શતરંગ / મહાત્મા, પરમાત્મા અને પ્રચારાત્મા: આધી હકીકત પૂરા ફસાના!
- અર્થ અને તંત્ર રાજકપૂરની એક ફિલ્મ ૧૯૭૦માં આવી હતી

- અર્થ અને તંત્ર
રાજકપૂરની એક ફિલ્મ ૧૯૭૦માં આવી હતી ‘મેરા નામ જોકર’. એનું એક જોરદાર માર્મિક ગીત હતું: કહેતા હૈ જોકર સારા જમાના, આધી હકીકત આધા ફસાના. આધુનિક યુગમાં એમ કહી શકાય કે પરમાત્મા પૂરા ફસાના છે અને મહાત્મા વિશેષણ જેમને લાગ્યું તે મોહનદાસ કરમચંદ ગાંધી એક હકીકત છે. પછી ભલે ને પરમાત્માએ પોતાને પૃથ્વી પર મોકલ્યા હોવાનો દાવો કરનારા નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીને અમદાવાદના તેમના આશ્રમને રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે વિશ્વવિખ્યાત બનાવવાના અભરખા હોય.
પરમાત્મા અને મહાત્મા વચ્ચે એટલો જ તફાવત છે કે જેટલો હકીકત અને ફસાના વચ્ચે છે. પરમાત્મા અને મહાત્મા બંને શબ્દો સંધિથી બનેલા છે અને બંનેમાં ‘આત્મા’ શબ્દ સામાન્ય છે. આત્મા છે કે નહિ એ તો એક રહસ્ય છે એટલે પરમ આત્મા એટલે કે ઉચ્ચ કક્ષાનો આત્મા છે કે નહિ એ તો એક પરમ રહસ્ય જ હોય. પણ મનુષ્યના શરીરમાં જે વસે છે તે તો આત્મા છે એવી મનુષ્યના મનની કલ્પના છે. એટલે મનુષ્યે પોતાની સગવડ ખાતર, માનસિક શાંતિ માટે પરમાત્માની એટલે કે ઈશ્વર, ભગવાન, અલ્લાહ કે ગોડની કલ્પના કરી છે, અને હિંદુ વ્યાખ્યા મુજબ તેને પરમાત્મા કહ્યો છે.
એટલે નરેન્દ્ર મોદી એવી વાત કરી રહ્યા છે કે જે હકીકતમાં કાલ્પનિક છે, હકીકત નથી. એ જે કહે તે ભક્તોએ માની લેવાનું. એનો કોઈ જ પુરાવો મળી શકે નહિ. “પરમાત્માને મુઝે ભેજા હૈ” એમ જ્યારે નરેન્દ્ર મોદી કહે છે ત્યારે એ એક પૂરા ફસાના છે કારણ કે પરમાત્મા તો એક કલ્પના છે, એને ક્યારે મોદીને ભેજા એની ક્યાંથી ખબર પડે? એને કોઈએ જોયો હોવાનો પુરાવો નથી, કોઈએ એ પુરાવો હજુ સુધી આપ્યો નથી. પણ આવી વાત કરવામાં આવે ત્યારે લોકો પરમાત્મા નામની જણસમાં ફસાઈ જાય એ જ ઈરાદો હોય છે. નથુરામ ગોડસેની પૂજા કરીને નરેન્દ્ર મોદીને ગાંધીનું નામ લેતાં શરમ ન જ આવે એ સ્વાભાવિક છે. ઔરંગઝેબ હિંદુ મંદિર તોડે પણ ખરો અને મંદિરો બાંધવા જમીનો આપે પણ ખરો એના જેવી આ વાત છે.
