીવન નામના યુદ્ધની હવે એને ખબર પડી રહી હતી. એક સંઘર્ષ ઘરની બહાર હોય છે એવો એક સંઘર્ષ ઘરની અંદર પણ હોય છે જ્યાં આપણાથી એટલે પણ નથી લડતું કે સામે આપણા જ માતા પિતા હોય છે. ને કૃપા એના માતા પિતા સામે નહોતી લડવા માંગતી.
કૃપા પાસે હવે બે જ રસ્તા હતાં કે જે હોય, જેવો હોય એ છોકરાની સાથે ચુપચાપ લગ્ન કરી લે અથવા એના સપનાં માટે સ્ટેન્ડ લે અને લડે. લડે સમાજની વિચારધારા સામે, લડે એ નિયમો સામે કે જે પચ્ચીસ વર્ષની દીકરીને માતા-પિતાના ખભા પરનો બોઝ બનાવી દે છે. એ લડે ના માત્ર દુનિયા સામે પણ પોતાના જ સગા સંબધી સામે. શું કરે કૃપા? તમે પણ વિચારજો અને હું પણ વિચારીશ અને આવતા અઠવાડિયે આપણે આનો જવાબ આપીશું.
- અર્ચના તેજસિંહ ચૌહાણ








