મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મૈત્રક વંશ ભાગ: 1

- ઇતિહાસ ગાથા ‘ઇતિહાસની કથા રમ્ય હોય છે.’ વિશ્વમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ ન કરનાર ભારત દેશના શાસ્ત્રોની

શતરંગ / મૈત્રક વંશ ભાગ: 1

- ઇતિહાસ ગાથા

‘ઇતિહાસની કથા રમ્ય હોય છે.’ વિશ્વમાં ક્યારેય કોઈ દેશ પર આક્રમણ ન કરનાર ભારત દેશના શાસ્ત્રોની આ ઉક્તિ છે. વિશ્વની સૌથી પ્રાચીન સભ્યતાઓ પૈકીની એક સભ્યતા ધરાવતા આ દેશમાં યુદ્ધની અગણિત કથાઓ છે. કુરુક્ષેત્રમાં થયેલું મહાભારતનું યુદ્ધ અને ગીતાનો ઉપદેશ એ આ દેશની સંસ્કૃતિનો એક ભાગ છે. અહીં આજે પણ રામ-રાવણ યુદ્ધનો વિજયોત્સવ મનાવાય છે, કલિંગના યુદ્ધનો શોક પળાય છે અને હલ્દીઘાટીમાં લોહીથી ભરાયેલા ‘રક્ત તાલાબ’ની કથાઓ કહેવાય છે. અહીં આજે પણ ધ્રોલના લોકો ભૂચર મોરીની લડાઈની યાદમાં સાતમ-આઠમ નથી ઉજવતા. 

આપણી પાસે ઇતિહાસની રમ્ય કથાઓનો કોઈ પાર નથી. પણ ઈતિહાસની કથા એ માત્ર કોઈ વાર્તા નથી. ઈતિહાસ એ વિજ્ઞાન છે, જેમાં પ્રયોગોને કોઈ અવકાશ નથી. ઇતિહાસમાં થયેલા પ્રયોગોમાંથી આપણે શીખવાનું છે. છતાં આ નીંભર માનવ જાત એમાંથી કશું નથી શીખતી. જો આપણે ઇતિહાસમાંથી સબક મેળવ્યો હોત, તો અશોક પછી કોઈને શોક મનાવવો ન પડ્યો હોત. આપણા વડવાઓના ભવ્ય કહેવાતા ભૂતકાળમાં લોહીની નદીઓ વહેતી હોવાના અનેક પુરાવાઓ આપણી પાસે છે. પણ લોહીના લાલ રંગથી એકેય રાજા વિચલિત થયા હોય, એવા દાખલા ભાગ્યે જ મળી આવે અને એ જ કારણ છે કે, આજે ઈતિહાસ કથા માંડવી પડી.

ગુજરાતના ઇતિહાસની વાત કરીએ તો, આ એ ભૂમિ છે જેને પથ્થર યુગના માનવીએ પણ પોતાનું ઠેકાણું બનાવ્યું અને ઇતિહાસના મહાન શાસકોએ પણ અહીં પોતાનું સામ્રાજ્ય સ્થાપવાના અભરખા સેવ્યા. અહીંની મહાન સિંધુ સભ્યતાના પાયા ધોળાવીરા અને લોથલથી નખાયા. દધીચિ ઋષિના બલિદાનથી પાવન થયેલી આ ભૂમિ પર કૃષ્ણએ પોતાના અંતિમ શ્વાસ લીધા, તો મીરાં પ્રેમભક્તિમાં લીન થયા. સમ્રાટ અશોક પણ આ ભૂમિ પોતાના હસ્તક હોય એનું ગૌરવ લેતો. જેનો પુરાવો આજે પણ ગિરનારની ગોદમાં પડ્યો છે. 

ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ જેને કહેવાય છે, એ ગુપ્ત સામ્રાજ્ય વખતે ગુજરાત તેનું મહત્વનું રાજ્ય હતું. જે સેનાપતિ ભટ્ટાર્કના શાસન હેઠળ સ્વતંત્ર થયું હતું. પરંતુ ગુપ્ત શાસનના પતન પછી તેના સેનાપતિ ભટ્ટાર્કે ગુજરાતમાં પોતાની સ્વતંત્ર સલ્તનત સ્થાપી. ગુપ્ત શાસન પ્રત્યેની પોતાની નિષ્ઠા કાયમ રાખીને ભટ્ટાર્ક પછી રાજા ધરસેસે પણ પોતે સ્વતંત્ર રાજા તરીકે જાહેર ન થતા સેનાપતિ પદ જ જાળવી રાખ્યું. સોલંકી શાસનની મહાનતા આગળ તેમની પહેલા થયેલો આ મૈત્રક વંશ સામાન્ય લોકોના મન મસ્તિસ્ક પર રાજ કરી શક્યો નહીં. ભારતના સમ્રાટ હર્ષવર્ધન જેમને અંગત રીતે સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનતા, જેને પોતાનો જમાઈ બનાવ્યો, એ ધ્રુવસેન બીજો ગુજરાતના ઇતિહાસનો ભવ્ય નાયક છે. કુમારપાળ સોલંકી પહેલા ‘જૈન મહા પરિષદ’ બોલાવનાર ધ્રુવસેન બીજાના રાણી ‘ચંદ્રલેખા’ ઇતિહાસના પહેલા લોકપ્રિય મહારાણી હતા. સોલંકી શાસક ભીમદેવના રાણી ઉદયમતી તો તેમના પછી થયા. 

બૌદ્ધ ધર્મના વિદ્વાન ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગે જેને ભારતની સૌથી રમણીય નગરી કહી, એ ‘વલભી’ને ગુજરાતનું શક્તિ કેન્દ્ર માનવામાં આવતી. ઈ.સ. 648ના દાન શાસનમાંથી એવા પુરાવાઓ  મળે છે કે, ગુજરાતમાં મહિલા સત્તાધિકારી હતી. મૈત્રક રાજા ધરસેનના પુત્રી ભુપા ગુજરાતના પહેલા મહિલા સત્તાધીશ હતા. 

આ ભૂમિ ધર્મ સત્તા અને રાજ્ય સત્તા સાથે વિદ્યાનું પણ બહુ મોટું ધામ હતું. વલભી વિધાપીઠ જેવું મહા વિધાલય એ ગુજરાતના ઇતિહાસની ગૌરવપ્રદ ઘટના છે. જ્યાં આજથી દોઢ હજાર વર્ષ પહેલા વિશ્વભરમાંથી વિધાર્થીઓ અભ્યાસ માટે ગુજરાત ભણી દોટ મુકતા. એ જ કારણ છે કે ‘રાવણવધ’ અને ‘ભટ્ટીકાવ્ય’ના રચયિતા કવિ ભટ્ટી અને તેમના જેવા અન્ય કવિઓ મૈત્રક રાજાઓના આશ્રિત હતા. ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ એ કહેવતના મૂળ આ મૈત્રક રાજ્યમાં છે. ગુજરાતની આ ભવ્ય સત્તાનો વિનાશ કઈ રીતે થયો? એ કથા જોઈએ આવતા પ્રકરણમાં.

આ સમાચાર શેર કરો