હવે નરેન્દ્ર મોદીએ એમ કહ્યું છે કે રિચર્ડ એટનબરોએ ‘ગાંધી’ ફિલ્મ ૧૯૮૨માં બનાવી તે પહેલાં દુનિયામાં કોઈ ગાંધીને જાણતું નહોતું. શું ખરેખર એવું હતું? હા, એ ફિલ્મથી દુનિયામાં વધુ લોકો ગાંધીને જાણતા થયા હોઈ શકે છે. પરમાત્માએ જેને મોકલ્યા હોય એ જે કંઈ બોલે તે તો એમના ભક્તોને મન બ્રહ્મવાક્ય બની જાય. વળી, મોદીએ એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસની સરકારોએ ગાંધીની જાણકારી દુનિયાને ના આપી. અરે ભાઈ, દુનિયાને ગાંધીની ખબર હતી જ, કોંગ્રેસ આપે કે ન આપે. ગાંધી કોંગ્રેસના કે એટનબરોના મોહતાજ હતા જ નહિ. તેઓ તો પહેલેથી જ વિખ્યાત હતા. કેટલાક ૧૯૮૨ પહેલાના દાખલા જોવા જેવા છે:
(૧) દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં ગાંધી ભારત આવ્યા ત્યારે જ મહાત્મા થઈને આવ્યા હતા. એનું કારણ એ હતું કે તેમણે અંગ્રેજ હકૂમત સામે અહિંસક આંદોલન રંગભેદના નામે ચલાવ્યું હતું. ગાંધી તો નરેન્દ્ર મોદીની ભાષામાં આંદોલાન જીવી હતા. ૨૭ વર્ષ અંગ્રેજોની જેલમાં રહેલા દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ નેલ્સન મંડેલાએ એમ કહેલું કે મોહનદાસ ગાંધીને દક્ષિણ આફ્રિકાએ મહાત્મા બનાવીને ભારતને આપ્યા હતા. ગાંધીએ ત્યાંથી જ તે જમાનાના રશિયન સાહિત્યકાર ટોલ્સટોય સાથે પત્રવ્યવહાર કરેલો. ટોલ્સટોય એમને જાણતા હતા, બોલો.
(૨) ગાંધી જીવતા હતા ત્યારે તેમની સિત્તેરમી વર્ષગાંઠ ઉજવાઈ હતી. ત્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમ કહેલું કે, “કદાચ એવું બને કે, આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આ પૃથ્વી પર હાડમાંસનો બનેલો આવો માણસ કદી વિચર્યો હતો.”
(૩) ૧૮૯૨માં જન્મેલાં અંગ્રેજ મહિલા મેડેલિન સ્લેડ ૧૯૧૫માં જેમને નોબેલ સાહિત્ય ઇનામ મળેલું તે ફ્રેંચ દાર્શનિક રોમે રોલાં પાસે ગયેલાં. તેઓ રોમે રોલાં પાસે ઇસુ ખ્રિસ્તને મેળવવા ગયેલાં અને રોમે રોલાંએ મેડેલિન સ્લેડને એમ કહેલું કે ગાંધી બીજા ઇસુ ખ્રિસ્ત છે. મિસ સ્લેડ પછી ભારત આવીને ગાંધી સાથે જ મીરાંબહેન બનીને રહ્યાં હતાં. રોમે રોલાંએ છેક ૧૯૨૪માં ‘મહાત્મા ગાંધી’ શીર્ષક સાથેનું પુસ્તક લખેલું.
(૪) દેશની આઝાદી સમયે ગાંધી આજના બાંગ્લાદેશમાં આવેલા નોઆખલી પ્રદેશમાં કોમી આગને ઠારવા ફરતા હતા અને જે પોલિસ કે લશ્કર કરી ન શકે તે ગાંધીએ શાંતિની સ્થાપનાનું કામ કરી દેખાડ્યું હતું. એટલે જ તે સમયના છેલ્લા અંગ્રેજ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને તેમને “વન મેન આર્મી” તરીકે ઓળખાવ્યા હતા. એમનું ગાંધી વિશેનું આ વાક્ય વિશ્વવિખ્યાત બની ગયેલું.
(૫) ૧૯૩૦માં ગાંધીએ દાંડીકૂચ કરેલી ત્યારે અમેરિકાના વિખ્યાત સામયિક ‘ટાઇમ’ દ્વારા તેના મુખપૃષ્ઠ પર ગાંધીનો ફોટો છાપીને તેમને “મેન ઓફ ધી ઇયર’ જાહેર કરવામાં આવેલા.
(૬) જે અંગ્રેજો સામે મહાત્મા ગાંધી લડતા હતા એ ગાંધી ગોળમેજી પરિષદ માટે ૧૯૩૧માં ઇંગ્લેન્ડ ગયા ત્યારે અંગ્રેજ નેતાઓ ગાંધી પ્રભાવિત થયેલા તેના કરતાં અંગ્રેજ લોકો ગાંધીથી વધુ પ્રભાવિત થયેલા. અને એટલે જ તેમને સાંભળવા માટે લંડનમાં અનેક સ્થળોએ લોકોનો જમેલો થતો હતો.
