મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માણસ એક કથા કે કથાસાગર?

- સ્વાન્ત: સુખાય સામાન્ય રીતે માણસ એના જીવનકાળ દરમિયાન કેટલા માણસોને મળતો હશે? આ સંદર્ભે કોઈ સર્વેક્ષણ થયું હોય એવું જાણમાં નથી

શતરંગ / માણસ એક કથા કે કથાસાગર?

- સ્વાન્ત: સુખાય

સામાન્ય રીતે માણસ એના જીવનકાળ દરમિયાન કેટલા માણસોને મળતો હશે? આ સંદર્ભે કોઈ સર્વેક્ષણ થયું હોય એવું જાણમાં નથી. (આ સર્વેક્ષણ શબ્દ ગુજરાતીના કોઈ શબ્દકોશમાં જોવા નથી મળ્યો પણ અંગ્રેજી શબ્દ ‘સર્વે’નું ગુજરાતી ‘મોજણી કે આકારણી’ દેખાય છે!) આમ તો આ બાબત જે તે માણસના વ્યવસાય પર આધારિત છે પણ સામાન્ય રીતે આઠ દસ લાખ લોકોને તો મળવાનું બનતું હશે ને? ખેર, એ આંકડો જે હોય તે પણ આવી દરેક મુલાકાત એકબીજાથી ભિન્ન હોય એ કાંઈ જેવીતેવી વાત છે? આ સૃષ્ટિનો દરેક માણસ સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી એ દરેકથી અલગ જ હોય છે. બે સગા ભાઈઓ કે બહેનો પણ દેખાવ, વિચાર, ગમા-અણગમા કે સ્વભાવની રીતે સમાન નથી હોતાં. આ તફાવત જૈવિક વિજ્ઞાનની દ્રષ્ટિએ જે હોય તે પણ મને એ સૌની અલગ કથાઓમાં રસ પડે છે. નોકરીના સમય દરમિયાન અને વિવિધ મુસાફરીઓમાં જે જે લોકોને મળવાનું બન્યું છે વાત કરવાનું બન્યું છે કે વિસ્તૃત સંવાદો થયા છે એ બધાથી મારી માનવમાં અને સૃષ્ટિના સર્જકમાં શ્રધ્ધા બળવત્તર બની છે.

એવી પણ એક માન્યતા છે કે શિક્ષણનું કામ માનવના જીવનમાં બનતી કોઈ ઘટના પ્રત્યેનો અભિગમ ઘડવાનું છે. પણ જ્યારે કોઈ ઘટના પ્રત્યે કોઈ નિરીક્ષર માણસ વધુ સારી કે વ્યાજબી કે તાર્કિક પ્રતિક્રિયા આપે ત્યારે આ માન્યતા ભ્રમણા સાબિત થાય છે. કોઈ સમૂહમાં ચર્ચા ચાલતી હોય ત્યારે કોણ એ વિષય પ્રત્યે કેવો અભિગમ દાખવશે અને કયો પક્ષ લઈ ચર્ચા કરશે એનું અનુમાન કરવું એ મારી મનગમતી પ્રવૃત્તિ છે. જેને લાંબા સમયથી ઓળખતા હોઈએ અને તેના સ્વભાવ્ અને ભૂતકાળના અનુભવોના આધારે એ વ્યક્તિ ચર્ચામાં કઈ તરફ વાત કરશે એ અનુમાન લગાવ્યું હોય ને અચાનક જ એ વ્યક્તિ આપણાં અનુમાનને જમીનદોસ્ત કરી નાખે એવું પણ બન્યું છે. કોઈ અષાઢી સાંજે ઘટાટોપ વાદળો જોઈ કહીએ કે આજે તો અનરાધાર વરસાદ થશે અને એક બે કલાકમાં આકાશ એકદમ સ્વચ્છ દેખાય એવો જ આ અનુભવ ગણાય.

દરેક ચહેરો એક હરતી ફરતી વાર્તા છે એટલે જ્યારે કોઈ વાર્તાકારને વિષય શોધવા માટે પ્રયત્ન કરતો જોઉ છું ત્યારે એને ભીડમાં ફરવાની સલાહ આપું છું. કોઈ બજારમાં માત્ર નિરીક્ષણ કરવા માટે લટાર મારીએ એટલે કેટલા બધા વિષયો નજરે પડે. ફેરિયાઓની વાક્પટુતા, ભિક્ષુકોની લાચાર નજરો, વિવિધ પહેરવેશ સાથે નીકળેલા નાગરીકો, ભાવતાલ કરતી મહિલાઓ, મુસાફરની શોધમાં ચકળવકળ થતાં ઓટોરિક્ષા વાળાઓ, દુકાનોમાં બિરાજતા શેઠિયાઓ, નાની નાની વાતે બોલાચાલી પર ઉતરી આવેલા વાહનધારકો, આંખોમાં રંગીનીયત આંજીને નીકળેલા જુવાનિયાઓ, જેને આ બજારની દોડધામ સાથે કોઈ લેવાદેવા નથી એવા કોઇની આંગળી પકડી ચાલતા બાળકોની ચકળવકળ નજરો, ઘરે પંહોચવાની ઉતાવળમાં વાહનો ભગાવતા નોકરિયાતો અને આ બધું નિર્લેપભાવે જોઈ રહેલ કોઈ પોલીસવાળો. અગણિત વાર્તાઓ અહીં હરતી ફરતી દેખાશે. આવું જ દ્રશ્ય રેલવે સ્ટેશનનું હોય છે. આવી રહેલા કે જઈ રહેલા મુસાફરો, ભિક્ષુકો, મજદૂરો, મુસાફરોને લેવા કે મૂકવા આવેલા પરિવારજનો આ બધાનો કેવો વૈવિધ્યપૂર્ણ મેળો ભરાયો હોય છે રેલવે સ્ટેશન પર.

આમ પણ કોઈ માણસ સતત એક જ સ્વરૂપે રહી શકતો જ નથી. માણસ એક રીતે તો રસાયણનું પોટલું જ છે ને? એટલે જ પ્રત્યેક પળે તેના મગજમાં રસાયનોના અલગ અલગ સંયોજનો સર્જાતાં રહે છે જે તેની વિચાર પ્રક્રિયાને અસર કરતાં રહે છે અને તે સંયોજનોના આધારે જ તેના વલણો કે પ્રતિક્રિયાઓ સર્જાતાં રહે છે અને પરિવર્તન પણ પામતા રહે છે. માટે દરેક માણસ એક વાર્તા છે એ વિધાનને સુધારીને એમ કહી શકાય કે દરેક માણસની વાર્તા પળે પળે બદલાતી રહે છે અને એટલે માણસ એક વાર્તા નહીં પણ અનેક વાર્તાઓનો સરવાળો એટલે માણસ એમ કહી શકાય. આ બધા વચ્ચે આટલું અઢળક વૈવિધ્ય સર્જનાર પ્રકૃતિ માટે ‘ક્ષણે ક્ષણે નવ્યમ નવ્યમ’ કહ્યા સિવાય કશું સુઝતું જ નથી.

-પ્રણવ ત્રિવેદી

આ સમાચાર શેર કરો