(૭) મહાત્મા ગાંધીને દક્ષિણ આફ્રિકામાં જેલમાં પૂરનાર જનરલ સ્મટ્સ માટે ગાંધીએ જેલમાં જૂતાં સીવેલાં. જેલમાંથી બહાર આવીને ગાંધીએ એ જનરલ સ્મટ્સને આપેલાં. પણ જનરલ સ્મટ્સ દ્વારા ગાંધીની સિત્તેરમી વર્ષગાંઠ ઉજવાઈ ત્યારે તે પાછાં મોકલવામાં આવ્યાં અને તેમણે લગભગ એમ કહેલું કે, તેઓ એ પેંગડામાં પગ ઘાલવાને લાયક નથી.
(૮) અમેરિકાના મહાન અહિંસક આંદોલનજીવી નેતા માર્ટિન લ્યુથર કિંગને મહાત્મા ગાંધીમાંથી જ પ્રેરણા મળેલી. તેમણે કહેલું કે, “પીડિત લોકોની લડાઈ માટેની એકમાત્ર નૈતિક અને વ્યવહારુ રીતે મજબૂત પદ્ધતિ ગાંધીનું દર્શન છે.”
(૯) ઈટાલીમાં દાનિલો દોલ્ચીએ ૧૯૭૦ના દાયકામાં ત્યાંના માફિયાઓ સામે અહિંસક આંદોલન ચલાવ્યું અને તેઓ ઇટાલીના ગાંધી તરીકે ઓળખાયા.
(૧૦) જાપાનના તોયોહિકો કાગાવાએ ૧૯૫૦ના દાયકામાં સામાજિક સુધારાનું કામ અહિંસાની પદ્ધતિથી કર્યું અને તેઓ જાપાનના ગાંધી તરીકે ઓળખાયા.
(૧૧) શ્રીલંકામાં એ. ટી. આર્યરત્ન દ્વારા ૧૯૭૦ના દાયકામાં સર્વોદય શ્રમદાન ચળવળ ચલાવી અને તેઓ શ્રીલંકાના ગાંધી તરીકે ઓળખાયા.
આવા તો અનેક દાખલા આપી શકાય તેમ છે. પ્રચારાત્મા નરેન્દ્ર મોદી હવે લોકસભાની ચૂંટણી ટાણે મહાત્મા ગાંધીને નામે કોંગ્રેસનો વાંક કાઢવા બેઠા છે કે તેણે ગાંધીનો પ્રચાર દુનિયામાં કર્યો નહિ. કોંગ્રેસે તો ૧૯૬૯માં તેમની જન્મશતાબ્દી વખતે ગાંધી વિશેની પાંચ કલાકની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. મહાત્માને કોઈ પ્રચારની જરૂર છે જ નહિ, નરેન્દ્ર મોદીને છે. તેઓ પ્રચાર વિના જીવી શકે તેમ નથી, પ્રચાર જ તેમનો આત્મા છે.
મોદી ગાંધીનો પ્રચાર કરવા નીકળ્યા છે એમના આશ્રમને એક પ્રવાસન સ્થળ બનાવીને. શયતાન બાઈબલ ટાંકે તેથી કંઈ એ શયતાન મટી જતો નથી. રાજકપૂરની એ જ ફિલ્મમાં એ ગીતમાં એક કડી આવી છે: “ચશ્મા ઉતારો ફિર યારોં દેખો, દુનિયા નયી હૈ ચેહરા પુરાના.” મોદીનો પુરાનો ચહેરો નથુરામ ગોડસેનો છે એ ભૂલવું જોઈએ નહિ. મંદિરોમાં જઈને દર્શન કે પૂજા નહિ કરનારા આસ્તિક મહાત્મા ગાંધી પરમાત્મામાં માનતા હતા છતાં તેમનો સંદેશો એ જ છે કે પરમાત્મા અને પ્રચારાત્મા બંનેથી ચેતવા જેવું છે. મહાત્મા ગાંધી જીવતા હોત તો નરેન્દ્ર મોદી વિષે કદાચ એમ કહેત કે: “બનકે તમાશા મેલે મેં આયા.”
- હેમન્તકુમાર શાહ








